આંસુનો પડદો
આંસુનો પડદો


"અહીં થોડું ભીનું છે, સંભાળીને પગ મૂકજે. જો હાથ-પગ ભાંગ્યો તો પાછી મારી પાસે સેવા કરાવીશ" કહેતાં સિત્તેર વર્ષીય મુકુંદભાઈએ હસતા હાથ લંબાવ્યો.
લાકડીનાં ટેકે, મક્કમ ડગલે ચાલતા મુકુંદભાઈ પત્નીની વર્ષોની ઇચ્છા પૂરી કરવા જઈ રહ્યા હતા, એટલે એટલા આનંદમાં હતાં કે તેમના મુખેથી શબ્દો ધાણીની જેમ ફૂટતાં હતાં.
"કુમુદ તે મને લગ્નની પહેલી રાત્રે જણાવેલું કે આપણે પહેલી દિવાળીએ વીરપુર જઈશું અને સાથે ગિરનારની પરિક્રમા કરીશું. પરંતુ હું ! વ્યવસાયમાં એવો ખોવાઈ ગયો કે લગ્નનાં પિસ્તાળીસ વર્ષ ક્યાં વીતી ગયાં તે ખબર જ પડી. આજે તારી એકમાત્ર મનોકામના પૂરી કરાવવા નીકળ્યો છું. તને મારા પર ગુસ્સો તો નથી આવતો ને ? ચાલ, જે હોય તે મને માફ કરી દે. જો તો ખરી, કેટલું સુંદર વાતાવરણ છે. "તેરે મેરે સપને અબ એક રંગ હૈ, જહાં ભી લે જાયે રાહે હમ સંગ હૈ", મુકુંદભાઇના શરીરમાં જાણે દેવાનંદે પ્રવેશ કર્યો હોય એમ ડગલાનાં અંતર અને વેગમાં ફેર પડી ગયો.
"કુમુદ, તે લગ્નનાં પિસ્તાળીસ વર્ષ ઘરની તમામ જવાબદારી સંભાળી. મારા વૃદ્ધ માતાપિતાની સેવા કરી, બે સંતાનોને સારા સંસ્કાર આપી ઠેકાણે પાડ્યાં. ક્યારેય કોઈ ફરીયાદ નથી કરી! સમાજમાં આદર્શ કહેવાતાં મારા કુટુંબમાં સૌથી વધુ શોષણ તારું જ થયું છે એ મારી જાણ બહાર નથી. પણ મને પૈસા સિવાય ક્યાં કશામાં રસ હતો ! કબૂલ કરું છું હું.
હાથની પક્કડ મજબૂત થઈ.
તારો વાન થોડો ઝાંખો, ભણતર એકદમ સામાન્ય એટલે બા-બાપુએ કેટલુંયે સમજાવીને મને તારી સાથે પરણવા રાજી કર્યો હતો. પણ તારા અવાજ પર હું મોહી પડ્યો હતો ! મારી સવાર તો તારા પ્રભાતિયાં
સાંભળીને જ થતી ! ત્યારે હંમેશા કામ કરતા તું ગણગણતી રહેતી, કદાચ એકલતા દુર કરવાનો તારો કીમિયો હશે નહી!
નાનામોટા ખાડા-ટેકરા, પથ્થરોને ઓળંગતા મુકુંદભાઈને જીવનનાં ચઢાવ-ઉતારનાં દ્રશ્યો તાદ્રશ્ય થવા લાગ્યાં. પણ આજે તો કુમુદનાં ઉપકારનો બદલો વાળતા હોય તેમ ખુબ ખૂશ હતા. "બડે અચ્છે લગતે હૈ, યે ઘરતી, યે નદીયાં, યે રૈના ઔર તુમ", ગણગણાટ કરતાં આગળ વધ્યા. આજે તો કુમુદનો હાથ છોડવાનું મન થતું ન હતું.
"પપ્પા, તમે મમ્મી માટે જેટલી બાધાઓ લીધી હતી તે બધી યાદ કરીને મૂકતા જજો. મમ્મીની છેલ્લી ઇચ્છા નર્મદા-સ્નાનની હતી તેથી અહીંથી સીધા અસ્થિ વિત્સર્જન માટે ચાણોદ જઈશું. તમારાંથી ન ચલાય તો કહેજો,પાછા ફરીશું." ત્રીસ વર્ષીય દિકરીનો અવાજ સાંભળી મુકુંદભાઈ ચોંક્યા.
મુકુંદભાઈનો હાથ હવામાં અધ્ધર રહી ગયો.
હા, તેમની કુમુદનો સાથ છૂટ્યાને એક મહિનો થઈ ગયો ! દિવાળીની રાત્રે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો, ત્યારે ખબર નહીં પણ કેમ મુકુંદભાઈએ વચન આપી દીધું કે તે સારી થાય કે તરત ગિરનારની પરિક્રમા કરવા લઈ જશે. કુમુદ સારી તો નહીં થઈ શકી પણ મુકુંદભાઈ ગિરનારની પરિક્રમા ટાળી ન શક્યા !
ચાલતા મુકુંદભાઇ હાંફી ગયા, શરીરે આગળ વધવાની ના પડી દીધી, પણ મન પાછાં વળવા માટે ના કહેતું હતું,
"ગમે તે ભોગે પરિક્રમા પૂરી કરીને જ રહીશ, મારી કુમુદને દિલમાં રાખી, તેના સ્વપ્નને સાકાર કરીને પાછો ફરીશ. ન પણ પાછા ફરાય તો આનાથી સારો અંત શું હોઈ શકે?" આંસુનો પડદો આંખ સામે છવાયો અને સામેનું મનોહર દ્રશ્ય ઝાંખું થયું પણ હૃદયનું દ્રશ્ય એકદમ ચોખ્ખું-ચટાક બન્યું.