mariyam dhupli

Drama Inspirational Children

5.0  

mariyam dhupli

Drama Inspirational Children

અમાનત

અમાનત

8 mins
581


ધોધમાર વરસાદની વચ્ચે હું મારા કર્તવ્યમાં વ્યસ્ત હતો. મારા બંને હાથ ઝીણવટપૂર્વક પોતાની ફરજપૂર્તિ કરી રહ્યા હતાં. પરંતુ મારુ મન ચોરીછૂપે ભૂતકાળ તરફ સરકી પડ્યું હતું. 

એ સાંજે પણ આવોજ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. કાળું મેષ આભ પોતાના અંતરના બધાજ અશ્રુઓ જાણે એકીસાથે વહાવી નાખવાની જિદ લઈ બેઠું હતું. વાદળોનો ગડગડાટ તુફાની વાતાવરણને વધુ ભયંકર બનવામાં પોતાની સહાયતા હોંશે હોંશે પુરી પાડી રહ્યો હતો. કોઈ પણ પૂર્વ ચેતવણી વિના તૂટી પડેલા વરસાદે મને માથાથી પગ સુધી ભીંજવી નાખ્યો હતો. ઠંડાગાર વાતાવરણમાં મારું બાળશરીર થરથર ધ્રુજી રહ્યું હતું. મેં એક નજર પડખે ચાલી રહેલા દાદાબાજી ઉપર નાખી. તેઓ પણ નખશીખ ભીંજાઈ ચૂક્યાં હતાં. એમનું વૃદ્ધ શરીર પણ મારા શરીર જેમ જ કંપન અનુભવી રહ્યું હતું. એમના ઠંડીથી ભીંસાતા દાંતમાં મને સાથે લઈ આવવાનો પસ્તાવો સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. આમ તો તેઓ દરરોજ મને નમાઝ પઢવા મસ્જિદ સાથે લઈ જતા. પણ એ દિવસે આમ અચાનક વરસાદ ત્રાટકી પડશે એનું અનુમાન જ ક્યાં હતું ? મોસમ વિનાનો એ વરસાદ એમના અનુભવ જગતને છેતરી ગયો હતો. એની હતાંશા એમના શરીરના હાવભાવોમાં ડોકાઈ રહી હતી. મારી સુરક્ષા અંગે તેઓ ચિંતિત હતાં. મારો હાથ એમણે દરરોજ કરતાં પણ વધુ સાવધાનીથી પકડ્યો હતો. એમના હાથની એ ઘરડી હૂંફ મને એ વાવાઝોડા વચ્ચે પણ તદ્દન સુરક્ષિત હોવાનો અનુભવ કરાવી રહી હતી. એમના ડગલાં જોડે ઝડપ મેળવતો હું પણ જેમ બને એમ જલ્દી ઘરે પહોંચી જવા ઈચ્છતો હતો. અબ્બુનો કામ ઉપરથી પરત થવાનો સમય પણ થઈ ચૂક્યો હતો. તેઓ પણ અમારી ચિંતા કરી રહ્યા હશે. એ ખ્યાલ સતાવતો હોય એમ દાદાજી ક્યારેક મને તો ક્યારેક વરસાદે ભેજવાળા કરેલા એમના ભીના ચશ્મામાંથી માંડ મહેનતે આગળનો રસ્તો સ્પષ્ટ નિહાળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. 

આમ તો હું એ સમયે ફક્ત છ વર્ષનો હતો. છતાં મારું બાળજગત એટલું તો સમજતું હતું કે અબ્બુ મારી એટલી ચિંતા પણ કરી રહ્યા ન હશે. એ જાણતા હતાં કે હું દાદાબાજી જોડે હતો. તેઓ પોતાના એકના એક પૌત્રને પોતાના જીવથી પણ વધુ ચાહતાં હતાં. એમનો પૌત્ર એમની જોડે સુરક્ષિત હશે એવી એમને પાક્કી ખાતરી હશે જ. એની મને પાક્કી ખાતરી હતી.

અમ્મી તો મને જન્મ આપી ખુદા પાસે જતા રહ્યા હતાં. હું મારા દાદાના ખોળે ઉછર્યો હતો. આખો દિવસ અબ્બુ તો દુકાન ઉપર વ્યસ્ત હોય. મારો નાસ્તો, મારું જમણ,મારી શાળા, મારું ઘરકામ, મારી રમતગમત, મારું ધાર્મિક જ્ઞાન અને મારું મનોજગત. બધુંજ દાદાબાજી સંભાળતા. તેઓ મારા દાદા પણ હતાં ને અમ્મી પણ. ખુદાએ સોંપેલ બમણી ફરજ તેઓ પોતાના તનમનથી નિભાવતા. તેથીજ કદાચ અમ્મી વિના પણ મારું બાળપણ અત્યંત સામાન્ય અને સહજ અનુભવાતું હતું. 

મને મારી દરેક સમસ્યા, દરેક ગૂંચવણનો ઉકેલ દાદાબાજીનાં સાનિંધ્યમાં સરળતાથી મળી રહેતો. નાની મોટી દરેક પરિસ્થિતિમાં તેઓ મારા પથદર્શક બની જતા. એમના ધીરજ અને અનુભવસભર જગતમાં હું અત્યંત સુરક્ષિત હોવાનો અનુભવ કરતો. 

એ વરસાદી તોફાની સાંજે પણ મારું બાળમન એમની છત્રોછાયામાં અત્યંત નિશ્ચિંન્ત હતું. પણ દાદાબાજીનું વૃદ્ધ મન નહીં. તેઓને પોતાના મન પર તો અતૂટ વિશ્વાસ હતો. પરંતુ કદાચ પોતાના વયોવૃદ્ધ શરીર ઉપર ભારોભાર શંકા હતી. એ નબળું, અશક્ત શરીર ક્યાંક એમને એ કપરી પરિસ્થિતિમાં દગો ન આપી બેસે. 

અને આખરે એમની એ આંતરિક શંકાને અનુભવનો શારીરિક થપ્પો લાગ્યો. વૃદ્ધ ઘરડી આંખો ભેજવાળાં કાચમાંથી દ્રશ્ય નિહાળવામાં થાપ ખાઈ બેઠી. પાણી અને કાદવથી લથપથ એ ખાડો ઉતાવળિયા ડગલાં ભાપી ન શક્યા. એક ક્ષણ માટે મારા હાથમાંથી એ હૂંફાળો હાથ છૂટી ગયો. હું સ્તબ્ધ જ્યાં હતો ત્યાંજ શોક્ગ્રસ્ત ઉભો રહી ગયો. એમનું વૃદ્ધ શરીર એ નાનકડા ખાડાની બીજી તરફ પછડાયું. આંખ ઉપરનો ચશ્માં એમના શરીરથી દૂર જઈ પછડાયા. થોડા સમય સુધી એ શરીરમાં કોઈ હલનચલન ન થયું. સુમસાન ભયંકર એ સાંજ મારું હૈયું વલોવવા લાગી. મારું વિશ્વ જાણે થંભી ગયું. મારી બહારથી ભીનાયેલી આંખોમાં અંદર તરફથી પણ પાણી ધસી આવ્યું. એક ડૂસકું ગળામાં આવી અટક્યું. એ બહાર નીકળે એ પહેલાંજ દાદાબાજીનાં શરીરમાં હલનચલન થઈ. મારું વિશ્વ જાણે પરત મળી ગયું. હું તરતજ ભાગતો દાદાબાજીની દિશામાં ધપી ગયો. મારો હાથ એમની દિશામાં આગળ વધાર્યો. એમનાં ભારેખમ શરીરને સહારો આપવા જેટલી શક્તિ એ નિર્દોષ હાથમાં ન હતી. તેઓ ચોક્કસ જાણતા હતાં. આમ છતાં મારું મન રાખવા એમણે મારો હાથ ઝાલી લીધો. હેમખેમ કેટલીક નાની ઈજાઓ સંકેલતાં તેઓ મારા હાથના આશાસભર ટેકા જોડે હિંમત ભેગી કરતાં ઉભા થઈ ગયા. એમને સંપૂર્ણ ભાનમાં જોતાં મારું ડૂસકું ફરીથી અંદર તરફ ધકેલાઈ ગયું. તરતજ બીજી દિશામાંથી હું એમના ચશ્માં ઊંચકી લાવ્યો. ચશ્માંનો કાંચ ભૂકો થઈ ગયો હતો. એ નિહાળતાંજ મારાં બાળમાનસમાં ફરી એકવાર ચિંતા અને તાણ વ્યાપી ગયા. એ ચશ્માં દાદાબાજીને કેટલા પ્રિય હતાંં એ હું સારી રીતે જાણતો હતો. એ ચશ્માં દાદીમાએ એમના માટે ખરીદ્યા હતાં.એના જોડે એમની ઘણી બધી યાદો જોડાયેલી હતી. એ તમામ યાદો એમણે મારા અને અબ્બુ જોડે પણ વારંવાર વહેંચી હતી. એ યાદો વાગોળતા તેઓ જાણે ફરી યુવાન બની જતા. એની જોડે સંકળાયેલી યાદો એમના ચહેરા ઉપર એક જુદુંજ નૂર લઈ આવતી . એ ચશ્માંની એમણે એટલી સૂક્ષ્મ કાળજી અને માવજત કરી હતી કે એ વર્ષો જૂના ચશ્માં નવાને નવાજ લાગતા. મને તો એમજ લાગતું કે જાણે એ ચશ્માંમાં દાદાબાજીનો જીવ વસતો હતો. પરંતુ એ સાંજે વાદળોના ગડગડાટ જોડે એ તૂટી ગયેલા ચશ્માંને ઉઠાવી હું દાદાબાજી નજીક પહોંચ્યો ત્યારે શરીર જોડે મારું મન પણ ટાઢું પડી ગયું હતું. એ ચશ્માં તૂટી જવાથી દાદાબાજીના મનોજગત ઉપર કેવી અસર પડશે એ અંગે મારું બાળમાનસ અતિ ચિંતિત થઈ ઉઠ્યું હતું. કાંપતા હાથ જોડે મેં દાદાબાજીના હાથમાં એમના તૂટેલા ચશ્માં પરત કર્યા.

તેઓએ એક ક્ષણ માટે ચશ્માંને ધ્યાનથી નીહાળ્યાં. પછી ઉપર તરફ દ્રષ્ટિ ઉઠાવી. વાદળોમાં એક ભયાનક ગડગડાટ થયો. દાદાબાજીના ચહેરા ઉપર એક ઊંડી શાંતિની રેખા ઉપસી આવી. એમની આંખોમાંથી કૃતજ્ઞતા છલકાઈ ઉઠી. તેઓ ધીમેથી બોલ્યા,

" તારી અમાનત હતી. તેંજ લઈ લીધી. ઈનના લિલ્લાહી વઈનના ઈલયહિ રાઝીઉન. "

એમના ચહેરા ઉપરની શાંતિ નિહાળી મારું બાળજગત મૂંઝવણમાં ડૂબી ગયું. એમણે તૂટેલા ચશ્માં શાંત જીવે કુરતાના ખિસ્સામાં સરકાવી ફરી મારો હાથ ઝાલ્યો. પહેલા કરતા પણ વધુ વિશ્વાસ અને મજબૂતી જોડે. મારા ડગલાને પણ જોમ મળ્યું અને થોડાજ સમયમાં અમે સુરક્ષિત ઘરે પહોંચી ગયા. 

રાત્રે પથારીમાં દાદાબાજીની પડખે નિયત ટેવ પ્રમાણે હું ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અબ્બાએ જમણ પછી આપેલા કાવા અને એમના પગની ઈજા ઉપર લગાવેલી ઔષધિને કારણે તેઓ રાહત અનુભવી રહ્યા હતાં. એમની મીંચાયેલી આંખો સંતોષકારક દીસી રહી હતી. મને ટેવ પ્રમાણે એમણે ઊંઘવા પહેલાની દુઆ પઢાવી દીધી હતી. ખુદાનો આભાર વ્યક્ત કરી તેઓ નિંદ્રાને વશ થાય એ પહેલા મેં ધીમેથી મારા મનની દ્વ્રિધા એમની આગળ ઠલવી દીધી. 

" મારું કોઈ રમકડું તૂટી જાય ત્યારે મને ખુબ દુઃખ થાય છે. હું ખુબ રડું છું. પણ તમે તો જરાયે ન રડ્યા. એ ચશ્માં દાદીમાએ તમને આપ્યા હતાં. તમને ઘણા વ્હાલા હતાં.એ તૂટી ગયા. તમને દુઃખ ન થયું ? પેલે દિવસે ક્રિકેટ રમતા મેં ઘરની બારીનો કાચ તોડી નાખ્યો હતો. અબ્બાના હાથ વડે કાચની રકાબી તૂટી ગઈ હતી. સામેના મેદાનમાં તમારા ગમતા ઝાડ ઉપર લોકોએ ટ્રેકટર ફેરવી એને ઉખાડી નાખ્યું હતું. ત્યારે પણ તમે રડ્યા ન હતાં. ગુસ્સો પણ કર્યો ન હતો. જયારે પણ કશું જતું રહે કે તૂટી જાય ત્યારે તમને ગુસ્સો નથી આવતો ? રડવાનું મન નથી થતું ? "

મારા પ્રશ્નોનો વરસાદ દાદાબાજી જીરવી રહ્યા હતાં. એમના દાઢી અને માથા પરના સફેદ વાળ ઉપર મારી બાળ નજર વિસ્મયથી જડાઈ ગઈ હતી. એમની આંખો હજી પણ શાંતિથી મીંચાયેલી હતી. મારા પ્રશ્નોનાં પ્રત્યાઘાતમાં એમના હોઠ ઉપર એક મીઠું હાસ્ય વેરાઈ ગયું. એમણે ફરીથી એજ આયત પુનરાવર્તિત કરી. 

" ઈનના લિલ્લાહી વઈનના ઈલયહિ રાઝીઉન. તારી અમાનત હતી. તેંજ લઈ લીધી. " 

"એટલે ?" 

મારી બાળ નજર હજુ પણ ગૂંચવણમાં હતી. 

એમણે મીંચેલી આંખો સાથે મારા માથા પર હેતથી હાથ ફેરવ્યો. 

" અર્થાત આપણે ખુદા પાસેથી આવ્યા છીએ અને ખુદા પાસેજ જતા રહીશું. આપણું જીવન ખુદાની અમાનત છે. અને એજ રીતે એ દરેક વસ્તુ કે સંબંધ જે ખુદાએ આપણને ભેટ ધર્યા છે એ પણ ખુદાનીજ અમાનત છે. જે થોડા સમય માટે આપણને મળી છે. જો એ ખુદા પાસે પરત જતી રહે તો ગુસ્સો કેવો ? ક્રોધ શા માટે ? બધું એનુજ છે અને એની તરફ જ પરત થવાનું છે. એટલે કદી કોઈ વસ્તુમાં જીવ ન રાખવો. જતી રહે તો એના જવાના દુઃખ કરતા જેટલા સમય માટે આપણા જોડે રહી એ માટે ખુદાનો ઉપકાર માનવો જોઈએ. આપણે સૃષ્ટિ પર કશું જોડે લાવતા નથી, ન કશું સાથે લઈને જઈશું. જેટલા સમય માટે જે કઈ પણ મળે એ માટે કૃતજ્ઞ રહેવું જોઈએ. એ વસ્તુ હોય, સંબંધ હોય કે માનવી...... "

આખી સાંજના થાકને કારણે દાદાબાજી વાત કરતા કરતા જ ખડખડાટ ઊંઘી ગયા. એમના શબ્દોનું સ્થાન એમના નસ્કોરાએ લઈ લીધું. હું એમને લપેટાઈ ગયો અને શાંત જીવે રોજ જેમ પોઢી ગયો. 

થોડા દિવસોમાંજ અબ્બુ એમના માટે નવા ચશ્માં તૈયાર કરાવી લાવ્યા. નવા ચશ્માં પહેરી પહેલીવાર જયારે એમણે અરીસામાં નિહાળ્યા ત્યારે એમની આંખોમાં કૃતજ્ઞતા છલકાઈ પડી. અબ્બુ માટે પણ અને ખુદા માટે પણ. 

એ તોફાની વરસાદી સાંજે મને જીવન જીવવાનો સાચો માર્ગ શીખવી દીધો. એ દિવસ પછી મારો જીવ કદી કોઈ વસ્તુમાં અટક્યો નહીં. કોઈ રમકડું તૂટે ત્યારે હું કદી રડ્યો નહીં. સતત ઉછેર અને વિકાસ પામી રહેલું મારું વ્યક્તિત્વ એ સહજ સ્વીકારતું ગયું કે કશું પણ હંમેશ માટે હોતું નથી. બધુંજ એક સમયગાળા પૂરતું હોય છે અને પછી એનો અંત કે એનું પરત થવું નિશ્ચિત હોય છે. હાશ ! એ ફિલસૂફીએ જીવનને કેવું હળવું ફૂલ કરી મૂક્યું હતું. બાળપણનું એ શિક્ષણ આજે પણ મારા યુવાન મનને માર્ગદર્શન આપી રહ્યું હતું. અને તેથીજ મારું મન 'ડિટેચમેન્ટ 'નું સાચું મૂલ્ય સમજતું હતું. એની અમાનત એ પરત લઈ લે તો ભલે. આંખોમાં આંસુ નહીં ચહેરા પર સ્મિત જોડે એ સ્વીકારી લેવું. ચોક્કસ આપણે બધા અને બીજું બધુજ ખુદા પાસેથી આવે છે અને ખુદા પાસેજ પરત થઈ જશે. કશું લઈને ન આવ્યા. કશું લઈને ન જઈશું. એ વિચાર જ ખુદા જોડે 'અટેચ' થવાનો, એકાકાર સાધવાનો એકમાત્ર માર્ગ છે. 

આકાશમાં વીજળીનો એક મોટો ચમકારો થયો. વાદળોનો પ્રચંડ ગડગડાટ થયો. હું ઝબકી ઉઠ્યો. ભૂતકાળની યાદોમાંથી મને ઉગારી લેતો એક હાથ ખભાને સ્પર્શ્યો. હું ધીમે રહી પાછળ તરફ ફર્યો. અબ્બુ હતાં. તેઓ અને ભેગા આવેલા અન્ય લોકો મારી રાહ જોઈ રહ્યા હતાં. ભૂતકાળની યાદો જોડે તણાઈ ક્યારે હાથ કામ કરતા અટકી પડ્યા હતાં એનું ભાન પણ રહ્યું ન હતું. હું માથાથી પગ સુધી આજે પણ એમજ ભીંજાયો હતો જેવો એ સાંજે. ઉપરથી નીચે ભીંજાયેલા શરીરમાં કંપારી છૂટી રહી હતી.

મારા ભીના હાથ વડે મેં માટી ઉઠાવી અને ખાડામાં નાખી. અબ્બુ અને અન્ય લોકોએ પણ અનુસરણ કર્યું. ખાડાની અંદર ગાઢ પોઢી રહેલા દાદાબાજી તરફ એક અંતિમ નજર કરી મારી દ્રષ્ટિ આભ તરફ મંડાઈ. ધીમા અવાજે મારા મોઢામાંથી શબ્દો ઉચ્ચારાયા. 

" ઈનના લિલ્લાહી વઈનના ઈલયહિ રાઝીઉન. શંકા નથી એ વાતમાં કે બધા તારી પાસેથી આવે છે અને તારી તરફ જ પરત થશે. તારી અમાનત તેં લઈ લીધી." 

મારા ચહેરા પર કૃતજ્ઞતા જરૂર હતી.પણ આ વખતે આંખમાંનું પાણી ન રોકી શકાયું. 


Rate this content
Log in

Similar gujarati story from Drama