mariyam dhupli

Drama Inspirational Children

5  

mariyam dhupli

Drama Inspirational Children

ક્રાંતિ

ક્રાંતિ

12 mins
485


યાશીકા એ ગાડી સ્ટાર્ટ કરીજ કે હું જબરદસ્તી ગાડીની આગળની સીટ ઉપર એની પડખે ગોઠવાઈ ગઈ. ઘરમાં બે ગાડી હતી. કાર્તિક એક ગાડી લઈ ફેક્ટરી જતો રહ્યો હતો અને બીજી ગાડી મારી આંખો સામે હતી. મને ડ્રાઈવિંગ આવડતું ન હતું. અન્ય કોઈ વિકલ્પ પણ ન હતો. મને જોતાજ એણે મોઢું મચકોડ્યું અને પોતાની રિસ્ટવોચ ઉપર નજર નાખી. 

" મમ્મી યાર...મને મોડું થાય છે.."

" કેટલીવાર કહ્યું આવા ' યાર ',' બાર ' જેવા શબ્દો મારી માટે ન પ્રયોજ. હું તારી માં છું. આદરથી વાત કર. "

કોઈ જૂનો અણગમતો રેકોર્ડ ફરી વાગી પડ્યો હોય એમ કંટાળાના ભાવો જોડે એણે પૂછ્યું, 

" તમને ક્યાં ડ્રોપ કરવાનું છે માતાશ્રી ? " 

હું જાણતી હતી કે એ 'માતાશ્રી' શબ્દ સન્માન નહીં કટાક્ષ હતો. ભારે કલેજે મારી અઢાર વર્ષની એક ની એક દીકરીનો કટાક્ષ દર વખત જેમ પચાવી મેં આદેશાત્મક સ્વરમાં જણાવ્યું. 

" અનિતાને ત્યાં મૂકી દે. " 

મારો હાથ મારી સાડીનો પાલવ સરખો કરી મારા ગળાના સોનાના ભારે હારને સરખો કરવામાં વ્યસ્ત થયો. ડ્રાઈવિંગ શરૂ કરતા એણે એક ત્રાંસી નજર મારી સાડી અને ઘરેણાઓ ઉપર નાખી. કાનમાં અતિ નાની બુટ્ટી અને હાથમાંની રિસ્ટવોચ સિવાય અન્ય કોઈ ઘરેણાં વિનાનું એનું શરીર મારા વ્યક્તિત્વનો સંપૂર્ણ વિરોધાભાસ દર્શાવી રહ્યું હતું. મારા વ્યક્તિત્વ અંગે એની આંખોમાં ઉભરાઈ આવેલ અણગમાની મેં નોંધ લીધી. પણ જાણે જાણતીજ ન હોવ એમ દર વખત જેવોજ ડોળ રચ્યો. એમ પણ એને મારામાં અને મને એનામાં કશું ગમતુંજ ક્યાં હતું ?

ગાડીમાં વ્યાપેલું મૌન અસહ્ય બનતા એણે પોતાનું મ્યુઝિક સિસ્ટમ ટેવ પ્રમાણે હાઈ વોલ્યુમ ઉપર ગોઠવી દીધું. મને થયું મારા કાનના પરદા એજ ક્ષણે ફાટી પડશે. મારો બરાડો એ સંગીતના અવાજ કરતા પણ વધુ ઊંચે ઉઠ્યો. 

" યાશીકા આ કેવી સભ્યતા છે ? હમણાજ અવાજ નીચો કર......."

ધીમા અવાજે સંગીત સાંભળવા કરતા એણે ન સાંભળવાને જ પ્રાધાન્ય આપ્યું. છણકા જોડે એણે મ્યુઝિક સિસ્ટમ બંધ કરી નાખ્યું. એની ફૂલેલી શ્વાસો સિવાય ગાડીમાં અન્ય કોઈ સ્વર હાજર ન હતો. 

બેકમીરરમાંથી મને એની કરાટે ક્લાસની બેગ પાછળની સીટ ઉપર સાફ દેખાઈ રહી હતી. પાંચ મિનિટમાંજ એના કલાસ શરૂ થવાના હતા. મેં કાર્તિકને કેટલી વાર સમજાવ્યો હતો. આમ દીકરી જાતને એવા વ્યાયામ કરવાની છૂટ ન અપાય. જો શરીરના ગમે તે ભાગ ઉપર ઈજા થાય તો જીવનભર પસ્તાવો રહી જાય અને લોકો શું કહેશે કે એક મા થઈ મેં એની સુરક્ષા અંગે કોઈ પગલાં ન ભર્યા ? 

પણ કાર્તિક પણ એટલોજ જિદ્દી. યાશીકા પિતાના ઉપર જ તો ગઈ હતી. દીકરીના મોઢાનો પડ્યો બોલ ઝીલવાની આ ખરાબ ટેવ ભવિષ્યમાં એને જ ન નડે એ અંગે હું વારંવાર કાર્તિકને ચેતવતી. પણ એ તો દીકરીને દીકરો બનાવવા ઉપર મક્કમ હતો અને એની આ જીદ્દ સ્વરુપેજ મારી પડખે ગોઠવાયેલી આ જિદ્દી યુવતીમાં યુવતી જેવા એક પણ લક્ષણ દેખાઈ રહ્યા ન હતા. 

" આ રવિવારે કુમુદભાભીને ત્યાં પૂજા છે. સવારથી સૌને બોલાવ્યા છે. તૈયાર રહેજે. " મારા મોઢામાંથી અન્ય એક હુકમ છૂટ્યો. 

" નો વેઝ. હું કશે આવવાની નથી. રવિવારે મારા મિત્રો જોડે મારો પ્લાન છે. " 

એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ મારા આદેશને એણે એક જોરદાર લાત મારી દીધી. મારો અહંકાર જોરદાર ઘવાયો. એના ચહેરા તરફ અત્યંત કડક હાવભાવો રાખી મેં એને એની હદ યાદ અપાવી. 

" હું પૂછી નથી રહી જણાવી રહી છું. " 

એણે ડ્રાયવીંગ કરતા કરતા મારી નજરમાં નજર મેળવી. એ નજરમાં મારા માટે વિફરેલી અગ્નિથી હું માથાથી પગ સુધી, શરીરથી આત્મા સુધી દાઝી ઊઠી. 

એ મારું સંતાન હતી. નવ મહિના મારા ગર્ભમાં મેં એને સાચવી હતી. એનો ઉછેર કરવા હું જાતને પણ ભૂલી ગઈ હતી. અને આજે એની યુવાન આંખો મને રહેંશી રહી હતી. મારા મનની વેદના પરાકાષ્ઠાએ પહોંચી. પણ મેં મન ઉપર કાબુ જમાવી રાખ્યો.જેથી મારી નિર્બળ ભાવનાઓની સાક્ષી એ બની ન શકે. સંબંધમાં મારું વર્ચસ્વ જળવાઈ રહે અને મોખરે રહે એ હેતુસર મેં અભિમાન જોડે આગળ તરફ નજર ગોઠવી દીધી. 

આંખોનો સંપર્ક તૂટ્યો. હું ફરી એકવાર જીતી. પોતાની હાર ગળે ન ઉતરતા એણે ગાડીની ઝડપ અચાનક વધારી દીધી. મારું સંતોલન હું ગુમાવી બેઠી અને સીટબેલ્ટ જોડે આગળની દિશામાં મારુ શરીર બેવડ વળ્યું. એ નિહાળી એની આંખો વ્યંગથી ચળકી ઊઠી. 

એક દીકરી થઈ માનું આવું અપમાન ! 

મને એની ઉપર ઘૃણા છૂટી. એની મા હોવા ઉપર લાજ ઊઠી. 

" યાશીકા......" 

મારો ક્રોધનો જ્વાળામુખી ફાટે અને મારો હાથ એના ચહેરા ઉપર સળવળતો પહોંચી વળે એ પહેલાજ ગાડીને એક જોરદાર બ્રેક લાગી. અનિતાનું ઘર નજર સામે હતું. સમય થઈ ગયો હતો. ઘરનો તમાશો જાહેરમાં ન થાય. હું જાતને સમેટી ગાડીમાંથી નીચે ઉતરી. એક ભારે ધક્કા વડે કારનો દરવાજો અફાળ્યો. નીચે ઉતરેલા કાચમાંથી મારુ અર્ધું શરીર વાંકુ કરી યાશીકાનો ચહેરો નિહાળતા મારા દાંત ભીંસાયા. 

" ઘરે આવ પછી......." 

મારું આગળનું વાક્ય પૂરું થાય એ પહેલા એની ગાડી સડસડાટ કરતી કરાટે ક્લાસ તરફ ઉડી. ગાડીની ઝડપી ક્રિયાથી મને વાગી શક્યું હોત. પ્રતિક્રિયામાં મારા હૃદયના ધબકાર બહાર સુધી સંભળાઈ રહ્યા. મારી ભયભીત જાતને સંભાળતા હું ચારે દિશામાં ઝંખવાળી નજરે નિહાળી રહી. મારુ અપમાન કોઈની દ્રષ્ટિએ તો ન ચઢ્યું એની ખાતરી કરવા. વોચમેને મને સલામી ભરી. સાડીનો પાલવ અને ઘરેણાં વ્યવસ્થિત કરવાને બહાને એની આંખોનો સંપર્ક ટાળતા હું અનિતાના ઘરમાં ઝડપભર્યા ડગલે પ્રવેશી ગઈ. મનમાં ભરાયેલો ડૂમો કોઈ નિહાળી ન શક્યું. મારી આંખો આગળ ઊભી મારી પાંચ વર્ષની નિર્દોષ, શીરા જેવી મીઠી યાશીકાની આકૃતિ એટલી જીવંત હતી કે મન થયું એને ગોદમાં ઊંચકી લઉં. મમ્મી..મમ્મી કરતી મારી આગળ પાછળ પડછાયા સમી એ ફરતી રહેતી. મારી દરેક વાત હેતથી સાંભળતી અને માની પણ જતી. મારી આંગળી પકડ્યા વિના જે ચાલતી પણ ન હતી એ દીકરી હવે મારી રહી ન હતી. એના બર્થસર્ટિફિકેટથી લઈ એના કરાટે ક્લાસ સુધી બધેજ ફક્ત કાર્તિક હતો. મારી કશે જરૂર જ ન હતી. મારી દીકરી મારાથી બહુ દૂર જતી રહી હતી. એ વિચારમાત્રથીજ મનના સેંકડો ટુકડા થઈ રહ્યા હતા. એ ટુકડાઓને સમેટતી હું ભારે હય્યા જોડે અનિતાના બેઠક ખંડમાં પ્રવેશી. 

" મેડમ ઉપર રૂમમાં છે. તમને ઉપર આવવા કહ્યું છે. "

