Ankita Soni

Fantasy Inspirational

4  

Ankita Soni

Fantasy Inspirational

વીરપસલી

વીરપસલી

2 mins
360


"બેન..મારે થોડા પૈસા ઉછીના.." રસોઈયણ અલકાનું અધૂરું વાક્ય મિક્ષચરના અવાજમાં ચગદાઈ ગયું. 

"પુરીનો લોટ જરા નરમ બાંધજે.. અને શાક બે કરવાના છે..ઢોકળાનું ખીરું તૈયાર છે..ગરમાગરમ ઉતારવાના છે..." ચટણી પીસી રહેલા રેખાબેન હાથ થંભાવી અલકાને સૂચના આપવા લાગ્યાં.

અલકા મનેકમને પાછી કામમાં પરોવાઈ. આજે વીરપસલી હોવાથી રેખાબેનના ઘરે મહેમાન આવવાના હતાં. સવારથી જ સૌ દોડધામ કરી રહ્યાં હતાં. રેખાબેનના ત્યાં પગારનો હજી મહિનો પણ પૂરો નથી થયો અને એવામાં પોતે પૈસાની વાત કેમ કરી એમ અલકા જાતને કોસવા લાગી. 

સ્વભાવે મળતાવડી અલકા રેખાબેનના ઘરે રસોઈ ઉપરાંતના તમામ કામ કરતી એટલે પ્રૌઢ ઉંમરના રેખાબેનના ચારેય હાથ અલકા પર હતાં. દીકરી સાથે એકલી રહેતી અલકાને રેખાબેને કામ પર રાખી ત્યારથી જ શરત કરેલી કે દરેક કામમાં ચોકસાઈ રાખવાની અને પગાર ઉપરાંત પોતે કશું વધારે આપી શકશે નહીં. સ્વમાની અલકાએ પણ વાત સ્વીકારી હતી.

કચરો વાળતાં વાળતાં અલકા પોતાની કારમી જિંદગીના એ પાનાં ઉથલાવી રહી હતી. એ સારા ઘરની દીકરી હતી. અભ્યાસમાં તેજસ્વી પણ હતી. એના અણીશુદ્ધ ચારિત્ર્ય અંગે કુટુંબના કેટલાક માણસોની ઈર્ષ્યાભરી કાનાફુસીથી કંટાળી માતાપિતાએ અભ્યાસ મૂકાવી દીધો અને લગ્ન કરાવી દીધા. પણ લગ્નના એકાદ વર્ષ પછી પતિ દારૂડિયો અને વ્યભિચારી નીકળ્યો એ વાતની ખબર પડતાં એ રણચંડી બની ગઈ. પિયરની વાટ પકડવાને બદલે એણે દીકરી સાથે ઘર છોડી દીધું. ઘરકામની ફાવટના લીધે ઉંમરલાયક રેખાબેનના ઘરે આસાનીથી કામ મળી ગયું. એમ પણ રેખાબેનના ઘરે એ અને એમના નિવૃત પતિ સિવાય કોઈ હતું નહીં. દીકરા-વહુ અલગ રહેતાં અને દીકરી સાસરે વળાવી હતી. વારે તહેવારે બધા ભેગાં થતાં એટલે એકલવાયું જીવન જીવતાં વૃદ્ધ દંપતીની સેવા અલકા નિસ્વાર્થ ભાવે કરતી. 

અલકા અત્યંત મુશ્કેલી ઉઠાવીને દીકરીને સારું ભવિષ્ય આપવાના સપના જોતી. દીકરીની સ્કૂલ ફી અને બાકી જરૂરિયાતો પૂરી કરવામાં જાત નીચોવી નાખતી. પણ આ વખતે હાથ જરા ટૂંકો પડ્યો. 

બધા કામ આટોપીને એ ઘરે જવા નીકળતી હતી ત્યાં રેખાબેને એને પાછી બોલાવી અને વધેલી રસોઈનું ટિફિન આપ્યું. 

નિરાશ વદને ઘરમાં પ્રવેશતાં જ ફસડાઈ પડી. ફી ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો. કાલે ફી નહીં ભરાય તો ! એ રડવા લાગી. એટલામાં સ્કૂલમાંથી છુટેલી એની દીકરી કૂદતી કૂદતી ઘરે આવી. ટિફિન પડેલું જોતાં સમજી ગઈ કે આજે તો સારું ખાવાનું મળશે.

આંસુ લુછતાં અલકાએ ટિફિન ખોલવા માંડ્યું. પહેલા ડબ્બામાં એક પરબીડિયું મૂકેલું જોયું ને નવાઈ પામતા એણે ખોલ્યું તો એમાં ચિઠ્ઠી સાથે પાંચસો પાંચસોની ત્રણ નોટો !એણે ચિઠ્ઠી વાંચી. એમાં લખ્યું હતું.."પ્રિય દીકરી અલકા માટે વીરપસલી." પૈસા આંખે અડાડીને એણે મનોમન રેખાબેનનો આભાર માન્યો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy