Ankita Soni

Tragedy Classics

3  

Ankita Soni

Tragedy Classics

ભાગેડુ

ભાગેડુ

2 mins
158


ધોમધખતા તાપમાં એક હાથમાં ઢગલો શોપિંગ બેગ્સ અને બીજા હાથે દીકરા અંશની આંગળી ઝાલીને કોઈ બસ કે રીક્ષાની રાહ જોતી પ્રિયા ઉભી હતી. "મમ્મી, પાણી આપને બહુ તરસ લાગી છે." અંશે પાણી માંગતા ખભે લટકાવેલી પર્સમાં બોટલ શોધવા લાગી. "હાય હાય.. હું તો બોટલ લેવાનું સાવ ભૂલી જ ગઈ." બોલતી પાસેની દુકાનમાં પાણીની બોટલ લેવા દોડી.

એટલામાં એક ગાડી આવીને બંને મા દીકરા પાસે ઉભી રહી ગઈ. "રિયા તું ?" પોતાની બાળપણની સહેલીને ઓળખતા પ્રિયા બોલી. "અહીં શું કરે છે ? ક્યારે આવી અમેરિકાથી ?" આશ્ચર્ય અનુભવતાં પ્રિયાએ પૂછ્યું.

"બસ જો..છ એક મહિનાથી ઇન્ડિયામાં છું.. આઈ મીન..હવે અહીં જ.. કાયમ માટે.." રિયાએ જરા થોથવાતાં કહ્યું. "ચાલ..ગાડીમાં બેસી જા..બાકી વાતો તો થતી રહેશે.." રિયાએ પ્રિયા અને અંશને ગાડીમાં લેતાં કહ્યું.

અંશને પાણી પાતાં પાતાં પ્રિયાના મગજમાં રિયાનો ભૂતકાળ ઘુમરાવા લાગ્યો. ઘરેથી ત્રણવાર પોતાના પ્રેમી સાથે ભાગી ગયેલી રિયાને એના કુટુંબીજનોએ જબરદસ્તી પકડી લાવીને તાત્કાલિક એક પૈસાપાત્ર યુવાન રસેશ સાથે પરણાવી દીધેલી. જ્યારે વિદાય થઈ ત્યારે પોતે કદી અહીં પાછી આવશે નહીં એવું પોતાની ખાસ સહેલી પ્રિયાને રડતાં રડતાં કહી ગયેલી. એ પછી તો એ અમેરિકા સેટલ થઈ હોવાના સમાચાર પ્રિયાને મળેલાં. 

ઘડીભર તો રિયાને કંઈ પૂછવું યોગ્ય ન લાગ્યું..કદાચ જુના જખ્મો તાજા થઈ જાય તો ! 

"આ તારો દીકરો બહુ જ ક્યૂટ છે..બિલકુલ તારા જેવો લાગે છે.." રિયાએ જાતે જ વાતની શરૂઆત કરતાં કહ્યું. 

"હં..હા..થેન્ક્સ.." વિચારોમાંથી બહાર આવતા પ્રિયા બોલી.

"રિયા..તારા હસબન્ડ કેમ છે..કેવી જાય છે લાઈફ ?" પ્રિયાથી ન રહેવાતા પૂછી નાખ્યું.

"પ્રિયા..અમે સાથે નથી રહેતા." થોડા વ્યથિત સ્વરે રિયાએ પોતાની કહાની આરંભી." જો..તને તો ખબર જ છે કેવા સંજોગોમાં મારા લગ્ન થયેલાં..એ પછી હું પતિ સાથે અમેરિકા ગઈ ત્યાં મને ખબર પડી કે રસેશનું એક અમેરિકન છોકરી સાથે અફેર છે. લગ્ન તો એણે માત્ર કામવાળી મળી જાય એટલા માટે જ કરેલાં. બહુ ખરાબ હાલત થઈ ગઈ હતી મારી તો.."

"ઓહ..પછી શું થયું ?" પ્રિયાથી અધીરી થઈ બોલી જવાયું.

"અહીં તો કોઈને કહી શકું એમ જ નહોતી. એટલે મોકો મળતાં જ પાસપોર્ટ લઈને ઘરેથી ભાગી ગઈ. ત્યાં છૂટક નોકરીઓ કરીને ટિકિટના પૈસા ભેગા કર્યા અને હિંમત કરીને ઇન્ડિયા આવી ગઈ. ઘરે જવાને બદલે અહીં આ અજાણ્યાં શહેરમાં જાતમહેનતથી રોટલો ને ઓટલો બંને મેળવ્યાં છે."

રિયાએ દુઃખભરી આપવીતી સંભળાવી. 

"પ્રિયા..એક રિકવેસ્ટ છે. પ્લીઝ..મારા વિશે તું કોઈને કશું પણ ના કહીશ. મારા ઘરે તો બિલકુલ નહીં. એમ પણ માબાપના ગયા પછી કોઈએ ક્યારેય મારી ભાળ નથી લીધી." રિયા વિનંતી કરતા બોલી.

"સારું..નહીં કહું કોઈનેય બસ..અહીં જ ઉતારી દે." પ્રિયા બોલી. ગાડીને બ્રેક મારતા રિયાના ગળામાં છુપાયેલું મંગળસૂત્ર ડોકાઈ આવ્યું. ગાડીમાંથી ઉતરી પ્રિયા ભાગેડુ રિયાની કારને પુરપાટ જતાં જોતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy