Ankita Soni

Drama Thriller

4  

Ankita Soni

Drama Thriller

એક તાંતણો સ્નેહનો

એક તાંતણો સ્નેહનો

3 mins
348


પ્રખ્યાત કવિ પ્રણય જીવાણી હાથમાં મોબાઈલ લઈને થોડા વ્યથિત હતા. વારંવાર સોશિયલ મીડિયા પર કશુંક શોધી રહ્યા હતા. એકસાથે ઢગલાબંધ મેસેજો આવતાં એમણે ફોન સાઈડ પર મૂક્યો અને ટિપોય પર પડેલ મેગેઝિનના પાનાં ઉથલાવવા લાગ્યા. વળી પાછું ચેન ન પડતાં મોબાઈલ હાથમાં લીધો ને એમની મૂકેલી રચના પર એમના ચાહકોના પ્રતિભાવો બદલ આભાર વ્યક્ત કરવા લાગ્યા. ચાહકોમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિને શોધી રહેલી એમની આંગળીઓ કંટાળી અને મૂડ ઓફ થતાં ટહેલવા નીકળી પડ્યા.

કવિ પ્રણય જીવાણી.. સાહિત્ય જગતમાં ખૂબ પ્રખ્યાત નામ. દેશ વિદેશમાં અનેક કવિ સંમેલનોમાં ભાગ લઈ ચૂકેલા અથવા તો એમના વગર કવિ સંમેલનો અધૂરા એમ કહી શકાય. ઘણા કાર્યક્રમોના સંચાલક તો વળી અતિથિ વિશેષ પણ રહી ચૂકેલા. આધુનિક યુગના પ્રચલિત કવિઓમાં એમનું નામ પ્રથમ લેવાતું. માતા સરસ્વતીના ચારેય હાથ જાણે એમના પર હોય એમ એમની દરેક રચના અત્યંત લાગણીસભર અને ઉત્કૃષ્ટ. સીધી હૃદયમાં ઉતરી જાય એવી. એમનો ચાહક વર્ગ પણ બહોળો. 

સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની રચનાનું રસપાન કરાવતા કવિના ચાહકોમાં એક ખૂબ ખાસ. કવિની દરેક રચના વાંચીને ખૂબ ગહનતાપૂર્વક અભિપ્રાય આપે. એમનો અભિપ્રાય પણ એટલો રસપૂર્ણ હોય કે ખુદ કવિએ પણ પોતાની રચનાના સર્જન વખતે વિચારોના મહાસાગરમાં એટલી ઊંડાણમાં ડૂબકી ન લગાવી હોય. કવિની પ્રત્યેક રચના પ્રત્યે એમનો અભિપ્રાય જરુરથી ટાંકે. કવિને પણ દર વખતે પોતાના આ વિશેષ ચાહકના અભિપ્રાયની ઉત્સુકતા રહેતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ ચાહકનો અર્થસભર અભિપ્રાય આવવો બંધ થયેલો એટલે કવિને હવે બેચેની અનુભવાતી. બે ત્રણ વાર કવિએ એમને મેસેજ મોકલ્યા પણ વળતો જવાબ ન મળેલો. ભૂતકાળમાં સામાન્ય વાતચીત થયેલી એના પરથી એ વાચક મહિલા હોવાનું અને કવિના વતનના હોવાનું જાણેલું.

યોગાનુયોગ એક વાર કવિને એમના વતન જવાનું બન્યું. જરૂરી કામકાજ પતાવીને મોબાઈલના મેસેજમાંથી એડ્રેસ કાઢ્યું. ઓચિંતા કોઈ અજાણ્યાંના ઘરે જવું કે નહીં એ અંગે અસમંજસ પડતી મૂકીને કવિએ પોતાના અભિભાવકના ઘર તરફ પ્રયાણ કર્યું.

"બીનાબેન છે ઘરે ?" કવિએ જરા અચકાતા દરવાજો ખખડાવીને કહ્યું.

"હા..તમે કોણ ? ઓળખાણ ન પડી.." અઢાર-ઓગણીસ વર્ષનો એક કોલેજીયન બહાર આવીને બોલ્યો.

"બીનાબેન મને ઓળખે છે..એમને બોલાવો ને.." કવિ ખચકાતા બોલ્યા.

રસોડામાંથી હાથ લૂછતાં બહાર આવીને એક બહેને એમને આવકાર દીધો. ડ્રોઈંગરૂમના સોફા પર ગોઠવાતાં કવિએ પોતાની ઓળખાણ આપી અને પોતાની સાથે સ્નેહના અદ્રશ્ય તાંતણે બંધાયેલા અભિભાવકની સાથે પરિચય કેવી રીતે કેળવાયો એ અંગે પણ કહ્યું.

"સર..સામે ઊભા છે એ મારા મમ્મી છે અને બીનાબેન મારા દાદી છે..આવો હું મુલાકાત કરાવું.." કહીને યુવાન કવિને બીજા ઓરડે લઈ ગયો. ત્યાં ખાટલામાં પડેલું વૃદ્ધ અશક્ત લકવાગ્રસ્ત શરીર દેખાયું. કવિ પળભર તો આશ્ચર્યમાં પડ્યાં.' શું આ વૃદ્ધા જ પોતાના પ્રબળ ચાહક હતાં ? પોતાની પ્રત્યેક રચના માટે આટલું લાગણીશીલ અને રસઝરતું લખતાં એ આ હોઈ શકે ?' મનમાં ગજબની ગડમથલ અનુભવતા કવિની મૂંઝવણ કળી જતાં યુવાને પૂરો વૃતાંત સંભળાવતા કહ્યું.

"સર..આ મારા દાદીને પહેલાથી વાંચન-લેખનનો ખૂબ શોખ..પણ રૂઢિવાદી મારા દાદાને એ બધું મંજૂર નહોતું એટલે સમય જતાં એમણે એ બધું મૂકી દીધું હતું. બે વર્ષ પહેલાં દાદાના અવસાન પછી ઉદાસ રહેતા દાદીને મેં મોબાઈલ ફોન ચલાવતા શીખવેલું. તમારી કવિતાઓ અને ગઝલોના એ જબરા ચાહક. ઘણીવાર અમને તમારી કવિતાઓ સંભળાવે ત્યારે એ એમાં ખોવાઈ જતાં. ત્રણેક માસ પહેલા એમને પેરાલિસીસનો એટેક આવ્યો ત્યારના પથારીવશ છે.."

થોડો સમય એ વૃદ્ધાની પાસે બેસીને કવિએ પોતાની રચનાઓનું પઠન કર્યું ત્યારે એમની આંખોમાંથી દડદડ કરતી અશ્રુધારા વરસી રહી. વિદાય લેતી વખતે ચરણસ્પર્શ કરતાં વૃદ્ધાની આંખોમાંથી નીતરતો અબોલ પ્રેમ કવિના હૃદયને સ્પર્શી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama