Medha Antani

Children Stories Inspirational Tragedy


4  

Medha Antani

Children Stories Inspirational Tragedy


રસોઈનો રાજા

રસોઈનો રાજા

6 mins 647 6 mins 647


"મીઠું ઓછું નથી, પણ જાતું વળતું હોય તો મને ભાવે છે,આ વાત તને આટલા વર્ષે સતત કહેવી પડે છે મારે.." મહેન્દ્ર દાળમાં મીઠું નાખતાં દાળ અને સીમા ઉપર ઉપકાર કરતો હોય એમ બબડતાં બબડતાં જમતો રહેતો, અને સીમા ચુપચાપ કોળિયા ગળચતી .દાળ તો પ્રમાણસર જ સ્વાદ હતી ! હવે એ દાળ હોય કે શાક, કોન્ટિનેન્ટલ હોય કે પંજાબી , સાઉથ ઇન્ડિયન... નામરૂપ જૂજવાં, અંતે તો ફરિયાદ જ હોય.


 .."ચા માં ખાંડ પૂરતી નથી ..ચા વરાળ જતી ગરમ છે ,અને પી ન શકાય એવી ઠંડી છે. જેની સવારની ચા બગડી, એનો દિવસ બગડ્યો... રહેવા દે ..ઓફિસમાં મશીનની ચા સારી આના કરતાં તો.." મહેન્દ્ર વાસી ચા જેવું મોં અને તાજું ટિફિન લઈને રવાના થઈ જાય ,અને સીમા આદુ મસાલાથી ભરપૂર ચાનો ઘૂંટ લેતાં ચા ને જ પૂછતી હોય એમ વિચારવા લાગે ,:' આ વરાળ જતી વધુ ગરમ અને ઓછા ઠંડા વચ્ચેની ,એટલે કેવી, ક્યા સમય ક્ષણવાળી ચા જોઈએ છે આમને..?'

 

  .." રસાવાળા રંગૂની વાલ તો તું ક્યારેય બનાવીશ જ નહીં ને ? કેમ કે ,એ મને ભાવે છે. ને મને ગમે ,એ તો તારે કરવાનું જ ન હોય,બરાબર ને?"

  

  "પણ હજુ પંદર દહાડા પહેલાં તો બનાવેલા.."

   

  " મન વગર બનાવો,પછી કેવા બને ?કંઈ રસકસ જ ન હતો એમાં..!"

   

   તો કોઈવાર ...

    

   "પરણ્યા પહેલાં જે કરવાનું અને શીખવાનું હતું એ ક્યારેય કર્યું નહીં ,અને હવે એના સિવાય બીજું બધું જ કરો છો ,નહીં ?"

   

   ધાર કાઢેલ વ્યંગ આવે ,એટલે આટલા વર્ષોના અનુભવે બીજું કંઇ કરવાનું ન હોય,સીધું આ જ પૂછવાનું હોય .." મેં ચાખી જ લીધી છે રસોઈ. બધું બરાબર જ તો છે ! કેમ ,આજે વળી શેમાં વાંધો દેખાયો ?"

   

   " જવા દે ..રસોઈ તારો વિષય નથી. તું સ્ટેજની માણસ છો.ત્યાં જ રહે ! કર તારાં નાટકો અને બન સેલિબ્રિટી.." 

   

   દુનિયા માટે તખ્તો ગજાવી રહેલી, નાનીમોટી પબ્લિક ફિગર બની ચૂકેલી સીમા, ઘરમાં મહેન્દ્ર સામે થાકી-હારીને, દોરીસંચાર વગરની નિર્જીવ કઠપુતળી જેવી થઈ જતી .


    આ બધી જ ટકટક, રોકકળ, કકળાટનો સાક્ષી એટલે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ નાનો હતો, અને જીરવાય, ત્યાં સુધી તો જીરવ્યા કર્યું,પણ હવે, ટીનેજર દીકરા સામે પણ મા નું સન્માન ન રહે, તો એક સક્ષમ, સ્વયંસિધ્ધા સ્ત્રી ક્યાં સુધી સાંભળી રહે ?

