Medha Antani

Others Tragedy

3  

Medha Antani

Others Tragedy

મજબૂર

મજબૂર

2 mins
734


છેલ્લી ગુણને લારીમાં ચડાવતાં એણે પત્ની સામે જોયું. કાંખમાં એક, પેટમાં એક, અને આંગળીયે બે છોકરાં સાથે વળાવવા આવેલ પત્નીની આંખમાં ઝલકતાં સધિયારા અને આશાના બળે એ લારીને હંકારતો મોટી બજાર તરફ ધપવા લાગ્યો.

 

 મોટી બજારે ભાવતાલ, ભાંજગડ કરતાં, હાથમાં જે આછી-પાતળી રકમ આવી, એમાંથી પહેલું કામ ઊધારીઓ ચૂકતે કરવાનું કર્યું. બાકીના રૂપિયામાંથી ત્રણ ચાર દિવસ ચાલે એટલા ચોખા માંડ આવ્યા. ખાલી લારીને ઠેલતો ઠેલતો એ ચાર રસ્તે આવ્યો. ફાળિયામાં ખોસેલ બીડીનું છેલ્લું બંડલ હાથમાં લીધું, બીડી સળગાવી, આંખો ઊંચી અને ઊંડી કરી આભની પેલે પાર તાકવા લાગ્યો. ઇન્દ્રદેવને વરસવામાં કોઈ રસ રહ્યો ન હતો, ઉપરથી પોતાની જમીનના નાનકડા કટકામાં કોઈ કસ રહ્યો ન હતો. આ છેલ્લી ફસલના વેંચાણ પર બધાનાં પેટનો મદાર હતો.


આભનાં પાણી દર્દ બનીને આંખે ઊતરી આવ્યાં. બીડી ઠૂંઠૂં થતાં સુધીમાં તો એ સામે આવેલ સુપરમાર્કેટ પાસે પહોંચી ગયો. પંદરમી ઓગસ્ટનું સેલ હોવાથી લોકોના થેલાઓ અનાજ, રાશન, ઘરવપરાશની વસ્તુઓથી ફાટફાટ થતા હતા. છોકરાંવ ક્યારનાં બિસ્કીટની રઢે ચડ્યાંં હતાં એ યાદ આવ્યું.

  

બાજુ પર ઉભા રહી, ધીરેથી એણે પોતાના ખાલી, બરછટ, સૂકા હાથ તરફ જોયું. લાંબો સમય જોયા કર્યું, અને પછી કચવાટ સાથે થોડો થોડો કરીને હાથ લંબાવી દીધો ! ભાવશૂન્ય બની ક્યાંય સુધી, એ લંબાયેલા હાથે ઉભો રહ્યો ! અવર-જવર કરતી ભીડે તો નોંધ પણ ક્યાંથી લીધી હશે, કે, એક મજબૂત હાથ, જે હળ ચલાવતો હતો, એ અન્નદાતાનો હાથ દીનગરીબ બની, પહેલીવાર આ રીતે લંબાવા માટે મજબૂર બની ગયો છે !

 

સુપરમાર્કેટ ની બહાર ઓર્ગેનિક અનાજના પ્રમોશન માટે રાખેલ સ્ટોલમાં જોરશોરથી ગીત વાગી રહ્યું હતું :"મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી.."


Rate this content
Log in