કામવાળી બાઈએ આપેલી માહિતીથી હું સતર્ક થઈ. મારા હાવભાવોને નિયંત્રણમાં લેતી હું અનિતાના ઘરની દાદર ચઢી એના ઓરડા તરફ આગળ વધી. આજે અમારી સહેલી વસુને ત્યાં પૂજા રાખવામાં આવી હતી. બધીજ સહેલીઓને આમંત્રણ હતું. અનિતાએ ઘરે આવી જવા કહ્યું હતું. એ ડ્રાઈવિંગ જાણતી હતી. દરેક સમયે હું એની જોડેજ સહેલીઓના ગેટટુગેધરમાં જતી. એનું ઘર તો મારા ઘરથી નજીક હતું જ પણ અમારા હૃદય પણ એકબીજાની અત્યંત નજીક હતા. ના, અમે એકબીજા જેવા જરાયે ન હતા, ન અમારા વિચારો. પણ એકબીજા પ્રત્યેની નિખાલસતા અમારી નજીકતાનું મુખ્ય કારણ હતું. અમારા મનના ભાવો કોઈ પણ ઔપચારિકતાનો ટેકો લીધા વિના અમે એકબીજાની સામે પારદર્શિતાથી રજૂ કરી શકતા. અમારી એકબીજા પ્રત્યેની પ્રમાણિકતા અમારા ગાઢ સંબંધનું મુખ્ય ચાલક બળ હતું. તેથીજ તો વીસ સહેલીઓના ટોળામાં અમારી મિત્રતા બધાની આંખોની ઈર્ષ્યા બની રહેતી. 

અનિતાના ઓરડામાંથી આવી રહેલા અવાજોથી હું હેરતમાં મુકાઈ. કદાચ એનો દીકરો સૌરભ અંદર ઓરડામાં હતો. એની જોડે એનો અન્ય કોઈ મિત્ર પણ કદાચ. ઓરડામાં ચાલી રહેલી વિડીયો ગેમનો અવાજ બહાર સુધી ઊંચા અવાજમાં સંભળાઈ રહ્યો હતો. સાથે સાથે સૌરભના અને એના મિત્રના અવાજો પણ વાતાવરણમાં ગુંજી રહ્યા હતા. એ શોરથી મારા કાનના પરદા ફરી ફાટી પડવાની ધમકી આપી રહ્યા હતા. અનિતાના ઘરમાં હોવા છતાં શિષ્ટતા અને સભ્યતા ગેરહાજર હતી. એ મને ઘણું વિચિત્ર લાગ્યું. હું અનિતાને એ અંગે જરૂર પૂછીશ. મનોમન નક્કી કરી હું અનિતાના ઓરડામાં પહોંચીજ કે મારા શોક્ગ્રસ્ત ડગલાં ઓરડાના દરવાજે જ અટકી પડ્યા. 

સૌરભ મારા અનુમાન પ્રમાણે ઓરડામાંજ હતો. એના હાથમાંનું જોયસ્ટિક ખુબજ જોરપૂર્વક કામે વળગ્યું હતું. અન્ય જોયસ્ટિક સૌરભના મિત્રના હાથમાં ન હતું. સૌરભનો મિત્ર જ ઓરડામાં ન હતો. બીજું જોયસ્ટિક અનિતાના હાથમાં હતું. બાળકની જેમ એ રમતમાં ઊંડે ઉતરી ચૂકી હતી. જે રીતે એનુ શરીર જોયસ્ટિક જોડે ઉછળકૂદ કરી રહ્યું હતું એ જોતા મને શંકા ઉપજી કે એ પોતાની ઉંમર અને સૌરભ જોડેનો આયુ ભેદ સંપૂર્ણ ભૂલી ચૂકી હતી. મેં કદી એને આ સ્વરૂપમાં જોઈ ન હતી. મારા મનમાં અનિતાને લઈ વિચિત્ર ભાવ જાગ્યો. આટલી પરિપક્વ અને સમજુ મારી સહેલી ! ઘરમાં આવું વર્તન......

" આ લે. " પોતાની ડાબી પડખે ઊભાં સૌરભ તરફ પોતાનું જોયસ્ટિક ઢાળી અનિતાએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું. 

" શું યાર મમ્મી....." 

પોતાનું જોયસ્ટિક ટેબલ ઉપર મૂકી સૌરભે હાર સ્વીકારી ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢી અનિતાના હાથમાં થમાવી. 

