એક પોસ્ટકાર્ડ
એક પોસ્ટકાર્ડ


મારાં સર્વેશ્વર,
કેમ, તમે રીસાણા છો ? તમારા આવવાનો સમય થઈ ગયો છે છતાં દૂરદૂર સુધી તમારા આવવાના કોઈ અણસાર નથી. રાહ જોઈજોઈને મારી આંખો સૂકાઈ ગઈ છે, તરડાઈ ગઈ છે. તમારામાં જરીકે દયા નથી ? મારી દયા ન કરો તો કાંઈ નહીં, પણ વાદળો પર તો નજર નાંખો. વાદળો ડૂમો ભરીને બેઠાં છે, મૂંઝાય છે. મારાંથી તેમની હાલત જોવાતી નથી. હવે તો એવું થાય છે કે તેઓ પણ મારી જેમ રડી લે તો સારું.
"મહારાષ્ટ્રમાં આભ ફાટ્યું છે. ઠેરઠેર પાણી ભરાયાં છે, વીજળી ગુલ થઈ ગઈ છે. સદીઓ પછી આવો ખોફ જોવા મળ્યો છે. કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ... સરકાર સંપૂર્ણ રીતે સજ્જ... સાવચેતીરૂપે.... " જુઓ તો ખરાં ! ટીવી-રેડિયો કેવી જોરજોરથી બૂમો પાડે છે.
આ શું ? અહીં હું તમારી રાહ જોતી રહી અને તમે બીજે જઈ પહોંચ્યા ? તે પણ વગર આમંત્રણે ? વગર બોલાવ્યે આમ આટલાં દિવસ કોઈને ત્યાં ન રહેવાય. મારાં વ્હાલા, માનો મારી વાત.
હવે આ વેદના મને અસહ્ય થઈ પડી છે. મારાં હદયેશ્વર, મને માનવજાતની ચિંતા પણ છે. આપણને તેમને સાચવવાનું કામ સોંપાયું છે. આમ કામચોરી તો ન જ થાય. એક વખત ઇશ્વર ભલે તેની જવાબદારી ભૂલે, પણ આપણાથી કેમ ભૂલાય ? નાની વીજળીનાં સંગાથે આ ચીઠ્ઠી મોકલું છું. જો હવે તમે નહીં આવો તો…"
તમારી ધરા.
પ્રિયતમ મેહુલિયાને પત્ર મોકલીને ધરા રીસામણે બેસી ગઈ. છતાં વિહ્વળ જનતાને જોઈ તેનું હૈયું ચીરાઈ ગયું. તેનાંથી લખતાં તો લખાઈ ગયું કે 'તમે નહીં આવો તો..'
પણ... માને કંઈ રીસામણા શોભે ? ધરા ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ત્યાં જ તેનાં કાને તીણો અવાજ આવ્યો.
"ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે... ધીમેધીમે વરસાદનું જોર વધતું જાય છે. છ-સાત મહિના પછી ધરાને પ્રિયતમનો સંયોગ થયો છે ! વિયોગના કારણે સૂકીભઠ્ઠ થયેલી ધરામાં નવો પ્રાણ ફૂંકાયો છે. તે મહેંકી ઊઠી છે. ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. "
પછી તો ! ધરા પ્રિયતમ સાથે પ્રેમાલાપમાં તલ્લીન બની તૃપ્ત થતી હતી ત્યારે ટીવી નફ્ફટ થઈ તેનાં પ્રેમીનાં આવવાનાં સમાચાર ચોતરફ ઢંઢેરો પીટતું હતું !