છ જોડ દરિયાઈ આંખો
છ જોડ દરિયાઈ આંખો
ચીંઈઈઈ.... બ્રેક લાગતા જ કારનો દરવાજો ખોલી વાવાઝોડું ઠેક મારતું ઉતર્યું. હા, મા એને વાવાઝોડું જ કહેતી. મીસરી હતી પણ એવી જ. નટખટ, ચુલબુલી, પતંગિયાની જેમ જ્યાં જાય ત્યાં બસ એનું ખડખડાટ હાસ્ય, મજાક-મસ્તી એની આસપાસ રહેતા તમામ લોકોને ખુશીના રંગોમાં ઝબોળી દેતા. ઘરની આસપાસ રહેતી ટાબરિયાટોળી માટે પણ મીસરી એની લીડર હતી. એના વિના કોઈ પણ રમત ફિક્કી લાગતી. એટલું જ નહિ, ઘર આસપાસ રહેતા કુતરા-ગલુડિયા માટે તો મીસરી ચાગલી ફ્રેન્ડ હતી. એની આસપાસ ફર્યા જ કરે. અને મીસરી પણ ગમે ત્યારે એ લોકો માટે હાજર. ઠંડીમાં અડધી રાતે પણ ઉઠીને મીસરી પોતાની ચાદર એને ઓઢાડી આવે પછી સવારે મા ભલેને ગુસ્સો કરે કે નવી ચાદરનું કલ્યાણ કરી નાખ્યું.
ઘરમાં દાદી પણ બૂમો પડે કે આ વાવાઝોડાને કાબુમાં રાખો. આને કોણ સાચવશે? પણ એમ માને એ મીસરી શાની? આવી આ મીસરી આજે એના પપ્પાના મિત્રને ત્યાં અમેરિકા જતી હતી. મીસરીને એની કૉલેજમાંથી એક વર્ષ માટે ખાસ અમેરિકા જર્નાલીઝમની માસ્ટર ડિગ્રી માટે પસંદ કરવામાં આવેલ. એરપોર્ટ પર પપ્પા મુકવા આવેલ અને આ વાવાઝોડું કારમાંથી ઠેક મારીને પ્લેન પકડવા દોડતું હતું. પપ્પાને ચિંતા હતી કે હજુ તો ટાબરિયાટોળીમાં રમતી આ રમકડાં જેવી મારી ઢીંગલીને એકલી કેમ મુકવી? પણ મીસરી જેનું નામ. પ્લેનમાં એક પતંગીયું ઉડ્યું રંગીન હવા લઈને.
પપ્પાના મિત્ર મીસરીને પોતાને ઘરે લઇ ગયા. દરવાજો ખુલતા જ મીસરીના હાથમાંથી બેગ પડતાં-પડતાં રહી ગઈ. અંકલની દીકરી હસતી-હસતી દરવાજો ખોલી રહી હતી અને ફરક બસ એટલો જ કે એ મીસરી કરતા જરા ગોરી હતી બાકી નાક નકશો બિલકુલ મીસરી જેવો જ. મીસરી તો ત્યાં જ મટકું માર્યા વિના ઉભી રહી કે ક્યાં ભારત અને ક્યાં અમેરિકા? બધાં પહેલીવાર મળી રહ્યાં હતા. આટલું સામ્ય કઈ રીતે હોઈ શકે? ત્યાં એ બોલી, “મીસરી, અંદર નથી આવવું? આમ દરવાજે જ રહી જવું છે કે શું?” અમેરિકામાં આટલું સરસ ગુજરાતી બોલતી એના જેવડી અને એના જેવી જ આ છોકરીને મીસરી તો જોતી જ રહી!
એ ગોરી છોકરીનું નામ પણ ગોરું જ હતું-મિરાત. બીજા દિવસે મીસરીને એ પોતાની સાથે કારમાં કૉલેજ લઇ ગઈ. મિરાત ખુબ શાંત અને સૌમ્ય હતી મીસરીથી બિલકુલ વિરુદ્ધ બહુ જ ઓછું બોલનારી અને સંવેદનશીલ. ધોળિયાઓની કૉલજમા બહુ ઓછા ગુજરાતીઓ વચ્ચે રહીને એ પણ અહી જર્નાલીઝમ જ કરી રહી હતી. આટલા વર્ષોમાં મિરાતે ગણીને બે ચાર મિત્રો બનાવેલ. એ ચાર પાંચ દોસ્તોનું મજાનું ગ્રુપ હતું. જેમાં વિસ્મય એની ગિટાર લઈને ફર્યા કરતો. નિનાદ રંગો અને પીંછીઓ સાથે રેલાતો રહેતો. બાંસુરી મીસરી જેવી ખડખડાટ હાસ્યથી બધાને હસાવતી અને રંગીન તિતલી જેમ કૉલેજ ગજવતી રહેતી. આ બધામાં ભારતીય નૃત્યમાં માસ્ટર એવી મિરાતને જેના માટે લગાવ હતો એ સાહિલ તો પોતાની દુનિયામાં મસ્ત રહેતો. સાહિલ અને તેના શબ્દો, સાહિલ અને તેના શેર, તેની ગઝલો આ બધું મીરાત શાંત રહી દિલમાં ઉતારતી રહેતી અને પીગળતી રહેતી પણ ક્યારેય હિંમત કરી સાહિલને કહી શકે એવો મિરાતનો સ્વભાવ જ ક્યાં હતો? એ તો પાયલના ખનકારે પોતાના ભાવ રણઝણાવતી રહેતી પણ સાહિલ તો પોતાની કલમમાં એટલો ડૂબેલો રહેતો કે એને એ પાયલનો ખનકાર મગજ સુધી પહોંચતો જ નહિ. એ મિરાતના નૃત્યને જોઈ ખુશ થતો તાળીઓના ગડગડાટ વખતે સાહિલની તાળી સૌથી પહેલી શરુ થતી પણ મિરાતને ખબર હતી કે આ હજુ એક બેસ્ટ ફ્રેન્ડની તાળી છે.
એવી મિરાત આજે ભારતીય વાવાઝોડાને અમેરિકામાં સેટ કરવા સાથે લાવેલ. પહેલો જ દિવસ પૂરો થયો ત્યાં સાંજે મીસરી આખી કૉલેજમાં છવાઈ ગઈ હતી. ખાસ તો ગુજરાતી મિત્રોમાં ને વધુ તો કલમમાં ડૂબેલા સાહિલના કાગળમાં આજે ક્યાંક મીસરી ચિતરાઈ રહી હતી. અને મીસરીને પણ પહેલા જ દિવસે ગઝલ બનવાનું મન થાય રહ્યું હતું! મીસરીના તોફાનોએ સાહિલના શાંત દિલમાં ક્યાંક અટકચાળો કરી દીધેલ અને સાહિલની શાંત કલમે અને તેના હુંફાળા સ્મિતે મીસરીના તોફાનમાં એક વીજળીનો ચમકારો કરેલ!
કૉલેજમાં વાવાઝોડા સાથે કલમ હવામાં વાતો કરતી ચાલી પણ ઘરમાં પહોંચતાં જ મીસરીને એક વિચાર ઘેરી વળતો કે મિરાત કેમ મારા જેવી દેખાય છે? ફરક બસ એટલો કે હું મા જેવી તોફાની અને મિરાત અંકલ જેવી શાંત, મૃદુ અને વહાલી લાગે તેવી. એક સવારે મિરાત બાથરૂમમાં હતી ત્યારે મીસરીની આંખ ખુલતા એને મિરાતના બેડ પર એક ડાયરી જોઈ. પ્રાઇવસીનો નિયમ નેવે મૂકી મિસરીએ ડાયરી ઉઠાવી ત્યાં પાને-પાને શેર શાયરીઓ, ગુલાબી કલ્પનાઓનું આખું ભાવવિશ્વ સામે આવી ગયેલું. પણ ક્યાય કોઈના નામનો ઉલ્લેખ નહિ! મીસરી વિચારમાં પડી કે મિરાત કોને આમ જીવથી પણ વધુ ચાહતી હશે? ત્યાં જ બાથરૂમના દરવાજાનો અવાજ આવતાં એણે ડાયરી મૂકી દીધી.
સાહિલની ધીમે-ધીમે ચાલતી બાઈકમાં પાછળ બેઠેલી મીસરી એની પીઠ પર આંગળીઓ રમાડી રહી હતી. એ જ જૂની પ્રેમ રમતો કે પીઠ પર મેં શું લખ્યું કહેને સાહિલ? અને એ જ યુગોથી પ્રેમીઓનો ચાલતો જવાબ ‘આઈ લવ યુ’. અમેરિકાના લોસ એન્જલસના ઘણા સ્થળો આ યુગલની મસ્તીના સાક્ષી બનતા જતા હતાં. દરિયાની રેતી હોય કે આસમાન સાથે વાતો કરતા ડુંગરો હોય કે પછી ઊંચા બિલ્ડિંગોથી દુર ક્યાંક કોઈ ઝરણું ગોતી નહાવા પડ્યા હોય. કુદરતના સાન્નિધ્યમાં પોતાના ખોળામાં માથું મૂકી આંખ બંધ કરી પડેલી મીસરીના કાનમાં ગુંજન કરતી સાહિલની ગઝલો હોય અને સાહિલનો હાથ એના શબ્દો સાથે મીસરીના સુંવાળા વાળમાં ફરી રહ્યો હોય.
મીસરીને લાગી રહ્યું હતું કે મિરાત હમણાં-હમણાં એનાથી દુર રહેતી અને એક ઉદાસી એની આંખોમાં વાંચતી. એ ઘણી કોશિશ કરતી કે મિરાત પોતાના પ્રેમ વિશે, પોતા
ની ઉદાસી વિશે કૈક બોલે પણ મિરાત હસીને ચુપ જ રહેતી. એકવાર મીસરી અંકલના રૂમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં એને કશું પડવાનો અવાજ આવતા એ રૂમમાં દરવાજાને હડસેલો મારતી દોડી. ત્યાં અંકલને છાતી પર હાથ રાખી બેભાન થતા જોયા અને મીસરી મિરાતના નામની બૂમો પાડતી એમને ફર્સ્ટ એડ આપવા લાગી. હોસ્પિટલમાં દાખલ અંકલની સારવારમાં મીસરી થોડા દિવસ સાહિલને મળી ના શકી, પણ સાહિલ સમજદાર હતો. આ સમય દરમિયાન એકવાર ઘરે આવેલ મીસરી અંકલના રૂમમાં બધું ગોઠવતી હતી ત્યાં બેડ નીચે સફાઈ કરતા એના હાથમાં એક ડાયરી આવી. અંકલની ડાયરી જેમ-જેમ મીસરી વાંચતી ગઈ તેમ-તેમ એની આંખ ભીંજાતી રહી.
