STORYMIRROR

Medha Antani

Others

0.2  

Medha Antani

Others

અગ્નિ

અગ્નિ

2 mins
13.9K


સવારે સૂર્યોદયથી લઈને, ઢળતી સાંજે સૂર્યાસ્ત સુધી ધૂણી ધખાવીને એ રાહ જોતો બેસી ગયો હોય, મંદિરના ઓટલેથી આશા ભરી નજરે દરવાજા તરફ જોયા કરતાં કરતાં. સૂકા હોઠ ,બેસી ગયેલા ગાલ, અદેકપાંસળી શરીર, ઊંડી ઊતરેલી નિસ્તેજ આંખો ,આછા-આછા ધોળા વાળ હોવાને લીધે ઉંમર કરતાં વધુ ઘરડો લાગે, એમાંય પાછો લઘરો લેંઘો, ધૂળિયો સદરો અને સદરામાંથી દેખાતું ફાટેલું ગંજી એની ઓળખાણ. રાતે જોયો હોય તો, દૂરથી હાલતું ચાલતું પ્રેત જ જાણે !

દીવા અગરબત્તી કરવા, દરેક માટલી-કળશ પર નામ-નંબર-તારીખ લખવા, વિસર્જન માટે કળશોને મોકલ્યાની રસીદ, મંત્રજાપ, વિધિઓ કરાવવી, ભઠ્ઠીની સાફ-સફાઈ, ફૂલહાર બધું એકલ હાથે સંભાળે. અમાસે તો ખાસ.

મંદિરની બાજુમાં જ એનું કાચા બાંધકામનું ઘર, જેમાં સાત જણા સાંકડમુકડ સમાઇને રહે. રાત પડ્યે ભઠ્ઠી અને લાકડાંની વખાર પાસે બાંધેલ પતરાંના છાપરાવાળા ચોગાનમાં સહુ ખાટલા ઢાળી

ને પડ્યા રહે. રાતેવરતેય કોઈની બીક નહીં જરાપણ.

અહીં આવનારા લોક સમૂહથી એને કોઈ ફરક ના પડે. હા, જે દિવસે ભઠ્ઠી સૂની અને ઠંડી હોય એ દિવસે એ થોડો વિહ્વળ હોય: 'કેમ આજે કોઈ આવ્યું નહીં !' અને મનોમન ભૂતનાથ, ભૈરવનાથને વિનવણી પણ કરી નાખે: 'હે શિવ શંકર ! આજે અમારાથી રુઠ્યો છે કે શું ?' અને ખરેખર શિવજી ચાર પાંચ દિવસથી એનાથી નારાજ થઈ ગયા હોય એવું જ લાગતું હતું.

ટાંપીને જ બેઠો હતો ત્યાં અચાનક એનો ચહેરો અગ્નિશિખાની જેમ ચમકી ઉઠ્યો. અંતે ભોળાનાથે એની અરજ સાંભળી હોય એમ એક નનામી આટલા દિવસે આવી ખરી અને એ ઝડપથી, ઉત્સાહપૂર્વક જરૂરી વિધિવ્યવસ્થા પતાવવા લાગી ગયો. કેમકે એને ખબર છે કે, ઘણા દિવસે આજે અગ્નિદાહ પછી મૃતકનાં કપડાં, સીધુંસામાન કે નાનુંમોટું દાન એને મળશે જ, જેનાથી થોડા દિવસ પૂરતું એના ઘરનો ચૂલો સળગતો રહી શકશે. અને જઠરાગ્નિને શાતા મળશે !


Rate this content
Log in