     

   "પુલાવના ચોખા જોઈએ એવા છુટા નથી. ચોખા જેવી સાદી વસ્તુ યે...." એ એક વાર બોલ્યો, ત્યાં સીમાએ પણ રોકડી આપી .."તમને આવડે છે ને !તો તમે બનાવજો આજથી ,બસ? હું શીખી લઈશ તમારી પાસેથી."

   

   પણ મહેન્દ્ર વ્યંગ્યવિશેષજ્ઞ ખરોને ! એમ છોડે કંઈ?


   " તું તો સારી સ્ટુડન્ટ પણ નથી, તું શું શીખવાની,ધૂળ?"

   

   સીમા એવી મહાન રસોઈ નિષ્ણાત ન હતી પણ રસોઈની આવડત, સ્વાદ અને સૂઝ,પ્રમાણ ,જરૂર જાળવતી. પણ સામે મહેન્દ્રને સીમાની રસોઈ તરફ વાંધો નહોતો, સીમા સામે જ હતો કદાચ. અને એટલે જ એના રસોઈને લગતા, કે અન્ય કોઈપણ પ્રયત્નો મહેન્દ્રની રસના કે દિલ સુધી ઓછા પહોંચતા. મા નો જ હાથરસ જેને સર્વોપરિ લાગતો હોય, એને શાહી ખાનસામાઓ લાવીને મૂકો તોય ના ફાવે....! જો કે,મા પણ એવાં કંઈ તરલા દલાલ નહતાં જ. છતાં, ઘણીવાર એ ખાસ એકાદ દિ' ની રજા લઈને ગામ જતો રહેતો.. બસ આમ જ ! મા ના હાથની અડદની દાળ ખાવા ! 

    

   બહાર હજારો પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટ સામે સીમાને, મહેન્દ્રનું આમ જતા રહેવું, એક સણસણતો તમાચો જ લાગતું. 

    

  વચ્ચે તો મહેન્દ્રએ નવી જ પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરેલી, જેને આપણી ભાષામાં ડીંડક કહીએ ને, એ ! રસોઈ જરાક પણ ઈધર ઉધર બની હોય, કે પોતાના પ્રમાણે ન બની હોય, તે છતાં ચૂપચાપ ખાઈ લે ! પણ પછી, ટીફીન સર્વિસ વાળાઓનાં, ઘરઘરાઊ માસીઓનાં ફોનનંબર શોધી શોધીને ટિફિન વિશે પૂછપરછ શરૂ કરી દે .

   

  હવે આ તો સીમાને માટે ઘરમાંથી બહારનો આડકતરો જાકારો જ હતો. એ ક્ષણ સિદ્ધાર્થને હજુયે યાદ છે, એક આવા જ વખતે, મમ્મી તખ્તા પરની ઝાંસી કી રાની બની, ડાયલોગ પર ડાયલોગ ઝીંકવા માંડેલી ! ફર્ક એટલો કે એ સ્ક્રિપ્ટેડ ન હતા અને મમ્મીના આંસુ નાટકીય ના હતા ....

   

  "..સીધી રીતે કહી દો ને, કે મારી જરૂર નથી હવે ?! ...મારો માપદંડ માત્ર રસોઈના આધારે જ કરવામાં આવે છે ,નહીં ? જાણે મારી ઓળખ એટલી જ ના હોય !? ..હું બહાર મોટી તોપ હોઈશ, લોકો સન્માન, પ્રશંસા, પ્રેમ બધું જ વરસાવતા હશે, પણ ઘરમાં મારી કિંમત ફક્ત આટલી જ ! તમે તમારી મા ના કાટલે મને તોળ્યા કરતા હો ,એ મારો વાંક? મા તો જનમથી ઘર જ સંભાળે છે, જ્યારે હું ઘર અને બહાર બંને મોરચે સંભાળું છું અને તે છતાં, તમારે ત્યાં રસોઈયાનો રિવાજ નથી, માત્ર એ સાચવવા પૂરતું, જાતે રાંધીને ખપાવવા છતાં, વખાણને બદલે વખોડાઉં છું ને, મારો એ જ વાંક..!!... "


