કુટેવ
કુટેવ
આખા દિવસના દોડધામભર્યા દિવસ પછી સોનલ ટીવી સામે ગોઠવાઈ. પોતાની ગમતી ટીવી સિરિયલ શરૂ થવામાં થોડીજ મિનિટ બચી હતી. ચાની પ્યાલી હોઠને સ્પર્શીજ કે વંદન સામે આવીને ઊભો રહી ગયો. સોનલના હાવભાવોમાં કંટાળો વ્યાપી ગયો. એક ઊંડા ઉચ્છશ્વાસ જોડે એણે વંદન ઉપર એક કડક નજર ગોઠવી. જે વંદનને સંદેશ પહોંચાડી રહી કે આમ ટીવીની સ્ક્રીન અને એની મમ્મીની વચ્ચે ભીંત સમો ઊભો રહી એ મમ્મીની નિરાંતની પળોમાં વિઘ્ન પાડી રહ્યો હતો અને મમ્મીને એ સહેજે ગમી રહ્યું ન હતું.
" જા, બહાર જઈ રમ. "
પાછળ ફરી વંદને ફરી એકવાર ટીવીની સ્ક્રીન નિહાળી. ત્યારબાદ પોતાની નજર મમ્મીની નજરમાં વિસ્મયથી ભેરવી. આખા દિવસની થાક પછી અન્ય કોઈ માનસિક ખેંચતાણ માટે તૈયાર ન હોય એ રીતે વંદનના શરૂ થનાર વાર્તાલાપના તાર તોડી નાખવાના હેતુસર સોનલનો અવાજ હેતુબધ્ધ કડક થયો.
" સામેથી હટ."
મમ્મીના કાનની નજીક સરકી વંદને ધીમે રહી વાર્તાલાપ શરૂ કર્યોજ કે સોનલની ચીસ આખા ઘરમાં ગુંજી ઊઠી.
" ઊભો રહે પપ્પાને કહું છું...કેટલીવાર તને કહ્યું આમ નકામા....."
સોનલના ઊંચા અવાજથી આકર્ષાઈ માનવ શયનખંડમાંથી દોડતો બેઠકખંડમાં દોરાઈ આવ્યો.
" શું છે ? કામ કરવાનું ચેન નથી આ ઘરમાં...."
પપ્પાના ક્રોધિત લાલપીળા ચહેરાને નિહાળતાંજ વંદન દુમ દબાવીને ઘરની બહાર તરફ ભાગ્યો. ટીવીની સ્ક્રીન નિહાળતાંજ માનવ પરિસ્થિતિ કળી ગયો.
" તને કેટલી વાર કહ્યું કે વંદનની સામે...."
માનવે દર વખતની જેમજ એની ઉપર દોષારોપણ કર્યું એ વાત સોનલની સહનશીલતાની પરે હતી.બચાવપક્ષના વકીલ સમી એણે પણ પોતાની દલીલ ગરમ શબ્દોમાં પીરસી.
" હું તો કામવાળી છું. આખો દિવસ ઘરનું કામ કરતી રહું તો કોઈને કશો વાંધો નહીં. હા, પણ બધી ફરજ પુરી કર્યા પછી થોડા સમય માટે પોતાના મનોરંજન માટે ટીવી જોવા બેસું એ કોઈનાથી ન સહેવાય...."
માનવના શરીરના હાવભાવોમાં રીસ ઉતરી આવી. એકનો એક કાર્યક્રમ રેડિયો ઉપર પુનરાવર્તિત સાંભળી સાંભળી કંટાળી ચૂકેલા,અકળાયેલા શ્રોતાની જેમ એને રેડિયો ઊંચકીને ફેંકી દેવાનું મન થઈ આવ્યું. પરંતુ સામે નિર્જીવ રેડિયો નહીં, જીવતીજાગતી પત્ની બેઠી હતી. સમસ્યાનો ઉકેલ જટિલ હતો. સમસ્યા ઉકેલવામાં પોતાની ઉર્જા વેડફવાની જગ્યાએ એ સીધો શયનખંડમાં જતો રહ્યો અને બારણું અંદરથી વાંસી પોતાના લેપટોપ ઉપર પુનઃ વ્યસ્ત થઈ ગયો. બેઠકખંડમાં આખરે મોકળું મેદાન મળતા સોનલે રાહતનો દમ ભર્યો અને પોતાની ગમતી ધારાવાહિકના તાજા એપિસોડ ઉપર રસપૂર્વક નજર માંડી દીધી.