" હા...હા....હા....મેં કહ્યું હતુ ને મારી જોડે પંગો ન લેતો. " 

" હેલો આંટી. " મારી હાજરીમાં મમ્મીએ એને હરાવ્યો એ વાતથી છોભીલો પડતો એ શીઘ્ર ઓરડાની બહાર તરફ નીકળ્યો. 

હું આવી ચૂકી હતી એ જાણી અનિતાની નજર હાસ્ય જોડે મારા ચહેરા ઉપર આવી પડી. એણે ઘડિયાળ તરફ એક દ્રષ્ટિ ફેંકી. પૂજા શરૂ થવામાં થોડોજ સમય બાકી હતો. ગર્વ જોડે એણે પોતાનો પર્સ ઉઠાવ્યો અને શરતમાં જીતેલી ચોકલેટ પર્સમાં સરકાવી દીધી. સૌરભ બહાર નીકળી રહ્યો હતો એ જોવા એની નજર દરવાજે ડોકાઈ. 

" લવ યુ માય સન. " 

" શું મમ્મી....." 

આંટી સામે મમ્મી ૧૫ વર્ષના તરુણને નાના બાળક જેમ લાડ લડાવે એ શરમજનક અનુભવાતું હોય એમ એ ઝડપથી અમારી આંખો આગળથી અદ્રશ્ય થઈ ગયો. 

" જઈએ ?" 

અનિતાએ મારા ખભા ઉપર હાથ મૂક્યો. હું એના ડગલે દોરવાતી પાર્કિંગ વિસ્તાર સુધી પહોંચી ગઈ. 

ડ્રાઈવિંગ સીટ ઉપર ગોઠવાતી અનિતાએ સીટ બૅલ્ટ બાંધતા ફરી એજ પ્રશ્ન પૂછ્યો જે દરેક સમયે કાર સ્ટાર્ટ કરવા પહેલા એ મને પૂછતી. 

" ડ્રાઈવિંગ ક્યારે શીખી રહી છે ? " 

" એ છોડ. તું એ બતાવ. તું અંદર ઓરડામાં......" 

" રમી રહી હતી. વિડીયો ગેમ. મારા દીકરા જોડે. " મારા મનની મૂંઝવણ પામી ગઈ હોય એમ મારી આંખોમાં આંખો પરોવતાં એ બોલી. 

" તને વિડીયો ગેમ ગમે છે ? " મારી હેરત વધુ ઘેરાઈ આવી. 

" જરાયે નહીં. મોટો માથાનો દુખાવો છે. આઈ હેટ ઈટ. " 

હું કશું સમજી રહી ન હતી. મારી મૂંઝવણ ઓછી થવાની જગ્યાએ બેવડાઈ ગઈ હતી. 

ફરીથી સીટ બેલ્ટ કાઢી નાખી અનિતા નિરાંતે સીટ ઉપર હળવી થઈ. જાણે કોઈ વાર્તા સંભળાવવા ઈચ્છતી હોય એમ એની આંખો ગાડીના આગળના કાચમાંથી દેખાઈ રહેલા માર્ગ ઉપર સ્થિર થઈ ગઈ. 

