કસુંબીનો રંગ
કસુંબીનો રંગ


“બધાને સમજાઈ ગયું ? જરા પણ ભૂલ ન થવી જોઈએ, નહિંતર તમારા જ ધારિયેથી તમને જ વાઢી નાખતાં જરાય સમય નહીં લાગે. અને હા, કામ પત્યા પછી છ મહિના સુધી કોઈ આ શહેરમાં દેખાવા ના જોઇએ. યાદ રાખજો, પકડાઈ જશો અને મારું નામ દેશો, તો પણ તમે મારું કંઈ નહીં બગાડી શકો. પણ તમે જરૂર તકલીફમાં આવી જશો. તમે કામ હાથમાં લીધું છે, તો એ તમારા માટે, પૈસા માટે ! એ પટિયા ! તારા છોકરાઓ તૈયાર છે ? સમજાવી દીધું છે ને ?”
“ભાઈજી, કહેવું ન પડે. આ કંઈ પહેલી વારનું થોડી છે ? બધાને બરાબર ટ્રેઈન કરી દીધા છે. અને ત્યાર પછી જ કામમાં ઉતાર્યા છે. બેફિકર રહો. ક્યારે, ક્યાં, એ કહી દો. કેવી રીતે, એ અમને ખબર જ છે.” ભાઈજીના ભાડૂતી ટપોરી પટિયાએ હૈયાધારણ આપી. પટિયો, ચાર્જર, બેટરી, દગડુ, હીરો આ બધા ભાઈજીના ખાસ સાગરીતોના ખાસ નામ હતાં. મૂળ નામ શું હતાં, એ તો એ લોકોને પણ યાદ નહીં હોય.
ભાઈજી,એટલે રાજનીતિમાં નહીં પણ ડાબેરીનીતિમાં એક નામચીન નામ. ઉઘરાણી,ખંડણી, વિરોધ, રેલી અને છમકલાંથી શરૂ કરી, ધીરેધીરે ધાકધમકી, સત્તા ઉથલાવવી, સત્તા બનાવવી, દંગાફસાદ અને તોફાન સુધી ભાઈજીનો વ્યાપ વિસ્તરી ચૂક્યો હતો. એનો ઇલાકો તો શું ,આખા રાજ્યમાં એનું ચલણ કોઈ સત્તાધીશથી કમ નહોતું. મંત્રીઓથી લઈ, મહાઉદ્યોગપતિઓ સુધી ભાઈજીના નામના સિક્કા ઉછળતા અને એટલે જ સહુનો ભાઈજી સાથે પોતપોતાના મતલબ મુજબનો ભાઈચારો હતો. એમની કુશળતા જ એવી હતી કે,આજ સુધી ક્યાંય, ક્યારેય, પકડાઈ જાય એવા પુરાવાઓ એમણે છોડ્યા ન હતા, યા તો એમને છાવરવા માટે પુરતા પુરાવાઓ ઉભા કરવામાં આવતા હતા.
આમ તો સરકારને ચોપડે એમનો વ્યવસાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નોંધાયો હતો. પરિવારને ગંધ સુદ્ધાં ન આવે એટલી તકેદારી ભાઈજી રાખતા. ગામડેથી આણેલી પત્નિ આ બધી પળોજણ બહુ સમજતી નહીં. ઘરથી ઘરનો જ નાતો રાખતી, એ ભાઈજી માટે જમા પાસું હતું. હા, પણ પત્નિને કાયમ એમ ચોક્કસ થતું કે, જ્યાં પણ બેય માણસ ને અંગત કામે ક્યાંય જવાનું હોય, સિનેમા, ફરવા જવાનું હોય, ત્યાં પણ બોડીગાર્ડ કેમ સાથે ને સાથે રહેતા ? છણકો કરીને પૂછતી, ત્યારે ભાઈજી એને સમજાવી દેતા. કોઈવાર ધમકાવીને ચૂપ કરી દેતા.
