Ankita Soni

Drama Tragedy Inspirational

4  

Ankita Soni

Drama Tragedy Inspirational

ફેરબદલો

ફેરબદલો

2 mins
363


"સાહિલ ! વિરાજ..વિરાજ ક્યાં ગયો ?" મીરાબેને પોતાના દીકરાં સાહિલ અને વિરાજના નામની રીતસરની બૂમાબૂમ શરૂ કરી દીધેલી. અભ્યાસમાં પરાણે મન પરોવવા બેઠેલો સાહિલ દોડીને બહાર આવ્યો. 

"જો, અહીં જ છું મમ્મી..ક્યાંય જવાનો નથી..તું આરામ કર.." સાહિલે મીરાબેનને જેમતેમ કરીને શાંત પાડીને સુવડાવ્યા. 

બારમા તેરમાની વિધિ પૂરી થતાં એક પછી એક સગાંવહાલાં વિદાય લેવા લાગ્યાં ને આટલા દિવસથી ભરેલું ઘર ખાલી થઈ ગયું. મમ્મીને એકલા હાથે જાતે જ સંભાળવા પડશે એનું સાહિલને હવે ભાન થયું. બાલ્કનીમાં જઈને આકાશ સામે મીટ માંડીને ઊંડો શ્વાસ ભરવા લાગ્યો. કાળજું કઠણ કરીને પોતાની તરફથી દરેક ક્રિયામાં ક્યાંય પણ ખામી ન રહે એની એણે ખાસ કાળજી રાખેલી.

પોતાની રૂમમાં જઈને બધી ચોપડીઓ થપ્પો વાળીને ખૂણામાં મૂકી દીધી. બેડ સાઈડના ટેબલ પર એની અને મોટા ભાઈ વિરાજની હસતી તસવીર પર એણે ઊડતી નજર નાખી. વોર્ડરોબ ખોલીને વિરાજનો કોટ કાઢીને પહેરી લીધો અને પછી વિરાજની અદાથી અરીસા સામે ઊભો રહ્યો. 

"નાનકા, તું તો બિલકુલ મારા જેવો જ લાગે છે.." મોટો આજે હોત તો આવું જ કહેત એવું એ વિચારવા લાગ્યો અને ક્યારે એની પાંપણેથી અશ્રુરૂપી મોતી ખરી પડયું એનો ખ્યાલ જ ન રહ્યો. 

બેઉ ભાઈઓમાં મોટો વિરાજ ખૂબ હોશિયાર. સાહિલ પણ દેખાવમાં વિરાજની છબી જ જોઈ લો. બધી રીતે નાના સાહિલથી વિરાજ આગળ હતો. પિતાના મૃત્યું બાદ એ માતા અને નાના ભાઈની ઢાલ બનીને રહ્યો. સાહિલને ક્યારેય જવાબદારીનો અહેસાસ એણે થવા જ ન દીધેલો. 

એમ તો સાહિલ બાળપણથી જ ક્રિકેટ રમતો અને અત્યાર સુધી નાની મોટી ઘણી બધી મેચોમાં એ ટ્રોફી જીતી લાવતો. હવે કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થયું પછી એને ક્રિકેટર બનવાનો મોહ જાગ્યો. માએ શરૂઆતમાં ખૂબ વિરોધ કર્યો પણ મોટાએ એના શોખને હંમેશા પ્રોત્સાહન આપ્યું. પોતે અભ્યાસ પૂર્ણ કરશે એ શરતે માએ ક્રિકેટ રમવા પર મંજૂરીની મહોર લગાવેલી. 

વિરાજે આપેલું સિઝન બેટ કાઢીને ધારી ધારીને જોવા લાગ્યો. બેટ પાછું મૂકીને મીરાબેન પાસે જઈને બેઠો.

"વિરાજ ! આવ્યો બેટા ?" માતાએ બંધ આંખે એને પૂછ્યું.

"હં..હા મા.." એ જૂઠું બોલ્યો. મા માટે સત્ય સ્વીકારવું કપરું હતું એટલે જ થોડી થોડી વારે જાગીને વિરાજ વિશે પૂછી લેતાં અને પોતે પરાણે સ્વસ્થતા જાળવીને જવાબ આપી દેતો. 

પોતાના રૂમમાં જઈને એણે પોતાનું બેટ અભરાઈએ ચડાવીને ફરીથી ચોપડીઓ ખોલી. એક ક્ષણ જીવન કેટલું બદલી નાખે છે એનો સાક્ષાત્કાર એને આજે થઈ રહ્યો હતો. પોતાની કાર લઈને એક સવારે કેસ લડવા નીકળેલો એડવોકેટ વિરાજ ભયંકર એક્સિડન્ટમાં ત્યાં જ.. ! એના સપનાંનો પણ હવે અકસ્માતે ફેરબદલો થઈ ગયો. વિરાજની જેમ પોતે પણ નામચીન એડવોકેટ બનીને એનું અધૂરું સપનું પૂરું કરશે..પોતાના ચહેરામાં વિરાજની છબી શોધવા મથતી મા માટે !


Rate this content
Log in

Similar gujarati story from Drama