બીજે દિવસે સાંજે બજારથી પરત થયેલી સોનલની શ્વાસો થાકથી ફૂલેલી હતી. હાથમાં ચાર જુદી જુદી ભારે કોથળીઓનું વજન હતું. બહાર તરફના વરંડામાં માનવ સમાચાર પત્ર વાંચવામાં ઊંડો ડૂબી ગયો હતો. ઓફિસનો થાક ચહેરા ઉપર સ્પષ્ટ છલકાઈ રહ્યો હતો. સોનલને નિહાળતાંજ જાણે જીવમાં જીવ આવ્યો.
" એક ચા આપી દે પ્લીઝ...."
સોનલના શરીરનો થાક બમણો થઈ ઉઠ્યો.
" હા, આપું છું. અંદર તો આવવા દે. એક તો ગમે તેમ કરીને રીક્ષા મળી. આ અણધાર્યો વરસાદ...."
પોતાના હાથની કોથળીઓ અંદર તરફના ટેબલ ઉપર મૂકી એણે પોતાના ભીના શરીર ઉપર એક ઝડપી દ્રષ્ટિ ફેરવી. કંઈક અચાનક યાદ આવ્યું હોય એમ ઘરના દરેક ખૂણા ઉપર એની શંકાશીલ દ્રષ્ટિ ફરી વળી. માનવને નિહાળ્યા વિનાજ એણે જાસૂસ જેવા મંદ સ્વરમાં પૂછપરછ કરી.
" વંદન ક્યાં છે ? દેખાઈ નથી રહ્યો ? એનો અવાજ પણ નથી સંભળાઈ રહ્યો ? ઘરમાં આટલી શાંતિ કેમ ?"
તુફાન ત્રાટકવા પહેલાની શાંતિ જેવી નીરવતા ઘરમાં વ્યાપી હતી. સોનલનું માતૃ હૃદય એને ઢંઢોળી રહ્યું હતું. ' જરૂર કંઈક ગરબડ છે. નહીંતર વંદન આમ શાંત જપીને તો ન જ બેઠો હોય. '
" અંદર રમતો હશે. નહીંતર ગેમમાં વ્યસ્ત હશે. " સમાચારપત્રમાં ઊંડે ઉતરેલી આંખો ઉપર ઉઠ્યા વિનાજ એક પાના ઉપરથી બીજા પાના ઉપર સ્થળાંતરિત થઈ.
" ગેમ રમતો હોય તો મ્યુઝિકનો અવાજ ચોક્કસ સંભળાઈ...."
તદ્દન ધીમા સ્વરે પોતાની શંકા પતિ આગળ વ્યક્ત કરતી સોનલ પોતાનાજ ઘરમાં ચોર માફક દાખલ થઈ. બેઠક ખંડ ખાલી હતો. ટીવી બંધ હતું. વંદનનું બેટ , બોલ અને અન્ય રમકડાં એક ખૂણામાં શાંત ,ડાહ્યા ઊભાં હતાં. ધીમે રહી એણે વંદનના ઓરડાનું બારણું ખોલ્યું. ચારે તરફ સન્નાટો હતો. વંદન અંદર ન હતો. એનું પ્લે સ્ટેશન પ્રાણ વિહીન પડ્યું હતું. સોનલના હૃદયના ધબકાર ક્રમશ : વધી રહ્યા હતાં.
બારણું અવાજ કર્યા વિના ધ્યાનથી વાંસી એ રસોડા તરફ ઉપડી. બજાર જવા પહેલા આઈસ્ક્રીમ માટે એ જીદે ચઢ્યો હતો. શર્દીથી નાક લાલ હતું. આઈસ્ક્રીમ મળી ન જ હતી. કદાચ આઈસ્ક્રીમ......મનમાં શંકાના વિકલ્પ એક પછી એક ઝબકારા છોડી રહ્યા હતાં. રસોડામાં પ્રવેશતાજ મનમાં ગભરામણ થવા માંડી. એ ત્યાં પણ ન હતો. આખું રસોડું એ જેવું છોડી ગઈ હતી એવુજ સાફ અને વ્યવસ્થિત હતું.
'આખરે એ ક્યાં છે ? શું કરી રહ્યો છે ? '
એકજ જગ્યા શોધવાની બાકી હતી. પોતાનો શયનખંડ.
' પણ ત્યાં એ શું કરવા ગયો હોય ?'
