Medha Antani

Drama Thriller

4  

Medha Antani

Drama Thriller

સંબંધાયન

સંબંધાયન

5 mins
344


દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે જ સોસાયટીના બેઠા ઘાટના ઘરનાં ધાબાંઓ ધમધમતાં થઈ જાય. કિન્નાઓ બંધાવા માંડે, ફિરકી, પતંગ, ગોગલ્સ, હેટ, સાઉન્ડ સિસ્ટમ અને ઊંધિયા જલેબીના જુગાડ થવા લાગે.

   દિવસ આખો આકાશ તરફ રાખેલાં મોઢાં તપાવીને છોકરાંવ છેક બપોરે માંડ નીચે ઊતરે એટલે જોશીકાકાની બૂમાબૂમ શરૂ થઈ જાય:"એઈ…! વાંદરાના પછવાડા જેવા લાલઘૂમ ડાચાં કરીને આવ્યાં છો બધાંય. સવારથી દેકીરો કરી મૂક્યો છે ધાબે ! હાલો, જલદી જમી લો એટલે તમારી મા પરવારે. હાળાંવ રજાને દિવસે ય સખે સુવા નહીં દે આ લોકો." બબડાટ ચાલતો રહે અને જોશીકાકાના હિમાંશુ, ભાવિક, પ્રવીણ અને મેઘા તથા બાજુવાળા કુમુદબેનના મોન્ટુ,જયુ,નાનુ સહિત આડોશપાડોશના બીજા ય પાંચ છ છોકરાંવ લુસલુસ ખાઈને ફરી ધાબું ગજાવવા પહોંચી જાય.

   રાત્રે કુમુદબેનના બે માળવાળા ઘરને ધાબે ધામા નાખવાના, કેમ કે, ત્યાંથી તુક્કલ સારી ચડે, વળી કુમુદબેન બધાંયને પોતાના તરફથી પાંવભાજી અને આઈસ્ક્રીમ પાર્ટી આપવાના હોય, એ નફામાં. 

   વાસી ઉત્તરાણે પણ બપોર સુધી બધાનો ઉત્સાહ તાજો હોય પણ પછી દિવસ આથમતાં આથમતાં સૌ પોતપોતાના જીવનમાં વાસીતાજા થઈને ગોઠવાઈ જાય.  

   ગુરુકૃપા સોસાયટીની શેરી નંબર પાંચની આ વર્ષોની પ્રથા કહો કે પ્રેમ, પણ શેરી, ઉત્તરાયણની આસપાસ એકદમ જીવંત થઇ જાય. એમાં પણ આ બન્ને ઘરોની ફરતે થોડી ખુલ્લી જગા હોઈ, પતંગબાજો માટે એકદમ મોકળાશ રહેતી હોવાથી, બન્ને ઘરો પતંગના રસિયાઓ માટે અડ્ડો બની જાય. 

    દરેક ઉતરાયણનો આ જ ક્રમ. જોશીકાકાના, પીપૂડાના ઘોંઘાટ, મોટા વોલ્યુમ ઉપર વાગી રહેલા બકવાસ ફિલ્મી ગીતો, ધાબે ચાલતી ધમાલ, કાચ પાયેલા માંજાવાળી ફીરકી વગેરે વિષયો પર એકના એક બળાપાવાળા ડાયલોગ્સ વચ્ચે પણ બે ય ઘરોના ધાબાઓનું આકાશ રંગબેરંગી પતંગો સાથે ,લપે...ટ, કાપ્યો ....છે, જેવા નારાઓથી ગુંજી ઉઠતું.

   એક ઉત્તરાણે હિમાંશુના મિત્રો આવ્યા હતા. ધાબા પર ઊંચા વોલ્યુમે હનીસીંઘ યો..યો કરી રહ્યો હતો. નીચે જીંજરા, બોર, જામફળ, શેરડી, ચીકી, તલવટ સાનીની થાળીઓ અરસપરસ ફર્યા કરતી હતી અને ઉપર આકાશમાં એમની પતંગો ચગ્યા કરતી હતી.

   એકાદ મિત્રે જયુની પતંગ કાપી. જોશીકાકાનું ધાબુ ગુંજી ઉઠ્યું :"એ ..કાપ્યો ...છે !"

