જંગ-એ-દિલબર
જંગ-એ-દિલબર
‘પર..થમ ગણે..શ બેસાડો રે... હો.....મારા ગણેશ દુંદાળા..વરરાજાની જાને રૂડા ઘોડલા શણગારો...’ “એ, હાલો હાલો બાયુ હવે માંડવા વધાવો” વરરાજાની માતા હરખાતી હરખાતી બોલાવા આવી અને બધી સ્ત્રીઓ ઘરચોળા-દાગીના સાચવતી ઊભી થઇ માંડવા વધાવા ચાલી. ‘મોટા માંડવડા રોપાવો... ઝીણી સાજલીયે સવરાવો માણા રાજ.....’ એક પછી એક વિધિ ચાલી રહી હતી. વરરાજાની બહેનો એને ખેંચીને માંડવામાં બેસાડી રહી હતી અને તરત પીઠી ચોળવાની વિધિ ચાલુ કરવામાં આવી. ત્યાં સ્ત્રીવૃંદ હરખે આવ્યું... ‘પીઠી પીઠી ચોળો રે...’ અને વરરાજો શરમાતા શરમાતા બધું માણી રહ્યો. વરરાજાની માતા હૈયામાં ઉલ્લાસ લઇ જોઈ રહી. એક સપનું પૂરું થવા જઈ રહ્યું હતું એ હરખમાં આજે માતા આમ-તેમ ફરીને બધાને કામ ચીંધતી અને જાન માટે ઉતાવળ કરવા જણાવી રહી હતી. ત્યાં ગોરબાપાએ જાનપ્રયાણનું મુરત સાચવવા કહ્યું અને વરરાજાને જલ્દી તૈયાર કરી ઘોડે બેસાડ્યો ત્યાં ફરી કેટલાં અવાજો વચ્ચે કોઈ સાંભળે કે નહિ એ દરકાર વિના હરખથી વરરાજાની ફઇએ ઉપાડ્યું... ‘મોર તારી સોનાની ચાંચ....સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય....’ જાણે દીકરો જલ્દી પરણાવી દેવા ઉતાવળ હોય એમ એક પછી એક વિધિના ઢોલ ઢબુકતા રહ્યા અને મંડપમાં પહોંચ્યા ત્યાં કન્યા આવતા જ... ‘મારા નખના પરવાળા જેવી ચૂંદડી.....’ અને ‘પહેલું પહેલું મંગળિયું વરતાય....’ થી લઈને વેવાઈને ફટાણા દેવાયા અને ‘દાદાને વહાલા દીકરા અમને દીધા પરદેશ... જો’ ના વિદાયગીતથી કોડીલી કન્યાએ એક આંખમાં ભીની લાગણી અને બીજી આંખમાં પિયુનો પ્રેમ ભરી સાસરીના ઉંબરે કળશના શુકન કરતાં, કોડિયું રમતા પિયુના એ અછડતા સ્પર્શમાં ઝણઝણાટી અનુભવતા ઢોલિયા સુધી પહોંચાડતી નણંદુની મીઠી મશ્કરીઓને સ્મિતમાં ઢાળી સાથે નજરુંને નીચી ઢાળી પ્રિયતમના પગલાં સાંભળવા હૈયું ધબકાવતી બેઠી.