  અને ગાજ્યા મેહ વરસ્યાં ..,પીલૂડાં પાડતાં બોલ્યાં:"..બંધાવો ટિફિન. સારું જ છે. જરા ખબર પડશે, મીઠું ઓછું કોને કહેવાય, તેલની તરી વધુ કોને કહેવાય એ ! આમેય હવે મારું અહીં શું કામ? હું મારાં સમય અને શક્તિ, રાંધવામાં હવે શું કામ બગાડું? ઘર છોડીને જતી રહું છું. પછી તમારે કમસેકમ રસોઈની ફરિયાદો નહીં રહે. બોલાવો તમારા મા ને.. કાં તો બંધાવો તમારા ટિફિન..."

   

   અને સિદ્ધાર્થની મા હડફડધડધડ કરતી બેગ લઈ, પોતાના બાપને ત્યાં જતી રહી.

   

   મહેન્દ્રએ આવો જીવલેણ હૂમલો થશે એવું નહોતું ધાર્યું એટલે બઘવાઈ ગયેલો, પણ જો કે થોડા દિવસમાં, ભાઈબાપા કર્યા પછી બધું થાળે પડી ગયું હતું. 

 

    સિદ્ધાર્થ સમજણો થતાં થતાં, આવા 'સીમા ગો બેક' અને 'ઘર વાપસી'ના પુનરાવર્તનથી હવે ટેવાઈ ગયો હતો. પપ્પા-મમ્મીનાં પાકકલારામ-રાવણ યુદ્ધ, ઈન્ડો-પાકનાં છમકલાં કે વિશ્વયુદ્ધનાં રૂપો ધારણ કર્યાં કરતાં. વચ્ચે વચ્ચે સીઝફાયર થતું રહેતું અને સિદ્ધાર્થ બન્નેનો મધ્યસ્થી થઈ, શાંતિ મંત્રણા કરાવી, ફરીથી ગોળધાણા ખવડાવી દેતો.

  

  ખૈર, આજે પહેલી વાર ઘરમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવો એકસાથે, ઉત્સાહથી ટીવી સામે બેઠા છે!! સિદ્ધાર્થ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે,એ પણ પ્રાઈમ સ્લોટ ન્યુઝમાં..! બહુ નાની વયે મોટો એવોર્ડ લઈ આવ્યો છે, એ માટે .

  

  એન્કર:" તમને એવોર્ડ મળ્યો એ બદલ અભિનંદન ! આપણા રાજ્યનું ગૌરવ વધાર્યું.."

  

 સિદ્ધાર્થ :"ખુબ ખુબ આભાર, પણ હું આટલેથી નહીં અટકું. હજુ દેશ-વિદેશમાં ફરી, રિસર્ચ કરીશ, લોકોને મળીને પછી મારી રીતે અવનવું શોધીશ."

 

  એન્કર:"તમને આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? તમારા પિતા બિઝનેસ કન્સલ્ટન્ટ અને માતા સફળ એક્ટર છે અને તમે અલગ જ ક્ષેત્રમાં?"

   

   સીમા અને મહેન્દ્ર પણ આ જવાબ જાણવા ઉત્સુક થઈ ગયાં, સોફાની ધારે આવી ગયાં છેક..

   

   "પ્રેરણા તો મારા માતા-પિતા પાસેથી જ મળી. એમ કહું કે, પિતા પાસેથી વધુ મળી...કેમકે..."