જે પ્રશ્નનો ઉત્તર એ જાણતી ન હતી એ પ્રશ્ન ઉપજાવવા બદલ એને પોતાનાજ મન ઉપર ગુસ્સો આવ્યો.
પોતાના શયનખંડના આગળ આવી એ ઊભી રહી ગઈ. એક ઊંડો શ્વાસ અંદર તરફ ખેંચ્યો. હિંમત ભેગી કરી જાતને આશ્વાસન આપતા આપતા એણે બારણું અંદર તરફ ધકેલ્યું.
" વંદન...."
એક મોટી ચીસ મોઢામાંથી બહાર નીકળી ગઈ. હાથ શોક્ગ્રસ્ત મોઢા ઉપર આવી પડ્યો. સમાચારપત્ર પડતું મૂકી માનવ ચીસની દિશામાં ધપી ગયો. પોતાના શયનખંડની હાલત નિહાળી એ ચોંકી ઉઠ્યો. હાથમાં કાતર લઈ બેઠેલો વંદન પહોળી આંખે મમ્મી પપ્પાને તાકી રહ્યો. આજે એનું આવી બનશે એ વિચારેજ ડરેલા અને ડઘાયેલા હાવભાવો જોડે એ કાતર ભોંય ઉપર પટકી ઊભો થઈ ગયો.
"વંદન અહીં આવ. આ શું છે ?"
પપ્પાનો ક્રોધમાં વીફરેલો સ્વર સાંભળી એનું શરીર ધ્રુજવા માંડ્યું. હેમખેમ પોતાનો જીવ બચાવી એ ઘરની બહાર પોતાના મિત્રો પાસે ભાગી છૂટ્યો.
" તને ખબર છે ઘરમાં એક બાળક છે. અલમારી લૉક કરવી જોઈએ ને..."
માનવે ફરી ટેવ પ્રમાણે એની ઉપર આક્રમણ સ્થળાંતર કર્યું અને સોનલે ફરી અસહ્ય ભાવે જાતબચાવ કર્યો.
" હું કાળજી નથી રાખતી. પણ તું તો ઘરે હતો ને. તારું બાળક ઘરમાં શું કરે છે એની જગ્યાએ આખું વિશ્વ શું કરી રહ્યું છે એ વાંચવું વધુ જરૂરી હતું. ખરું ને ?"
દર વખતની જેમજ યુદ્ધમાં ઉતરવાની જગ્યાએ માનવે યુદ્ધ છોડી ભાગી છુટવાનેજ પ્રાધાન્ય આપ્યું. એના શયનખંડમાંથી બહાર નીકળતાંજ સોનલની નજર ભીંત ઉપરની ઘડિયાળ ઉપર પડી. થોડાજ સમયમાં રાત્રીના ભોજનનો સમય થઈ રહેશે. હજી રસોઈ પણ બાકી હતી. આગળ વિચારોના વમણમાં અટવાઈ સમય વેડફવાની જગ્યાએ સોનલે કામ સમાપ્ત કરવાને પ્રાધાન્ય આપ્યું. અકળામણમાં પગ અફાળી એણે શયનખંડની સફાઈ આરંભી દીધી.
આ બનાવને ત્રણ દિવસ વીતી ચુક્યા હતા. રવિવારનો દિવસ હતો. રજાના દિવસે માનવ બાઈક ઉપર કેટલીક ખરીદી પતાવવા નીકળ્યો હતો. વંદનને પણ સાથે લઈ લીધો હતો. જેથી સોનલ શાંતિથી રસોઈ અને ઘરના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે. દવાની દુકાનના કાઉન્ટર નજીક ઊભો વંદન દુકાનની દરેક હલનચલન ઉપર પોતાની બાળસહજ જીજ્ઞાશા વાળી નજર ફેરવી રહ્યો હતો. સોનલે આપેલી કેટલીક બેઝિક દવાઓની યાદી નિહાળી દુકાનદારે દરેક સામાન કાઉન્ટર ઉપર ગોઠવી દીધો હતો. એક પછી એક સામાન કાઉન્ટર ઉપરથી ઊંચકી રહેલા માનવની વ્યસ્ત નજર વંદન ઉપર આવીજ કે મનમાં અરાજકતા વ્યાપી. વંદન વાતનો સેતુ જોડવાનો પ્રયાસ કરે એ પહેલાજ માનવે એક ચતુર પાસો ફેંક્યો.
