Vaishali Radia

Children Thriller Fantasy

4.7  

Vaishali Radia

Children Thriller Fantasy

જાંબીની લિસ્કી

જાંબીની લિસ્કી

7 mins
21.3K


“જાંબી, વાલામૂઈ ક્યાં મરી ગઈ? આ વાસણનો ખડકલો તારો બાપ કરવા આવશે? ઈ તો તને ને મને મૂકીને આ દરિયામાં જાણે ક્યાં ખોવાયો? ને તું મૂઈ આ આખો દી’ દરિયે શું ગૂડાશ?”

ઝૂંપડીમાંથી માનો અવાજ સાંભળીને જાંબુડીના હાથમાંથી છીપલાં સરકી ગયાં ને ફરી ભીની રેતીમાં ખૂંપી ગયાં, ઉપરથી મોજું આવી એ બધું વેરવિખેર કરી ગયું.

દરિયાકિનારે જન્મેલી, દરિયાખેડૂની દીકરી એટલે કાળી ચામડીમાં દરિયાનો ભૂરો રંગ પણ એનાંમાં ભળ્યો હોય એમ શ્યામવર્ણમાં દરિયાઈ રંગના મિશ્રણ જેવો એનો રંગ જોઈ એની ફઈ નામ પાડી ગઈ, જાંબુડી. પણ મા જાંબી કહેતી એટલે દરિયાખેડૂની આખી વસાહત જાંબીથી જ એને ઓળખતી.

એકવાર બાજુવાળી રમલી એનાં માસીના ઘરે શહેરમાં દસ દિવસ રોકાવા ગયેલ. તે આવીને વાતું કરતી; બસમા જવાનું, બધી છોકરીયુંને એકસરખાં કપડાં પહેરવાનાં, ભાગના ડબ્બા, પાણીના રંગબેરંગી શીશા લઈને, બૂટ પેરીને રમલીની માસીની દીકરી નિશાળે જતી ને આવીને બધી વાતું કરતી કે, નિશાળમાં જુદી જુદી રમતું રમીએ ને બધી બેનપણીયું સાજે ક્યાંક તરવા જાય. એને સીમિંગ કેવાય! આવી કેટલીય વાતું લંબાવી લંબાવીને રમલી કે’તી કે જાંબીને નિશાળે જવાનું, શહેરમાં થોડા દી’ રહેવા જવાનું મન થતું.

પણ જાંબીના બાપુ તો જાંબી એક વરસની થઈ ત્યારે દરિયો ખેડવા ગયા, તે આજે જાંબી આઠ વરસની થઈ, તોય ન’તા આવ્યા. એટલે જાંબીને બહુ ક્યાંય બહાર જવાનું રહેતું નહીં. બેનપણીની વાતું સાંભળી રોજ સપનામાં શહેર જોતી, નિશાળ જોતી ને પેલું... બળ્યું.. ભુલાઈ જતું એ... સીમિંગના સપના જોતી.

જાંબીની મા થોડે દૂરની વસ્તીમાં નવા બનેલા ફ્લેટમાં ઘરકામ કરી, મા દીકરીનું ગાડું ગબડાવતી એટલે આખો દી’ ઘરનું કામ નાની જાંબી સંભાળતી અને નવરી થયે દરિયે દોડી જતી ને શંખલા, છીપલાં ભેગા કરી, ઘાઘરીમાં વીંટી ઘરે એક ડબલામાં ભેગાં કરતી. રાત પડ્યે પોતાની પથારીમાં એ ખજાનાનો ઢગલો કરતી. તેને થતું કે હું શંખલું-છીપલું હોત, તો પાણીમાં તરવાની ને માછલીઓની લીસી-લીસી ચામડી હારે ઘસાઈને દરિયામાં ઉલળવાની કેવી મજા આવત! એ રોજ શંખલા અને છીપલાં હારે મનોમન વાતો કરીને પૂછતી રહેતી કે તમને દરિયામાં ફરવાની કેવી મજા આવતી? દરિયામાં શું શું હોય? તમે અંદર પાણીમાં શ્વાસ કેવી રીતે લેતાં? એવા કેટલાય પ્રશ્નો એને ઊઠતા. ને એક દી’ પોતે દરિયામાં જઈને બધાં પ્રાણીને મળવા જશે અને છીપલાંમાંથી મોતી કાઢી આવશે. મોટો શંખ ગોતી આવશે ને જ્યારે નાળિયેરી પૂનમની મોટી પૂજામાં આખી વસ્તી ભેગી થશે, ત્યારે પોતે એ મોટો શંખ ફૂંકીને વટ પાડી દેશે! આવા ને આવા સપનામાં તે ક્યારે નીંદરમાં સરી પડતી તે છેક સવારે જતી વખતે મા ઢંઢોળે ત્યારે ઊઠીને જાંબી વિચારે ચઢતી કે મને નિશાળે જવા મળશે કે કેમ? દરિયામાં ડૂબકી મારવા મળશે કે કેમ? મને મોતી મળશે કે કેમ?