   

   અને મહેન્દ્ર ટટ્ટાર થઈને બેસી ગયો. સીમાને એમ કેમ લાગ્યું કે,એ ખૂણેથી એને જોઈ રહયો હતો, જાણે કહેતો હોય.'.જોયું? લાયક બાપનો લાયક બેટો !!'

    

    સિદ્ધાર્થ બોલી રહ્યો હતો..." કેમકે.. નાનપણથી હું જોતો આવ્યો છું. મારા મમ્મી વ્યસ્ત હોવા છતાં, પપ્પાના સ્વાદને પોષવાના બધા જ પ્રયત્નો કરતી અને મારા મતે મમ્મીની રસોઈ દુનિયાના કોઈપણ શેફને આંટે એવી હતી, અને છે. મારે ઘેર આવનાર મહેમાનો પણ આ જ કહેતા હોય છે ..."


    સીમા પહેલીવાર, દીકરાનું પોતાના માટેનું મંતવ્ય નેશનલ ટીવી ઉપરથી જાણી રહી હતી. હવે ખૂણેથી જોવાનો વારો એનો હતો, પણ..

    .." પણ, પપ્પા ક્યારેય સંતુષ્ટ થતા જ ન હતા, એટલું જ નહીં..." 

    

    મહેન્દ્ર ઉંચો નીચો થઇ ગયો ...

    

    "..આટલા સફળ વ્યક્તિત્વને, રસોઈની નાની-મોટી ભૂલોના ત્રાજવે તોળી, આત્મવિશ્વાસ તોડી નાખતા. નાનપણથી જ એ બાબતે થતી ચર્ચાઓથી હું વિચારતો, એક સ્ત્રીને એની રસોઈ પરથી જ સર્ટિફિકેટ મળે? અરે એને સર્ટિફિકેટની ય શું જરૂરત છે? અને પપ્પાને રસોઈની આટલી ક્રિટીક સમજ છે, તો એ જાતે જ કેમ નથી બનાવીને રાંધતા? બીજાની ખામી શોધવા કરતાં, જાતે જ વાનગીઓ શીખીએ,એટલે કોઈના વસુ ના રહેવું પડે .આપણે આપણા સ્વાદના રાજા!..."


    ટીવીની પેલે પાર સ્ત્રીપ્રેક્ષક એકચિત્ત...પુરુષપ્રેક્ષક ચારોંં ખાને ચિત્ત...


   " ... વળી,રાંધવાની કળા માત્ર સ્ત્રીઓને જ આવડે? અરે ન પણ આવડે, ચલો માન્યું, તો શું એનાથી મોટા અનર્થ થોડા થઈ જવાના છે? પુરુષો ય એ કળા શીખી શકે.. શીખવી જોઈએ..!

  બસ, ઘરમાં જ પ્રેરણા હતી, જેને લીધે મેં શેફ એન્ડ ફૂડ ડીઝાઈનર બનવાનું પસંદ કર્યું, જેથી બીજાના ટેસ્ટબડ્સને માટે તો ખરું જ,પણ આજે મારી પસંદગી પ્રમાણે હું જ વાનગી બનાવી લઉં છું. નવી વાનગીઓ શોધી પણ શકું છું અને આગળ જતાં હું ફક્ત પુરુષોને માટે કૂકીંગ ક્લાસ પણ યોજવાનો છું. આ શેફ ઓફ ધ સ્ટેટનો એવોર્ડ તો મારા માટે ફક્ત, મેં ધારેલી આ બધી દિશામાં ધપવાની નાની કેડી જ છે એથી વધુ નહીં.."


  'પ્રેરણાસ્ત્રોત' પિતા રિમોટ લઈ ખુલ્લા મોં એ ટીવીને તાકી રહ્યા છે.. અને ગર્વિત ગદગદિત માતા, બધી જ સ્ત્રીઓ વતી દિકરાને તાળીઓથી સ્ટેન્ડિંગ ઓવેશન આપી રહી છે...!!


Rate this content
Log in