" આઈસ્ક્રીમ ખાઈશ ?"
પપ્પાનો પ્રશ્ન સાંભળતાજ વંદને પોતાની વાત શબ્દોમાં મૂકવાનું માંડી વાળ્યું. એ જાણતો હતો કે આ સમયે એવી કોઈ પણ વાત કરી જે પપ્પાને ન ગમે કે એમને ગુસ્સો અપાવે તો આઈસ્ક્રીમની ટ્રીટ ગુમાવવી પડશે. એ જોખમ એને લેવું ન હતું. મોઢું બંધ કરી એણે મૌન ગરદન હલાવી. માનવને પોતાની ચતુરાઈ ઉપર મનોમન ગર્વ ઉપજી આવ્યો. આઈસ્ક્રીમની ટ્રીટ પુરી કરી બંને ઘરે પરત થયા. એક પણ પ્રશ્નની માથાકૂટ વિનાજ વંદન મહોલ્લામાં રમી રહેલા પોતાના મિત્ર આરવ તરફ દોડી ગયો. એક મોટા હાશકારા જોડે માનવ હાથમાંના સામાન જોડે ઘરમાં પ્રવેશી ગયો.
થોડા દિવસો પછી એવાજ કોઈ રજાના દિવસે ઘરની ડોરબેલ વાગી. માનવે દરવાજો ખોલ્યો. ઘરના દરવાજે ઉભી વંદનની વર્ગ શિક્ષિકાને નિહાળતાંજ માનવના મનમાં ધ્રાસ્કો પડ્યો. થોડા દિવસોથી જે રીતે વંદનનું વર્તન બદલાઈ રહ્યું હતું એ વિશે વિચારતાંજ વંદનની ફરિયાદોની યાદી માટે એ માનસિક રીતે તૈયાર થઈ રહ્યો.
" પ્લીઝ કમ. કોલ કર્યો હોત તો હું અને સોનલ શાળા....."
ઘરમાં પ્રવેશ કરતાંજ વૈશાલીએ ઘરે આવવાના હેતુની સ્પષ્ટતા કરી.
" એક્ચ્યુલી મારે એકાંતમાં તમારા બંને જોડે વાત કરવી હતી એટલે...."
વંદનની વર્ગ શિક્ષિકા જાતે ઘરે આવી હતી. પરિસ્થતિનું ગામ્ભીર્ય સોનલને પણ ડરાવી રહ્યું.
"વંદન...?"
ચારે દિશામાં નજર ફેરવી વૈશાલીએ પોતાના વિદ્યાર્થી અંગે પૂછપરછ કરી.
" એ પોતાના ઓરડામાં છે. પ્લે સ્ટેશન રમી રહ્યો છે. હું એને બોલાવી....."
સોનલને અટકાવતા વૈશાલીએ હાથના ઈશારા જોડે હળવેથી ના પાડી. પોતાના પર્સમાંથી એક કાગળ કાઢી એણે માનવ તરફ ધર્યો. બેઠક ખંડમાંથી અવાજ વંદનના ઓરડા સુધી ન પહોંચે એની તકેદારી જાળવતા વૈશાલીએ અત્યંત મંદ સ્વરે કહ્યું ,
" આઈ વોન્ટ યુ ટુ રીડ ધીઝ."
ઘભરાટ અને ઉતાવળ જોડે માનવે ખૂણાના ટેબલ ઉપરથી પોતાના નજીકના ચશ્મા ઉઠાવ્યા. નાક ઉપર ગોઠવાયેલા ચશ્માં જોડે માનવની આંખો કાગળ ઉપર ઝડપથી ફરી રહી. મથાળા ઉપર વંદનનું આખું નામ , ધોરણ ૪ , વર્ગ અ લખ્યું હતું.
" આ અઠવાડિયે વર્ગમાં એક સરપ્રાઈઝ ટેસ્ટ રાખી હતી. નિબંધ માટે. 'માતા પિતા' વિષય ઉપર. આ વંદનનું ટેસ્ટ પેપર છે. "
સોનલ ઊભી થઈ માનવને પડખે આવી ગોઠવાઈ. બંનેની નજર એકજોડે વંદનના અક્ષરો વાંચી રહી.
' મારા માતા પિતા
મારા પિતાનું નામ માનવ છે. મારી માતાનું નામ સોનલ છે. મારા પપ્પા એક મોટી ઓફિસમાં કામ કરે છે. મારી મમ્મી ઘરે જ રહે છે. એ ઘરનાં બધાજ કામ કરે છે. પપ્પા સવારે જલ્દી ઓફિસે જતા રહે છે. મમ્મી મને નાસ્તો કરાવે છે, મારું ટિફિન બનાવે છે અને મને શાળાએ મૂકવા અને લેવા પણ આવે છે. પપ્પા આખો દિવસ ઓફિસમાં થાકી જાય છે. સાંજે ઘરે આવે ત્યારે તેઓ ખુબજ થાકેલા હોય છે. પપ્પાને ક્રિકેટ જોવું અને સમાચારપત્ર વાંચવું બહુ ગમે છે. મમ્મીને ટીવી જોવું અને છોડની કાળજી લેવું ગમે છે. રવિવારના દિવસે મમ્મી પપ્પા મને ફરવા પણ લઈ જાય છે. મને મારા મમ્મી પપ્પા બહુ ગમે છે. એ મારી ખુબ કાળજી રાખે છે. મને ખુબ પ્રેમ કરે છે. પપ્પા મને ગમતી ચોકલેટ અને આઈસ્ક્રીમ આપે છે. મમ્મી મને ગમતી વાનગીઓ બનાવે છે. મને હોમવર્ક કરવામાં પણ મદદ કરે છે. પરીક્ષા વખતે પુનરાવર્તન પણ કરાવે છે. મમ્મીને શોપિંગ કરવું ગમે છે પણ પપ્પાને પોતાના મિત્રો જોડે વાતો કરવું વધુ ગમે છે. મારા મમ્મી પપ્પા બહુ સારા છે. પણ મને એમની બહુ ચિંતા થાય છે. તેઓ મારાથી કોઈ મોટું સિક્રેટ રાખે છે. પપ્પા સૌથી છૂપાવી ઘરે એક પાકીટ લાવે છે અને મમ્મી એને અલમારીમાં છૂપાવી દે છે. હું કઈ પૂછું તો બંને મારી ઉપર ગુસ્સો કરે છે. મેં આરવને પણ વાત કરી હતી. આરવ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એણે કહ્યું કે બૉમ્બ હશે. જો મમ્મી પપ્પાને પોલીસ લઈ જશે તો હું કોની જોડે રહીશ ? '
માનવે ધીમે રહી ચશ્મો ઉતારી લીધો. સોનલ જોડે એની નજર મળી. બંને ડઘાયેલા હાવભાવો જોડે વૈશાલીને તાકી રહ્યા.
" ડોન્ટ વરી. આ કાગળ ફક્ત મારી પાસેજ રહ્યો છે અને ફક્ત મેંજ વાંચ્યો છે. "
માનવ અને સોનલના મનમાં મોટો હાશકારો થયો.
" સાચું કહું તો થોડા દિવસોથી...."
સોનલે વૈશાલીને વંદનની સમસ્યા અંગે માહિતગાર કરવાનો પ્રયાસ કર્યોજ કે માનવ ઊભો થઈ ગયો.
" હું બહાર છું....."
" નો. તમે અહીંજ રહો. તમે બંને એના વાલી છો. આ ફક્ત એમની સમસ્યા નથી. એ તમારું પણ બાળક છે. "
વૈશાલીએ ઉચ્ચારેલા શબ્દોથી સોનલનું મનોબળ વધ્યું. એની કટાક્ષમય દ્રષ્ટિ માનવ ઉપર પડી. માનવ ફરીથી પોતાની બેઠક ઉપર ગોઠવાયો.
" મને થયું બે સ્ત્રીઓ વચ્ચેની વાત છે...કદાચ તમને ઓકવર્ડ લાગે...."
માનવનું કારણ સાંભળી વૈશાલીએ તરતજ ચોખવટ કરી.
" જી બિલકુલ નહીં. આમ વેરી મચ કમ્ફર્ટેબલ. જો આટલું શિક્ષણ આપણી પાસે હોવા છતાં આપણે નાની - નાની, સૂક્ષ્મ બાબતોમાં ઓકવર્ડ અને અન્કમ્ફર્ટેબલ થઈ જઈએ તો એ શિક્ષણનું મહત્વ જ શું ? ઈટ્સ નોટ વર્થ ધેન..."
માનવ પાસે પોતાના બચાવમાં કહેવા માટે શબ્દોજ ન હતા. એ માથું નીચે ઢાળી ત્યાંજ બેસી રહ્યો. સોનલે બધીજ વાત વિસ્તારથી વૈશાલી સમક્ષ મૂકી. આખી વાત ધ્યાન દઈ સાંભળ્યા બાદ વૈશાલીએ પ્રસ્તાવ મુક્યો.
