અજરામર પપ્પા- થેન્ક યુ
અજરામર પપ્પા- થેન્ક યુ


'પંદરમી ઓગષ્ટનાં દિવસે આપણી શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૫ થી ૭નાં દરેક વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકે છે. વિષયો નીચે પ્રમાણે છે...' શાળાનાં નોટિસ બોર્ડ પર મૂકાયેલી નોટિસને વાંચી ન વાંચી કરીને હું બાજુમાંથી પસાર થઈ ગઈ.
હું થોડી આગળ નીકળી ગઈ પછી અચાનક પાછળ ફરવાનું થતાં જોયું તો શાળાનાં એક શિક્ષક બહુ ધ્યાનથી તે નોટિસને વાંચી રહ્યા હતા, વિષયો નોંધી રહ્યા હતા.
મને ધ્રાસ્કો પડ્યો, નક્કી મારું આવી બન્યું.
વાત સાચી પડી. ઘરે આવી કે તરત પપ્પાએ કહ્યું, "આ વખતે તારે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો છે." મારાં તો મોતિયા મરી ગયાં. તમને ખાસ વાત કહી દઉં કે એ શિક્ષક મારાં પપ્પા જ હતા. તેઓ મારાં માટે જ વિષયો નોંધતા હતા.
હું બહુ શરમાળ. આત્મવિશ્વાસના અભાવે વર્ગમાં ઊભાં થઈને જવાબ આપવાનું પણ હું ટાળતી. મોટેભાગે એવું થતું કે મને બધાં જવાબ આવડતા હોય છતાં હું ન બોલું એટલે એનો શ્રેય કોઈ બીજું લઈ જતું.
હવે આ વકૃત્વ સ્પર્ધામાં શાળાનાં એક હજાર વિદ્યાર્થી આગળ બોલવાનું એટલે મારાં માટે અશક્ય. હું તેમની આગળ કંઈ ન બોલી, તેમને ના ન કહી શકી. ફક્ત મારી આંખ ભીની થઈ ગઈ. તેમની બાજ નજરે મારી પરિસ્થિતિને માપી લીધી.
આમેય શિસ્તનાં આગ્રહી, એકદમ કડક શિક્ષક તરીકેની પપ્પાની છાપ. શાળામાં બધાં વિદ્યાર્થીઓ તેમનાથી ડરતાં. ઘરમાં પણ શાળા જેવું જ તેમનું વર્તન અમને બધાંને અકળાવતું.
પગ પર પડેલાં આંસુનાં ટીપાને મેં બીજા પગથી ઝટ લૂછી લીધું.
મને નજીક બોલાવી. મારો હાથ પકડીને મને બાજુમાં બેસાડી. સામાન્યવત તેઓ એક પછી એક વકૃત્વ સ્પર્ધાના વિષયની ચર્ચા કરવા લાગ્યા.
"મને એવું લાગે છે તારાં માટે 'જો હું પંખી હોઉં તો' એ વિષય સરસ છે." હું ત્યાં સુધી તો ચૂપ હતી, પછી હિંમત કરીને મેં જવાબ આપી દીધો, "મારે નથી બોલવું."
"ના, તારે બોલવાનું છે. બસ, હું લખી આપું છું. હજી એક અઠવાડિયું છે એટલે સરસ તૈયારી થઈ જશે. તારી યાદશક્તિ તો સારી છે વાંધો નહીં આવે."
બોલીને તેઓ ફરવા નીકળી ગયા.
તેઓ ગયા પછી હું ખૂબ રડી. પપ્પાના નિર્ણય આગળ મમ્મી પણ લાચાર હતી. સાંજે જમીને મને પપ્પાએ પાછી બોલાવી. "ચાલ આપણે સાથે મળીને લખીએ."
"તને કયું પંખી ગમે ? કેમ ગમે ? એ પંખીની ખાસિયત શું છે ? એ શું ખાય છે ? તે ઊડતાં પંખીઓ જોયા છે ?" પ્રશ્નનાં જવાબ મારી પાસેથી જ કઢાવતા રહ્યા. ધીમેધીમે હું હળવી થતી ગઈ.
બે દિવસ પહેલા ખુલ્લાં થિયેટરમાં અમે બધાં 'ચોરી ચોરી' ફિલ્મ જોવા ગયેલાં. મને તેનું ગીત એકદમ મોઢે આવી ગયું, "પંછી બનું ઊડતી ફીરુ મસ્ત ગગનમેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં." તેઓ હસી પડ્યા.
"હા, આજ ગીત હું તને યાદ કરાવવા માંગતો હતો. ચાલ, હવે મને કહે કે તું પંખી હોય તો શું કરે ?"
ધાણી ફૂટે તેમ મારા મોંએથી શબ્દો ફૂટવા માંડ્યા. જો હું પંખી હોઉં તો વિષય પર મારું સરસ લખાણ તૈયાર થઈ ગયું.
હું રાજી થઈ ગઈ. કદાચ મારાં કરતા મારાં પપ્પા વધારે રાજી થયા.
મેં સરસ તૈયારી કરી, હું ખૂબ સરસ બોલી અને મેં ઈનામ પણ મેળવ્યું. ત્યારપછી તો બોલવામાં મેં ક્યારેય પાછાં વળીને નથી જોયું.
એક શિક્ષક તરીકે વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિને કેવી રીતે જગાડવી, તેને સાવ નીચેથી હાથ ઝાલીને શિખરે કેવી રીતે પહોંચાડવો તેમાં પપ્પા માહિર હતા.
પપ્પા વિજ્ઞાનનાં શિક્ષક પણ તેમને સંગીત અને નાટ્યકલામાં પણ ખૂબ રસ. સાચું કહું તો તે જીત પછી મારામાં આત્મવિશ્વાસ વધ્યો. ત્યારપછી હું સાહિત્યનાં રસ્તે સમાંતરે ચાલતી રહી. સારા વાંચન, લેખન માટે મને તેમણે પ્રોત્સાહિત કરી.
તેઓ મને સારી ફિલ્મો જોવા લઈ જતા. બિનાકા ગીતમાલાના સમય પહેલાં અમે સૌ પરવારીને બેસી જતાં. એના પરિણામ સ્વરૂપ મારો સંગીત, સાહિત્યમાં રસ કેળવાયો અને આજે હું સારું લખી શકું છું. થેન્ક યુ પપ્પા !
'પંછી બનું ઊડતી ફીરુ મસ્ત ગગનમેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં' ભારતનાં ઈતિહાસમાં અમર બની ગયેલાં આ ગીત થકી તમે મારાં માટે અમર છો પપ્પા !