Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Medha Antani

Drama Romance

5.0  

Medha Antani

Drama Romance

ઓઝલ અવાજ

ઓઝલ અવાજ

4 mins
525


 આજકાલ ચાલીમાં ચાલતી ચોવટ કિટીમાં, કઠેડેથી ડોકાં કાઢીને બીજાનાં ઘરોમાં ઝાંકતા રહેવામાં, ટકટક કરતા, બીડીઓ ફૂંકતા રહેતા વિનાયકને અને કચકચ કરતાં, ખાંસતાં રહેતાં સાસુને બન્ને કાનેથી કાઢી નાખીને ટીવી સિરિયલો જોવામાંથી, કોણ જાણે કેમ, સુપ્રિયાનો રસ ઓછો થવા માંડ્યો છે.  

 

  હમણાંથી એનો બપોરનો સમય આડે પડખે થવાની સાથે સાથે સરવા કાને પણ વીતવા લાગ્યો છે, બસ, એક જ કારણે. રેડિયો "ફોર યુ "એફ.એમ ના એક અવાજનું સંમોહન:."હેલ્લો પ્રેટી લેડી, ફ્રોમ યોર આશિક. આર.જે આશિક ...જો બનાયે આપકી સુસ્ત દોપહરકો મસ્ત ઔર સુસ્ત ઝીંદગીકો દુરસ્ત.."


 એકવાર અનાયાસ આ સ્ટેશન પકડાયું અને કાનથી સમગ્ર દેહ સુધી એને ઝણઝણાવી ગયો એક ઘેરો, મર્દાના, મદભીનો અવાજ. નામ મુજબ જ અવાજ હતો, આશિક. એની શાયરીઓ પણ જાણે ઝાકળમાં ઝબકોળીને ગુલાબ અને મધથી મિશ્રિત .. પહેલાં તો અમથી એકાદ મિનિટ, પછી અડધો કલાક, આખો શો અને ત્યાર પછી રોજ રોજ એને સાંભળવાનું ખેંચાણ, બંધાણમાં પરિણમ્યું.


.." આ ગઈં મહોતરમા? કબ સે યે આશિક ઈંતઝારમેં હૈ! ઘર બાહરકા કામ કર કે થક ગઈ હોગી .. પસીને સે તર ! ઉફ વો પસીના, હાય યે હસીના,! અર્ઝ કિયા હૈ,


"તુમ જો કહ નહીં પાતી,વહ મૈં સુન હી લેતા હૂં,

ખામોશીમેં ભી અલ્ફાઝ ચુન હી લેતા હૂં,

અક્સર લગતી હો દિલમેં ખયાલો કો બુનને

લો,હાઝિર હૈ બંદા,દિલકી વહી બાતેં સુનને ! "

 તો, ઉઠાઓ ફોન ઔર બાત કરો મુજસે. તબ તક સુનો ઈશ્કમે ડૂબા હુઆ યે ગાના ..."...


 સુપ્રિયા બપોરના એ અઢી કલાક દરમિયાન પાંખાળી સ્વપ્નપરી બની જતી, અવાજના માર્દવ અને ઘેનમાં તરલ થતી જતી. આસપાસની દસ બાય બારની ભીંસતી, ગૂંગળાવતી દુનિયાથી અલગ, ગુલાબી વાદળ બની ઉડવા લાગતી. આ સમયગાળો એના આખા દિવસનો સધિયારો અને હવે ઘેલછા બની ગયો. આર.જે આશિકની શાયરીભરી, રંગીન વાતો ને લીધે? કે, એને સાંગોપાંગ નીતારી, પીગાળી, પછી ધૂપસળી બનાવી દે એવા એના પૌરુષીય અવાજને લીધે?

ધીરે ધીરે સુપ્રિયાને વિચારો સતત આંતરવા લાગ્યા :" કોઈના અવાજમાં આટલી ચુંબકીય તાકાત હોઈ શકે ખરી? સ્ત્રીને શું જોઇએ, શું ગમે, કેટલી સમજ છે એની વાતો અને કવિતાઓમાં ! એની બોલવાની અદા ..હેલો પ્રેટી લેડી, ફ્રોમ યોર આશિક..." 


...આશિક ..આશિક.. એ નામ, એ અવાજ,એની વાતો સુપ્રિયાના દિલ દિમાગ અને દેહ પર ગેરકાનૂની કબજો જમાવીને ખુમાર જગાવવા માંડ્યા. રાત્રે વિનાયકના સંવેદનહીન, ખરબચડા આશ્લેષોમાં હવે ,એને જાણે પેલો અવાજ પોતાને મનગમતો કલ્પિત આકાર લઈ, પોતાનું નામ કાનમાં ગણગણી રહેલો, એના સમગ્ર અસ્તિત્વ ને રેશમી ભરડા લેતો હોય એવું લાગવા માંડ્યું અને એ ફક્ત લાગવું, એ પણ, ગમવા પણ લાગ્યું.


 અવાજ સાથે સામીપ્યની સીમા એ જ્યાં વટાવી ચૂકી, ત્યાંથી એને એનો ચહેરો જોવાની તડપ જાગી. સોશિયલ મીડિયા, નેટ પર ફોલો કરતાં, ખૂબ શોધ્યું,પણ બધે જ,એક જ ફોટો - એક માઈક ની નીચે ગુલઝાર ની પંક્તિઓ 'મેરી આવાઝ હી પહેચાન હૈ ..આર.જે આશિક'. બસ,આથી વિશેષ કંઈ હાથ ન લાગ્યું. મિસ્ટ્રીમેન હવે વધુ હાવી થતો ગયો.

