હોસ્ટેલમાં રહેતી દીકરીઓને પત્ર
હોસ્ટેલમાં રહેતી દીકરીઓને પત્ર


વ્હાલા મહેર અને માહી,
સૌપ્રથમ મહેર તને ક્લાસમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ! સૌથી વધુ આનંદ તો મને એ જાણીને થયો કે ગણિતમાં તને પૂરા માર્કસ મળ્યા છે, જે પેપર આપવા પહેલા તું હતાશ થઈ ગઈ હતી. જયાં સુધી તમે મેદાન છોડીને ન જાવ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી, હવે સમજી ગઈ ને બેટા !
મારી નાની ઢીંગલી માહી તને તો અભિનંદન આપુ કે ગર્વ લઉં સમજાતું નથી. સાવ નાજુક, નખરાળી દીકરી, દોડમાં પ્રથમ ! વ્હાલી એ તારા આત્મવિશ્વાસ અને મહેનતની જીત છે.
બંને બહેનોને મમ્મી-પપ્પા પાસેથી ભેટમાં મોબાઈલ જોઈએ છે. જાણ્યું. તમને હકીકતમાં મોબાઈલની જરૂર છે? મને એકાદ મહિના પહેલાની વાત યાદ આવે છે. મારી બહેનપણીએ પહેરેલી હીરાની બુટ્ટી મને બહું ગમી ગયેલી. લેવાનો પ્લાન પણ ઘડાઈ ગયો. પછી વિચારતા મહેર તારા જેઈઈના કલાસની ફી અને માહી તારા કરાટે કલાસની ફી ભરવામાં કદાચ ટૂંકા પડીએ એવું મને લાગ્યું. ભાન થયું, તમે બંને મારાં બે હીરા છો તેને બરાબર ચમકાવું તો હું વધારે સરસ દેખાઈશ ! લેવાનું માંડી વાળ્યું. વસ્તુની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને ખરીદી કરીએ તો લાંબા ગાળે ફાયદો થાય.
હા, "ચાદર જેટલા જ પગ પહોળા કરીએ." પસ્તાવું ન પડે.
મહેર તને યોગાના ક્લાસમાં જોડાવું ગમશે? અમારા બંનેની ઈચ્છા છે, તું એમ કરે. તારો આત્મવિશ્વાસ વધશે અને શરીર પણ સારું રહેશે. માહી તારા રિઝલ્ટને જોતાં ગણિતનાં કલાસ લેવા ખૂબ જરુરી જણાય છે. તારી બીજી પ્રવૃત્તિઓને ખલેલ ન પડે તેમ ગોઠવણ કરી છે. ઈતર પ્રવૃત્તિની સાથે ભણવામાં પણ તું અવ્વ્લ રહે તો કેવું સરસ !
સરસ ઘરેણા બનાવવા માટે હથોડીએ કઠોર થઈ ઝીંકાવું પડે છે. બસ મા-બાપની પણ આ જ વ્યથા છે. તમે હારીને આવો કે જીતીને, તમારા માટે અમારા દિલના અને ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે. ખુબ મજા કરો, નવું શીખતા રહો અને હા, તમારા પત્રો આવવાથી મારું બશેર લોહી ચડી જાય છે. પત્ર લખતાં રહેજો.
મમ્મીનાં આશિષ.