બ્રહ્માંડ દર્શન
બ્રહ્માંડ દર્શન


મારાં બા-દાદા ચુસ્ત વૈષ્ણવ. જન્મે બ્રાહ્મણ એટલે એમને મંદિરમાં સેવા કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. એમનાં શરીરે સાથ આપ્યો ત્યાં સુધી મંદિરમાં સેવા કરી. મેં બા-દાદાને આખો દિવસ ઠાકોરજીની સેવા કરતાંકરતાં તેમની સાથે કલાકો વાતો કરતાં જોયા છે, જાણે ઠાકોરજી એમના માટે બાળક જ હોય !
મારાં જીવન ઘડતરમાં એમનો અમૂલ્ય ફાળો, આથી જીવનનું દરેક પગથિયું ચડતાં હું એમને સંભારું.
'આજે લાલાને શું પહેરાવું' કરીને દાદા વસ્ત્ર અને શણગાર કેટલીવાર ડબ્બામાંથી કાઢે અને મૂકે. બા જાતજાતનું પકવાન કરીને ધરાવે. અરે, બા તો લાલાને પોઢાડ્યા પછી પણ કેટલીવાર સુધી પંખો હલાવતાં ઊભાં રહે. બરાબર સૂઈ જાય ને એટલે !
એમનાં માટે લાલા સિવાય દુનિયામાં બીજું બધું તુચ્છ હતું.
વસંત ઋતુમાં આખો મહિનો હવેલીમાં રંગોની છોળો ઊડે. મારાં બાને તે વખતે એક વધારાનું કામ હોય, કેસૂડાનો રંગ બનાવવાનું. તેઓ મોટા તપેલામાં પાણી સાથે કેસૂડાના ફૂલને ખૂબ ઉકાળે, પાણીનો રંગ લાલ-કેસરી થાય ત્યાં સુધી. ત્યારપછી બાની હથેળીમાં ઉકાળેલો કેસૂડો જોર દઈને એવો નિચોવાય કે બિચારો હથેળીમાંથી નીકળે ત્યારે તેણે તેનો રંગ સાવ છોડી દીધો હોય !
સેવામાં વ્યસ્ત રહેતાં બા આ વધારાના કામને કંટાળાથી નહીં પણ દિલથી કરતાં. હું આ બધું અસમંજસભાવે જોઈ રહેતી ત્યારે બા મને શ્રીકૃષ્ણની હોળી રમવાની વાર્તાઓ કહેતાં. જાણે તેઓ આંખો દેખ્યો અહેવાલ આપતાં હોય એમ જ !
"ગોપીને એમ કે કોઈ નથી. ચાલ, આ રસ્તે જાઉં તો રંગાવાથી બચી જાઉં. કરીને એ ખુશ થતી 'હે રી સખી ફાગણ માસ આયો..' કરીને ગીત ગાતી ઝાડ પાસેથી પસાર થાય અને એવી .. રંગની છોળો ઊડે કે...પછી ગુસ્સે થતી ઘરે પાછી ફરે. બસ આમ આખો મહિનો ચાલે !"
"પણ બા, આપણે તો હોળી એક જ દિવસ રમીએ, ઠાકોરજી કેમ આખો મહિનો રમે ?" સમજતી થઈ એટલે મને તેમની વાતનો સંતોષ ન થયો, મેં સામેથી પ્રશ્ન કર્યો.
"બેટા, તેમને કેટલી બધી ગોપીઓ સાથે રમવાનું !" પછી તો બાએ ગોપીઓનાં વસ્ત્રહરણ અને માટલી ફોડવાની પણ વાર્તા કરી.
મારાં મનમાં ઠસાવવા આવેલી વાત સાથે આ વાર્તાઓનો મેળ પડતો ન હતો એટલે મેં ફરી સવાલ કર્યો, "કોઈને આ રીતે હેરાન કરીએ તો પાપ નહીં લાગે ? તમે તો મને એમ કહો છો".
ધીમા હાસ્ય સાથે નીકળેલા શબ્દો મને હજી યાદ છે, "કાલે મેં તને ચોકલેટ આપી અને મને ખબર હતી કે તને ચોકલેટ જોઈતી પણ હતી છતાં તે કેમ ના પાડી ?
"તમે મને એક જ આપતાં હતાં. મને બે ચોકલેટ જોઈતી હતી અને મારે મમ્મી સાથે બજારમાં પણ જવું હતું."
બા બોલ્યા, "ગોપીઓનું પણ એવું જ હતું. તેમને શ્રીકૃષ્ણ સાથે રહેવું હતું અને બીજી બાજુ તેમણે તેમનાં પરિવાર સાથે પણ રહેવું હતું. તેમને બંને બાજુનો પ્રેમ જોઈતો હતો. કાનાને એ વાતની ખબર હતી એટલે એ ગોપીઓને ચીડવવાના બહાને તેમની આજુબાજુ ફરતો હતો. ગોપીઓ શ્રીકૃષ્ણના પ્રેમરંગમા રંગાઈ ગઈ હતી એટલે કાનાની ખોટેખોટી ફરિયાદ કરી તેને જોવા મા યશોદાને ત્યાં જતી હતી".
સાત વર્ષની ઉંમરે મને બહુ સમજાયું તો નહીં એટલે મેં સ્વાભાવિકતાથી પૂછ્યું," બા પ્રેમરંગ એટલે શું ?
બાએ બાજુમાં પડેલી ઠાકોરજીની ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભર્યો અને લાંબી છોળ ઉડાડતાં બોલ્યાં, "આ જો પ્રેમરંગ.."
અચાનક પડેલા રંગથી હું ગભરાઈ ગઈ પણ પછી ખડખડાટ અમે જે હસ્યાં છીએ !
આજે પણ શરીરને અડેલા એ રંગને યાદ કરું છું ત્યારે મારા તનમનમાં શીતળતા વ્યાપી જાય છે અને બાનાં બોખા મોંમાં જોયેલા એ બ્રહ્માંડમાં હું ખોવાઈ જાઉં છું.