‘માધવ, લગ્ન કરવા આવો ત્યારે ખૂબ રજાઓ લઈને આવજો હો ! સગાઈનું નાળિયેર તો તમારા વિના સ્વીકારી લીધું; પણ લગ્નમાં ? સમય લઈને આવજો સાજન !’ ખૂબ ઓછું બોલતી મીરાએ પત્રમાં દિલ આખું ઠાલવી દીધું હતું ! એ માધવ આજે યાદ કરી રહ્યો હતો. હજુ બે દિવસ પહેલાં તો માંડ રજા મંજુર થયેલ અને લગ્ન માટે ૧૫ દિવસની છુટ્ટી લઈને મા-બાપ અને બહેનોના હરખ પુરા કરી કોડીલી મીરા સાથે આજે લગ્ન કરી તેને હજુ પણ રાહ જોવડાવતો માધવ અગાશીમાં આંટા મારી રહ્યો હતો ! મીરાને મન ભરીને નીરખવા, માણવા આજના દિવસ માટે કેટ-કેટલાં અરમાનો સજાવી રાખેલ. મીરાના પત્રનો ઉત્તર આપવા આજે મનનો મોરલો થનગની રહેલો. ત્યાં જ રમેશકાકાના જીગરે થોડીવાર પહેલા આવીને એક પત્ર હાથમાં થમાવી દીધેલ ! એ પત્ર વાંચી માધવ મૂંજાઈ રહ્યો હતો કે, મીરાને શું જવાબ દેવો ? અને બીજી બાજુ ફરજ પોકારી રહી હતી ! અંતે મનમાં એક નિશ્ચય કરી તે મીરા પાસે પહોંચ્યો. ઘૂંઘટ ઉંચકતા જ મીરાનું ગોરું મુખ જોઈ માધવે તેની હડપચી ઉંચી કરી બધું ભૂલીને તેની ભૂરી આંખોમાં વહેતા પ્રેમના દરિયામાં એ વહેતો ગયો. મીરાના પગની લાલ મહેંદીને ચૂમતા અને ગુલાબી હોઠની નજાકત માણતા તેના શરીરની સુગંધમાં મૃગની અણમોલ કસ્તૂરી સાચવી લેવાની હોય તેમ એને વીંટળાઈ પોતાની અંદર ભરતો રહ્યો અને મીરા દિવાની થઇ પીગળતી રહી. આછા ઉજાશમાં એકમેકમાં ખોવાઈ રહેલા માધવને બંધ આંખે જીગરે આપેલો પત્ર વંચાઈ રહ્યો હતો.
'મેજર માધવ,
સરહદ પર પાડોશી દેશના હુમલાથી લડાઈની સંભાવના હોવાથી તાત્કાલિક ફરજ પર હાજર થવા આથી આદેશ આપવામાં આવે છે.
જનરલ'
માધવને બંધ આંખે ઢોલના અવાજો પાછળ યુદ્ધની નોબત સંભળાઈ રહી. અને લગ્નગીતોનો અવાજ દૂર-દૂર દબાતો ગયો અને બ્યુગલનો અવાજ મોટો થતો ગયો. મા-બાપુ અને પરિવારને તો આદત છે આમ અચાનક મારા જતા રહેવાની. પણ મીરા ? સુખના એક સંતોષની સુરખી મુખ પર છવાયેલી એવી બાજુમાં સુતેલી મીરા સામે જોતા માધવને મીરાના પત્રના શબ્દો યાદ આવ્યા, ‘માધવ, તમે આવો ત્યારે એટલો પ્રેમ કરશું કે એક રાતમાં એકમેકને પૂરેપૂરા પામીને ઓળખી પણ લેશું. શબ્દોથી વાતો ભલે પુરી થઇ જાય દિલથી સમજીને જિંદગી જીવશું.’ મીરાના શબ્દે-શબ્દે સમજણ છલકાતી લાગતી. પણ, આજે ? કેમ કહેવું કે બસ, એક રાતની જ આ વાત પૂરી મારી દિલબર અને સવારે તારી સાથે નહિ રહી શકું. વિચારોમાં જ આંખ લાગી ગઈ.