" ઓહ , આઈ સી. હું વંદન જોડે વાત કરી શકું ?"
માનવ અને સોનલની આંખોએ એકબીજા જોડે સમ્પર્ક સાધ્યો. બંનેની આંખોએ મૌન સહમતી દર્શાવી.
" હું એને લઈ આવ છું. "
માનવ વંદનના ઓરડા તરફ ઉપડ્યો. વૈશાલીએ સોનલને અલમારીમાંથી પાકીટ લઈ આવવાની વિનંતી કરી. સોનલને ખચકાટ થયો.
" આઈ વીલ હેન્ડલ ઈટ. ચિંતા ન કરો. "
સોનલ પોતાના શયનખંડની અલમારીમાંથી પાકીટ લઈ આવી. માનવ વંદન જોડે બેઠક ખંડમાં પ્રવેશ્યો. પોતાની વર્ગ શિક્ષિકાને પોતાના ઘરમાં નિહાળી વંદન હેરતમાં મુકાયો. પોતાના નિબંધનો કાગળ પપ્પાના ચશ્મા નીચે ગોઠવાયેલો હતો. મમ્મીના હાથમાં પાકીટ હતું. વંદનનો ચહેરો ઘભરાટથી લાલ થઈ ગયો. એ ડરીને વારાફરતી દરેકના હાવભાવો ચકાસી રહ્યો.
" હાવ આર યુ વંદન ? હું તો તને આ કાગળ આપવા આવી છું. કોન્ગ્રેચ્યુલેશન્સ. તને તો નિબંધમાં પૂરા દસમાંથી દસ માર્ક્સ મળ્યા. આમ તો હું કોઈને પણ પૂરા માર્ક્સ આપતી નથી. પણ તે બધુજ સાચું સાચું લખ્યું. એટલે તને ફૂલ માર્ક્સ. "
વંદનના ચહેરા ઉપરથી તાણની માત્રા થોડી ઓછી થઈ.
" અહીં આવ. સીટ. મારે તને કંઈક બતાવવું છે. "
મમ્મી - પપ્પા તરફ એક ભયભીત દ્રષ્ટિ નાખી એ ધીમે ધીમે ડગલે પોતાની વર્ગ શિક્ષિકાના પડખે આવી ગોઠવાયો.
વૈશાલીએ સોનલને ઈશારો કર્યો. સોનલે પાકીટ વૈશાલીના હાથમાં થમાવ્યું. વૈશાલીએ એ પાકીટ વંદનના હાથમાં આપ્યું. વંદન ફરી ડરેલા હાવભાવો જોડે મમ્મી - પપ્પાને તાકી રહ્યો. માનવ અને સોનલ છોભીલા બની એકબીજાને નિહાળી રહ્યા.
" આ સેનેટરી પેડ છે. "
વંદન ધ્યાન દઈ એ પેકેટ ફરી નિહાળી રહ્યો. એમાં કોઈ બૉમ્બ તો ન હોય ? એનું બાળ હહૈયું જોર જોર ધડકવા લાગ્યું. વૈશાલીએ એ ભય વંદનના ચહેરા ઉપર સ્પષ્ટ વાંચ્યો.
"તું ક્રિકેટ જુએ છે ? ક્રિકેટ રમવું તને ગમે છે ?" ખૂણામાં ઊભાં ક્રિકેટના બેટ, બોલ, સ્ટમ્પ નિહાળતા વૈશાલીએ વંદનને પૂછ્યું.
" હા , મને પણ અને પપ્પાને પણ. " પોતાની ગમતી રમતની ચર્ચા શરૂ થતા વંદન થોડો હળવો થયો.
" તો જયારે ક્રિકેટ રમતા રમતા કોઈ પ્લેયર ઈન્જર્ડ થઈ જાય અને એને લોહી નીકળે તો શું કરવામાં આવે ?"
વંદને શીઘ્ર ઉત્તર આપ્યો , " તો એને બેન્ડેજ લગાવવામાં આવે. "
" વાવ. યુ આર સો ઈન્ટેલીજન્ટ વંદન. " પોતાની શિક્ષિકાએ માતા-પિતા સામે પોતાની પ્રશંશા કરી એ વાતનો ગર્વ વંદનના ચહેરા ઉપર ઉભરાઈ આવ્યો.