" સૌરભ જયારે નાનો હતો ત્યારે આખો દિવસ મારી જોડે રહેતો. હું જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ અનુસર્યા કરતો. હું જે આપું જમી લેતો. હું જે કહું એજ કરતો. મારી દરેક વાત સાંભળતો. જાણે એક નાનકડો ઢીંગલો જે હંમેશા મારી ગોદમાં ને ગોદમાં ભરાયેલો રહેતો. પણ સમય બદલાઈ છે અને એની જોડે બધુજ બદલાઈ જાય છે. સૌરભ જેમ જેમ મોટો થતો ગયો એના સંબંધોનું વર્તુળ પણ એટલુંજ વિસ્તૃત થતું ગયું. તરૂણાવસ્થા સુધી પહોંચતા તો મિત્રોજ એના વર્તુળના કેન્દ્ર બની ગયા. હવે એની પાસે મારા માટે સમય જ ક્યાં હતો ? મારી વાતો જરા લાંબી થાય કે એના ચહેરા ઉપર ઉમટી પડતો કંટાળો મારી નજરમાં કેદ થઈ જતો. જો ચિંતા કરું તો એ 'નકામા પ્રશ્નો 'નું બિરુદ પામતા. એ એક નવી સૃષ્ટિમાં પ્રવેશી ચુક્યો હતો અને હું મારી સૃષ્ટિમાં એકલી પડી ગઈ હતી. ને એમાં વાંક એનો જરાયે ન હતો. એના આગળના વિશ્વમાં ટકી રહેવા એને એ વિશ્વ જોડે સમય વિતાવવો જ પડે. મારી પડખે આખો દિવસ બેસી તો ન જ શકે ને. ને જો હું એના એ નવા વિશ્વમાં ન પ્રવેશું અને એની ઉપર મારા જન્મ સમયના એ જુના વિશ્વમાં બંધબેસતો થવા એકતરફી દબાણ કર્યા કરું તો એને ગુમાવી બેસું. મને એના ચોવીસ કલાક નથી જોઈતા. એના આખા વિશ્વ ઉપર મારુ વર્ચસ્વ મને નથી જમાવવું. ન મને એને ગુમાવી દેવો છે. તેથી હું એના વિશ્વને સમજવા પ્રયાસ કરું છું. જે શીખી શકું એ શીખું છું. ડ્રાઈવિંગ એના માટે જ તો શીખી. ડ્રાયવરની જગ્યાએ જાતે એને શાળા અને ટ્યુશન મુકવા જાઉં છું. વિડીયો ગેમ મને શીખવવાના ઉત્સાહમાં એણે મારી જોડે કેટલો ગુણવત્તાયુક્ત સમય પસાર કર્યો. મને વિડીયો ગેમ જરાયે ગમતી ન હતી. બટ નાવ આઈ લવ ઈટ. કારણકે એના લીધે મારો સૌરભ મારી જોડે હોંશે હોંશે સમય પસાર કરે છે. હવે નવુ ધ્યેય છે ઝૂમ કોન્ફેરન્સિંગ. એણે વચન આપ્યું છે આવતા અઠવાડિયે શીખવશે. મારે ક્યાં કોન્ફેરન્સ કરવી છે ? પણ કંઈક નવું શીખવા તો મળશે. ખબર નહીં ક્યારે એ જ્ઞાન કામ લાગી જાય અને સૌરભનો સાથ તો અલ્ટીમેટ બેનિફિટ ! મને આશ છે જો હું એના વિશ્વમાં રસ દાખવીશ તો એ એક દિવસ મારા વિશ્વમાં પણ રસ દાખવશે." 

ચહેરા ઉપર હકારાત્મક આશ સાથે અનિતાનું હાસ્ય ઝળહળી ઉઠ્યું. સીટ બેલ્ટ બાંધી એણે ગાડી ઉત્સાહ જોડે આગળ વધારી. અમે સમયસર પૂજા માટે પહોંચી ગયા. પરંતુ એ દિવસે પૂજામાં મારું ચિત્ત ચોંટયું જ નહીં. ઈશ્વર માફ કરે પણ એ દિવસે મારા મનમાં ફક્ત અને ફક્ત યાશીકા જ હતી. 

થોડા દિવસો પછી હું ફરી ઉતાવળમાં યાશીકાની સ્ટાર્ટ થયેલી કારમાં અનુમતિ વિનાજ પ્રવેશી ગઈ. હું જાણતી હતી એને કોલેજ પહોંચવામાં મોડું થઈ રહ્યું હતું. એના ચહેરાના હાવભાવો અત્યંત તણાયેલા હતા. મને કઈ કહેવાથી કશો ફેર પડશે નહીં એ વિચારે એણે મને સમજાવાનું માંડી વાળ્યું.