મીસરીના પપ્પા અને અંકલ બાજુમાં રહેતા પાક્કા મિત્રો હતા. એકવાર પપ્પાને જીવલેણ અકસ્માત થતાં બચવાની કોઈ આશા જ ના રહી પણ ડો. સાથે દુઆ પણ જીતી ગઈ! પણ એક કારમો ઘા આપતી ગઈ. મીસરીના પપ્પા ક્યારેય બાપ બની શકે એમ ના રહ્યાં અને એ આઘાતમાં મીસરીની માના નાજુક હૈયાને ઠેસ વાગતા એ તોફાની નટખટ સ્ત્રી એક ઉદાસીમાં સરી પડી અને થોડા સમયમાં ડૉ.એ નિદાન કર્યું, ‘સંતાન ઝંખના એટલી તીવ્ર કે સંતાન મળી જશે તો આ વેદના કદાચ જતી રહે.’ દતક સંતાન લેવામાં દાદીના જુનવાણી વિચારો આડા આવે અને પત્નીને બચાવવા એ પ્રેમી પતિ કોઈ પણ હદે તૈયાર હતો. એ વખતે પોતાના ખાસ મિત્ર જે ક્યારેય નહિ પરણવાની જીદ લઈને બેઠેલો એને એક પત્નીપ્રેમી, માણસાઈ ભર્યો એક ‘મર્દ’ વિનવી રહ્યો હતો કે મારી પત્નીને બચાવવમાં કોઈ અજાણ્યા કરતા તારી મદદ જોઈએ છે. અને સામે પણ એક સાચો ‘મર્દ’ પુરુષ હતો. એના સ્પર્મનું બીજારોપણ કરીને માના ગર્ભમાં એક નવી જિંદગી વહેતી થઇ અને મા તો એમજ સમજેલ કે અક્સ્માત પહેલાનું જ આ બીજારોપણ છે. માની સારવારમાં એક સંબંધ પણ ઉમેરાઈ ગયેલ. અને એ સ્ત્રી ફરી જીવંત થયેલ! ડૉ.ની સાથે બે પવિત્ર ‘મર્દ’ આ વાત જાણતા હતા. પપ્પા પણ ધીમે-ધીમે સારા થતાં ગયા સાથે ધીમે-ધીમે માના ગર્ભમાં પણ સળવળાટ વધતો ચાલ્યો અને ખુશી લહેરાતી રહી દાદીના બોખા હાસ્યમાં.
અને એક દિવસ ઘરમાં કિલકારી ગુંજી ઉઠી મીસરીની!
હા એકલી મીસરીની જ. કુદરતની કમાલ હતી એ મા એ જોડિયા દીકરીઓને જન્મ આપેલ પણ બેભાન મા પાસેથી પપ્પાએ મીરાતને સરકાવી અંકલની એકલતામાં રંગ ભરી દીધેલ અને પ્રેમાળ અંકલ મીસરી અને મિરાતને જોઈ આ વહેમીલી, દંભી દુનિયા કોઈના જીવતર ના બગાડે એટલે બધું જ છોડીને અમેરિકા આવી ગયેલ. અંકલની બધી જ આદત મિરાતમાં આવેલ. અને બંને ડાયરી જોગાનુજોગ મીસરીના હાથમાં જ આવેલ! મીસરીને મિરાત અને પોતે કેમ સરખા લાગતા હતું એ રહસ્ય સમજાઈ ગયું. નટખટ તોફાની મીસરી એક જ દિવસમાં એના સાહિલની જેમ સમજદાર થઇ ગઈ જાણે. અને મિરાત જેમ શાંત થઇ ગઈ. એક જ લોહી જીવનમાં કોઈક ક્ષણે તો જોડિયો રંગ બતાવે ને?
અંકલ ઘરે આવી જતા મીસરી એમનું કોઈ કામ મિરાતને ના કરવા દયે. મિરાત પણ રાતભરના ઉજાગરા કરે એમાં એકવાર ત્યાં જ ઝોકું આવી જતા નીંદમાં જ મિરાતના હોઠ ફફડ્યા એ જોઈ મીસરી એને બ્લેન્કેટ ઓઢાળવા ઝુકી ત્યાં એના કાનમાં મિરાતના શબ્દો સર્યા,
“પામવા તુજને કોઈ ક્યાં અમે ઉચાળા કર્યા?
‘સાહિલ’ એ તો આ દિલે તમને જોઈ જરા અટકચાળા કર્યા.”
મીસરીના કાન ચમક્યા કે સાહિલનો શેર? અને મીસરીને અડધી રાતે આખી ડાયરી સમજમાં આવી ગઈ! જોડિયા બહેન હતી બન્નેનું દિલ તો એક જ દિલમાં ધબક્યું ને?
બીજા દિવસની સવારે દરિયાકિનારે મોજાંના તરંગોને સાંભળતા મીસરી સાહિલના ખોળામાં માથું રાખી સુતી હતી. પણ આજ સાહિલના શેર ચુપ હતા અને મીસરીના તોફાન! મિસરીએ સાહિલ પાસે ક્યારેય કોઈ ના માંગે એવું માંગેલ અને સાહિલનો હાથ ખામોશીથી મીસરીના વાળ સહેલાવી રહ્યો હતો. અત્યાર સુધી સાહિલે જોયેલા હિન્દી મૂવીમાં જોડિયા બહેનોના પ્રેમ જોયેલા. બંન્નેને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થાય એ પણ જોયેલ અને એક બહેન ત્યાગ કરે, કસમો દઈને પોતાની વર્ષો બાદ મળેલી જોડિયા બહેન સાથે લાકડે માંકડું ફીટ કરે, સાચા પ્રેમી જ અંતે મળે એવા જ ધી એન્ડ જોયેલ પણ મીસરી તો નોખી માટીની હતી. એને તો પોતાની સાથે મિરાતનો પ્રેમ પણ માંગેલ! સાહિલ જેવા સંવેદનશીલ વ્યક્તિ માટે એ અઘરું હતું કે બંન્નેને એક સરખો પ્રેમ કેમ અપાશે? કોઈ પણ સ્ત્રીને અન્યાય કરવો એ એના સ્વભાવમાં જ નહોતું. એટલે એકસરખું ચાહી શકે તો જ હા કહી શકાય. એ આજની યુવા પેઢીનું પ્રતિક હતો. સચ્ચાઈથી સંબંધો ક્લીયર રાખવા અને નવી મિશાલ બનાવવી એ પણ પડકાર હતો!
મા અને દાદીના હળવા વિરોધ વચ્ચે અમેરિકાના એક દરિયા કિનારે એક સમી સાંજે એક મંડપમાં મીસરી અને મિરાત ઘૂંઘટમાં મહેંદી રંગ્યા પગલે રેત પર હળવે-હળવે પ્રવેશી રહી હતી અને સાહિલ બંન્ને આંખોમાં એક સરખો પ્રેમભરી એ પગલાંને દિલ પર ઝીલી રહ્યો હતો! બે હાથમાં લડ્ડુ જેવી કોઈ વાહિયાત વાત નહોતી એ. એક સમજણનો દરિયો ત્રણ યુવાનોએ આજે ઘૂઘવ્યો હતો અને વડીલોની વર્ષો પેલાની સુધારાવાદી વિચારધારાને એક નવો આયામ આપ્યો હતો. એક લોહી, એક નાડ, એક મા, એક જ દિલ માટે સાથે ધબકાર તો જોડિયા બહેનો માટે એક જીવનસાથી એક આત્મીય સંબંધ રચી જ શકે!
એક વર્ષ બાદ ફરી એ ઘરમાં એક નહિ, બે નહિ છ-છ કિલકારીઓ ગુંજી ઉઠી! મીસરીને ત્રણ જોડિયા દીકરીઓ અને મીરાતને ત્રણ જોડિયા દીકરાઓ! ફરી એકવાર કુદરતે કરિશ્મા કર્યો હતો! અને સાહિલની ભૂરી આંખો અને મીસરી અને મિરાતની બ્લુ આંખોમાં એ વ્હાલ જોઈ વડીલો મરકી રહ્યાં હતાં. સાથે એક રૂમમાં છ મોટી પ્રેમાળ આંખોમાં નાની-નાની બાર બ્લુ-ભૂરા મિશ્રણવાળી દરિયાઈ જોડિયા કીકીઓ હસી રહી હતી.