   જયુ ધૂંધવાયો. પોતાને ધાબેથી બરાડો પાડીને બોલ્યો:" 'લ્યા હિમાંશુ ! તારા ભાઈબંધ ને કહે,પોતાની જ ટીમની પતંગો આપવાનું બંધ કરે." હિમાંશુએ મિત્રને વાર્યો પણ ખરો, ત્યાં બીજાઓ બોલી ઊઠ્યા:" બે ! ઉતરાણમાં કેટલી પતંગો કાપી એ જોવાનું હોય, કોની કાપી, એ ના જોવાનું હોય." બસ! વાત વટે ચડી. જયુએ એમની બે કાપી. સામે એ લોકો એ નાનુની બે પતંગ કાપી. મામલો પતંગથી ય વધુ ચગી ગયો. 

   થોડીવાર તો આમ જ ચાલ્યું પણ પછી મોન્ટુથી ના રહેવાયું અને બાખડી પડ્યો. પ્રવીણ અને ભાવિક વચ્ચે પડે એ પહેલાં બહારથી આવેલ મિત્રોએ બાંયો ચડાવી.    

   શાબ્દિક યુધ્ધ જામી પડ્યું,બરાબર ત્યારે જ ક્યાંકથી કોઈકની કપાયેલી પતંગ લહેરાતી લહેરાતી બંને ધાબા વચ્ચેથી પસાર થઈ.લંગસ મોટું હતું.જુવાનીમાં જોશ હોય,પણ હોશ ન હોય. ટણીમાં ને ટણીમાં બંને પક્ષે હાથ લંબાવી પતંગ ઝૂંટવાની કોશિશ કરી. ઝપાઝપીમાં નાનુ સંતુલન ગુમાવીને ગબડી પડ્યો. અચાનક થયેલી આ ઘટનાથી હો.. હા, દોડધામ, કાગારોળ થઈ ગઈ. બે માળના ધાબેથી પડે, એ કંઈ બચે ખરો ? પણ કોઈક પુણ્ય બળે નાનુ ગંભીર ઇજાઓ સાથે બચી ગયો.

 જોશીકાકા અને કુમુદબેનના ઘર વચ્ચે આમ જુઓ તો એક પાળીદિવાલનું જ અંતર હતું, પણ હવે એક મોટી ખાઈ રચાઈ ગઈ.આ દુર્ઘટના પછી જોશીકાકાએ ધાબે કાયમ માટે તાળું મારી દીધું છે,વળી ચાવી છેક બેંકના લોકરમાં મૂકી આવ્યા છે ! ઘરે એક પણ ભાઈબંધોને લાવવાની મનાઈ ફરમાવી છે. ઉત્તરાયણ ઉજવવા પર પાબંદી લાગી ગઈ છે. કુમુદબેન પણ હવે ખટરાગનો એક પણ મોકો ચૂકતા નથી. નાનુ લગભગ ત્રણ વર્ષે સંપૂર્ણ સાજો થઈ તો ગયો, છતાંય બંને પરિવારો અને પરિવારના સંતાનો વચ્ચે સતત એક મૌન તણાવ વધતો જ ગયો.

   ત્યાર પછી કેટલીય ઉત્તરાણો આવી અને ગઈ,પણ બંને ધાબાંઓ સૂના જ રહ્યાં.

  ગઇકાલના છોકરડાઓ આજે ઠાવકા, જવાબદાર માણસો બની ગયા છે. મેઘા સાસરે, જ્યારે પ્રવીણ, ભાવિક યુ.એસ.માં અને મોન્ટુ બેંગ્લોર. જ્યારે જયુ યુ.એ.ઈ. સેટલ થયો છે. ઉત્તરાણ વખતે ખખડાવ્યા કરતા જોશીકાકા અને પાંવભાજી ખવડાવનાર કુમુદબેન હવે નથી રહ્યાં. મોટા હજીરા જેવા પોતાના ઘરોમાં હિમાંશુનો પરિવાર અને નાનુનો પરિવાર જ રહે છે. જો કે રખરખાવ હજુ પણ,ખપપૂરતો અને ખચકાટવાળો જ છે.

  સમય પ્રમાણે ઘણું બધું બદલાયું. એક બિલ્ડર તરફથી સારી ઓફર મળી છે. જોશીકાકા, કુમુદબેનના તથા એ જ હરોળના અન્ય બે ઘરોના રહીશો સહમત થાય તો ત્યાં બહુમાળી ઇમારત બનાવવાની એક ઓફર, જેમાં આ રહીશોને એક આખો માળ આપવામાં આવશે.

  બાકીનાં સહુ તૈયાર હતાં, આ બે ઘરો સિવાય. હિમાંશુ અને નાનુએ પોતપોતાના ભાઈઓ સાથે મળીને નિર્ણય લેવો પડે એમ હતો.

