પુત્રી સમાજમાં સ્થાન ઝંખે છે
પુત્રી સમાજમાં સ્થાન ઝંખે છે
સકારાત્મક ક્રાંતિ વિચારધારા
પ્રસ્તાવના:
હાથ વાગતાં જ તૂટે માટીની કુલડી
એક પંખુડી તોડતાં જ કરમાય ફૂલડી
આજે જયારે આપણો દેશ વિકાસ પાછળ ગાંડો થયો છે ત્યારે સમાજની ધરોહર એવી સ્ત્રીનું સ્થાન પણ એટલું જ અગત્યનું છે એ સ્વીકારવા માટે સ્ત્રીના બાલસ્વરૂપ પુત્રીને પહેલા સ્થાન અને માન આપવાની નજર બદલવી જરૂરી છે. સ્ત્રીનું મન માટીની કુલડી સમાન છે; ખૂબ સંવેદનશીલ અને ઋજુ. એમાં પણ જયારે એના ગર્ભની વાત આવે ત્યારે એ એક ‘મા’ હોય છે. ગર્ભમાંનું સંતાન પુત્ર હોય કે પુત્રી એને મન એ ફૂલ સમાન જ હોય છે.
આપણો દેશ લોકશાહી હોવાથી સ્ત્રી અને પુરુષ કાયદાની રીતે સમાન છે પણ ધાર્મિક વાડાબંધી એટલી પ્રવર્તે છે કે એ કાયદો કાગળ પર દેખાય છે એટલો મજબુત વાસ્તવિક રીતે નથી હોતો. એની અસર સમાજમાં જન્મ લેતી પુત્રીઓ પર ઘણીવાર ભારે પડે છે. એ માટેની વિશાળ દ્રષ્ટિ કેળવવા માટે કેટલાંક મહત્વના પાસાં પર દ્રષ્ટિપાત કરવો જરૂરી બન્યો છે.
પુત્રીનું સમાજમાં સ્થાન:
સદીઓથી ચાલી રહેલો આ મુદ્દો દરેક સમયે વિવાદો પેદા કરે છે, પણ એનાથી પરિસ્થિતિમાં કોઈ નક્કર સંપૂર્ણ ફરક દેખાતો નથી. આપણા દેશમાં પ્રાચીન યુગમાં સ્ત્રીઓને દેવીનું સ્થાન આપવામાં આવેલ એવું ઈતિહાસ કહે છે. પણ સમય બદલાતા, વિદેશી શાસન સામે સ્ત્રીઓને રક્ષણ આપવા આપણા દેશની સ્ત્રીઓને ઘરમાં રહેવા ફરજ પાડવામાં આવી. ધર્મ પ્રમાણે ક્યાંક ઘૂંઘટ તો ક્યાંક બુરખા પ્રથા અમલમાં લાવી સ્ત્રીઓને બુરી નજરથી બચાવવા પ્રયત્નો કરવામાં આવ્યા. બીજુ એક કારણ એ પણ હતું અને હજુ પણ ક્યાંક ઘણા ધર્મ અને સમાજમાં દહેજ પ્રથાના દૂષણના લીધે પુત્રીઓને દૂધ પીતી કરવી અથવા ગર્ભમાં જ મારી નાખવાનો સિલસિલો ચાલુ થયો. બીજું, અમુક ધર્મની માન્યતા એ હતી કે પુત્ર જ વંશવેલો આગળ વધારે, કુળને તારે અને એ માન્યતાના કારણે પુત્રીઓ અનિચ્છનીય બનવા લાગી.
વિચારવાનું એ રહે કે એ બધી પરિસ્થિતિ સમયને આધીન હતી. પણ પુરુષપ્રધાન સમાજને અને કહેવાતા રાજકારણીઓ, ધર્માંધ લોકોને એ માફક આવી ગયું અને આઝાદી પછી પણ એમણે એ બધું ચાલવા દીધું. બાકી કોઈ ધર્મમાં પુત્રીને ઉતરતી નથી બતાવી. હિંદુ ધર્મમાં કહેલ છે કે, ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા’. કુરાનમાં પણ કહેલ છે, ‘Beti Allah ki Azeem Naimat, Uski Tarbiyat Kay Fazail Aur Hamari Kotahiya’ જો ઈશ્વર અને અલ્લાહ પુત્રીઓને એક દુર્લભ ભેટ માને, ફરજ નિભાવવા સમજાવે અને કહેવાતા ધર્માંધ ધર્મગુરુઓ ગેરસમજણમાં પુત્રીઓ પર ધર્મ અને મજહબના નામે કડક કાયદાઓ નાખી અત્યાચાર કરે એમાં પુત્રીઓનું સ્થાન ક્યારે ઊંચું આવે? એ સવાલ મને સતત કોરી ખાય છે.
અરે! મારી એક મુસ્લિમ મિત્ર સાથેની ચર્ચામાં એણે કહેલ, “પઢતી વખતે બાપુ સાથે થતી ચર્ચા વખતે મેં સાંભળેલ કે, ‘જયારે અલ્લાહ કોઈ માણસ પર ખુશ થાય છે ત્યારે વરસાદ આપે છે, કોઈ વ્યક્તિ પર થોડા વધુ ખુશ થાય છે ત્યારે એને ત્યાં મહેમાન મોકલે છે અને ખૂબ વધુ ખુશ થાય છે ત્યારે એને ત્યાં પુત્રીજન્મની મહેરબાની કરે છે!’ તો ધરતી પર કેમ આવા ભેદભાવ? આ સિવાય અન્ય ધર્મોમાં પણ પુત્રીઓને માન-સન્માનથી જોવા માટેના ઉલ્લેખ છે. તો અન્ય ધર્મની સારી બાબતો જોઈ શું દરેક ધર્મ પોતાનો આ નજરીયો બદલી ના શકે?
(અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે પુત્રી એટલે પણ સ્ત્રી જ કહેવાય. સ્ત્રી કોઈ પણ ઉંમરે એના માતા-પિતા માટે પુત્રી સ્વરૂપ જ હોય છે.)
ધાર્મિકતાના સંદર્ભે જોઈએ તો પણ મંદિરોમાં પુત્રીઓને પ્રવેશ મળે છે પણ મસ્જીદમાં નહિ તો મનમાં સવાલો ઉઠે કે શું પુત્રોએ જ અલ્લાહ સુધી પહોંચવાનું હોય? પુત્રીઓએ નહિ? પણ અમે તો દીકરીઓ...મનથી એક દુઆ કરીએ તો પણ કબુલ થઇ જાય એ આ સમાજ ક્યાં સમજે છે કે અમારા અરમાનોને કે અમારી નિર્દોષતાને ચુપકી સમજી આતંકવાદના નામે માણસાઈને મારશો તો ક્યારેક એક દુઆ આતંકવાદીઓને, ધર્માંધતાને ખાખ કરવા પણ નીકળી શકે છે.” આ મિત્રની વાતે મને પણ વિચારતી કરી દીધી.
આજે જયારે આપણા દેશમાં વિકાસ ગાંડો થયો છે ત્યારે હવે પુત્રીઓને (સાથે પુત્રોને પણ) સારું અને સાચું શિક્ષણ, સાચો ધર્મ, સાચી દેશભાવના, યોગ્ય હોય તે ક્ષેત્રમાં સમાનતા, વિચારોની આઝાદી, પહેરવેશમાં પસંદગી આપવાની જરૂર છે. સાથે જરૂર છે પુત્રીઓને જોવાની નજર બદલવાની. આપણો દેશ, આપણી મીટ્ટી મા થઈને આપણું પાલન કરે છે ત્યારે આપણી પણ ફરજ છે કે કાયદા સમજીએ અને સાચા અર્થમાં પુત્રીઓને એક નવી સમજણ સાથે આઝાદી બક્ષીએ.
પુત્રીઓને એક વસ્તુ ગણીને તેની મરજી વિના તેનું શિક્ષણ અધૂરું મુકાવાથી એક અભણ મા બનાવાનો પાયો નાખવો, પુત્રીઓની મરજી વિરુદ્ધ હજુ અમુક સમાજમાં નાની ઉંમરમાં લગ્ન કે નિકાહ કરાવી એક આત્માને હણવો, કોઈ ધર્મમાં પુરુષની મરજીથી જ ઘરચલાવવું કે કોઈ ધર્મમાં પુરુષની તલાક..તલાક..તલાક.. સાંભળી જિંદગીનો ફેંસલો માની લેવો એ પુત્રીઓનું સ્થાન અને માન ક્યાં? નવા કાયદા બન્યા પણ નવી માનસિકતા રાતોરાત બદલાશે ખરી? બુરખામાં છુપાયેલું સૌન્દર્ય પણ જો વીંધાઈ જતું હોય તો પહેરવેશ સાથે મતલબ ક્યાં? ધર્મના નામે પાબંદી લગાવવામાં સાચો માનવધર્મ ક્યાં? અમે તો પુત્રીઓ અમારું આમાં વજૂદ ક્યાં?
દેશ આઝાદ થઇ ગયો,
વિદેશીઓને એમના દેશ લઇ ગયો,
ધર્મના નામે ધર્માંધતા રહી ગઈ,
પુત્રીઓ કાંઈક એમાં હોમાઈ ગઈ.
કડવી લાગે પણ નક્કર વાસ્તવિકતા જેમ પચાવવી સહેલી નથી તેમ હિમંત કરીને કહેવી પણ સહેલી નથી. પણ પુત્રીઓનું સ્થાન અમુક અપવાદ બાદ કરતાં હજુ અહીં જ સ્થાપિત થયેલું છે જે કોઈ ઊંચું આવવા દેવા માગતું નથી એમ લાગે છે. જયારે કહેવા જ બેઠી છું તો સાચું કહેવાની હિંમત કરી છે, ઈશ્વર અને અલ્લાહ જેના જે દેવ હોય તેમને એ સ્વીકારવાની પણ સૌને હિંમત આપે.
ઉપસંહાર:
કોઈ પણ સમસ્યાની ફક્ત ચર્ચા જ કરવી એ સમસ્યાને વધુ ચગડોળે ચડાવવાની વાત છે. સમસ્યાનો ઉકેલ લાવવો જ હોય તો તેના ઉપાયો વિશે શાંતિથી, સમજદારીથી, ધર્મ અને અંધશ્રદ્ધાને વેગળા મૂકી માણસાઈથી તેમજ જ્યાં રહીએ તે દેશના સારા હોય તેટલા સંસ્કારોમાંથી કાંઈક મેળવી એ સમસ્યાના મૂળ સુધી પહોંચવા ખરા દિલથી પ્રયત્નો કરવા જોઈએ. પુત્રીઓને સમાજમાં યોગ્ય સ્થાન અને માન આપવા દરેકે પોતાના ધર્મનો સાચો અભ્યાસ કરી ગેરસમજણોમાંથી મુક્ત થઇ તેમજ સચ્ચાઈને મનમાં આક્રોશરૂપે સમાવવા કરતાં સર્વવિદિત થાય એ રસ્તો લેવો એ સમાજના હિતમાં હોય છે.
જો પુત્રીઓ વધુ શિક્ષિત હશે તો એક સુંદર અને સ્વસ્થ સમાજનું નિર્માણ થશે અને હિંદુ ધર્મમાં પુત્રીને લક્ષ્મી કહી છે તેમ મુસ્લિમ ધર્મમાં પુત્રીને ગોલ્ડ એટલે સોનું કહેલ છે તો જેમ સોનાને કીંમતી સમજીને જેમ-તેમ ફેંકી નથી દેતા લોકરમાં સાચવીએ છીએ તેમ પુત્રીઓને પણ એના જ્ઞાનને યોગ્ય સ્થાન આપવું જોઈએ, પણ એ પહેલા સાચું જ્ઞાન આપવા એને ખુલ્લું આકાશ આપવું જોઈએ.
ખાસ તો પુત્રીઓને જોવાનો નજરીયો બદલવો જોઈએ. પુત્ર અને પુત્રી એક સમાન સ્થાન પર રહે તે માટેનું વાતાવરણ પૂરું પાડી, માનસિકતા બદલવાથી જ આ સમસ્યાનો અંત આવી શકે.
અંતે,
પુત્ર ખુદાનો નેક ફરજંદ જેમ
પુત્રી ખુદાની નેક દુખ્તર એમ
ના કરો ભેદભાવના ભરમાવનારા ભરમ
અમે પણ લઈને આવ્યા છીએ અમારા કરમ.
~વૈશાલી રાડિયા
#positiveIndia