" ક્યાં ?" ફક્ત એકજ શબ્દમાં મારી મન્ઝિલ અંગે એણે પૂછપરછ કરી. 

" અનિતાને ત્યાં. આજે પીકનીક પર જવાનું છે. " 

મારો જવાબ સાંભળવા મારી તરફ ઉઠેલી એની આંખો અચરજથી પહોળી થઈ ઊઠી. મને ઉપરથી નીચે સુધી એ રીતે એ તાકી રહી જાણે સંગ્રહાલયની કોઈ અજાયબીને નિહાળી રહી હોય. મારી જીન્સ મને ભીંસી રહી હતી. ટેવ ન હતી. આરામદાયક જરાયે લાગી રહ્યું ન હતું. પણ ક્યારેક યાશીકા જોડે બહાર નીકળવાનું હોય તો પહેરી શકાય. ઘૂંટણ સુધીની લાંબી બાય વાળી કુર્તી અને કુર્તીને અનુરૂપ કાનમાં નાના ટોપ્સ. કોઈ પણ ભારે ઘરેણાં નહીં. હાથમાં એક લેધર વોચ અને આરામદાયક સ્પોર્ટ્સ સૂઝ. આ બધું મેં પહેલીવાર કર્યું હતું. આવો પહેરવેશ, આવું સજવું. ખબર નહીં હું કેવી લાગી રહી હતી ? હાસ્યાસ્પદ તો નહીં ? યાશીકા એ નજર આગળ તરફ લઈ ગાડી રસ્તા ઉપર દોડાવી. મને કોઈ પ્રતિક્રિયા મળી નહીં. એટલે મનોમન હું મૂંઝાઈ ઊઠી. ગાડીમાં વ્યાપેલું મૌન સહન ન થતા એણે મ્યુઝિક સિસ્ટમ શરૂ કર્યું. મારો અંતિમ સમયનો બરાડો કદાચ યાદ આવ્યો એટલે ફરી બંધ કરી દેવા એનો હાથ આગળ વઘ્યોજ કે મેં એને રોકી લીધી. 

" રહેવા દે. તને ગમે છે ને. "

મારા શબ્દો ઉપર વિશ્વાસ ન આવતો હોય એવી દ્રષ્ટિ એણે મારી દિશામાં નાખી. 

" અરિજિતનું ગીત છે ને ? " એની આંખોમાં આંખો પરોવી મેં પૂછ્યું. 

" હા." જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એમ એ મને એકીટશે નિહાળી રહી. પોતે રસ્તા ઉપર ગાડી ચલાવી રહી હતી એ અંગે સભાન થઈ ફરી એણે આગળની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. 

" જુબિનના ગીતો નથી તારી પાસે ?" 

ગાડીને એક બ્રેક લાગી. રસ્તાની વચ્ચે ગાડી અચાનક અટકી હતી. પાછળથી ઘણા હોર્ન એક જોડે ગુંજી ઉઠ્યા. પોતાને લાગેલા ધક્કાથી પોતાના સભાન મનને સંભાળતા એણે ફરી ગાડી સ્ટાર્ટ કરી. 

" હા છે ને. " મ્યુઝિક સિસ્ટમ ઉપર જુબિનનું ગીત ચહેકી ઉઠ્યું. એ ગીતના શબ્દોથી યાશીકાનું મૂડ એકદમથી બદલાઈ ગયું. મારી જોડે રસ પૂર્વક વાતનો સેતુ બાંધતી એની આંખો ચકળવકળ થઈ ઊઠી. 

" તું જુબિનના ગીત સાંભળે છે ? " 

મારી કુર્તી ઉપરના ભરતકામ ઉપર મારો હાથ સ્નેહથી ફરી રહ્યો. 

" હા, રસોઈ કરતી વખતે. યુ ટ્યૂબ ઉપર વીડિયો શોધીને ગીતો સાંભળી લઉં. સરસ ગાય છે ને ? " મારી નજર સામે મ્યુઝિક સિસ્ટમ ઉપર ઊઠી. 

" સરસ ? બહુજ સરસ. હી ઈઝ માય ફેવરિટ. " યાશીકા ના ચહેરા ઉપરની ખુશી નિહાળી મારું મન પ્રસન્નતાથી છલકાઈ ઉઠ્યું. 

" પણ ઈન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે ન સાંભળી શકાય. " 

મારી મૂંઝવણ સાંભળતાં વેંત મને મદદ કરવા એ તત્પર થઈ ઊઠી. 

" એવું નથી મમ્મી. એ માટે ગીતને ડાઉનલોડ કરવું પડે. ડાઉનલોડ થઈ જાય ત્યાર બાદ એને ઈન્ટરનેટ કનેક્શન વિના ઓફલાઈન પણ સાંભળી શકાય. " 

" સાચેજ ?" મેં એની વાતમાં સંપૂર્ણ રસ દાખવ્યો. 

" હા, ઈટ્સ વેરી ઈઝી. હું તને શીખવી દઈશ. " 

મેં ઉત્સાહમાં ગરદન હલાવીજ કે ગાડી અનિતાના ઘર આગળ આવી ઊભી થઈ ગઈ. એ એની ગાડીમાં અન્ય સહેલીઓ જોડે મારી રાહ જોઈ રહી હતી. હું ગાડીમાંથી નીચે ઉતરી અનિતાની ગાડીની દિશામાં આગળ વધીજ કે પાછળથી અવાજ આવ્યો. 

" મમ્મી......" મને એવું લાગ્યું મારી પાંચ વર્ષની ઢીંગલીએ વર્ષો પછી મને બોલાવી હોય. હું ધીમે રહી પાછળ ફરી. યાશીકાએ ગાડીનો કાચ નીચે ઉતાર્યો. 

" સરસ લાગે છે. હેવ ફન...." 

કાચ ઉપર ચઢ્યો અને એની ગાડી આગળ વધી ગઈ. મારી આંખોમાં ઝળહળીયા ભેગા થાય એ પહેલા મારો મોબાઈલ વાઈબ્રેટ થયો. વ્હોટ્સએપ ઉપર આવેલ સંદેશમાં જુબિન સિવાયની યાશીકાની અન્ય પસંદગીઓની લાંબી યાદી હતી. મેં તરતજ મેસેજ સેવ કરી લીધો. યાશીકાની મિત્રનો મેસેજ દ્વારા આભાર વ્યક્ત કર્યો જેણે મને આ વાત અમારા બે વચ્ચેનુંજ રહસ્ય રહેવાનું વચન આપ્યું હતું. 

હસતા, પ્રફુલ્લિત ચહેરે હું અનિતાની ગાડીમાં પ્રવેશી. એક મોટા ' વાઉ ' જોડે બધાએ મારું સ્વાગત કર્યું. મારી નવી ડ્રેસિંગ સ્ટાઈલથી બધાજ અંજાઈ ગયા. 

" શું વાત છે ? " અનિતાએ પોતાના ભવાં ઉપરની દિશામાં ઉઠાવ્યા.

એની પડખેની સીટ ઉપર ગોઠવાઈ મેં સીટ બેલ્ટ બાંધ્યો. 

" તું એ કહે કે તું મને ડ્રાઈવિંગ ક્યારે શીખવે છે ? " 

" તમે જયારે કહો ત્યારે મેડમ. " 

અનિતાએ ગાડી સ્ટાર્ટ કરી અને મારી ઉત્સાહ સભર નજર બારીની બહાર ખુશીથી ડોકાઈ રહી. એ નજરમાં એક નવી ક્રાંતિની જ્વાળા હતી. પણ એ ક્રાંતિ મારી યાશીકા જોડેની નહીં, મારા પોતાનાજ વિચારો જોડેની હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama