"એલ એલ બી"
"એલ એલ બી"


વ્હોટ્સેપ ખોલતાં જ અચાનક નવું ગ્રુપ નજરે ચડ્યું. ભાવેશ ચીડાયો ,'કોણ છે, જેણે પૂછ્યા વગર ગ્રુપ બનાવ્યું અને પોતાને એમાં ઊમેરી પણ દીધો ?'
'એન વાય પી ડી ગેન્ગ' આ વળી કેવું નામ ?' પણ ગ્રુપનું ડીપી જોતાં જ, જાણે કે પીસ્તાળીસમાંથી એ એકદમ પાંચ વર્ષનો થઈ ગયો. "નવ યુગ પથદર્શક" શાળાના બાલમંદિરના પહેલા દિવસથી લઈ દસમા ધોરણના વિદાય સમારંભના છેલ્લા દિવસ સુધીનો પૂરો સમયગાળો એની સામે આવીને ઊભો રહી ગયો.
"એન વાય પી ડી ગેન્ગ !" હસવું આવી ગયું એને. આવા નામ કાં તો મનિયા મારફાડ, કાં તો હરખપદુડા ને જ સૂઝે !' મિત્રોને મૂળ નામથી તે કંઈ થોડા બોલાવાતા હશે ? આટલા વર્ષો પછી પણ ભદુ ઊર્ફે ભાવેશને બધા જ દોસ્તારોના લખ્ખણીયા ઊપનામો હૈયે હતાં.
એ સાચો હતો. મનિયો મારફાડ,એટલે કે મનીષ, અને હરખપદુડો જ ગ્રુપના કર્તાહર્તા નીકળ્યા. અતિઉત્સાહી પ્રદીપનું થયું પદુડો, ને 'હરખ',એ ભાઈબંધોએ એને આપેલું તખલ્લુસ.
ઓનલાઈન એકઠા થયા પછી મૂળ મુદ્દાની વાત આવી. શાળા પચાસ વર્ષ પૂરા કરી રહી હતી. નવા યુગની હવા લાગતાં, ગુજરાતી માધ્યમની ઘણી શાળાઓ હવે મ્યુઝિયમ થવા તરફ હતી, જેમાંની એક 'એન વાય પી ડી' એટલે કે નવયુગ પથદર્શક શાળા પણ ખરી. આ મામલે શાળાએ પચાસ વર્ષ નિમિત્તે સૌ કોઈના મત અને મદદ લેવા સમારોહ યોજ્યો હતો.આ કારણસર જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજાને શોધી, સંપર્કમાં રહી યથાયોગ્ય કરવા કટિબદ્ધ બન્યા હતા.
સમારંભના દિવસે શાળાનું નાનકડું પ્રાંગણ ઉંમરમાં, કદમાં અને પદ-પ્રતિષ્ઠામાં મોટા થઇ ચૂકેલા ભૂતપૂર્વ ટાબરિયાંઓને એક સાથે જોઈ ખીલી ઊઠ્યું. સૌને જાણે પોતાનું બાળપણ ફરી જીવવા મળી ગયું. આટલા વર્ષે એકબીજાને ખોળી કાઢવાનો અને ઓળખી કાઢવાનો આનંદ, કોયડા ઉકેલવાના આનંદ સમાન હતો. કેટલાક ચહેરાઓને ફંફોસવા પડ્યા, તો વળી કેટલાક તો એવા ને એવા જ, કોઈ ફેર નહીં !
"એન વાય પી ડી ગેન્ગ"ના સભ્યો પણ આજે રૂબરૂ મળ્યા. જીગો જાડૂ, વીરેન વેદીયો, પરાગ પંતુજી, અને 'આઘો પાછો'ય ખરા ! અમીત સહુથી અળગો, શરમાળ અને પરિન બધામાં ઢીલો એટલે એ બન્ને "આઘો પાછો" નામથી ઓળખાતાં.
જૂના વર્ગખંડોમાં લટાર મારતાં મારતાં, 'તને સાંભરે રે, મને વીસરે રે'ની જેમ જૂનાં સ્મરણો વાગોળવા માંડ્યાં. ત્યાં દોઢો છેલ્લી બેન્ચ પાસે આવીને અટક્યો, સહુને આંગળી ચીંધી : "ઓહો !! આ બેન્ચ હજુ અહીં જ છે ? જુઓ જુઓ,આપણી કળાકારીગરીનો નમૂનો પણ જેમ નો તેમ જ છેે." આ દોઢો,એટલે દેવશી.
બેન્ચની આરપાર જોઈ શકાય એટલું ધારદાર છોલીને એક નામ કોતરેલું હતું ,આજે પણ એકદમ અકબંધ ! 'એલ એલ બી' ! આ ઊપનામ જ એનું મૂળ નામ બની ગયેલું. એલ એલ બીને સતાવવામાં કોઈ જ બાકી ન હતું અને કોઈ એ કંઈ બાકી નહોતું રાખ્યું. શાળાના નામ પર એ એક જ તો બટ્ટો હતો. વર્ષોના અંતરાલ પછી પણ એલ એલ બીનો ઉલ્લેખ આ સૌની અંદર ઢબૂરાયેલ ટીખળને ફરી છંછેડી ગયો.