રાતે દસ વાગ્યાનો સમય છે. પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની, બંધ શટર વાળી ઓફિસમાં ખાનગી મીટિંગ રાખેલી છે. ભાઈજી એમના છોકરાઓને સમજાવી રહ્યા છે. ઉપરથી ઓર્ડર આવ્યો છે. બરાબર બે કલાક પછી કામ પાર પાડવાનું છે અને આ કામ માટે તગડી રકમ, જરૂરી સીમકાર્ડ, નકલી આઈ.ડી. વગેરે પણ અગાઉથી અપાઈ ચૂક્યા છે.
”પોતપોતાના એરીયા પકડી લો જલ્દી અને બહાર એક પછી એક નીકળજો. કોઈ સાથે વાતચીત ન કરશો. એસિડની બોટલો, સળગતા કાકડા બધું તૈયાર ? હું મારી રીતે બધી જ માહિતી મેળવતો રહીશ. ખબરદાર! મને કોઈએ ફોન કર્યો છે તો !” સૂચનાઓ આપી ભાઈજી પાછલે બારણેથી પોતાના શર્ટના આગળના ખુલ્લા બટનમાંથી ડોકાતી સોનાની ચેઈન ઝુલાવતા એમના શહેરથી દૂરના ફાર્મહાઉસ ભેગા થઈ ગયા, અને આ તરફ ટોળકી શહેર તરફ જવા વિખરાઈ ગઈ.
બરાબર રાત્રે એક વાગે ન્યૂઝ ચેનલો ધમધમવા લાગી. શહેરના સંવેદનશીલ ભાગોમાં નાનકડા જૂથમાં બોલાચાલી અને પથ્થરમારા બાદ તોફાનો ફાટી નીકળ્યું. ઠેરઠેર વાહનો સળગતા દેખાયા. ઘરના છાપરે સળગતા કાકડા, એસિડની બોટલો ફેંકાયા. બારણાં ખખડાવીને લોકોને બહાર કાઢી, લાકડીઓ, હોકીથી મારવામાં આવ્યા. આ તરફ ભાઈજી પોતાના ક્વોટા સાથે નમકીન લેતા લેતા, ટીવીમાં દેખાઈ રહેલો તાંડવતાલ જોતા રહ્યા.
પાંચેક દિવસ ભારેલો અગ્નિ રહ્યો. નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા. દુકાનોમાં લૂંટફાટ થઈ. જાહેર જીવન અને સુખ-શાંતિને ખૂબ નુકશાન પહોંચ્યું. દેશમાં, દુનિયાભરમાં આ બનાવના પડઘા પડતા રહ્યા .ચર્ચાઓ, ઇન્કવાયરી કમિશન, વિરોધી પાર્ટી પર આક્ષેપો, કેટકેટલું તરકટ ચાલતું રહ્યા. શહેરમાં તાત્કાલિક કર્ફ્યૂ અને શૂટ એટ સાઈટ લાગૂ કરવામાં આવ્યા.
સીએપીએફની બટાલિયન ખડકલો થઈને ગલી મોહલ્લામાં પૅટ્રોલિંગ કરવા લાગી. કર્ફ્યૂને બીજે જ દિવસે ભાઈજીની પત્નિને કસમયે સુવાવડનું વેણ ઊપડ્યું. જેમતેમ કરીને એમ્બ્યુલન્સ અને જવાનોની ટીમ ઘેર આવી ગઈ અને ફસાદી શહેરના ખૂંખાર સન્નાટા વચ્ચે ભાઈજીની પત્નિને સંભાળીને હોસ્પિટલ ભેગી કરી દીધી. એક તરફ નફરત, આતંક, હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો હતો, તો બીજી તરફ એક જીવ આ દુનિયામાં આવવા થનગની રહ્યો હતો. પાછો વિના કોઈ વિઘ્ને આવ્યો પણ ખરો. ભાઈજીને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો. પાંચ વર્ષનો અભિજીત આ પાંચ દિવસમાં એકાએક મોટો થઈ ગયો.
