સંસ્મરણ : થેંક્યું ટીચર
સંસ્મરણ : થેંક્યું ટીચર


પહેલાં આઠમું ધોરણ એટલે માધ્યમિક શિક્ષણનું પ્રથમ ચરણ હતું. ભણવામાં મારી ગણતરી હોશિયાર વિદ્યાર્થીમાં થતી. પહેલાં પાંચ નંબરની બહું મારામારી રહેતી. એટલી ઉથલપાથલ થતી કે અમે પાંચે વિદ્યાર્થીઓ પરિણામ હોય ત્યારે દ્વિધામાં રહેતાં.
અમારી શાળામાં પહેલાં પુરવણી બતાવતાં, એ પ્રમાણે અમે સરવાળો કરી જાતે નંબરની ગોઠવણી કરી લેતાં.
બધાં વિષયની પુરવણી બતાવાઈ ગઈ હતી. આજે છેલ્લી ચિત્રકામની પુરવણી બતાવવાના હતાં. અત્યાર સુધી તો હું અવ્વલ હતી એટલે આત્મવિશ્વાસ ઉભરાતો હોય સ્વાભાવિક છે !
સન્મુખસાહેબ, જેઓ ત્રણ મહિના પહેલા જ શાળામાં આવ્યાં હતાં એટલે અમે સૌ અને અમારી સૌની હોશિયારીથી પણ અજાણ હતાં.
ક્લાસમાં તેઓ પુરવણી સાથે દાખલ થયાં. પુરવણીનું બંડલ ખોલતાં હતાં ત્યારે બધાનું ધ્યાન તેમનાં તરફ હતું.
સામાન્યતઃ, પહેલા ત્રણ વિદ્યાર્થીઓ, જેમનાં વધારે માર્ક્સ હોય તેમનું પરિણામ પહેલાં ખૂલે પણ સન્મુખસાહેબે તો રોલ નંબર પ્રમાણે જ શરૂ કર્યું. મારો રોલ નંબર તો બહું પાછળ. પરિણામની તાલાવેલી મને બહું અકળાવતી હતી.
મારાં એક પછી એક હરીફ મિત્રોનાં પરિણામ સાંભળી હું મલકાતી હતી કારણકે તેઓનાં માંડ પાસિંગ માર્ક્સ આવ્યાં હતાં !
મારો નંબર આવ્યો. સાહેબ નંબર બોલે તે પહેલાં હું સ્ટેજ પાસે પહોંચી ગઈ. અભિનંદન મેળવવા સ્તો !
"નાપાસ, ૧૪ માર્ક્સ." મારાં પર તો આભ તૂટી પડ્યું. હું તો રડવા લાગી. બેન્ચ સુધી પહોંચતા તો હું હિબકે ચઢી ગઈ.
સાહેબ મારી પાસે આવ્યાં, "શું થયું? આપણે જેવું ચિત્ર દોર્યું હોય એવા જ માર્ક્સ મળે."
પિરિયડ પૂરો થતાં સાહેબ ક્લાસની બહાર નીકળી ગયાં. થોડી મિનિટોમાં તો આખી શાળામાં મારી નાકામયાબીનાં સમાચાર પ્રસરી ગયાં.
સાહેબ શિક્ષક રૂમમાં ગયાં ત્યાં તેમને મારા આગળનાં પરિણામની અને મારી હોશિયારીની ખબર પડી. સાહેબે મને બીજે દિવસે ચિત્રકળાખંડમા બોલાવી અને જે કહ્યું છે તે યાદ કરતાં આજે પણ કહું છું, “થેંક્યું ટીચર."
"તું ગણિતમાં પૂરાં માર્ક્સ લાવે છે તેનો મતલબ એ નથી કે તારા ચિત્રકામમાં પણ પૂરાં માર્ક્સ આવશે. આપણે આપણી નબળાઈ સ્વીકારી લેવી જોઈએ. હંમેશા સફળતા જ મળે એ પણ જરૂરી નથી. અને હા તારું સમગ્ર પરિણામ જોતાં તને ત્રણ માર્ક્સ ગ્રેસના આપી પાસ જાહેર કરવામાં આવે છે. તને જરૂર જણાય તો ગમે ત્યારે મારી પાસે આવી શકે છે."
મળેલા ત્રણ ગ્રેસના માર્ક્સને કારણે આવેલાં પહેલાં નંબરનું પરિણામ લેતી વખતે હું મારાં અહમ્ ને કોરણે બેસાડીને ગઈ.
પછી તો મારી મહેનત અને સન્મુખસાહેબના મારા પરનાં વિશ્વાસે ચિત્રકામની બહારની બે પરીક્ષાઓ 'એ' ગ્રેડમાં પાસ કરી !
થેન્ક યુ ટીચર મારા માટે એક અજાણ્યો રસ્તો ખોલવા બદલ ! થેન્ક યુ ટીચર ગર્વ અને અહમ્ ની પાતળી રેખાની સમજ આપવા બદલ !