રાખી-પત્ર
રાખી-પત્ર


વ્હાલા જંતુડા,
આજે મને કુદરતની મનમાની પર બહું જ ગુસ્સો આવે છે કારણકે પચાસ વર્ષમાં પહેલીવાર મારા ભાઈના હાથે રાખડી બાંધવા નથી પહોંચી શકી. દર વર્ષે તારી ભાવતી મીઠાઈ અને મન પસંદ રાખડીનું પડીકું બે દિવસ પહેલા તૈયાર કરીને, તને મળવાની રાહ જોતી તારી આ બહેન તરફથી આ વખતે રાખડીનું પરબિડીયું મળે એટલે તેને મળ્યાનો આનંદ માણજે.
આ મહામારીએ મારા પગમાં એવી તો બેડી પહેરાવી દીધી છે કે મનનો ઉમળકો કોરાણે બેસી ગયો છે ! આમ જોવા જાઉં તો કુદરતને ભાંડવાનો મને અધિકાર નથી. મેં જ કાળજી ન રાખી તો કોઈ શું કરે ? નાનો મારો જંતુડો ! તું પણ કેવી સલાહ આપતો હતો છતાં મેં તારી સલાહ ન માની અને કોરોનાના નામનું, નરી આંખે ન દેખાતું જંતુડું મારા પર હાવી બની ગયું.
અત્યારે મને સારું છે, તું ચિંતા ન કરીશ હવે. હોસ્પિટલમાંથી ઘરે આવ્યાનાં દસ દિવસ પછી થોડી કળ વળતાં રાખડી મોકલવા બેઠી છું. મને થયું લાવ યાદની નાની ચબરકી પણ સાથે સરકાવી દઉં !
મને બરાબર યાદ છે તું દર રક્ષાબંધને રાખડી બાંધ્યાં પછી બહેન ટીનાને કેટબરી અચૂક આપતો. હું મા પાસે કેટબરી માટે જીદ કરતી, પણ મા હંમેશા એમ કહીને ટાળતી, "કેટબરીથી દાંત ખરાબ થાય. આપણે તો ખાઈએ જ નહીં ને !"
ઘરકામ કરતી મારી માને તારા મમ્મી એટલે કે મીરામાસી તે દિવસે ઘરમાં બનાવેલ મીઠાઈ અચૂક આપતા પણ મારો જીવ તો પેલી કેટબરીમાં અટકેલો રહેતો.
તે રક્ષાબંધને કેટબરીના આકર્ષણે હું તારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. તારી પાસે કેટબરી ઉપરાંત એક બીજી ચોકલેટ પણ હતી. તે મને એ ચોકલેટ આપી. મેં ન લીધી કારણકે મને તો કેટબરી જોઈતી હતી ને ! એકીટશે મંડાયેલી નજરથી કેટબરી પણ જાણે શરમાઈ ગઈ ! મારી નજરને તે પારખી લીધી. તે કેટબરી મારા હાથમાં સરકાવતા કહ્યું હતું તે શબ્દોની વ્હાલપ હજી હું અનુભવું છું, "હવે હું તને પણ ટીનાની જેમ કેટબરી આપીશ."
માએ એ જોઈ લીધું. દોડતી મને ત્યાંથી ખેંચીને લઈ જવા લાગી. ત્યાં જ મીરામાસી આવી ગયા તેમને હકીકત સમજાઈ ગઈ. ફ્રીજમાંથી બીજી કેટબરી લઈ આવ્યાં.
"પણ રાખડી બાંધે તેને જ કેટબરી મળે ને ? હમણાં આવું છું." કહી દોડતી હું મારા ઘર તરફ વળી. અમે બંને મા-દીકરીને રહેવા માટે બનાવી આપેલી નાની ઝૂંપડીને અમે ઘર કહેતાં ! આખું ઘર ફેંદી વળી. તારા હાથને શોભે એવી રાખડી શોધવા સ્તો !
"ટીનાના રાખડી જેવી જ રેશમની પટ્ટી છે." કહીને મેં મારી રિબિનનો ટુકડો તને બાંધ્યો હતો !
બસ તે દિવસથી તું મારી સાથે બંધાઈ ગયો ! મારો ભાઈ બની ગયો ! દર વર્ષે તું મારી અને ટીના પાસે સાથે રાખડી બંધાવે છે, અમને બંનેને સરખી ભેટ આપે છે ! મેં તને હંમેશા મને અને ટીનાને બધી વસ્તુઓ સરખી મળે તેવો આગ્રહ કરતા જોયો છે.
મમ્મીની વફાદારીની કિંમત ચૂકવતા મીરામાસી હજી તેને બહુ માનથી બોલાવે છે. તમારા બધાના આશીર્વાદથી મારા લગ્ન પણ સાધનસંપન્ન ઘરમાં થયા. હું તો એવું સમજુ છું કે મારા ભાઈના હેતના કારણે જ મને દુનિયાની બધું ખૂશી મળી છે !
તારું નામ જતીન, તું મારાથી નાનો અને શરીરે નબળો એટલે હું તને જંતુડો કહીને બોલાવતી ત્યારે કેટલો ચીડવાઈ જતો હતો ! આજે મને તારું એ જ નામ યાદ આવ્યું શું કરું?
મને ખબર છે, તને લાંબું વાંચવાનો કંટાળો છે પણ આજે યાદની ભરતીને ન રોકી શકી. થોડું લાંબું લખાઈ ગયું છે. વાંચીને કંટાળે તો એક લટાર મારી આવજે તળાવ પર, જ્યાં આપણને દર રક્ષાબંધને મીરામાસી આઇસ્કીમ ખાવા લઇ જતા હતાં.
મીરામાસીને મારા પ્રણામ કહેજે. ટીના પર અઢળક પ્રેમ ઢોળજે ! મારી રાખડી ટીના પાસે બંધાવી ઢગલો મીઠાઈ ખાઈ લેજે, પણ મારી કેટબરી તો મને જોઈશે જ હોં ! તું હંમેશા ખુશ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું, સારું થાય એટલે તને મળવા દોડતી આવીશ જ !
તારી કેટબરી બહેન.