કુમળા બાળમાનસ પર આ દંગાફસાદની ઊંડી અસર પડી ગઈ. બારીની તિરાડમાંથી એ બહાર જોયા કરતો. ના સીએપીએફના જવાનો બંદૂક લઇને ફરી રહ્યા છે. એક સળગતું સ્કૂટર ખૂણે પડેલું છે. લોકો દોડભાગ કરી રહ્યા છે. આ બધું જોઈ, ભયના માર્યા એ નજર ફેરવીને ચાદર માથા સુધી ઓઢી લેતો. માને દુ:ખાવો ઉપડ્યો ત્યારે ખબ ખબ ખબ કરતા જવાનો જે રીતે આવ્યા, માને ઊંચકીને એમ્બ્યુલન્સમાં લીધી અને સાથે પોતાને તેડીને બેસાડી દીધો એ જોઈને ડઘાઈ ગયેલો. એમ્બ્યુલન્સની બારીની બહાર આખા શહેરને ભડકે બળતું જોઇ હેબતાઈ જ ગયેલો. ભયભીત નજરે ,અંદર બેઠેલા યુનિફોર્મ બંદૂકધારીઓને જોઈ સંકોચાઈ ગયેલો.
પણ એક બંદૂકધારી એની પીઠ થપથપાવીને બોલ્યો : ”ડરે છે ? ડરવાનું નહીં ! અમે છીએ ને ? તને કોઈ કંઈ નહીં કરે .”
“અમે છીએ ને ?” આ વાક્યથી એનો ભય એકદમ જતો રહ્યો અને આંખોમાં ભરોસો આવીને બેસી ગયો.
ધીરે ધીરે માહૌલ સામાન્ય થવા લાગ્યો.જનજીવન રાબેતા મુજબ થવા લાગ્યું. મા સુખરૂપ ઘેર આવી ગઈ.
ઘેર આવતાં જ અભિજીતે ભાઈજીને પૂછેલું : ”કોણ હતા એ બંદૂકધારીઓ ?”
“દેશના જવાનો.”
“એટલે એ કોણ?”
“આપણી રક્ષા કરે એ.”
“કોના થી?'”
ભાઈજી ચૂપ થઈ ગયા.ધૂંધવાઈને ટીવીની ચેનલો ફેરવવા લાગ્યા.
“કહોને, કોનાથી ? ”છોકરાએ જીદ પકડી.
“તારી માને પૂછ. માથું ના ખા મારું.” ભાઈજી વધુ ચિડાયા.
પાંચ વર્ષના દીકરાને કઈ રીતે સમજાવવું કે, આ વખતે મામલો કોણ જાણે કેમ એમની તરફેણમાં ન હતો. મીડિયા, સોશિયલ મીડિયા,સીબીઆઈ, દિલ્હીવાળાઓનું મૌન, અને લોકોનું દબાણ વગેરે એ એમની ફરતે ઘેરો ઘાલ્યો હતો. મોડુંવહેલું એમનું નામ સંડોવાશે જ, એ ભીતિ કોરી ખાતી હતી. એમ જ થયું. થોડાક દિવસોમાં જ કેટલાક મોટા માથાંઓ ભેગી ભાઈજીની પણ બીજા રાજ્યમાંથી ધરપકડ થઈ. પછી તો જે આપણા દેશમાં થાય છે એ જ ચાલ્યું .વર્ષો સુધી કેસ ઢસડાયો. છાપામાં પહેલા પાને મથાળે, રોજરોજ મથાળે, પછી અઠવાડિયે, પખવાડિયે, મહિને, પછી બીજે પાને ,ધીરે ધીરે ચોથે પાને, છેલ્લે છેલ્લા પાને કેસ આવીને ઝાંખો થઈને જતો પણ રહ્યો. આમ પણ આપણે ત્યાં લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે. ભાઈજીની તરફેણ અને વિરુદ્ધમાં જૂથબંધી, ચર્ચાઓ ચાલતાં રહ્યાં અને થોડા વખતમાં ભાઈજી વિસરાઈ પણ ગયા.
સમય વીતતો રહ્યો. દસ વર્ષનાં વહેણ વહી ગયાં છે . અભિજીત પંદરનો અને અભિષેક દસ વર્ષનો થયો છે. પણ આ દસ વર્ષમાં અભિજીત ઘણું નિરીક્ષણ કરતો થઈ ગયેલો. શાળામાં, સમાજમાં એમના તરફ લોકોની દ્રષ્ટિ ફરી ગયેલી. કેમ ?એ સમજાઈ ગયું. જે પપ્પાને એ હીરો માનતો હતો, એ પપ્પા જેલમાં છે. કેમ ? એ સ્પષ્ટ થતું ગયું. તે રાત્રે ભડકે બળતા શહેરમાં દેવદૂત બનીને આવેલા બંદૂકધારીઓ. કોણ ? કેમ ? એ પણ સમજાઈ ગયું. એ વખતે એના પપ્પા પોતાના એક પણ સવાલનો જવાબ સીધી નજરે નહોતા આપી શકતા. કેમ ? ચોખ્ખું વર્તાઈ ગયું.
એણે હવે બાપને જેલમાં મળવા જવાનું, એમને કાગળો લખવાનું મૂકી દીધું. એ વિશેના સમાચારો વાંચવાના મુકી દીધા. એનો કોઈ સહારો હતા તો, એની મા, નાનો ભાઈ અને પુસ્તકો. એ પોતાની અંતર્મુખી દુનિયામાં ખોવાયેલો, વિચારોમાં અટવાયેલા રહ્યા કરતો.
સમયનું ચક્ર વણથંભ્યું ચાલ્યા કર્યું.અને એની સાથે ઘણો બદલાવ પણ આવ્યો. આ વર્ષની પંદરમી ઓગસ્ટે દેશના વીર જવાનોને અગ્રીમ સન્માનથી નવાજવામાં આવ્યા છે. એમાંના એક જવાનનો ટીવી પર ખાસ ઇન્ટરવ્યુ છે. ઇન્ટરવ્યુ લેનાર જણ, એ જવાનની ઓળખાણ આપતાં કહે છે ; ”મળો દેશનું અગ્રીમ સન્માન મેળવનાર શ્રી અભિજીતને, જેમણે પોતાની બહાદુરી અને કુનેહબાજ યુક્તિઓથી દેશની અંદર એક મોટું તોફાન થતાં અટકાવી દીધું. એમના નાનાભાઈ શ્રી અભિષેક બીએસએફમાં કાર્યરત છે. આ એક વિષમતા અને અંતિમ છેડાનું ઉદાહરણ છે, કે જેમના પિતા અત્યારે દેશદ્રોહના ગુનામાં સજા કાપી રહ્યા છે, ત્યારે તેના બંને પુત્રો દેશની સેવા કરી રહ્યા છે. આપ એ વિશે કંઈ જણાવશો ?”
“હા, કંઈપણ છુપાવ્યા વિના જણાવીશ.” ભાઈજીના આ સપૂતે સ્થિર, કડક અવાજ અને ફૌજી નજરથી કેમેરાની આંખોને વિંધતાં કહ્યું, ”મારા પિતાનો કેસ તો સૌને ખબર છે જ. એ વિશેના મુદ્દામાં ન પડતાં એટલું જ કહીશ કે, બહુ કાચી ઉંમરે મેં હિંસાની બે બાજુ જોઈ છે. સત્તાની બે બાજુ જોઈ છે. હથિયાર ની બે બાજુ જોઈ છે. નુકસાન કરવા માટે હથિયાર જોઈએ, પણ દેશની સુરક્ષા માટે એ જ હથિયાર શસ્ત્ર તરીકે એક ગૌરવ મેળવે છે. હિંસાથી જાનહાની થાય પણ, એ જ હિંસા સરહદ પર દેશ માટે ક્યારેક આવશ્યક અને દોષરહિત બની જાય છે, તો આંતરિક સુરક્ષા માટે કવચરૂપ. ધારિયા, હોકી ,લાઠી ,લાકડીધારીઓ માત્ર દંગા જ કરાવી શકે, પણ એક યુનિફોર્મ વાળો બંદૂકધારી, જરૂર પડ્યે દેવદૂત પણ બની જાય એવું સામર્થ્ય અને એવો દમામ યુનિફોર્મમાં છે.