" એ જ રીતે આ મમ્મીનું મેડિકલ બેન્ડેજ છે. "
" મમ્મીને લોહી નીકળે છે ? " વંદન ફરી ચિંતિત થઈ ઉઠ્યો.
સામે બેઠા માનવ અને સોનલ વંદનના પ્રશ્નથી હચમચી ગયા. એના પ્રશ્નો પૂછવાની કુટેવ આજે નાક કપાવશે.
આ જ પ્રશ્ન હતો જેનાથી બન્ને દૂર ભાગતા હતા. આ જ પ્રશ્ન હતો જેનો એમને સામનો કરવો ન હતો. આ જ પ્રશ્ન હતો જે એમને વંદનના મોઢે સાંભળવો ન હતો. પરંતુ આજે વૈશાલી એમના વતી નિર્ભયપણે એ પ્રશ્નને સાંભળી રહી હતી. ભાગ્યા વિના મક્કમ પણે એ પ્રશ્નનો સામનો કરી રહી હતી.
" હા "
" ક્યાંથી ?"
" તું પીપી કરે છે ને એમજ. "
" મમ્મીને દુઃખતું નથી ?"
" હા , થોડું પેટમાં દુઃખે. પણ આ મેડિકલ બેન્ડેજ પહેરવાથી એ સુરક્ષિત અને તંદુરસ્ત રહે છે. "
" આ બેન્ડેજ પહેરવાથી એ સારી થઈ જાય ?"
" હા, પાંચ દિવસમાંજ. એ ફરીથી સાજી થઈ જાય. જેમ ઈન્જર્ડ પ્લેયર ફરી મેદાનમાં રમવા ઉતરે એમજ. "
વંદન થોડા સમય માટે નિઃશબ્દ બન્યો. એના મગજમાં ક્રિકેટવાળું મેડિકલ બેન્ડેજ ઉપસી આવ્યું. એ સાથેજ થોડા દિવસોથી પોતે નિહાળેલ અનુભવો એક પછી એક દ્રશ્ય જોડે ઊભાં થઈ રહ્યા.
મમ્મીની ટીવી સિરિયલ વખતે પ્રસારિત સેનેટરી પેડની જાહેરાત, મમ્મીની અલમારીમાંથી ચોરીથી કાઢેલું સેનેટરી પેડનું પાકીટ, એમાંથી કાઢેલા સેનેટરી પેડ્સ, અંદર શું છે એ જાણવા કાતર વડે એ બધા પેડમાંથી બહાર કાઢેલા રૂનો ઢગલો અને દવાની દુકાનમાંથી સમાચારપત્રમાં બંધાઈને બધી દ્રષ્ટિથી છૂપાઈને ઘરે પહોંચેલું પાકીટ. એ બાળમાનસની મૂંઝવણ બમણી થઈ ઉઠી.
" ક્રિકેટ વાળા બેન્ડેજ વિશે પ્રશ્ન પૂછીએ ત્યારે તો કોઈ ગુસ્સો ન કરે. એને તો બધાની સામે જોઈ શકાય, સ્પર્શી શકાય. દવાની દુકાનમાંથી એને ખરીદી લાવીએ ત્યારે છુપાવીને લાવવાની જરૂર ન પડે. બીજી બધી દવા જેમ લાવી શકાય. એને તો પેપરમાં વીંટાળવું જરૂરી નથી. તો પછી આ મેડિકલ બેન્ડેજ માટે એવું જ કેમ નહીં ?"
વૈશાલીની આંખો માનવ અને સોનલ ઉપર આવી ગોઠવાઈ. હાથ વડે અદબવાળી વંદનનો પક્ષ લેતા એણે એ પ્રશ્ન માનવ અને સોનલ તરફ પસાર કર્યો.
" યસ. ધેટ્સ નોટ ફેર. એવું કેમ ?"
માનવે વંદનને પોતાની ગોદમાં લેતા આશ્વાસન આપ્યું.
" યુ આર રાઈટ. બંને મેડિકલ બેન્ડેજને સરખું માન આપવું જોઈએ. હવેથી એ ચોરીછૂપે ઘરમાં ન આવશે. માય મિસ્ટેક ."
" અને તને જે પણ પ્રશ્ન હોય તું અમને પૂછીશ. મિત્રોને નહીં. જો આરવ તો બેન્ડેજને બૉમ્બ કહેતો હતો. જેને એ વિશે ખબર ન હોય એ તને ખોટા જવાબ આપશે. " સોનલે વંદનનો હાથ પકડતા સલાહ આપી.
" હું પ્રશ્ન પૂછીશ તો તમે ગુસ્સો નહીં કરશોને ?"
વંદનનો નિર્દોષ ચહેરો નિહાળી સોનલને એની ઉપર દયા અને સ્નેહ બંને એકસાથે ઉભરાયા.
" જરાયે નહીં. આઈ પ્રોમીસ. "
વંદનનો ચહેરો આનંદ અને સંતોષથી મલકાઈ ઉઠ્યો.
" વંદન......"
ઘરની બહારની દિશામાંથી આરવનો અવાજ ગુંજ્યો.
" હું રમવા જાઉં ? "
પોતાની શિક્ષિકા તરફ ફરી એણે પરવાનગી માંગી.
" યસ ,સ્યોર. "
બીજીજ ક્ષણે એ ઘરની બહાર નીકળી પડ્યો.
વૈશાલીએ પણ બહાર તરફ નીકળવાની તૈયારી દર્શાવતા પર્સ ઉઠાવ્યો.
" થેન્ક્સ....કઈ રીતે આપનો આભાર વ્યક્ત કરીએ ?"
સોનલના અવાજમાં કૃતજ્ઞતા પડઘાઈ.
વૈશાલીએ એના ખભા ઉપર હાથ મુક્યો.
" એક ઘર હોય. એની અંદર એક ખાલી ઓરડો હોય. જો એ ઓરડો ખુલ્લો છોડી દેવામાં આવે તો બધાજ જાણી જાય અંદર કશું નથી. કામ વિના કદાચ કોઈ અંદર ન પ્રવેશે. પણ જો એ જ ઓરડાને બહારથી તાળું મારી દઈએ અને એની ઉપર એવું લખી દઈએ કે અંદર જવું નહીં. અંદર શું છે એ વિશે કદી પૂછવું નહીં. તો કોઈ ને કોઈ રીતે એની અંદર જવા બધાજ પ્રયાસ કરશે. આને ખરાબ વર્તણુક ન કહેવાય. માનવ સહજ જિજ્ઞાસા કહેવાય. જો એ જિજ્ઞાસાનું ગળું ઘોંટી દઈશું તો જ્ઞાનના બધાજ માર્ગ અવરોધાય જશે. અને બાકી રહેશે તો ફક્ત મૂંઝવણ અને અરાજકતા. મારો આભાર આપને સાચેજ વ્યક્ત કરવો હોય તો વંદનના જ્ઞાનનો માર્ગ અવરોધશો નહીં. એના પ્રશ્નોને ટાળશો નહીં. એ હોંશિયાર બાળક છે. એની જિજ્ઞાસાને હમેશા ટેકો આપજો. "
" આપની વાત સાચી છે. કાશ કે આ રૂઢિવાદ સમાજ પણ આ વાત સમજી શકે. તો બધુજ સહેલું થઈ જાય. "
માનવની વાત જોડે સહમતી દર્શાવતા વૈશાલી દરવાજા તરફ ઉપડી.
" કોઈએ સાચુજ કહ્યું છે. રૂઢિવાદી એટલે એવી વ્યક્તિ કે જે કદી કોઈ કામ પહેલીવાર ન કરે, ન અન્યને પહેલીવાર કરવાની અનુમતિ આપે. રૂઢિવાદની સાંકળ તોડવા માટે પહેલ તો કોઈએ કરવીજ પડે. એ પહેલ આપણે જ ન કરી શકીએ ?"
દરવાજો ખુલ્યો અને બધાની નજર મિત્રો જોડે રમી રહેલા વંદન ઉપર પડી.
" મારો પણ એક દીકરો છે. ત્રણ વર્ષનો. થોડાજ વર્ષોમાં એ પણ વંદન જેટલોજ થશે. એના પ્રશ્નો માટે હું હમણાથીજ માનસિક તૈયારી કરી રહી છું. આશા રાખું કે સમાજને એક એવો દીકરો આપી શકું જે સમાજની દીકરીનું માન પણ જાળવે અને એનું દર્દ પણ સમજે. "
માનવ અને સોનલની નજર દૂર જઈ રહેલી વૈશાલીને એકીટશે તાકી રહી. આજે એને લીધે વંદન એમની અત્યંત નજીક આવી ગયો હતો.