અગ્નિકુંડ
અગ્નિકુંડ
હવનકુંડના અગ્નિના તેજથી રશિકાનું ગોરું મુખ તેજોમય લાગી રહ્યું છે. એના અંગેઅંગમાં ઉર્જાનો સ્ત્રોત વહી રહ્યો છે. લલાટ પર ચંદનનું શીતળ તિલક દીપી રહ્યું છે અને સુખડના ધૂપની મહેકમાં રશિકા આંખો બંધ કરી ધ્યાનમાં સરી રહી છે. એના પર નજર પડતાં જ કોઈ અજાણી વ્યક્તિ પણ બોલી ઉઠે કે અહો! દિવ્યતા! આજે આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ નિમિતે રશિકા પણ અન્ય ભાવકો સાથે ૧૦૦૮ કુંડીયજ્ઞમાં એક હવનકુંડ પર યજ્ઞ કરી રહી છે.
રશિકાને કોઈ સાથે નિસ્બત ના હોય એમ એ બસ એકીટશે અગ્નિકુંડમાંથી ઉઠતી જ્વાળા તરફ જોઈ રહી છે. મનમાંથી બધી જ કડવાશ એ જવાળામાં હોમી રહી હોય એમ એના કાને આજુબાજુના કોઈ અવાજો નહોતા પડતાં. એ હોમી રહી હતી એ કોઈ બીજા જ અવાજો હતાં...
***
મા કહી રહી હતી, ‘રશિકા, આજે કોલેજથી જરા વહેલી આવજે બેટા, છોકરાવાળા સાંજે વહેલા આવી જશે. અને આવ ત્યારે માણેકચોકમાંથી નાસ્તો અને નાકા પાસેથી કાદરચાચાને ત્યાંથી કોલ્ડડ્રીન્કસ લેતી આવજે.’ મનમાં ચાલુ થયેલી ઉથલપાથલમાં જેમતેમ હોકારો દેતી રશિકા કોલેજ જવા નીકળી ગઈ. બસ સ્ટોપ પર પહોંચતા જ બ્લેક ગોગલ્સ અને ખાન સ્ટાઇલ સ્કીન ટાઈટ ટી શર્ટ ઉપર ઓપન જેકેટ અને જ્યાં-ત્યાંથી ફાટી ગયું હોય એવું ફેશનેબલ જીન્સ પહેરેલ એક જુવાન ધૂમ સ્ટાઇલમાં બાઈક લઇ આવી રશિકાની બાજુમાં આવી ઉભો. હોર્નના અવાજથી ચમકેલી રશિકા એને જોતાવેંત બાઈકમાં પાછળ બેસી ગઈ અને બાઈક હવામાં ગુફ્તગુ કરતી ચાલી.
સાંજે રશિકાની રાહ જોઇને થાકેલી એની મા કાદરચાચાની આજે રોજ કરતાં વહેલી બંધ થઇ ગયેલી દુકાન સુધી જઈ પાછી વળતી હતી ત્યાં કાદરચાચાના ઘર પાસે ઉત્સાહનો માહોલ જોવા મળતાં એ ત્યાં જરા થોભી પણ અંદર નજર પડતાં જ ચક્કર ખાઈને પડી ગઈ. રશિકાને બાજોઠ પર બેસાડી બધા નજર ઉતારી રહ્યા હતાં અને તાજી જ બનેલી ‘રશીદાબાનુ’ હરિયાળા દુપટ્ટા હેઠળ ઊછળતું જોબન લઈને એ નજર ઉતારનારના ખુશહાલ ચહેરે હાથ ચૂમી દુઆ કબુલ કરી રહ્યા હતાં!
