એ કાળી કાળકેદ
એ કાળી કાળકેદ


સમય જ બધું સલવાડે અને સમય જ બધું સમું કરી દે, એવું લોક મોઢે આપણે સાંભળીએ તો છીએ. પણ ક્યારેક એવું નથી પણ થતું હોતું. કોઈ એવી ક્ષણો પણ આવી જતી હોય છે, જે વીતેલા સમયને સામે લાવી મૂકી દે, અને પછી આપણે જીવતાં તો હોઈએ પણ એની ઈર્દગિર્દ જ ઘૂમરાયા કરીએ.
સાંજ ઢળતાં, ઘડિયાળનો કાંટો જેમ જેમ સાડા સાતથી આગળ જાય, એમ એમ સંધ્યાના બીપીની સાથે સાથે એનાં અકળામણ, મૂંઝારો વધતાં જાય. જાણે સાડા સાતથી સાડા આઠનો સમય સંધ્યાની ફરતે મજબૂત દીવાલો રચીને ઊભો રહી જતો હોય. અને એ ગૂંગળાઈને અકળાઈને, પટકાઈને, પીંખાઈને છૂટવા મથતી તો હોય, પણ છટપટાવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ ન બચતો હોય !
એવું નથી કે, એ સાંજના ઘેરા થતા જતા આ સમયને ગમે તે રીતે પસાર કરી નાખવાનાંં યત્નો નથી કરતી. ઘરકામમાં, પેઈન્ટીંગ્ઝ કરવામાં, ટીવી જોતાં જોતાં, કે કોઈ વાર આમ જ, બિલ્ડિંગના જોગર્સ પાર્કમાં એ જાતને થકવી નાખે છે.
'આ સમય, સાંજના આટલા ભાગને જો ઠેકીને ચાલતો હોત તો ? તે વખતે પેલો સમય આવ્યો જ ન હોત તો ?" રોજ એ વિચારીને કંપી ઊઠતી. જીવનની રોજીંદી ઘટમાળમાં એની અંદર ચાલી રહેલા આ બધા સૂક્ષ્મ ફેરફારોને, એનો પતિ નથી જોઈ શકતો, તો બાળકો તો ક્યાંથી જોઈ શકે ? સંધ્યાએ પોતે જ પેલા કાળા કલાકને ક્યાંય ભંડારીને રાખેલ છે.
એણે તો એની માને પણ ક્યાં કળાવા દીધું હતું ? મા તો એવા સધિયારે જ રાચતી, કે સંધ્યાનું ગણિત કાચું છે , પણ ભલું થાજો ભલાકાકાનું, જેણે સંધ્યાને ટ્યુશન આપીને ગણિતમાં બચાવી લીધી. મા રોજ સાંજે નાનકડી સંધ્યાને ટ્યુશન માટે ભલાકાકાને ઘેર મૂકી જતી, અને કલાક પછી પપ્પા, દુકાનેથી પાછા વળતાં એને લેતા જતા. અતીતમાં ધરબાયેલા આવા કેટલાય કલાકો આજે પણ સંધ્યાને રોજ નહોર ભરાવી ચીરતા રહે છે. એ ત્યારે પણ ચીસ નહતી પાડી શકી,આજે પણ નહીં. બસ ,ત્યાર પછી આ હાઈબીપી લાગુ પડી ગયું છે એટલું જ.
બધું સરસ ચાલે છે. દીકરો ડાહ્યો છે, ભણવામાં હોશિયાર. એક દીકરી, જે અદ્લ સંધ્યાની જ પ્રતિકૃતિ. ગોરો વાન, મોટી મોટી આંખો, દોરાવાર ભરાવદાર શરીર, અને ફ્રોકમાં તો જાણે ઢીંગલી જ ! સંધ્યા એને ક્યાંય રેઢી નથી મૂકતી. જરા પણ આઘીપાછી થાય, ત્યાં સંધ્યાનું બીપી ફરી વધવા લાગે. ઘરમાં બધાંય હસે પણ ખરા, "આ નાનકી પરણશે ત્યારેય શું દાયજામાં તું ભેગી જઈશ ? થોડી તો અળગી કર દીકરીને !"
દીકરી પણ હવે અકળાય છે, "મમ્મી! હું હવે નાની નથી, ચૌદ વર્ષની છું. મારું ધ્યાન રાખી શકું છું. મારી કોઇ બહેનપણીની મમ્મી આટલી પેરાનોઈડ કે પઝેસીવ નથી, જેટલી તું છે. મને થોડું મારી રીતે જીવવા દે."