એકવાર વહેલી સવારે જાંબીની નીંદર ઉડતાં, માને સૂતેલી જોઈ ઘરની બહાર નીકળી. ત્યાં દરિયાના ઘૂઘવાટે ધ્યાન ખેંચાતા આછા અંધારા અને આછા ઉજાસમાં જાણે એક નવો દરિયો જોતી હોય એમ  પગમાંથી રેતી સરકાવતી, પીળા ફૂલની ભાતવાળું ગુલાબી પોલકું ને એવા જ રંગની ઘાઘરીના બેય છેડા એના ટચુકડા બે હાથની મુઠ્ઠીમાં પકડીને એની ધૂનમાં રેતીમાં ઊડતી પાંખો ફેલાવેલી નાની પરી જેવી દીસતી એ કૂદતાં-કૂદતાં ઠેસ વાગતાં રેતીમાં પડી, નજર પડતાં એ હબકી ગઈ. કે આવડી મોટી માછલીએ મને કંઈ કર્યું નહીં! મરેલી છે કે શું? હિંમત કરી એણે માછલીની બાજુમાં જઈ હળવેકથી એક આંગળી અડાડી, પણ માછલી હલી નહીં. ધીમેથી જાંબીએ નજીક જઈ, પોતાનો નાનો હાથ માછલીના માથા પર ફેરવ્યો, ત્યાં માછલીએ જરાક આંખ ફરકાવી અને જાંબી ગભરાઈને પાછા પગે ભાગવા લાગી. ત્યાં તેણે જોયું કે માછલી હાંફતી’તી. આંખ ખોલી જાણે દયાની યાચના કરતી જાંબી સામે જોતી’તી. જાંબીના ટચુકડા પગ અટકી ગયા અને તે વિચારે ચઢી કે આ માછલીમાં જીવ છે. જો એને પાણીમાં નાખવામાં આવે, તો એ જીવી જાય. પણ કોઈ પુરુષો અત્યારે હાજર નથી, દરિયે ગયા છે. કોઈને બોલાવા જાઉં, ત્યાં માછલીનો જીવ જતો રહે. ત્યાં એની નજર થોડે દૂર તૂટેલા વહાણના લાકડાંના પડેલા અમુક કટકા પર પડી અને એ કોઠાસૂઝથી કંઈક વિચારીને દોડી. એક લાકડાનો કટકો રેતીમાં સેરવીને માછલીના શરીર નીચે સરકાવતી ધીમે-ધીમે ભીની રેતીમાં પાટીયાને ધક્કો મારી, પસીનો વહાવતી ધકેલતી ગઈ ત્યાં બે ધક્કામાં તો મોટું મોજું આવ્યું અને પાટીયા સાથે માછલીને અંદર ખેંચી ગયું. જાંબી કૂદકો મારીને ખુશીથી તાળી પાડી ઊઠી અને આનંદથી પોતાના ઘર તરફ ભાગી. એ રાતે જાંબીને સપનામાં માછલીઓ જ માછલીઓ દેખાઈ. તેણે આવડી માછલી પહેલીવાર જોયેલી ને મા કહેતી કે વ્હેલ માછલી બહુ મોટી હોય, તો તેને થયું કે શું આ જ વ્હેલ માછલી હશે? વિચારમાં-સપનામાં બીજે દિવસે પણ એની નીંદર વહેલી ઊડી ગઈ.