"ખૂબ શોધ્યો, પણ એ નંગ ક્યાંય મળ્યો નહીં." વ્હોટસપ ગ્રુપનો એડમીન પ્રદીપ બોલ્યો.
"ક્યાંથી મળવાનો ? દરેકે દરેક ધોરણનો એલ એલ બી હતો, કોઈ એક બેચનો થોડો હતો ? હશે ક્યાંક આપણાથી બે ત્રણ વર્ષ પાછળની બેચ સાથે." કેતન કોમેડી બોલ્યો અને નાનકડો વર્ગખંડ મોટા વિદ્યાર્થીઓના હાસ્યથી ગાજી ઊઠ્યો.
સમારંભ શરૂ થયો. ઔપચારિક વિધિઓ બાદ આચાર્યશ્રી માઈક પર આવ્યા. સૌને મદદ કરવાની હમણાં ટહેલ નાખશે એ અનુમાનની વિરુદ્ધ એમણે તો કંઈક અનપેક્ષિત જ જાહેરાત કરી. શાળાના યુ.એસ.એ સ્થિત, ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ભાઈ શ્રી એલેક્સના વિડિયો સંદેશને ચલાવવા આદેશ આપ્યો.
એલેક્સ ? નવયુગ જેવી ધૂળીયા શાળાનો આ ક્યો વિદ્યાર્થી ? શ્રોતાઓમાં ચણભણ વચ્ચે સ્ક્રીન પર 'ભાઈ શ્રી એલેક્સ' વિડીયો સંદેશમાં દેખાયા. ચહેરેેથી તો બિલકુલ કળાતું નહોતું. આટલો તેજસ્વી, ગરિમાવંત, ગર્ભશ્રીમંત લાગતો કોઈ વિદ્યાર્થી શાળાના પચાસ વર્ષ દરમ્યાનમાં આવ્યો લાગતો તો ન હતો ! ઊંચો, એકવડા બાંધાનો, સોલ્ટપેપર વાળ અને ફ્રેંચકટ દાઢીવાળો, બ્લેઝર પહેરેલ એલેક્સ દેખાયો અને એની સાથે સૌની આંખ અને કાન પણ એક થયા.
"સૌ પ્રથમ તો મારી માતૃભૂમિને,મારી શાળા ને, મારા શિક્ષકોને વંદન !"
ઘેરા,પ્રભાવશાળી, અમેરિકન એક્સેન્ટના ગુજરાતી અવાજથી સંમોહિત થયેલ માહૌલમાં આશ્ચર્ય કરતાં સસ્પેન્સ વધુ છવાઈ ગયું.
"આ સાથે જ અહીંથી હું જાહેર કરું છું કે, શાળાના નવનિર્માણનો બધો જ ખર્ચો હું ઉપાડી લઈશ. કોઈ પાસેથી આર્થિક સહાય માંગવાની જરૂર નહીં પડે. ઋણ ચૂકવવાનો આથી સારો મોકો કયો હોઈ શકે ?"
હર્ષોદગારની છોળો વચ્ચે પણ હજુ, એલેક્સ ,ના..ના.. હવે આ 'દાનવીર કર્ણ'નો અવતાર એલેક્સ છે કોણ ? એ વિશે મથામણ તો સૌના મગજમાં ચાલુ જ હતી.
"મને તો ઓળખી જ ગયા હશો !"
ક્યાંથી ઓળખે કોઈ ? એણે આપેલ જંગી દાન, એના સ્મિત, અને બાજનજરમાં એટલી તાકાત હતી કે, જનમેદની સોંસરવી વીંધાઈ ગઈ હતી !
"યુ એસ એની કોર્ટ માટે ફેડરલ જજ એલેક્સ, અને તમે સહુએ આપેલ મારા ઊપનામને સાચું ઠેરવવા તનતોડ પ્રયત્નો કર્યા, એવો એક નકામો, ડફોળ, વારંવાર નપાસ થતો રહેતો, શૂન્ય અસ્તિત્વવાળો, તમારો 'લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ', એટલે કે, 'એલ એલ બી'!!
મૂળ નામ, અલકેશ ! નામ તો યાદ નહીં હોય, પણ ધોરણ દસ-'બ'માં રહેલી એ છેલ્લી બેન્ચ અને એની ઊપર નક્શી કરેલ 'એલ એલ બી' તો યાદ હશે જ !.."
'એલ એલ બી' !
અલકેશ ?
ફેડરલ જજ !!?
ક્ષણભરનો સન્નાટો ! પછી કળ વળતાં જ, ચોતરફથી તાળીઓ, ચિચિયારીઓ ! સતત,એકધારી,અઢળક..!
ફોટોગ્રાફરે એ ક્ષણ તરત સંઘરી લીધી જેમાં અમુકની આંખો રીતસર પહોળી થઈ ગઈ હતી અને ડાચાં જોવાં જેવાં ! એ અમુક કોણ,એ કહેવાની જરૂર છે ખરી !