શક્તિઓ વાપરવી જ હોય તો દેશના હિત કાજે કેમ નહીં ? આ વાત મારા જ ઘરમાંથી શીખવા મળી અને સમાજનો પણ આભાર કે, મારા પરિવાર પ્રત્યે ઊદાર રહ્યો. જમાનો બદલાઈને મોકળો થયો છે, તો સામે લોકોના વિચારો પણ માફી માટે મોકળા થયા છે. મને મારી રીતે આગળ આવવાના પુરા મોકાઓ સમાજે પણ આપ્યા. બાપના કર્મોએ બેટાનો શું વાંક, એ દ્રષ્ટિએ ભણવામાં,આગળ વધવામાં સૌએ બનતી સહાનુભૂતિ અને મદદ આપી છે, જેને લીધે હું આત્મવિશ્વાસુ બન્યો.
મારી પાસે બે ઉદાહરણો હતા ; એક મારા પિતાનું, જેણે એમના શક્તિ અને શસ્ત્રો ગેરમાર્ગે વાપર્યા અને બીજું જવાનોનું, જેણે એ જ બંનેને આગળ રાખી, મારી મા અને એવા અનેક લોકોની રક્ષા કરી અને મારી પણ. એક ધરપત, એક ભરોસો કે, ’અમે છીએ ને ?’ એ આપણા દેશના જવાનો જ આપી શકે, નહીં કે ધારિયાધારી જુવાનો. નક્કી મારે કરવાનું હતું કે, કયો રસ્તો અપનાવવો ?”
“સીધો હિસાબ છે. ખોટા રસ્તે હિંસા આચરીને મરી જઈશ તો, બની શકે કે મારા દેહને ચિતાએ ચડાવવા પણ કોઈ ન આવે. પણ એક બહાદુર યોદ્ધો બનીને ખપી જઈશ તો, ભારત મા ખુદ મને તિરંગો બની પોતાની ગોદમાં લપેટી લેશે અને મારી શહીદી પર ગૌરવ લેતાં કહેશે કે, જય જવાન ! માટે અભિ નહીં તો કભી નહીં,એ વિચારી હું આ રસ્તે ચાલી નીકળ્યો.”
પોતાના દીકરાનો ઇન્ટરવ્યૂ જોઈ રહેલા ભાઈજી જેલમાં બેઠા પસ્તાઈ રહ્યા છે કે, જે આખી જિંદગી દરમ્યાન ના સમજાયું, એ પોતાના દીકરાને બહુ નાનપણમાં જ સમજાઈ ગયું. પોતાની બધી કૂટિલનીતિઓને રણસંગ્રામનીતિમાં ફેરવી હોત તો ? અને આ બાજુ સમગ્ર દેશમાં, ‘અભિ નહીં તો કભી નહીં' નું હેશટેગ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. અભિજીતને આદર્શ માની, ઘણા ગુમરાહ યુવાનો દેશ કાજે ફના થવા ડીફેન્સની ત્રણ શાખાઓ, પેરામિલીટરી ફોર્સ, પોલિસ ફોર્સમાં જોડાવા તરફ વળ્યા છે. દેશની દિશા અને દશા બદલવાની રાહે એક પગલું, અનેક પગલાંઓને કસુંબલ રંગે રંગી સાથે લેતું ચાલ્યું ,ખરેખર !