આભાર
આભાર


"હેપ્પી થર્ડ એનિવર્સરી ડિયર." મોગરાનાં ફૂલનો ગજરો વાળમાં ખોસતા જીતે દર વખતની જેમ મોનાને તેનાં બાહુપાશમાં ઓગાળી દીધી.
"તને પણ. આજે રજા લીધી છે ને ? આ વખતે પણ મને મારી ગમતી જગ્યા પર લઈ જઈશ ને ?" મોનાએ વીંટળાયેલા જીતનાં હાથને મજબૂત કરતાં કહ્યું.
"મોના, મને એ નથી સમજાતું કે મેરેજ એનિવર્સરી પર મંદિરે કે હિલ સ્ટેશને જવાને બદલે તું મને એ વેરાન જગ્યાએ કેમ લઈ જાય છે ?" હાથની પકડ ઢીલી કરતાં જીત અકળાયો.
"સાચી વાત, મારે તારાથી કંઈ છૂપાવવું ન જોઈએ. ત્યાં એક સંત બેઠાં છે. તને મેળવી શકી એ આભાર વ્યકત કરવા દર વખતે તેમની પાસે જાઉં છું. જીત, સત્ય ઝીણી સોય જેવું છે, હવે મારે તને એ બતાવવું જ રહ્યું." મોનાએ તેને હાથ પકડીને સોફા પર બેસાડ્યો.
ઊંડો શ્વાસ લઈને મોનાએ વાતની શરૂઆત કરી.
"તને યાદ હોય તો ચાર વર્ષ પહેલાં આપણાં પહેલા વેલેન્ટાઈન ડેએ ગામ બહાર આવેલી ટેકરીની પાછળ, કોઈ જોઈ ન જાય એ રીતે આપણે મળ્યાં હતાં. છૂટાં પડ્યાં પછી સ્કૂટર પર તારી પાછળ બેસીને ગામ સુધી ન આવી શકાય એટલે હું ગામથી ઘણે દૂર ઊતરી ગઈ હતી”. મોનાએ નોંધ્યું, જીત એને તાકી રહ્યો છે.
"હું આપણાં સંગાથની પળો વાગોળતી ગામ તરફ જતી હતી ને... બે હાથો વડે હું પાછળ ખેંચાવા માંડી. કંઈ અજુગતું થઈ રહ્યાનો અહેસાસ થતાં મેં બૂમો પાડવા મોં ખોલ્યું પણ તરત મજબૂત હાથોથી તે ઢંકાઈ ગયું." સાંભળતા જ જીતનાં કપાળે પરસેવો વળી ગયો. પરસેવો લૂછતાં તેણે દિલનાં પ્રશ્નને એમ સમજાવીને બાજુ પર કરી દીધો કે પહેલાં બધી વાત સાંભળી તો લઉં.
"હું ગાઢ જંગલમાં ઘસડાવા માંડી. તેઓ એક કરતા વધારે લોકો હોય એવું મને લાગ્યું. છટકવાની કોશિશ કરતાં હું થાકી ગઈ હતી. ભગવાનને યાદ કરી પ્રાર્થના કરવા લાગી, તું જે સ્વરૂપે મને બચાવીશ એની હું આજીવન પૂજા કરીશ.” મહાભારતનાં સંજયની જેમ ઘટનાને તાદ્રશ્ય કરાવતી મોના ઘડીક અટકી. તે જીતના કપાળે અંકાયેલી કરચલી સ્પષ્ટ જોઈ શકતી હતી.
"છોડી દે એ છોકરીને." એનાં અવાજમાં પણ વીરતા ડોકાતી હતી.
"તું કોણ ? વચ્ચે નહીં પડ. એકલો નહીં પહોંચી વળે અમને ! મર્યો જ સમજજે."
"એટલીવારમાં તો લાકડીનો ફટકો મને પકડી હતી તેનાં માથામાં પડી ગયો. પકડ ઢીલી થતાં એનું શું થશે એ વિચાર્યા વગર સીધી ગામ તરફ દોટ મૂકી હતી મેં. પણ… એ ચોક્કસ નહીં બચ્યો હોય !” નિસાસો મૂકતાં મોના પરસેવે રેબઝેબ થઈ ગઈ.
“જીત, તને યાદ છે લગ્ન પછી બીજે જ દિવસે આપણે ચાલતાં ગામથી દૂર નીકળી ગયા હતાં. અચાનક મને ઠોકર વાગી અને રસ્તાને અડીને આવેલાં પથ્થર પર મારો હાથ ટેકવાયો ત્યારે માંડ પડતાં બચી હતી હું. આપણી નજર સામે પથ્થરનાં કેટલાયે પાળિયાં ઊભાં હતાં. તે વખતે મારાં અડેલાં હાથને અહેસાસ થયો કે આ એ જ વીરનો પાળિયો છે, જેણે મને રાક્ષસની ચુંગાલમાંથી બચાવી હતી. બદનામીનાં ડરથી મેં આ વાત આજ દિન સુધી કોઈને કહી નથી, મારાં દિલમાં જ દબાવી રાખી હતી.
"પણ મોના એ પાળિયાં તો સો-બસો વર્ષ પહેલાનાં છે !"
"હા, પણ એ પાળિયા પર ચક્ર છે એવું જ ચક્ર મને બચાવનાર વીરની છાતી પર પણ હતું. કદાચ મને બચાવવા એણે પુનઃજન્મ લીધો હોય ! ભારતવર્ષમાં સ્ત્રીનાં શિયળની રક્ષા કાજે કેટલાયે વીરોએ શહીદી વહોરી હશે ! તેની નોંધ ઇતિહાસે ક્યાં લીધી છે ? જો એ સંતે મને બચાવી ન હોત તો આજે..." જીતે મોનાનાં મોં પર હાથ મૂકી દીધો.
"મોના, સંત મુએ કોઈ ના રુએ ! ચાલ આજે પહેલાં એ વીરનાં દર્શને જઈશું. મારી મોનાને સહીસલામત મારાં સુધી પહોંચાડી છે, એનો મારે આભાર તો માનવો જ જોઈએ ને ?