વહેલી સવારે પાછળ આવેલી મસ્જિદમાં મુલ્લાએ બાંગ પોકારતા માધવની આંખ ખૂલી ત્યાં સામે જ હસતી મીરા મહેંદી ભરેલા હાથે ટેબલ પર ચા મૂકી સામે ઉભી હતી. ભીના, ખુલ્લા, તાજા ધોયેલા વાળ અને મીરાની લહેરાતી લટના ગાલ પર પડતાં પાણીના ટીપાં જોઈ માધવને શરારત સૂજી અને મીરાને પકડીને ખેંચી. ત્યાં જ મીરાએ ચૂમવા જતા માધવના હોઠ પર આડો હાથ રાખ્યો અને આ શું ? માધવ જોતો જ રહ્યો અને મીરા એ પત્ર હોઠ પર દાબી હસતી રહી ! “મીરા, હું તને કહેવાનો જ હતો પણ.....” એને આમ થોથવાતો જોઈ મીરા ખડખડાટ હસી પડી, “મેજરસાબ, આટલી જ ઓળખી મને ? શરીરથી દૂર હતા તો શું થયું ? સગાઈનું નાળિયેર તમારી હાજરી વિના શું એમજ સ્વીકારેલ ? સરહદ પર ભલે તમે લડો પણ જંગ તો જિંદગીમાં દરેક મોરચે હોય છે. જાવ જાવ હવે, આમ આંખોમાં જોતા રહેશો તો રોકી લઈશ તમને હો !” અને ભીની આંખોને માધવ ના જોવે એમ મીરા માધવની બેગ તૈયાર કરવા લાગી અને બહારથી માનો અવાજ કાનમાં રેલાવા લાગ્યો.... ‘માધવ ક્યાંય નથી મધુવનમાં...’ અને માધવને થયું કે ક્યાંય નથી છતાં બધે જ છે એ ઈશ્વરીય તત્વની સહાયથી જ મીરા જેવી જીવનસાથી મળી છે, જેણે મારી તમામ મૂંઝવણો દૂર કરી દીધી.
હું હવે કોઈ ચિંતા વિના ફરજ પર સંપૂર્ણ ધ્યાન આપી શકીશ. મીરાના મહેંદી ભરેલા હાથ હાથમાં લઇ માધવ વિદાયવેળાની છેલ્લી ચૂમી ભરી તેને આલિંગનમાં લઈ વિચારી રહ્યો હતો કે બની શકે આ જુલ્ફોની ખુશબો, દિલદારની આ ઝલક છેલ્લીવારની હોઈ શકે. એક સૈનિક માટે તો માતા-પિતા, પ્રેયસી, પત્ની, સંતાનો કે સગાં-વહાલાં બધું એક ત્રાજવના એક પલ્લે સાથે બીજું પલ્લામાં માતૃભૂમિ બધું જ દિલબર સમાન લાગે! અને દિલબર માટે તો હંમેશા જાન હાજર! જે રસ્તો પસંદ કર્યો છે ત્યાં કોઈ મહેફિલ કે લિજ્જતના જામ નહિ મળે પણ માતૃભૂમિ માટે તો જન્મોજન્મ, વારંવાર ડૂબી જઈ એક ગીત ઇજ્જત અને મોજથી, થાક્યા વિના ગાતા રહેશું... ‘એ વતન એ વતન હમકો તેરી કસમ...તેરી રાહોમેં જાં તક લુંટા જાયેંગે...’
યુનિફોર્મમાં સજ્જ બેગ લઇ માતાપિતાને પગે લાગી મીરાના કાનમાં મેજર માધવ કહી રહ્યા હતાં, “દુશ્મનોના દાંત ખાટા કરીને જલ્દી પાછો આવવા માગું છું, અને જો આવતાં મોડું થાય અને ભગવાન કરે કે તું એક ‘ભાવિ જનરલ’ની ભેટ મેળવે તો મને ખાતરી છે કે આપણા આવનારા બાળકની મા અને બાપ બંનેની ફરજ તું અદા કરીશ મારી મેજરાની. સરહદ પર મારી જંગ અને જિંદગીમાં તારી જંગ જીતવી જ છે ‘આપણે.’ જયહિન્દ !”
એક રાતની મુલાકાતની એ વિદાય વખતે ઊગતા સૂરજના અજવાળે દેશના એક લાડકા સિપાહીના કદમ એ તરફ કુચ કરી રહ્યા હતા, જ્યાં એના હજારો ભાંડુઓ ઊંટોની વણઝાર લઇ માભોમને જ હવે દિલબર-પ્રિયતમ સમજી એને બચાવવા દુશ્મનો સામે જંગે નીકળી પડ્યા હતા ! એ સમયે પંખીઓના કલરવ સાથે ક્યાંક રેડીઓમાં કોઈ કવિતા પઠન કરી રહ્યું હતું.... ‘રજા ત્યારે હવે દિલબર અમારી રાત થઇ પૂરી....અમારા રાહ જુદાં ને.....’
વંદે માતરમ્