દર વખતે ઘણું લખવા વિચારતી, અંતે ડરતાં ડરતાં એક જ કમેન્ટ લખી શકતી.."તમારા અવાજમાં તો વશીકરણી જાદુ છે.."...પણ સામેથી ક્યારેય કોઈ જવાબ ન આવતો.


 બપોરનો એ રેડિયો શો મહિલાઓ માટે સ્પેશ્યલ હતો, જેમાં કોઈપણ સ્ત્રી કોલ કરીને ગીતોની ફરમાઈશ આપી શકતી, કે પછી કોઈ ફોન ઈન ક્વિઝમાં ભાગ લેતી. આશિક થોડી મસ્તી, તો કોઈવાર રંગીન મિજાજમાં, તો કોઈવાર કોઈ ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડની જેમ પકવતાથી તેના અવાજ, એના શબ્દો અને વાતોની ગૂંથણી એ રીતે કરતો, કે સુપ્રિયા ઓળઘોળ થઈ જતી.

 

  છેવટે આજે, એના લખલૂટ પ્રયાસોમાંનો એક કારગત નીવડ્યો. સાચો જવાબ આપનાર સૌથી પહેલી કોલર સ્ત્રી ને આર.જે આશિકને સ્ટુડિયોમાં મળવાનું ઇનામ હતું. એક લાઈવ સવાલ પૂછાયો અને સુપ્રિયાએ રેડિયો સ્ટેશનનો નંબર ફટાફટ જોડ્યો. મોઢે જ હતો ને ! વળી એફ.એમ. તરફથી કોલ ઉપડ્યો ય ખરો અને જવાબ પણ સાચો ઠર્યો. સુપ્રિયા છલકાઈ ગઈ.

નિયત કરેલ દિવસ માંડ આવ્યો ! મરૂન અને સોનેરી બોર્ડરવાળી સાડી, મોગરાની નાનકડી વેણી, આંખમાં કાજલ અને કાનમાં ખાસ ખરીદેલાં મોતીનાં લટકણ પહેરીને સાસુ અને વિનાયકથી છૂપાવીને, સ્ટુડિયો પહોંચી ગઈ, સમયથી અડધા કલાક પહેલાં.


  બે ત્રણ ફૂટડા, દાઢીવાળા યુવાનો આમતેમ પસાર થયા. "આ હશે આશિક ? ના,ના.મેં કલ્પેલો, એવો જ, વધુ હેન્ડસમ હશે, એના નશીલા અવાજ જેવો જ. આંખો પણ નશીલી .."એને પોતાના જ ધબકારા સંભળાતા હતા. પર્સના બેલ્ટ સાથે આંગળીઓ રમત કરતી હતી. ઉત્કંઠા,અવઢવ, ઉમંગ, અચકાટ..એકસાથે ઊમટી આવ્યાં :"શું કહીશ એને? તમારો અવાજ, તમારી વાતો ..તમે ..હું તમને...!...કઈ રીતે કહીશ !..કહી શકીશ!?... " 

   

   "હેય સુપ્રિયા! કમ, ફોલો મી !" પ્રોગ્રામ એક્ઝીક્યુટીવના સંબોધને એને ફરી વાસ્તવિક જગતમાં લાવીને પટકી ! જાતને સમેટીને એની પાછળ સ્ટુડીયોના દરવાજે પહોંચી અને ત્યાં જ અવાજ સંભળાયો:.." હેલો પ્રેટી લેડી ."..વચ્ચેથી કંઈક ફૂસફૂસ સ્વરમાં બીજી દિશામાં ફંટાયો ..વ્હોટ્સ હર નેઈમ...?" ફરી એની તરફ વંકાઈ, એ સ્વર એને વીંટળાઈ વળ્યો : ''...સુપ્રિયા ! ફ્રોમ યોર આશિક.. આર.જે આશિક..!"

  ઓહહ.. એના માટે, માત્ર એના માટે કહેવાયેલા શબ્દો ! આ અવાજ એ અવાજનો જાદૂગર, અસલમાં આટલો નજીક ! મીણ થઈ ગઈ એ. એને દોરીને લઈ જનાર એક્ઝિક્યુટિવ એની આગળથી જરા હટ્યો એટલે હવે પેલો અવાજ ઉભો થતો, સાવ સામે દેખાવા લાગ્યો. એ દરવાજા પર ખોડાઈ ગઈ !


  સીસમનો વાન, બટકું જાડું શરીર અને કાળા જાડા ગોગલ્સવાળો એ અવાજ, ઉભા થવા એક સ્ટીક અને અંદાજનો સહારો લઈ માઇક બુથથી દરવાજા પર પહોંચ્યો .."..જો બનાયે આપકી સુસ્ત દોપહરકો મસ્ત ઔર સુસ્ત જીંદગી કો દુરસ્ત .. વૈસે ખુશ્બુ સે કહ સકતા હૂં તુમ મોગરા હી નહીં પર ગુલછડી ભી હો ઔર યે જો તુમ્હારા..."

   

    પેલા, નેત્રહિન અવાજનો ભરડો એકાએક ઢીલો થતો ગયો. ધગધગતો લાવા એકદમથી બરફ થઈ ગયો, અને સુપ્રિયાની આંખો સમક્ષ અસલી આર જે આશિક એના ડીપી સાથે સાફ દેખાવા અને સમજાવા લાગ્યો .."મેરી આવાઝ હી પહેચાન હૈ ! "


Rate this content
Log in