Ankita Soni

Drama Inspirational

4  

Ankita Soni

Drama Inspirational

લક્ષ્મીયોગ

લક્ષ્મીયોગ

2 mins
414


"જુઓ તો મારે લક્ષ્મીયોગ ક્યારે છે ?" મનસુખભાઈએ જ્યોતિષ રેવાશંકર આગળ હાથ લાંબો કર્યો. 

"લક્ષ્મીયોગ તો આ ત્રીજ પછી ક્યારનોય શરૂ થઈ ગયો..અને હા કોઈ અણધાર્યા લાભના યોગો બને છે..એના માટે તમારે મંત્રજાપ કરાવા પડશે.." રેવાશંકરે જિજ્ઞાસુ મનસુખભાઈને પોતાની વિદ્વતા બતાવતા કહ્યું.

"તમને ઠીક પડે એ કરો પણ લક્ષ્મીયોગ પાકો તો છે ને..પછી મારે બનવા જેવું ન થાય.." મનસુખભાઈ ચિંતા કરતા બોલ્યાં

"હોય કંઈ.. આપણું કહેલું સો ટકા સાચું જ પડે..ખોટું પડે તો પંડિતાઈ છોડી દઉં..પેલા હીરાભાઈને પૂછી જુઓ..એમની દીકરીને મંગળદોષ હતો ને એના કારણે લગ્ન અટકતા હતાં..અમુક વિધિ કરાવીને મંગળ શાંત કર્યો કે તરત ઘડિયા લગ્ન લેવાઈ ગયાં.." પોતાની જ્યોતિષ વિદ્યાના બણગાં ફૂંકતા રેવાશંકર બોલ્યાં.

"એ સારું સારું.." કહેતા મનસુખભાઈ ઘેર જવા ઉઠ્યાં.

ઘરે પહોંચીને મનસુખભાઈએ જમીને હીંચકે લંબાવ્યું ત્યાં રીક્ષાનો અવાજ આવ્યો. બહાર આવીને જોયું તો નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયેલો એમનો દીકરો ઉદય રીક્ષામાંથી ઉતરી વિલા મોંઢે ઘરમાં ગયો.

"ઓ ભાઈ ! આ તમારી એટેચી તો લેતા જાવ.." રીક્ષાવાળાએ બૂમ પાડી.

"લાવ ભાઈ.." કહીને મનસુખભાઈએ રીક્ષાવાળાના હાથમાંથી એટેચી લઈને ઘરમાં મૂકી.

સાંજે ઉદય એની રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે એની નજર હોલમાં પડેલી એટેચી પર પડી. એટેચી એની ન હોવાનો ફોડ પાડતાં મનસુખભાઈ અને એમના પત્ની ચિંતામાં પડ્યાં. કુતૂહલતાવશ એટેચી ખોલી તો આશ્ચર્યમાં એમની આંખો પહોળી થઈ ગઈ. આખી એટેચી રૂપિયાથી ભરેલી હતી. આટલા બધા રૂપિયા કોના હશે..રીક્ષામાં ઉદય કોની સાથે બેઠો હતો..હવે આગળ શું કરવું..વગેરેની ચર્ચા કરી. એટેચી આખી ફેંદી કાઢી પણ કોઈનું નામ કે સરનામું સુધ્ધાં ન મળ્યું. 

આખી જિંદગી વૈતરું કર્યા પછી પણ બે છેડા ભેગા ન થાય એવી આર્થિક સ્થિતિ અને એમાંય ઉદયના અપૂરતા અભ્યાસને પરિણામે નોકરીનું કશે ઠેકાણું ન પડવું એ બધા વચ્ચે આવી રૂપિયા ભરેલી એટેચીનું મળવું ઈશ્વરનો કોઈ સંકેત હશે કે શું એવી જાતજાતની અટકળો મનસુખભાઈ કરવા લાગ્યાં. આજે સવારે રેવાશંકરે કરેલી આકસ્મિક ધનલાભની વાત સાચી પડી. ગમેતેમ પણ ઈશ્વરેચ્છા ગણીને એ એટેચી એમણે સાચવીને કબાટમાં મૂકી ને દિવાસ્વપ્નોમાં ખોવાયાં. હવે આટલા રૂપિયામાંથી પહેલા તો ઘર ઠીકઠાક કરાવશે..અમુક મૂડી રોકીને ઉદય માટે નવો ધંધો શરૂ કરશે..વિવાદમાં ફસાયેલી બાપદાદાની જમીન છોડાવીને ખેતમજૂરો રોકી એમાં ખેતી કરાવશે..લીલાછમ ખેતર ફરતે નાળિયેરીના તાડ જેવાં ઝાડ હશે..નાળિયેર વેચીને એમાંથી કેટલી કમાણી થશે એની ગણતરી એમણે મનમાં કરી લીધી..સુખના સ્વપ્નો જોવામાં રાત ક્યાં વીતી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો.

બીજા દિવસે સવારે ઉદય તૈયાર થઈને પેલી એટેચી લઈને નીકળ્યો. મનસુખભાઈએ પૂછ્યું તો એણે એટેચી એના અસલી માલિકને શોધીને પરત કરવા જવાનું જણાવ્યું. ઉદયની પ્રામાણિકતા જોઈને મનમાં પોરસાતા મનસુખભાઈ વિચારે ચઢ્યા. જીવનમાં હજી પોતે એટલા નિષ્ફળ નથી ગયા કે કોઈની મૂડીને આ રીતે વ્હાલી કરવી પડે. સાચી મૂડી તો સંસ્કારની છે જે એમણે એમના દીકરાને આપી છે. અંધશ્રદ્ધા પર હાવી થઈને રાતે જોયેલા લીલાછમ સ્વપ્નોને ઊગતા સૂરજની સાક્ષીએ આહુતિ આપીને એ પણ જોડાયાં. ઉદયની સાથે અટેચી અસલી માલિકને સોંપવાના કાર્યમાં અને અધૂરા ઓરતા પુરા કરવા સાચી શ્રદ્ધાથી શ્રમયજ્ઞમાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama