Medha Antani

Romance

3  

Medha Antani

Romance

જોડી ફ્લેટ

જોડી ફ્લેટ

6 mins
511


 સહકાર સોસાયટીના રહીશો ની એજીએમ, દર વર્ષની જેમ ધમધમવા લાગી. પાંચસો એક વાળા અનિલાબેન ને એ જ, પાણીના લીકેજ ની ફરિયાદ, તો નવસો ચાર વાળા ખંડૂમલજી ચંદુમલજી ભાઈઓને પાર્કિંગની બબાલ. સેક્રેટરી સાહેબ બધાની સમસ્યાનો ઉકેલ લાવવા મથતા જ હતા ત્યાં એકાએક એક મંજુલ સ્વર તાર સપ્તકમાં ગુંજી ઉઠ્યો: " સાહેબ, મારા પડોશી, એ જે હોય તે. નેમ પ્લેટ માંતો વિનય સેઠ વંચાય છે, પણ એમનામાં વિનયનો છાંટો નથી. કેટલીય વાર કહ્યું છે એમને કે, ઘરમાં ડ્રીલીંગ ના કામકાજ બંધ કરે. રાત્રે મોટા વોલ્યુમ પર ફિલ્મી ગીતો વગાડવાનું બંધ કરે, પણ સમજતા જ નથી. ખરા બપોરે એમના ઘરમાંથી જાતજાતના અવાજો આવ્યા કરતાં હોય છે. હથોડા વાગે છે, માથા પર હથોડા. ."

  ત્યાં તો એક હટ્ટોકટ્ટો પાંચ ફૂટ દસ ઇંચ નો માણસ પાછળ થી ઉભો થઇ ઘાંટો પાડવા માંડ્યો ;"મેડમ, તે તમને એમ છે કે, સવારના પાંચ વાગ્યાના તમારા સારેગમપધનીસા થી અમને હાશ થતી હશે ?અને ત્રાસ થાય છે ત્રાસ! સવારે સવારે વાજાંપેટી સાથે તમે મંડી પડો છો, અને મને ગીતો વગાડવાની ના પાડો છો ? મારા ઘરમાં હું ગમે તે કરું. તમને તકલીફ પડતી હોય તો, તમારું વલણ બદલો, કાં તો ઘર બદલો."


"મિસ્ટર, જેને તમે ત્રાસ કહો છો, એ રિયાઝ છે રિયાઝ ! અને હું પણ મારા ઘરમાં જ રિયાઝ કરું છું, નહીં કે તમારા ઘરમાં, સમજ્યા? શીખવો છો કોને? અખિલ ભારતીય સંગીત પુરસ્કાર વિજેતા ને?"

" મેડમ, પુરસ્કાર તમે તમારા ઘરમાં રાખો, તમારા તંબુરા ભેગો. "

વ્હોટ? માઈન્ડ યોર લેંગ્વેજ ! નામ વિનય રાખો છો અને વ્યવહારમાં તોછડાઈ? લેડીઝ સાથે વાત કરતાં શીખ્યા નથી? ચારસો બે નહીં, તમારો ફ્લેટ તો નંબર ચારસો વીસ હોવો જોઈએ."

 અને પછી તો હોહા અને ગરમાગરમી જામી પડી. જો કે, સહકાર સોસાયટીના સભ્યો માટે ચારસો એક અને ચારસો બે નંબરના ફ્લેટના, સતત ચાલી રહેલા અસહકારની કોઈ નવાઈ ન હતી. એમને તો રોજનું થયું. ક્યારેક કચરાના ડબ્બા બાબતે, ક્યારેક ફ્લેટ ની જાળી ખુલ્લી રાખીને નડતર કરવા બાબતે, તો ક્યારેક ભીંતમાં નાની તિરાડો પડવા બાબતે છમકલાં ચાલ્યાં જ કરતાં, જેનો અંત કે નિવારણ શક્ય ન હતાં. છેલ્લા પાંચ વર્ષથી આ મફતનું મનોરંજન સૌને માણવા મળતું. ડાહ્યા રહીશો વળી ટૂંકી મુદ્દતના નાના-મોટા સમાધાનો કરાવતા, પણ ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત !


 વિનય સેઠ, એના ડાયવોર્સ પછી, બદલી સાથે આ શહેરમાં રહેવા આવેલો. પોલીટેકનીક કોલેજનો પ્રોફેસર, એટલે નાનું-મોટું પકડ પાનાં ડ્રીલ રંધા વગેરે જોગું કામ એને બહુ ફાવતું અને ગમતું. યુનિવર્સિટીના સેમિનારો માટે અવનવું ટેકનિકલ, કઈ નું કંઈ યંત્ર બનાવવું, અને રાત પડ્યે પોતાની જાતથી, સ્મૃતિઓથી ભાગવા એક નાનકડો પેગ અને જુનાં ફિલ્મી ગીતો, આ એનો સહારો હતાં.


  સ્ત્રી થી દુભાયેલા વિનયના જીવનમાં બીજો દુઃખાવો હતી, તેની ભીંતપડોશી, ચારસો એકમાં એકલપંડે રહેતી, મિસ કલ્લોલિની કામાણી. શાસ્ત્રીય સંગીતની ગાયિકા, અને પોતાના ધીખતા સંગીત વિદ્યાલયની સંચાલિકા,જેને સોસાયટીમાં છૂપી રીતે સહુ કલ્લોલિની 'કમાણી' કહેતાં. જીવન આખું સંગીતને જ સમર્પિત કરવાના ઓરતામાં, પરણવાનાં મૂરત કમૂરતામાં પલટાઈ ગયેલા, તે ફરી કદી મૂરત આવ્યા જ નહીં. એની જુગલબંધી ક્યાંય જામી જ નહીં, એમાં ને એમાં ચાલીસીની નજીક પહોંચેલી કલ્લોલિની ધીરે ધીરે કચકચણી થવા લાગી.


આડોશ-પાડોશમાં પણ બંનેની ખપપૂરતી બોલચાલ હતી, પણ આડોશપાડોશ માટે આ બંને અભ્યાસનો વિષય હંમેશા બની રહેતાં.

"એકલતા અને અસાંગરો, બેન !એકલતા અને અસાંગરો, બીજું કંઈ નહીં !"પાડોશણો પંચાત કરતી ; "એકની પત્નીએ દુઃખ દીધાં અને બીજાને પુરુષનું પડખું જ ન મળ્યું એમાં, સ્વભાવ કડવોવખ થઈ જાય, પછી તો જીભે ઝેર જ નીકળે ને!"

બંને પોતપોતાની રીતે આમ તો સાચાં હતાં. વિનયના રોજના ટેકનિકલ ક્રાફ્ટના ભીંતસોંસરવા અવાજો ને લીધે કલ્લોલિનીના કોમળ સ્વરો તીવ્ર થઈ જતા, તો રાત્રે અડખેપડખે ની બાલ્કનીમાંથી રફી કિશોર તલતનાં ગીતોથી કલ્લોલિનીનો શુદ્ધ શાસ્ત્રીય સંગીતનો જીવ કકળી ઊઠતો.


સામે માંડ મોડી રાત્રે જંપેલા વિનયની મીઠી ઊંઘ મળસ્કે, વીણાના તાર અને શાસ્ત્રીય સંગીતથી ઊડી જતી. ક્યારેક હાર્મોનિયમ, ક્યારેક તાનપુરા ના તાર પર સમજાય નહીં એવા આ...આ..ઓ..ઓ જેવા ભારે ભરખમ તાનઆલાપ થી વિનયને જૂલમ થતો. 'આ બધા સંગીતના ખાં ઓ અડધી રાત્રે શું ગળાં ખોંખારવા મંડી પડતા હશે? એક નો એક શબ્દ તાણીતાણીને પચાસ રીતે ગાશે !ચક્રમો.. હહ!' વિનય બારણું ઠોકીને કલ્લોલિની ને પછી ફરિયાદો કરતો,ને અહીં ભર બપોરે કલ્લોલિની પણ ચારસો બે ના બારણાં ઠોકી ઝઘડા કરવા તૈયાર જ રહેતી.


  કમઠાણો અને રમખાણો વચ્ચે એક બપોરે વિનયનું બારણું ખખડ્યું. નક્કી 'કકળાટણી કમાણી હોવાની..' વિનયે પોતે પાડેલું નામ ઉચ્ચારતા બારણું ખોલ્યું. મેડિકલ સ્ટોર વાળો હતો:" કલ્લોલિની બેન? આ એમની દવાઓ. બેને પહેલેથી જ પેટીએમ કરી દીધું છે. "વિનય કંઈ બોલે, એ પહેલાં તો એ ચાલ્યો ગયો.

'દવાઓ?' વિનયે અસમંજસ અને ચીડમાં કલ્લોલિનીના ફ્લેટનું દ્વાર ખખડાવ્યું. લાંબા અંતરાલ પછી દરવાજો તો ખૂલ્યો,પણ ત્યાં ગરજતી સિંહણની જગ્યાએ શાલ ઓઢેલી, અસ્ત-વ્યસ્ત વાળ, ધ્રુજતી, નંખાયેલી કલ્લોલિની ઊભી હતી! 


 વિનયને આશ્ચર્ય થયું, પણ પછી સમજાઈ ગયું. દવાઓ પકડાવતાં અનાયાસ અવાજમાં નરમી આવી ગઈ.: " ભૂલથી કેમિસ્ટ આ મને આપી ગયો છે..તમે જ મંગાવી છે કે પછી..?"

કલ્લોલિની ફિક્કા અવાજમાં હોઠ ફફડાવી એટલું જ બોલી શકી : "મલેરિયા".

 "ઓહહ..!" તો તો તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે. કોઈ રીલેટીવ કે ફ્રેન્ડ છે ? જે મદદ. ."

 "મને કોઇની જરૂર નથી. તમારી તો નહીં જ. હું જાતે સંભાળી લઈશ ! થેન્ક્સ!" અને બારણું એના મોં પર બંધ થઈ ગયું.


  ખબર નહિં કેમ, પહેલીવાર વિનયને આજે અપમાન ના લાગ્યું કે પછી પડોશી ધર્મ ઉભરાઈ આવ્યો, જે હોય તે, પણ પોતાના રસોઈવાળા બેન પાસે સૂપ અને ખીચડી તૈયાર કરાવીને રાત્રે કલ્લોલિની ને આપવા ગયો.


 ધ્યાનથી પહેલીવાર એનું ઘર જોયું. ઓછા ફર્નિચરમાં, સુઘડ એવું એનું ઘર દીપી ઊઠતું હતું. ભારતીય બેઠક ની સાથે, કોર્નર માં મુકેલ તાનપુરો અને શોકેસમાં અસંખ્ય ટ્રોફી વચ્ચે, લાંબા વાળ અને મોટી કજરારી આંખોવાળી કલ્લોલિનીની સાદગી છતાં ખુમારીવાળી એક છબી ! પહેલી વાર એ આંખોમાં વિનયને કોઈ ચુંબક દેખાયું.


 આ તરફ નબળાઈ અને માંદગીના તાપ અને એકલતાના સંતાપને લીધે ચીમળાયેલી કલ્લોલિનીને સૂપ પીતાં પીતાં પહેલીવાર આ ઘરમાં એક પુરુષ, એની હૂંફ અને કોઈની કાળજીના અભાવનો અહેસાસ થવા લાગ્યો. રોજ રાત્રે દર્દીલા ગીતોને ગાજી ગાજીને સાંભળતા આ માણસની આંખો માં, પોતાના જેવો જ એક ખાલીપો દેખાવા માંડ્યો. સહેજ આનાકાની પછી કલ્લોલિની ઝૂકી ગઇ અને વિનય તરફથી હવે રોજ સૂપ, જ્યુસ વગેરે માટે સંમત થઈ ગઈ.

 ઔપચારિક આવ-જા ધીરે ધીરે પરિચયમાં અને પછી દોસ્તીમાં પલટાઈ ગઈ. કલ્લોલિનીએ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી આભાર રૂપે વિનયને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું.


  એક અલગ ધ્રૂવમાં જીવતા બે લોકો વચ્ચે, પછી તો ઘણી સામ્યતા નીકળી. વાતોની પરત ખૂલતી ગઈ, દિલ ઠલવાતાં ગયાં. કોઈ એક આગ ઠરતી ગઈ, તો કોઈ અનોખી ધૂણી અંદર ને અંદર જલતી રહી. બંનેના સુના જીવનની સમાનતાએ બેયને ધીરે ધીરે સમીપ લાવીને મૂકી દીધા.


  વિનય ને હવે શાસ્ત્રીય સંગીતમાં રસ પડતો ગયો અને કલ્લોલિની ને ટેકનિકલ ક્રાફ્ટ માં. વિનયને સવારે ગુંજતા સ્વરો હવે મધુરા લાગવા માંડ્યા, તો કલ્લોલિની ને રાત્રે જામતાં ફિલ્મી ગીતોના દર્દ સ્પર્શવા લાગ્યાં. તમે માં થી તું, બહુ સહજ પણે બોલવા લાગ્યું. વિનયને કલ્લોલિનીની સાદગીમાં દૈવી સૌંદર્ય અને એક મુગ્ધા વરતાવા લાગ્યાં. કલ્લોલિની ને આ ઊંચા પડછંદ પુરૂષની અંદર એક માસૂમ છતાં અદમ્ય આકર્ષણ જગાવતું એક તત્વ જડી આવ્યું. કોઈ અણદીઠી વાદળી વરસી વરસીને એકલતાના ધખધખતા રણને ઝરણ કરવા લાગી.


 અને એવી જ એક વરસાદી સાંજે વિનયે કલ્લોલિની નો ચહેરો હથેળીમાં લઈ આંખોથી એક સવાલ કર્યો અને કલ્લોલિની આંખોએ ઝૂકી જઈને એને જવાબ ધર્યો.

 પછી તો શું ? સહકાર સોસાયટી ફુલ તોરણથી શણગારાઈ છે. સોસાયટી નાં રહીશો નવયુગલના સત્કાર સમારંભમાં આમંત્રિત છે, અને પડોશણ ઘૂસપૂસ કરી રહી છે:" આ તો જબરુ હોં! રામરાવણ યુદ્ધે ચડેલા બે યોદ્ધાઓ એકાએક ગ્રંથિ બંધનથી જોડાઈ જાય એવું તો ધાર્યું જ ન હતું. પણ જે થયું તે સારું થયું કે બન્ને ફ્લેટ વચ્ચેની કોમન વોલ તૂટી અને જોડી ફ્લેટ રચાઈ ગયો. કલ્લોલિની 'કમાણી', હવે તો કલ્લોલિની 'સેઠ' બની ગઈ સેઠ!".


"હાસ્તો! હવે ભલે બંને જિંદગીભર ડ્યુએટ ગાતાં રહેતાં." અને સહકાર સોસાયટી એક ખુશહાલ આ હાસ્યથી ગુંજી ઉઠી.


Rate this content
Log in

Similar gujarati story from Romance