"તને તારા સારાનરસાની ખબર પડે એટલી મોટી નથી થઈ, સમજી? દુનિયા કેવી છે, તને શું ભાન પડે ? હું તને કેમ સમજાવું, બેટા, કે, કેટલીયે જગ્યાએ આપણે ચેતતાં રહેવું પડે છે ! એમ આંખ મીંચીને ના ચલાય...." કઈ રીતે સમજાવવી દીકરીને ?એને પણ ક્યાં સમજાતું કે સમજાયું હતું તે વખતે ? સંધ્યા પાસે શબ્દો ખુટી પડે. અને અતીતનો કાળો કલાક પાછો ભંડકિયામાંથી જરાતરા ડોકિયું કરી તેને ડરાવીને જતો રહે.
પણ,એક રાતે પોણા નવે, દીકરી થોડી રડમસ, વધુ ધૂંધવાયેલી, અસ્વસ્થ અવસ્થામાં ઘેર આવી અને ફસડાઈ પડી. પહેલાં તો બરાડો પાડ્યો: "સા... સમજે છે શું પોતાને દિલુકાકો ?" અને પછી સંધ્યાને વળગીને રડી પડી.
ધક્..ધક્..ધક્..ધક્ ..સંધ્યાને પોતાના ધબકારા સંભળાવા લાગ્યા .માની છઠ્ઠી ઇન્દ્રિય કામ કરવા લાગી. 'ના ... ન હોય ! શું ?કોણ ? દિલેશભાઈ ! ઓહ ! મારી દીકરી સાથે પણ શું એવું જ થયું હશે ?... હે ભગવાન !' સંધ્યા હીબકે ચડેલ દીકરીને પંપાળીને કંઈ પૂછે, ત્યાં તો દીકરીએ એનાથી અલગ થઈ,આંસુ લૂછ્યા ! ટટ્ટાર થઈને,પછી ગર્જી. "આપણને તો એમ કે, કાકા ઘરના જ છે. અને એ ભરોસે પપ્પાએ એમની પાસે કેમેસ્ટ્રી શીખવા મૂકી. પણ મમ્મી, દિલુકાકો તો હરામી નીકળ્યો !આજે તને ઠીક નહતું એટલે તું સાથે આવી ન શકી એમાં જ ! મમ્મી,એણે... એણે... મને એકદમથી જકડી, અને જ્યાં... ત્યાં...."
પેલો કાળો સમય, કાળા ગંદા પંજા, અને વિરાટ શરીર રૂપે મા અને દીકરી તરફ આવી રહ્યો છે. સંધ્યા ધ્રુજવા લાગી. પરસેવો વળવા લાગ્યો,ગળું સૂકાવા લાગ્યું, મૂંઝારો ભીંસવા લાગ્યો. પણ ત્યાં જ, દીકરી રણચંડી બની, "મમ્મી ..! હું બહુ ડરી ગઈ પહેલાં તો ! પણ પછી સ્કૂલમાં,સેફટી સેશનમાં શીખવાડેલ ટ્રીક્સ યાદ આવી. મેં સામું જોર લગાવી, એક લાત મારી દિલુકાકા ને !એમની જેમ જ, ...જ્યાં... ત્યાં !..પછી તો પીટતી જ રહી .! સા.....સમજે છે શું એના મનમાં ? ખો ભૂલી જશે કોઈને હાથ લગાવવાની..! અને હા,પપ્પાને પણ મેં બધું જણાવી દીધું છે. હવે તું જોજે! પપ્પા એની શી ગત કરશે તે !"
પેલો કાળો કલાક એકદમથી ઓસરતો ઓસરતો ક્યાંય દૂર સરતો ગયો અને અલોપ થઈ ગયો.સંધ્યા અચાનક અતીતના એ એક કલાકની દીવાલો ભેદી,બહાર નીકળી આઝાદ થઈ ગઈ. દીકરીએ દાખવેલ હિંમતે, સંધ્યાને પોતાની ફરતે સતત ઘૂમરાતા અતીતની બહાર, અજાણતાં જ ફંગોળી દીધી અને આજમાં લાવી, સુરક્ષિત કરીને મૂકી દીધી !
સંધ્યાને હવે રોજ ઢળતી સાંજે, આકાશમાં ખીલતી સંધ્યા જોવી ગમે છે, કેમકે હવે એને ધરપત છે કે, પોતાની સક્ષમ દીકરીને ભવિષ્યમાં ક્યારેય આવો કોઈ કાળો કલાક ઘેરી નહીં વળે.