  બે હજાર વીસનું વર્ષ બેઠું છે. વર્ષો પછી બંને ઘરના સભ્યો ઉત્તરાયણ પર હાજર છે, સ્વર્ગસ્થ જોશીકાકા અને સ્વર્ગસ્થ કુમુદબેનની બીજી પેઢી એટલે કે‌,પૌત્રો પૌત્રીઓ સહિત તમામ એન.આર.આઈ સંતાનો આવ્યા છે. ઇન્ડિયન કાઇટ ફેસ્ટિવલ અને એમાં કરેલી મજાઓ વિશે પોતાના ડેડ પાસેથી આ બધાં જ બાળકોએ ખૂબ વાતો સાંભળેલી.

  એક અરસા પછી ધાબે વાસેલું તાળું તોડવામાં આવ્યું, અને જોશીકાકાના ઘરનું ધાબું ફરી ધમધમતું થયું.

  એવી જ રીતે બાજુના કુમુદબેનના ઘરના ધાબે પણ ચહલપહલ શરૂ થઇ.

   છોકરાંઓને પતંગ ચગાવવાનું શીખવતી વખતે એમના પપ્પાઓ જાણે ફરીથી દસ-બાર વર્ષના ટાબરિયા બની ગયા. લાંબા વખત સુધી બંને ઘરો વચ્ચેની જે મૌનની દોરી આકાશમાં ઠુમકા ખાતી ચગી હતી, તે આજે જાણે એક ઝાટકે કપાઈ ગઈ.

  ધાબા ટુ ધાબા બોર અને ચીક્કીની આપ-લે થઈ અને પછી તો જાણે જૂનો સમય પાછો આવી ગયો ! સાંજે હિમાંશુના આગ્રહને વશ થઈ કુમુદબેનનો સમગ્ર પરિવાર, જોશીકાકાને ઘરે આવ્યો. પ્રવીણ, ભાવિક, મોન્ટુ, જયુ, નાનુ, સહુ એકબીજાને સ્નેહથી ભેટી પડ્યા. હિમાંશુની પત્નીએ જ્યારે પાંવભાજી અને આઈસક્રીમ પીરસ્યાં, ત્યારે તો સહુ ગદગદ થઈ ગયાં, બાળપણના દિવસો જાણે વીંટળાઈ વળ્યા.

   બાંધેલો બંધ તૂટ્યા પછી કંઈ કેટલીય વાતોનું ઘોડાપૂર વહી જઈને,શમ્યું, ત્યારપછી નાનુ ધીરેથી બોલ્યો :"કંઈ પણ કહો, ઘર છે, તો ધાબું છે. અને ધાબું છે તો, ઉત્તરાણની મજા અને આ બંને પાડોશી સંબંધની દોરી ટકી રહ્યાં છે. આપણા ધાબાથી તો આપણું બચપણ ઘડાયું છે. ગમે તે કહો, બિલ્ડિંગમાં ઘરના ધાબા જેવી ઉત્તરાયણની મજા નહીં."

   પ્રવીણ સહમત થયો: " સાચી વાત, બકા ! ધાબું, એ તો આપણા સંબંધોનો ધોરીમાર્ગ છે. આપણા પછીની પેઢીને આ વાત શીખવવી હશે, તો બિલ્ડીંગ નહીં પણ આવાં ધાબાવાળાં ઘર જ જોઈશે. નસીબજોગે આપણી પાસે એ સગવડ છે, તો બિલ્ડિંગના ખોખામાં શું કામ પુરાઈ રહેવું, જ્યાં જમીન તમારી નહીં, આસમાન પણ તમારું નહીં? તો પછી.... શું નક્કી કરીશું ફાઇનલી?"

   "ફાઈનલી અંકલ, ફ્રોમ ધીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ઉત્તરાયણ, નાઉ ઓનવર્ડ્સ, એવરી યર, ઉત્તરાયણ સેલીબ્રેશન વીલ બી ઓન ઈન્ડીયન હાઉસ ધાબા! હેય...! આઈ લાઈક ધીસ ક્રન્ચી પફ બોલ્સ, મેન !"

   અચાનક રસોડામાંથી બબ્બે હાથે મમરાના લાડુ ખાતો ખાતો ભાવિકનો ટેણિયો ત્યાંથી આવું કંઈક બોલતો બોલતો પસાર થઈ ગયો, અને સૌ હસી પડ્યા.

   તનાવની ફિરકીને જરાક ઢીલ મળતાં જ,બન્ને પડોશીઓની લાગણીઓની પતંગ ફરી સંબંધના આકાશને આંબવા લાગી અને,એમની સંધિથી ધાબું ફરી ઠાઠમાં આવી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama