STORYMIRROR

Vandana Vani

Children Stories Inspirational

5.0  

Vandana Vani

Children Stories Inspirational

બળપ્રયોગ

બળપ્રયોગ

3 mins
35K


"પદાર્થ પર થતી ક્રિયા કે જેને કારણે પદાર્થને વેગ મળે તેને બળ કહેવાય. આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે પરિક્ષા માટે. ગોખી જ નાખજો!" કહી સનતસાહેબે પાઠ પૂરો કર્યો.

છેલ્લો પિરિયડ પૂરો થયો, 'હાશ કાલ સુધીની તો નિરાંત' કરીને દીપુએ દફ્તર સાથે જ રમવાના મેદાન તરફ દોટ મૂકી. રસ્તામાં ભાઈએ જલદી ઘરે પહોંચવાનો સંદેશો આપ્યો પણ ખરો પણ દીપુભાઈ માને ખરા!

અંધારું થતાં દીપુ રોજની જેમ છૂપાતા, ઘરના પાછલાં બારણેથી રૂમમાં ઘૂસવા જતો હતો ને પકડાઈ ગયો. "તને કેવી રીતે સમજાવું? ભણ્યાં વગર મધ્યમ વર્ગનો ઉદ્ધાર નથી. તારા બાપ પાસે જાહોજલાલી નથી ..." કાનને આ શબ્દોની નવાઈ ન હતી એટલે તેણે સાંભળવાની તસદી ન લીધી. હાથ-પગ ધોઈને સીધો રસોડામાં જઈને મમ્મીએ પીરસેલી થાળી પર ગોઠવાઈ ગયો.

પપ્પાને રસોડામાં આવતાં જોઈને મમ્મી તરત બોલી,"છોકરો ભૂખ્યો હશે, પહેલા ખાઈ લેવા દેજો." પણ પપ્પાએ આજે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

"આવી રીતે મારા ઘરમાં નહીં ચાલશે. મારા નિયમોનું પાલન ન કરવું હોય તો નીકળી જા ઘરમાંથી. હદ થઈ ગઈ આ છોકરાની તો, હવે ખોટું કરવા લાગ્યો છે. રીઝલ્ટ પર મારી ખોટી સહી કરીને આપી દીધું. એ તો આજે સનતમાસ્તર રસ્તામાં મળ્યાં ત્યારે ખબર પડી. ખોટું ક્યાંથી શીખ્યો?" કહેતા એક થપ્પડ દીપુના ગાલે મંડાઈ ગઈ. મમ્મી વચ્ચે પડી તો તેને પણ !

દીપુ થાળી પરથી ઊભો થઈ ગયો. તેની આંખમાં આજે આંસુની જગ્યાએ રોષ જોઈને, મમ્મી ગભરાઈને રડવા લાગી.

રૂમમાં જઈ દીપુએ ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. વારેઘડી ભાઈ સાથે થતી સરખામણી અને તેના કારણે તેને સહેવું પડતું અપમાન યાદ આવી ગયાં. સ્કૂલ બેગમાંથી ચોપડાં કાઢી બે જોડી

કપડાં મૂકી દીધા. જે રસ્તેથી આવ્યો એ જ પાછલાં રસ્તે જતો હતો ને અધખૂલા બારણેથી મમ્મી પપ્પાની વાત કાને પડી, "આજે મારી થાળી ન પીરસતી. મેં મારા કાળજે ઘા કર્યો છે. સહેવાતું નથી. હા, તું દીપુને બરાબર જમાડી દે. શું કરું આ ટૂંકા પગારમાં ઘર કેવી રીતે ચલાવું છું તે મારું મન જાણે છે. બસ એક જ ઈચ્છા છે, છોકરાઓ સારી રીતે ભણી લે અને મોટી નોકરી મળી જાય! તેમણે આપણી જેમ ચીમળાઈને ન જીવવું પડે. હે ભગવાન, દીપુડાને સદબુદ્ધિ આપજે." પપ્પાના આંસુ આછા અંધારામાં સ્પષ્ટ દેખાતાં હતાં. મમ્મીના તો ડૂસકાં સંભળાતાં હતાં.

દીપુ એટલો તો બેફીકરો ન હતો ! તેને સમજાયો પપ્પાનો બળપ્રયોગ! તે બનેલી ઘટનાને સકારાત્મક ઊર્જા તરીકે વાપરવા કટીબદ્ધ થયો.

ઓફિસના દરવાજાના કિચૂડ અવાજે તેનું ધ્યાન તૂટ્યું.

"સર તળાવના રાહતકામ પરનાં મજૂરો હવે કામ કરવાની ના પાડે છે. કહે છે અમે અડધા ભૂખ્યાં રહેશું તો ચાલશે, ઓછાં પાણીથી ચલાવી લઈશું પણ કામ નથી કરવું. બે દિવસથી તો નામ પૂરતું કામ કર્યું છે. તળાવ ન ખોદાશે તો‌‌.." આસિસ્ટન્ટને અડધેથી અટકાવી કલેકટર તરત ખૂરશી પરથી ઊભા થઈ ગયા.

"તળાવનું કામ ચોમાસા પહેલાં પૂરું થવું જ જોઈએ. પોતાની જરૂરિયાત માટે પણ લોકો સમજતાં નથી ! ફક્ત સરકાર પાસેની અપેક્ષાએ જીવન?"

ખિસ્સામાંથી પાકીટ કાઢી તે ફોટાને આંખે અડાડી બબડ્યો, "આળસને ભગાડવા, કામને ગતિ આપવા બળપ્રયોગ કરવાની જરૂર લાગે છે !" 

મલકાતાં ટેબલ પરની ઊંધી પડેલી નેમ-પ્લેટને સીધી કરી. "કલેકટર દીપક પટેલ"

કલેકટરનો જુસ્સો, ચાલની ઝડપ અને ચહેરાની કડપ જોઈ કોઈ મજૂર કામ કરવાની ના નહીં કહી શકે એ ચોક્કસ હતું !


Rate this content
Log in