Vandana Vani

Inspirational

4.8  

Vandana Vani

Inspirational

મા, તારી કમાણી

મા, તારી કમાણી

3 mins
490


"જયશ્રીકૃષ્ણ કાકા."

"જયશ્રીકૃષ્ણ, ઘણા દિવસથી દેખાતી નથી તું ? નોકરી લાગી ગઈ કે શું ?" હું અને મમ્મી ‘શણગાર રેડીમેડ ગારમેન્ટ’માં પ્રવેશ્યાં કે તરત અરવિંદકાકાએ મને સવાલ કર્યો.

આનંદથી ઉછળતાં મેં જવાબ આપ્યો, "હા, સુરતમાં એક એન્જીનીયરીંગની મોટી ફર્મમાં મને ગયા મહિને જ નોકરી મળી ગઈ છે."

"સરસ, બોલ શું બતાવું ? પહેલી કમાણીનો આનંદ કંઈ ઓર જ હોય છે બેટા. આમ પણ ઓફિસમાં પહેરી જવા માટે હવે સારા કપડાં તો જોઈશે જ ને ?" અરવિંદકાકા તો એક પછી એક ડ્રેસ બતાવવા માંડ્યા.

"હા, પણ પહેલા મારાં બે ભાઈઓ માટે સારા શર્ટ અને પપ્પા માટે શર્ટનું કાપડ બતાવો." કહેતાં મેં મમ્મી તરફ જોયું ત્યારે એ ગર્વથી મલકાતી મારી વાત સાંભળતી હતી. મેં મારાં બંને ભાઈઓ માટે સરસ શર્ટ ખરીદ્યાં અને પપ્પા માટે મારી પસંદગીનું શર્ટનું કાપડ પણ.

"અરે, હવે લગ્નની સિઝન હોવાથી થોડી સાડીઓ પણ લાવ્યા છીએ. બતાઉં ?" 

અરવિંદકાકાને ખબર હતી જ મારા જવાબની, એટલે મારો જવાબ મળે તે પહેલા તેમણે સાડીઓનો ઢગલો કરી દીધો. 

ઢગલો જોઈને મમ્મી બે ડગલાં પાછળ હટી ગઈ. "મારી પાસે ઘણી સાડીઓ છે અને મારે જવું છે ક્યાં ? તું તારાં માટે કંઈ લઈ લે."

મેં આગ્રહ કરીને મમ્મીને એક સાડી લેવડાવી. મારાં માટે એક સરસ ડ્રેસ પણ લીધો.

"કાકા, મારો પગાર બે દિવસ પછી આવશે એટલે તમને બધા પૈસા આપી જઈશ." 

ગામડામાં આવી ક્રેડિટ આરામથી મળી જતી હોય છે.

સાતમી તારીખ હતી, પહેલો પગાર મળવાનો હતો. રોજ કરતા વહેલા બસ સ્ટેન્ડ પર જઈને બેસી ગઈ. બસમાં જે શેખચલ્લીના પુલાવ પકવ્યા છે મે ! 'દર મહિને આટલા પૈસા મળશે, આટલાં ઘરમાં આપીશ, આટલામાંથી નવાં કપડાં લઈશ વગેરે વગેરે...'

ઓફિસમાં તે દિવસે મેં એકદમ ઉત્સાહથી કામ કર્યું. બપોરે બે વાગ્યે મને બોલાવીને એકાઉન્ટટન્ટે પગારના પૂરાં પંદરસો મારાં હાથમાં મૂક્યા. હું તો જાણે મોટો ખજાનો મળી ગયો હોય એમ ખુશ થતી ઘરે પહોંચી.

ઘરે પહોંચતા મોડું થઈ ગયું હતું છતાં હું મમ્મી સાથે અરવિંદકાકાની ઉધારી ચૂકવવા આખો પગાર લઈને ઉપડી.

"કાકા, મારે કેટલા આપવાના છે ?" ગર્વથી હું દુકાનમાં પ્રવેશી.

નોટબુક કાઢીને અરવિંદકાકાએ ટોટલ માર્યું, "બે હજાર થાય પણ બેટા તું મને અઢારસો આપ."

કાપો તો લોહી ન નીકળે એવી મારી હાલત થઈ ગઈ.

મમ્મીએ મારી હારેલી બાજી સંભાળી લીધી. "અરવિંદભાઈ, આ તો બજારમાં નીકળ્યાં હતાં એટલે અમને થયું કે તમને આંકડો પૂછતાં જઈએ. કાલે વીનીનો પગાર આવે એટલે એ આવીને બધા સાથે જ ચૂકવી જશે."

ઘરે આવીને હું તો રડમસ થઈ ગઈ. 'મોટા ઉપાડે ખરીદી કરી લીધી, હવે પૈસા ચૂકવીશ કઈ રીતે ?' મને બહુ ખરાબ લાગ્યું. 

"બેટા, ચિંતા ન કર, મારી કમાણીમાંથી તને આપીશ પછી તું મને પાછા આપી દેજે." કહેતાં મમ્મીએ મારી સામે પાણીનો ગ્લાસ ધર્યો.

"પણ તું ક્યાં નોકરી કરવા જાય છે ?"

"કેમ નોકરી કે ધંધો કરીએ તો જ પૈસા હોય પાસે ? મારી કમાણી તો એવી છે, જેને સમજાય એને જ સમજાય. 'બચત', બચત મારી કમાણી છે બેટા‌." મમ્મીએ કબાટના ખૂણેથી કડકડતી સો ની પાંચ નોટ મારાં હાથમાં મૂકી, સાથે ઉમેર્યું, "તને પેલો બસોવાળો સ્કર્ટ ગમ્યો હતો ને ? એ પણ લઈ આવજે."

મમ્મીની કમાણીના પાંચસો લેતાં મારાં હાથ ભારે થઈ ગયાં. મારી આબરૂ સચવાઈ ગઈ. પપ્પાની આબરૂ પણ આમ ઘણીવાર સચવાઈ જ હશે તો !

આજે હું ઘણું કમાઈ લઉં છું પણ ઉનાળાની બપોરે જાતે મરચા ખાંડી પચાસ રૂપિયાની બચત-કમાણી કરતી, 'થોડી કસરત થઈ જાય' એવું કહીને ઝાડુપોતાં જાતે કરીને મહિને દહાડે ત્રણસો રૂપિયાની બચત-કમાણી કરતી મમ્મીની આગળ મારી કમાણી સાચે જ વામણી લાગે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational