નાટક
નાટક


"આ શેનો વઘાર કર્યો? આખું ઘર બળવા માંડ્યું છે જાણે", ખાંસી સાથે ડ્રોઈંગ રૂમમાંથી અવિનાશનો અવાજ આવ્યો.
વઘાર કડક હતો તેની ના નહીં પણ છેલ્લા બે દિવસથી ચેઈન સ્મોકર, અવિનાશને થોડી ખાંસી હતી જ. તે થોડીવાર ખાંસતો રહ્યો.
શું કરે વૈદેહી! અવિનાશને એવું સ્વાદિષ્ટ ભોજન જોઈએ કે ન પૂછો વાત! જરા મસાલો ઓછો પડ્યો હોય તો, "હોસ્પિટલમાં મોકલવા બનાવ્યું છે” કહી થાળી પરથી ઊભો થઈ જાય.
વૈદેહી આજે મિસળ બનાવતી હતી. એમાં તો સરસ લાલ ચટક વઘાર હોય તો જ ભાવે! તેણે દિલ દઈને કરેલો લાલ-લીલા મરચાંનો વઘાર આખા ઘરમાં ફરી વળ્યો.
"મમ્મી આંખ બળે છે" કહીને મીનુ પણ વૈદેહીની ઓઢણીએ લપેટાઈ.
"હજી થોડું તેલ અને મરચું હોય તો મજા આવી જાય!" જમતી વખતે અવિનાશે કીધું ત્યારે વૈદેહી તેને જોઈ રહી.
"કેટલો ધૂમાડો છે છોકરી તારા ઘરમાં! કંઈ સળગ્યું છે?" બાજુમાં રહેતા મણીમા દોડતાં આવ્યાં ત્યારે વૈદેહી હજી રસોડું જ સાફ કરતી હતી.
ના, કશું નથી. આવો માસી." હજી વૈદેહી આટલું બોલે ત્યાં મણીમા સોફે ગોઠવાઈ ગયા.
"હવે ક્યાં તમારે ચૂલે રસોઈ કરવાની છે અમારી જેમ! બેન આંખ અને ફેફસાં બળી ગયા અમારા ચૂલા ફૂંકી ફૂંકીને તો!" અવિનાશના હાથમાં રહેલી સિગારેટ તરફ નજર કરતાં મણીમાએ એમની વાત શરૂ કરી
દીધી. એક વખત તેમની વાત શરૂ થાય એટલે જલદી ન અટકે!
અવિનાશ અકળાતો, સળગતી સિગારેટ સંતાડતો સોફા પરથી ઉભો થવા ગયો ત્યાં મણીમાએ ટોક્યો,"બેસ બેટા ઘડીક, મને સારું લાગશે."
તેમણે ચશ્માં સરખાં કરતાં આગળ ચલાવ્યું," કોઈ ધુમાડો સારો નથી બેટા, એ ચૂલાનો હોય, વઘારનો હોય કે સિગારેટનો. આ તારી સિગારેટ છે ને એ તને તો બહું નુકશાન કરે જ છે પણ તારી સાથે રહેનારાં બધાને પણ કરે છે."
અવિનાશને નાસમજ બની બેઠેલો જોઈએ મીનુ ટેબલ પર પડેલું સિગારેટનું બોક્સ કચરાપેટીમાં ફેંકી આવી.
"વર્લ્ડ નો ટોબેકો ડે પાપા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ લગાવેલા અંદાજ પ્રમાણે તમાકુ ના ધૂમ્રપાનને લીધે દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં 6 લાખ લોકો એવા છે કે જે પોતે ધૂમ્રપાન નથી કરતા પરંતુ પરોક્ષ રીતે તમાકુનો ધુમાડો તેમના શ્વાસમાં જાય છે. અમને પણ એક દિવસ તમારી સાથે..."
મીનુ વાક્ય પૂરું કરે તે પહેલા અવિનાશે દોડીને દીકરીને બાથમાં લઈ લીધી.
"બેટા હવે રોજ નો ટોબેકો ડે, પ્રોમિસ!"
મણીમાએ તેમનું કામ પૂરું કર્યું. વૈદેહી, મણીમા અને મીનુ એક્બીજાને જોઈને મલકાતાં હતાં. નાટક એટલે નાટક બાકી!
"ફેમેલી ઈઝ નોટ એન ઈમ્પોર્ટન્ટ થીંગ, ઈટ ઈઝ એવરીથીંગ."નાટકના મુખ્ય કલાકારને એ તો ખબર હતી જ!