રશીદાબાનુની પિયરવાટ તો ત્યાં જ પૂરી થઈ ગઈ અને શરુ થઇ એક હવાઈ સફર, જેમાં રશીદાબેગમ એમના બાદશાહમિયા આફતાબખાન સાથે અજમેર થઇ ઉપડ્યા સંગેમરમરના તાજમહેલના હનીમુને. તાજમહેલની સાક્ષીએ રાતે પુનમના ચાંદની શીતળતા સાથે રાતદિન આફતાબની ગરમીમાં પીગળતા રહ્યા અને ચંદ દિનોમાં કાદરચાચાની ફળીના ઘેટાં-બકરાની સેવા સાથે ચાચા-ચાચી અને આફતાબમિયાના પાંચ નાના ભાઈ-બહેનોની સેવા કરવામાં ક્યાં દિવસો પુરા થવા લાગ્યા એ પણ ખબર ના રહી. અને બે દિયરના નિકાહમાં રશીદાબાનુની મહેનતે રંગ રાખ્યો. અને ત્યારબાદ બીજા જ વરસે જયારે બંને દેરાણીઓએ ખાનદાનના આંગણાને નાની કિલકારીઓથી ગુંજવી દીધા ત્યારે રશીદાબાનુ તો ખુશીની મારી એમની સેવામાં લાગી ગઈ. ત્યાં એક દિવસ સાસુસસરાના બંધ કમરા પાસેથી પસાર થતાં કાદરચાચાનો અવાજ સાંભળી એના પગ નીચેથી ધરતી ડગી ગઈ. આફતાબ સાથે એના ભાઈઓ પણ ત્યાં જ હતાં. એ દરેક એ અવાજ સાથે સહમત હોય એમ સુર ઉઠતો લાગ્યો! પણ આ બધામાં એ તો એકકાને તરસતી હતી કે ‘મારા’ આફ્તાબનો અવાજ આમાં ક્યાં?
રશીદાને યાદ આવ્યું કે પિયર રહેતી ત્યારે શબ્દપઝલ ભરતી વખતે એકવાર તેણે માને પુછેલ કે, ‘મા આફતાબને બે અક્ષરમાં શું કહેવાય?’ ત્યારે માએ કહેલ કે ‘સૂર્ય ભગવાનનું એક નામ છે એ તો અને સૂર્ય જેવા તેજથી ચમકતો વર ગોતીશ મારી રશુ માટે.’ અને પોતે આફતાબના ખયાલી ચમકના તેજમાં ગાલ પર શરમના શેરડા અનુભવતી રૂમમાં ચાલી ગયેલી-શબ્દપઝલનું કવર પેક કરવાના બહાને.
આફતાબના અવાજની આરઝૂમાં શરુ થઇ જગજાહેર દાસ્તાન - અત્યાર સુધી માનથી રહેલી ર
શીદાબાનુના હાથમાં હવે છુરી પકડાવી દેવામાં આવી અને ઉલટીઓ કરીને બેવડી વળી જતી લોથપોથ થઇ ઢળી પડતી રશીદાને કોઈ પાણી પીવડાવવા પણ તસ્દી નહોતું લેતું! રશીદાના આફતાબની ગરમી હવે રશીદાને દઝાડી રહી હતી. અને રોજ એના શ્વાસ અદ્ધર ચડાવી દેતો એ ગોઝારો દિવસ પણ આવી ગયો. આફતાબ એક દિવસ એક પરી જેવી દુલ્હન લઈને સહેરો બાંધીને ઘરે આવી ગયો અને રશીદાની તમામ આજીજી ફગાવીને આફતાબે ફેંસલો સુણાવી દીધો. ‘આજ સુધી એક ઓલાદ ના દઈ શકી એ ઓરત અમારે શું કામની? આમજ બધાની સેવા કબુલ હોય તો પડી રહે એક ખૂણામાં છાનીમાની.' અને રશીદા પહેલીવાર મનમાં એક નફરત ભરીને ગરજી ઉઠી, ‘નાકબુલ હોય તો?’ અને આફતાબનું તેજ અંગારાની જેમ વરસી પડ્યું, ‘સાલી કમજાત, એ નક્કી કરવાવાળી તું કોણ? હવે તો આ ઘરનો ખૂણો પણ નહિ મળે જા તલાક, તલાક, તલાક...’ આગ ઓકતો રશીદાનો એ ‘સૂર્ય’ ધડધડાટ દરવાજો પછાડતો ચાલ્યો ગયો અને એ જ રાતે આફતાબ ઉડી ગયો એ જ સફર પર-વાયા અજમેર સંગેમરમરી આગ્રાના તાજમહેલની સાક્ષીએ હનીમુન કરવા! અને આઘાતની મારી રશીદા ત્યાં જ ફસડાઈ પડી.