સવારમાં એ જ જિજ્ઞાસાથી એ વહેલી-વહેલી દરિયે ગઈ, ત્યાં જાંબીને લાગ્યુ કે એ માછલી ખુશીથી એની જ રાહમાં ત્યાં આવી છે. પણ આજે એને ડર લાગ્યો કે બાજુમાં જાઉં અને એ મને પકડી લેશે તો? માછલી જાંબીની મૂંઝવણ સમજી ગઈ હોય એમ કહેતી હતી, ‘જાંબી, જાંબી, મારી સાથે પાણીમાં રમવા આવ, ડર નહીં.’ જાંબી આજુબાજુ જોવા લાગી કે કોણ બોલે છે? પણ ત્યાં કોઈ નહોતું. ફરી માછલીને કૂદતી જોઈ, જાંબીને થયું આ માછલી જ મને બોલાવે છે કે શું? અને જાંબી ધીમે-ધીમે પાણીમાં પગ પલાળતી, થોડા ડર અને થોડી હિંમત સાથે માછલી પાસે પહોંચી. માછલીની આભારવશ નજર જોઈ જાંબીએ પોતાનો હાથ માછલીની પીઠ પર ફેરવીને કહ્યું કે ‘મારું નામ જાંબી. તારું નામ?’ જાંબીને લાગ્યું માછલી મને, મારી બોલીને, મારા સ્પર્શને સમજે છે. એટલે જાંબીએ કહ્યું કે, ‘તું મારી બેનપણી થઈશ?’ તું કેવી લીસી લીસી છે! હું તને લીસ્કી કહીને બોલાવું? તું રોજ મારી હારે રમવા આવીશ? ને જાંબીના બધા સવાલોના ‘હા’માં જવાબ આપતી હોય એમ લીસ્કીએ ગેલમાં આવી પૂંછડીથી પાણી ઉડાડીને જાંબીને પાણીથી નવડાવી દીધી.

પછી તો વહેલી સવારનો આ ક્રમ બની ગયો. જાંબી દરિયા કિનારે આવી, બે હાથનો ખોબો મોઢા પર મૂકી બોલાવે, ‘લિસ્કી...લિસ્કી...’ અને લિસ્કી પાણીમાં નર્તન કરતી આવી જાય. જાંબીને મન તો લિસ્કી એની દુનિયા બની ગઈ. એ લિસ્કીને પોતાનાં સપનાં કહેવા લાગીને લિસ્કી પણ જાણે બધું સમજતી હોય તેમ શાંત થઈ તેને સાંભળતી. એકવાર લિસ્કી આરામથી કિનારાના પાણીમાં લંબાવીને સૂઈ ગઈ, જાણે જાંબીને કહેતી હોય કે ‘મારી પીઠ પર બેસી જા, તને દરિયામાં ડૂબકી મરાવું’ અને જાંબી લિસ્કીની પીઠ પર એને વળગીને બેસી ગઈ. લિસ્કી-જાંબીની સવારી ઉપડી દરિયાના પેટાળમાં! ત્યાં કેટલાં શંખ-છીપલાં, માછલીઓ, દરિયાઈ જીવો જાંબીએ જોયા અને લિસ્કીને લીધે કોઈ જીવ એને હેરાન નહોતું કરતું. વારંવારની આ દરિયાઈ સફરમાં લિસ્કીના સાથમાં જાંબી તરવાનું પણ શીખી ગઈ. આ બધી સફર, રમતો વહેલી સવારે ચાલતી. એ બેયની દોસ્તીની દુનિયાની બીજા કોઈને ખબર ન’તી પડી. જાંબી-લિસ્કીની દુનિયામાં એ બે અને ત્રીજો દરિયો બસ!

એકવાર બાજુના નવા ફ્લેટવાળા નાના-નાના ટાબરિયાંઓ મોટેરાઓ સાથે એકવાર દરિયાકિનારે છબછબિયાં કરતાં’તાં. ત્યાં એક મોટા મોજામાં એક બાળક તણાઈ ગયો. બધાંની બૂમાબૂમ સાંભળીને જાંબીની વસાહતવાળા પણ દોડી આવ્યા. છોકરાના મા-બાપ તો જાણે હોશ ખોઈ બેઠાં. કોઈ તરવૈયા હાજર ન’તા.

જાંબી આ બધું જોઈ શું સૂઝ્યું તે બૂમો પાડવા લાગી, ‘લીસ્કી...લીસ્કી...’ ત્યાં તો પાણી ઊછળ્યું ને મોટી માછલી આવી. બધાં ડરી ગયા અને ફ્લેટવાળા ભણેલા માણસો બોલી ઊઠ્યા, ‘વ્હેલ... વ્હેલ...’ ત્યાં તો બધાની નવાઈ વચ્ચે જાંબી લિસ્કી પર બેસી ગઈ ને બોલી, ‘લિસ્કી, જલદી ડૂબકી લગાવ. આપણે એક છોકરાને બચાવવાનો છે.’ જોતજોતામાં લિસ્કી-જાંબી બાળકને લઈ લિસ્કીની પીઠ પર સવાર થઈને ઉપર આવી ગયા!

બધાં દોડીને જાંબી અને બાળકને ઘેરી વળ્યા. વસાહતવાળા અને ફ્લેટવાળા જાંબી સામે ખૂબ આનંદ, નવાઈ અને આભારથી જોવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે આ બધું જાદુ હતું કે શું? જાંબીની મા પણ આ સમાચાર મળતાં જ ગભરાઈને રોતી-રોતી ત્યાં આવી ગયેલ. જાંબીએ બધાંને પોતાની અને લિસ્કીની મળવાની, દોસ્તીની, દરિયાઈ સફરની વાતો કરી અને બધા જાંબીને એક જાદુઈ પરીની જેમ જોઈ રહ્યા! બધા લોકો સ્વસ્થ થતા એક વડીલ જાંબી પાસે આવ્યા ને કહ્યું કે, ‘બેટા, આજે તેં જે કામ કર્યું એ અદભૂત છે! ભારત સરકાર તારા જેવા બહાદુર બાળકોને દર વર્ષે સાહસિકતા માટે પુરસ્કાર આપે છે અને શાળાએ ભણાવવાની વ્યવસ્થા પણ કરે છે. હું સરકારમાં પુરસ્કાર માટે તારું નામ મોકલીશ અને તને ગમે તો હું તારું નામ બાજુની શાળામાં લખાવી દઈશ. અને હા, તું બહુ સરસ તરી શકે છે, તો થોડા સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા શરૂ થશે, તેમાં પણ આપણે તારું નામ નોંધાવીશું.’

જાંબી અને એની માને તો આમાં થોડા શબ્દો સમજાયા-થોડા ન સમજાયા, પણ નિશાળની વાત સમજાણીને જાંબી ઠેકડો મારી ઊઠી કે, ‘મા, મને ભણવું છે.’ જાંબીની મા તો કશું સમજી ન’તી શકતી, પણ બધાં ભણેલા માણસોએ કહ્યું કે, ‘તું ચિતા ન કર. અમારા બાળકનો જીવ બચાવી તારી દીકરીએ તો અમને જિંદગીની ખુશી આપી છે, તો એના સપના પૂરાં કરી એને ખુશ કરવા અમને મદદ કરવા દે.’

થોડા દિવસો પછી એક વહેલી સવારે જાંબી દરિયામાં લિસ્કીની પીઠ પર વળગીને સૂતાં-સૂતાં બોલતી હતી કે, ‘જો લિસ્કી, તરવામાં બધાં છોકરાઓમાં આગળ નીકળી જવામાં મને આ ચમકતો ચંદો મળ્યો. બધાં એને મેડલ-મેડલ કહેતાં હતાં. ને હા, લિસ્કી! જો આ બીજો ચંદો. આપણે ઓલા બાળકને બચાવેલો એના બદલામાં મો..ટા મંત્રીએ ત્યાં બોલાવી મને પહેરાવ્યો! પણ એ તો તને જ મળવો જોઈએ. લે, આ તને પહેરાવું.’ કહીને જાંબીએ એક મેડલ લિસ્કીને પહેરાવ્યું અને બીજું પોતે પહેર્યું! જાંબી કહે, ‘લિસ્કી, મને છીપમાંથી મોતી મેળવવું હતું. એ હવે મને સમજાયું કે હું નિશાળે જઈ ભણીને આગળ વધું એ જ સાચું મોતી! પણ નિશાળે જવા રોજ દૂર જવું પડશે એટલે તને મળવાનો સમય ઓછો પડશે. એ મને નહીં ગમે!’ અને તે દીવસે બન્ને ભારે હૈયે છૂટાં પડ્યાં.

થોડા દિવસ પછી ઘરે આવેલાં દરિયાખેડૂઓએ ચોમાસામાં આરામ કરી નાળિયેરી પૂનમે દરિયાની પૂજા ગોઠવી, ત્યારે શાળાએ જતી જાંબીએ મોટેથી શંખ ફૂંક્યો. એ શંખમાંથી વહેતી હવામાં ‘લિસ્કી...લિસ્કી...’ પડઘાયું અને પૂજામાં દરિયાના પવિત્ર જળના છાંટા ઊડાડતી, ઊછળતી લિસ્કી આવી અને જાંબી દોડીને તેને વળગીને ગેલ કરવા લાગી. દરિયાખેડૂની વસાહત આનંદથી એમની જાંબી પરીને, એની હિંમતને, એના પ્રાણીપ્રેમને જોઈ હરખાઈ સાથે દરિયાદેવને હાથ જોડી વંદન કરી રહ્યાં! અને જાંબી લિસ્કી સાથે એક ડૂબકી લગાવવા ફરી એની પીઠ પર સવાર થઈ દરિયામાં સરકી ગઈ!

                                                                                       -----------------------------


Rate this content
Log in

Similar gujarati story from Children