Vaishali Radia

Children Inspirational Thriller

1.6  

Vaishali Radia

Children Inspirational Thriller

ધૂલા’સ બર્થડે

ધૂલા’સ બર્થડે

5 mins
15.3K


“કાલે મારો બર્થ-ડે છે, પાર્ટી કરશું.”

“હુરેરેરે....વાહ શું છે પાર્ટી?”

“ખારી ભાત.”

“કોણ બનાવશે? ક્યાં બનાવશું?”

“અમે બધાં જ મળીને. અહીં જ બહાર ચૂલો માંડીને.”

“વાહ! મારી મદદની જરૂર હોય ત્યાં કહેજો.”

“હા, મિસ.”

અને કુલદીપ ખુશ થતો જતો રહ્યો અને પરી મિસ એની ખુશીમાં ખુશ થતાં એને જતો જોઈ રહ્યાં અને બીજા દિવસની એ બપોર પછીની સાંજ આવી. સવારથી કુલદિપની સાથે રહેલા તમામ મિત્રો ખુશ હતા, કે આજે તો ધૂલાનો બર્થ-ડે છે! પરી મિસ તો એ ગામડામાં બે જ દિવસથી આવેલ એટલે એમને ત્યારે જ ખબર પડી કે કુલદીપને તેના મિત્રો મોજથી ‘ધૂલો’ કહેતા. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ જેમણે જોયું હોય એ સમજી જાય કે ધૂલો એટલે બદલતો મૂડ, અચાનક હસતો અને અચાનક ગુસ્સો કરતો, આંખોમાં લાલાશની ટશરો હંમેશ ફૂટેલી રહેતી પણ એની પાછળ એક સાફ પ્રેમાળ દિલ પણ હતું! લાગે પણ ‘છેલ્લા દિવસ’ના ધૂલા જેવો જ! એવા એ ધૂલાનો આજે બર્થ-ડે હતો.

સાંજ થઇ અને બધા મિત્રો - કરસન, રાજ, રીટા, ગીતા, અશ્વિન, દિવ્યા, જાગૃતિ, ઐશ્વર્યા, ઈશિતા, રાજેશ સર વગેરે બધાં મળીને તૈયારી કરવા લાગ્યા અને પરી મિસ એમનો ઉત્સાહ જોઈ રહ્યાં. કોઈ બજારમાંથી ભાત અને મસાલા લાવ્યું, કોઈએ ચૂલો બનાવવા ઇંટો માંડી, કોઈ બળતણ લાવ્યું. ત્યાં ચૂલો પેટાવવા કેરોસીન નહિ ! મહેનત કરી ચૂલો પેટાવ્યો ત્યાં મોટું તપેલું યાદ આવ્યું. રાજના ઘરેથી તપેલું, ચમચો લાવ્યા અને તપેલું ચૂલે ચડાવ્યું ત્યાં મોટો લોચો - રાજે વઘાર કરવા રાડ પડી, “ધૂલાલાઆઆ...તેલ ક્યાં?”

અને મેદાનમાં ચાલતી આ ધમાલ વચ્ચે કોમ્પ્યુટર ક્લાસમાં બીજા મિત્રો તેમજ પરી મિસ, રાજેશ સર, ભાવિક વગેરે ડાન્સ માટે તૈયારી કરી રહ્યા હતા. બર્થ-ડે હોય તો ડાન્સ તો જોઈએ જ ને ભાઈ ! અને ત્યાં જ ધૂલો ધુંઆફુંઆ થતો અંદર આવ્યો. બધા ખુશ થઇ એને ઘેરી વળ્યા અને ડાન્સ માટે જોર-શોરથી ચિચિયારીઓ કરતાં કૂદવા લાગ્યા. અને અશ્વિને ડાન્સ સોન્ગ્સ ચાલુ કરી દીધા, પણ ધૂલો ? બધી તૈયારીની માથાકુટમાં ગામમાં કોઈ સાથે માથું ગરમ કરીને આવ્યો હશે તે અચાનક મૂડ ખરાબ અને લાલ - લાલ આંખો સાથે બધા પર ગુસ્સે થઇ હાથ છટકાવી ભાગ્યો કે મને માથું દુખે છે, નો ડાન્સ ! પરી મિસ તો જોઈ જ રહ્યાં પછી પ્રેમથી ધૂલાને ગીફ્ટ આપી અને ડાન્સ કરવા કહ્યું પણ ધૂલાનો મિજાજ એટલે ? આટલાં બધાં પણ એને ના પકડી શક્યાં અને એ ભાગ્યો ! થોડીવાર બધાં સ્તબ્ધ! પણ તરત જ છોકરાઓનો ઉત્સાહ વધારવા પરી મિસે ડાન્સ ચાલુ કરાવ્યો અને વચ્ચે એક ખુરશીને ધૂલો સમજી ફરતે ગોળ કરી બધાએ ગરબા કર્યાં, મન ફાવે એમ નાચ્યાં અને અશ્વિન જેવા સીરીયસ છોકરાને પણ ખેંચીને ગરબામાં નાખ્યો અને પહેલીવાર નચાવ્યો અને એ પણ અશ્વિને કમાલ કરી નાગીન ડાન્સ કરી બધાને ખૂબ હસાવ્યા. ખુરશીને ધૂલો માની બધાએ ખુરશીમાં બહુ ધબ્બા માર્યા અને મોજથી નાચ્યા.

આ બાજુ એ મૂછોના દોરા ફૂટી રહેલા પણ વહાલ આવે છોકરાઓ અને બધા મિત્રો પણ કેવા ? જાણે બધાનો ઘરનો કોઈ પ્રસંગ હોય એમ બધું કામ કરી રહ્યા હતા ! આ બચ્ચાઓનું આ સાહસ હતું. એ નહોતા જાણતા કે ‘તાવડી તેર વાના માંગે!’ પણ એમનો ઉત્સાહ અદમ્ય હતો! અને દસ વાર ગામમાં દોડાદોડી કરી બધું ભેગું કરી ભાત વઘાર્યા ત્યારે ઘણું મોડું થઈ ગયેલ. થોડા વધુ પાણી પડી ગયેલ અથવા એમ કહો કે મોડું થવાથી ઘરે વડીલો ગુસ્સો કરશે એ ડરથી થોડા જલ્દી ચુલેથી ભાત ઉતારી બધા મિત્રો ભાત અને છાશ લઇ હજુ તો પહેલો કોળિયો ભરે અને કોઈ છોકરીઓ હજુ પીરસી રહેલ ત્યાં તો એક છોકરીના પપ્પા ઘાંટા પડતા આવ્યા કે, “૯ વાગશે. ૮ વાગાની વાત થયેલ. તમારા ક્લાસ બંધ થઇ જશે કાલથી. તમારા પ્રવીણસાયેબ આજે મોડા આવશે એટલે બાકી એ તો આ ના જ ચલાવે. હવેથી કોઈ પાલ્ટી-બાલ્ટી નહિ થાય. ટાણે ઘર ભેગીયું થઇ જજો.” અને સોપો પડી ગયો. બધાના મોઢામાં કોળિયા જેમના તેમ રહી ગયા ! પીરસતી હતી એ છોકરીઓ તો જમ્યા વિના જ બધા ભાતની ભરેલી ડીશો કચરામાં ફેંકી એક પછી એક નીચા મોઢે અંદર ચાલી ગઈ ! અને પરી મિસ શાંતિનો ભંગ કરતાં બોલ્યા, “ભાઈ, છોકરાઓએ તો વહેલું જ આયોજન કરેલ, પણ એમને શું સમજણ ખાલી ભાત વઘારવા એ પણ સરળ ના હોય. ‘તાવડી તો તેર વાના માંગે.’ એટલે બધું ભેગું કરવામાં એમને મોડું થયું. અને તમે પણ તમારી રીતે સાચા છો કે દીકરીઓને મોડું થાય તો તમને ચિંતા રહે. અમે ઘરે આવીને મૂકી જવાના હતા. કોઈ પણ દીકરીને એકલી ના મૂકી દેત. પણ આજે એમનો કે તમારો કોઈનો વાંક નથી તો હવે છોકરીઓ ભૂખી ઉઠી જાય એ તો મને નહિ ગમે. એ લોકોને તમારો ડર હતો મતલબ એ તમારી ચિંતાને સમજે છે. તો ક્યારેક એમને પણ આવું ભૂલમાં જ થઇ શકે તો એ અનુભવ વિના શીખશે કેમ ? તો તમે પણ એમને સમજો અને હવે તમે જ કહો તો જ એ કદાચ જમે.” પરીની વાત વ્યાજબી લાગતા જ એ દીકરીના બાપ ઠંડા પડ્યા અને કહેવા લાગ્યા, “ચાલો છોરીયું જમી લ્યો. આ ગામડું રહ્યું બેન અહી શેર જેમ મોડું થાય દીકરીયુંને તો ગામ વાતું કરે. પણ બેન તમે અહીં હતા એ ખબર નહિ, હવે ચિંતા નથી.” અને અંતે અંદર જઈ દીકરીઓએ જેમ-તેમ થોડું ખાધું ના ખાધું અને ભાગી. છેલ્લે પરી અને બધા છોકરાઓએ મળી વાસણ અને સફાઈ કરી પણ બધા થોડા મૂડઓફ હતા! પણ અંતે, એ ઉંમરે જ કરવામાં આવતા એવા તોફાનોની મજા પણ દિલમાં હતી! અને એ થોડી વઢ પડી પણ એક ભાત બનાવવા કેટલી વસ્તુ-કેટલી કલાકે ભેગી કરી ? એ મહેનત, એ અનુભવ સાથે ડાન્સની મસ્તી, ધબાધબી, ખુરશીને ધૂલો સમજી મોજથી ઢીબી નાખવું એ બધો આનંદ અલગ જ હતો ! અને પરી મિસ એ બચ્ચાઓ સાથે બચ્ચા થઇ જીવ્યા. એમને પણ આ છોકરાઓનો દોસ્તી જોઈ ગર્વ થયો! આ યુથ હતું, આજનું યુથ. એક-મેકની દોસ્તી માટે અપમાન ગળી જઈ મોજથી જીવી લેનાર! પરી મિસ થોડા દિવસમાં ત્યાંથી વિદાય થયા ત્યારે એમના દિલમાં કાયમી રહી ગયા... કુલદીપ, કરસન, દિવ્યા, રાજ, રીટા, ગીતા, અશ્વિન, રાજેશ સર, ઐશ્વર્યા, જાગૃતિ, ભાવિક, ઈશિતા વગેરેની દોસ્તી, ધૂલાનો એ યાદગાર બર્થ-ડે... જેમાં નહોતી કોઈ કેક, ફુગ્ગા કે નહોતો કેન્ડલ્સ બૂઝાવી કરાતો અંગ્રેજી દેકારો... ત્યાં હતો ફક્ત સીધો સાદો છોકરાઓએ પોતાનો પ્રેમ ભેળવીને વઘારેલા એ ભાત અને દિલથી મળીને ઉજવેલો એ યાદગાર જન્મદિવસ! અને સાથે... આ બધા બચ્ચાઓની હંમેશ પ્રેમપૂર્વક દિલથી કાળજી લેતી પણ બહારથી બચ્ચાઓને ખોટી કડકાઈ અને થોડો ગુસ્સો બતાવતી એમના પ્રવીણસરની વહાલ ભરેલી આંખો ! અ બધું પરી મિસ સાથે લેતા ગયા પણ એ વાત તો આ આખી ટોળકીના દિલમાં કોતરતા ગયા કે, ‘તાવડી તેર વાના માગે.’


(અક્ષરસ: સત્યઘટના)


Rate this content
Log in

Similar gujarati story from Children