***
રાજસ્થાનમાં આવેલા આશ્રમમાં પિતાના ગુરુ પાસે જઈ રશિકાએ સવાલ કરેલ કે ‘અન્ય ધર્મોની જેમ આપણા ધર્મમાં ફરી સરળતાથી માણસનો સ્વીકાર કરે એવા રસ્તા કેમ નહિ? ત્રણ વાર તલાક બોલવાથી જિંદગીભરનો નાતો કેમ તૂટે? આપણા શાસ્ત્રમાં તો આ અન્યાય નથી. મેં તો માણસનો પ્રેમ જોયેલ, ધર્મ નહિ. હું મારી જાતને મારીને નહિ, જાતને જગાડીને માણસાઈને ફરી જીવિત કરવા માંગું છું. તમે ધર્મગુરુ તરીકે મારી સહાય કરી શકશો? મને રશિકા કે રશીદા સાથે હવે કોઈ નિસ્બત નથી, પણ જે મનુષ્ય યોનિમાં મેં જન્મ લીધો એ જ માણસાઈ સાથે જીવન ફરી શરુ કરવું છે. બોલો ગુરુદેવ, ધર્મના આ ખેલમાં, આપણા સમાજના અનેક પંથમાં વહેંચાઇને પોતાના જ મતને સાચો માનનાર ધર્મગુરુઓથી અલગ ચીલો ચાતરીને મારા જેવી રસ્તો ભૂલી ગયેલી દીકરીને જન્મજાત ઓળખ સાથે અંગીકાર કરશો?’
‘અશ્રુધારામાં જ તારું શુદ્ધિકરણ થઇ ગયું દીકરી. આજે નવી પ્રથા શરુ કરવાનો સમય આવી ગયો છે. આપણી જ દીકરીઓને સન્માનથી સદમાર્ગે સાથ આપવાનો અને આપણી સંસ્કૃતિને અને શુદ્ધ સ્વરૂપે સ્ત્રીશક્તિને સાચવી લેવાનો.’ કહેતાં ગુરુદેવએ રશિકાના માથે હાથ મૂકી એને આશ્રમના નિવાસસ્થાન તરફ દોરી ગયા અને થોડા દિવસો આશ્રમની પવિત્ર ભૂમિની નિશ્રામાં રહ્યા બાદ આજે પૂર્ણિમાના શુભ દિવસની સોનેરી સવારે હવનમાં અગ્નિકુંડની પાવક જવાળામાં રશિકા કાદરચાચાની ફળીની એ ‘રશીદાબાનુ’ સાથે સંકળાયેલા તમામ અવાજો હોમી રહી છે અને એક દિવ્યતેજ ભાવોર્મિ તેમજ લલાટ પર ચંદનતિલક સાથે રશિકા ચમકી રહી છે!
ત્યાં જ હવનકુંડની સામે એક આકાર દેખાયો અને રશિકા જોઈ રહી. એના કોલેજ સમયના ક્યારેય કોઈની સામે જોયા વિના એક સંતોષી અને સદાબહાર હાસ્ય સાથે દેશસેવા અને માનવસેવાને જ ધર્મ સમજનાર દિવ્યમને. મરકતો દિવ્યમ એના સદાના લાક્ષણિક અને મનમોહક હાસ્ય સાથે બોલી રહ્યો હતો, ‘રશિકા, માનવધર્મના નવા રસ્તે આજીવન મારો સાથ સ્વીકાર કરીશ?’ રશિકા એક અસમંજસમાં દિવ્યમને જોઈ રહી ત્યાં ઉપર એક પડછાયો અનુભવાતા ત્યાં નજર કરતાં ગુરુદેવ મંદ-મંદ હાસ્ય સાથે જોઈ રહ્યા હતાં. એ નજરમાં ફરી એકવાર સુધારાની પહેલ નજરમાં આવી અને એ ઓળખી જતાં રશિકા દિવ્યમની નજરમાં નજર મિલાવી સ્મિત સાથે બોલી રહી, ‘ચાલો દિવ્યમ, અગ્નિકુંડમાં હું સમિધ હોમું તમે ઘી હોમતા જાવ.’
અગ્નિકુંડની એ પાવક જ્વાળામાં સ્નેહરૂપી મધુર મંત્રોચ્ચારના અવાજો સિવાય ત્યાં હવે બીજા કોઈ જ અવાજને સ્થાન નહોતું.