સમ્યક દાન
સમ્યક દાન


તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર |
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પુરુષ: ||૧૯||
(તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્યકર્મને સમ્યક્ રીતે કરતો રહે, કેમકે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે.)
હું રિસાયેલા મોઢે રૂમમાં પ્રવેશી, ત્યારે દાદી આ શ્લોક બોલી રહ્યા હતાં. વિચલિત મનને શાંત કરવા હું સીધી બારી પાસે જઈ ઊભી રહી. મનમાં ચાલતી મથામણના કારણે પ્રકૃતિમાં તલ્લીન થવાના મારા બધા પ્રયત્નો વ્યર્થ સાબિત થઈ રહ્યા હતાં. થોડા સમય પછી બારીની સામે પીપળા પાસે રહેતી ખિસકોલીઓ માટે એક વૃદ્ધ કાકા મગફળી મૂકી ગયા. તેમના જતાની સાથેજ ચાર -પાંચ ખિસકોલીઓ ભેગી થઈ જાણે સ્વર્ગ મળી ગયું હોય તેમ ત્યાં જયાફત માણવા લાગી.
આજે મારા બધા ફ્રેંડસ ફ્રી હોત તો, હું પણ આમ પાર્ટી કરી રહી હોત....
મારા કપાળની નસો તંગ થવા લાગી, ત્યાંજ પાછળથી ખભા પર દાદીની ઉષ્મા ભરેલી આંગળીઓનો સ્પર્શ થતાં હું વાસ્તવિકતામાં પાછી આવી.
દાદી સ્નેહભીનાં અવાજે બોલ્યા, "શું થયું બેટા ?"
"વાત જ ન પૂછો દાદી !" મારા શબ્દોમાં વિહ્વળતા હતી.
****
મંગળવારથી વાતની શરૂઆત થઈ. ત્રણ દિવસ પછી મારો જન્મદિવસ હતો ! એક એવો દિવસ, જેની માટે હું આખો મહિનો ઉત્સાહમાં ઘેલી થઈ નાચ્યાં કરતી હોઉં છું. પણ ઉનાળાનું વેકેશન હોવા છતાં મારા જન્મદિને કોઈ ફ્રી ન હોવાથી મારા બધા ઉત્સાહ પર ઠંડુ પાણી રેડાઈ ગયું હતું. પપ્પાને એ દિવસે ઓફિસ ચાલુ હતી અને કોઈ મિટિંગ હોવાથી રાત્રે મોડા આવવાનાં હતાંં. અને મિત્રોમાં કોઈ ગામ ગયું હતું, કોઈની સાંજે સ્વિમિંગની એક્ઝામ હતી, તો કોઈનું બીજું કાંઈ... હું આખો દિવસ ગડમથલમાં હતી કે મારો જન્મદિન કેવી રીતે ઉજવું, ત્યાંજ સાંજે મારી નજર મારા ફેસબુક પેજના એક પોસ્ટ પર ગઈ. મારી એક ફેસબુક ફ્રેન્ડ પનવેલ નજીકના કોઈ વૃદ્ધાશ્રમમાં ગઈ હતી અને ત્યાંના ફોટા એણે ફેસબુક પર મૂકેલા. આ જોતાં જ મારા મગજમાં એક વિચાર સ્ફુર્યો, બર્થડે પાર્ટી માટે પપ્પા એ આપેલાં પૈસા હું અહીં દાન કરું તો ?...અચાનક મારે તો બત્રીસ કોઠે દીવા થઈ જવા જેવી સ્થિતિ થઈ ગઈ. અહીં ફેસબુક પોસ્ટમાં વૃદ્ધાશ્રમનો નંબર અને એડ્રેસ આપ્યાં હતાંં અને ડોનેશનની અરજ કરવામાં આવી હતી.
"સોલિડ પ્લાન છે આ તો !" મારી ખુશીનો પાર ના રહ્યો, સાથે મનમાં એવો પણ વિચાર આવ્યો કે હું આવા નિઃસ્વાર્થ કામના ફોટા જો ફેસબુક પર મૂકીશ તો કેટલી બધી લાઇક્સ મળશે !
બસ પછી તો શું ? ઉત્સાહ ને ઉત્સાહમાં ત્રણ દિવસ ક્યાં વીતી ગયા તેની મને ખબર જ ન પડી અને શુક્રવારનો દિવસ આવી ગયો. સવારે સ્નાનાદિ પતાવી મેં મમ્મી, પપ્પા અને દાદીને મારો જોરદાર પ્લાન કહી સંભળાવ્યો, જે તેમણે એટલા જ ઉત્સાહથી વધાવી પણ લીધો અને હું પનવેલ જવા નીકળી પડી. ટ્રેનની સફરમાં, 'હું ત્યાં જઈને શું કરીશ, કેટલા બધા નવા-નવા લોકોને મળીશ' થી લઈ 'શું ત્યાંના વૃદ્ધો પણ મારા દાદી જેવા અનુભવી અને હેતાળ હશે ?' જેવા વિચારો મારા મનમાં ટ્રેનની ગતિએ દોડી રહ્યા હતાંં. અરે, મેં તો એટલે સુધી નક્કી કરી લીધું કે થોડા સમયમાં નોકરી મળતાં જ, હું દર મહિને પૈસા જમા કરી વર્ષનાં અંતે ત્યાં દાન કરીશ.
પનવેલ સ્ટેશન ઊતરી થોડું પગપાળા ચાલતા દૂરથી મને વૃદ્ધાશ્રમનું મકાન દેખાવા લાગ્યું. બે માળાનાં એ મકાનની જેમ જેમ હું નજીક જઈ રહી હતી તેમ તેમ મારી ચાલમાં ઉત્સાહ ઉમેરાતો જતો હતો. મેં ગેટ પર પહોંચી જોયું તો ત્યાં અંદરથી એક કડી લાગેલી હતી. જાળીમાંથી અંદર ડોકિયું કરતા સામેના હોલમાં કોઈ કાર્યક્રમ ચાલતો જણાયો. હોલના દરવાજા પાસેની ખુરશીઓમાં બે-ત્રણ વૃદ્ધજન બેઠેલા દેખાયા. મેં તેમનું ધ્યાન ખેંચવા બૂમ પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં. એટલામાં એક ભાઈ અંદરથી બહાર આવતાં દેખાયાં. મને ગેટ પર ઉભેલી જોઈ એ ચમક્યાં અને મારી તરફ આવવા વળ્યાં. બ્લેક ટીશર્ટ અને શોર્ટસમાં તે ભાઈ ચાલીસની આસપાસનાં જણાતા હતાં. તેમના મોઢા પર આગંતુકને આવકારવાનો કોઈ ઉમળકો દેખાયો નહીં. ગેટ પર આવી તેમણે પૂછ્યું, "કોનું કામ છે ?" મેં ઉત્સાહથી તેમને મારા અહીં આવવાનું પ્રયોજન સંભળાવ્યું, "મારે થોડા પૈસા મેડિકલ સહાય માટે આપવાં છે." મારો ઉમળકો સમાતો ન હતો. પણ સામેથી ઘણો શુષ્ક પ્રતિભાવ આવ્યો, "અચ્છા... લાવો, હું કમિટી મેમ્બર છું. મને આપી દો." મેં મારો ઉત્સાહ જાળવી રાખતાં તેમને પ્રશ્ન પૂછ્યો, "હું અંદર આવીને બધાને મળી શકું ?" તેમના મોઢા પર અણગમો જાણતો હતો. તેમનો આવો ઠંડો પ્રતિભાવ જોતા મારો બધો ઉત્સાહ ધીરે-ધીરે ઓસરી રહ્યો હતો.
"હમણાં બધા એક કાર્યક્રમમાં બિઝી છે, તમે નેક્સ્ટ ટાઈમ એપોઇન્ટમેન્ટ લઈને આવજો." ભાવવિહીન ચહેરાથી એ બોલી ગયા. તે જ ક્ષણે પાછળ હોલના માઈક પરથી બોલાયેલા શબ્દો મારા કાન પર પડ્યા, "તમારાં એક લાખનાં આ નિઃસ્વાર્થ દાન માટે અમે હૃદયથી આભારી છીએ.” સાથે તીવ્રતાથી તાળીઓનો ગડગડાટ સંભળાયો. જેટલી તીવ્રતાથી એ ગડગડાટ વધી રહ્યો હતો, એટલીજ તીવ્રતાથી મારો ઉમંગ ઘટી રહ્યો હતો. બ્લેક ટીશર્ટ વાળા ભાઈ થોડા આગળ પાછળ થયા. તેમના મોઢા પર અંદર જવાની બેતાબી દેખાઈ રહી હતી. મારી માટે એ સંકેત હતો કે મારે હવે અહીંથી નીકળવું જોઈએ ! તેમને પૈસાનું કવર આપી, તેઓ કેટલું મોટું કામ કરી રહ્યાં છે તે જણાવી, જે ગતિથી હું અહીં આવી હતી એજ ગતિથી ત્યાંથી નીકળી ગઈ.
****
"દાદી, શું લાખોની જ વૅલ્યુ હોય, હજારોમાં ભાવનાઓ ન હોય ?” વર્તમાનમાં પાછા આવતાં દાદીને મેં પૂછ્યું. દાદીના કરચલી પડેલા સૌમ્ય ચહેરા પર મારી નજર પડતાં મને લાગ્યું કે દાદી મારુ દુઃખ સમજશે, તેઓ મને સાંત્વના આપશે. પણ દાદી બોલ્યા, "દીકરી, વાત ભાવનાઓની નથી, આશયની છે." મને સમજાયું નહીં અને મેં પૂછ્યું, "એટલે ?"
દાદીએ કહ્યું, "દાન કરતી વખતે દાન કરવા પાછળના તારા કેટલાંક હેતુઓ પૂર્ણ ન થતાં તું દુઃખી થઈ છે." મને આ વાત જરા પણ હજમ ન થઈ. મેં દલીલ કરતા કહ્યું, "પણ દાન તો દાન હોય ને ? એમાં મારા ઈરાદાઓ કાંઈ પણ હોય. એમની પાસે સમય ન હતો.. ઠીક છે. પણ તે ભાઈ એક થૅન્ક યુ પણ ન બોલી શક્યાં ?"
"કર્મ કોઈ અપેક્ષાથી કરો, અને જો તેનું પરિણામ આપણી અપેક્ષા પ્રમાણે ન આવે, તો મનદુઃખ થવું સ્વાભાવિક છે."
મેં ધાર્યું ન હતું કે દાદી આવું કંઈક બોલશે. આ વાત મેં પહેલાં ઘણી વખત વાંચી અને સાંભળી પણ હતી. પણ મારા વીસ વર્ષના મોર્ડન સોશ્યિલ મીડિયા માટે લાઈફ જીવતા મગજમાં એ ઉતારવી થોડી મુશ્કેલ હતી. મને શાંત થઈ ગયેલી જોતાં દાદી આગળ બોલ્યાં, "તને યાદ છે, તું મને થોડાં દિવસ પહેલાં ગુડ, બૅડ અને એવિલનો ફરક સમજાવી રહી હતી ?". "એવિલ નહીં ઇવિલ, બા.." મારા મોઢા પર એક આછું સ્મિત આવી ગયું. દાદી સમજી ગયા કે હવે મને સમજાય એ દિશામાં વાત જઈ રહી છે.
"જો બેટા, દાન ત્રણ પ્રકારનાં હોય છે, સાત્વિક - જે નિઃસ્વાર્થ ભાવે કર્યું હોય , કોઈ અપેક્ષાઓ કે સામે કોણ છે એના ભેદભાવ વગર. જેને આપણે 'ગુડ' દાન કહી શકીએ. ફળની અપેક્ષા કે ઉપકાર ગણી જે કર્યું હોય તેને રાજસિક દાન કહીએ. અમમ... 'બૅડ' દાન સમજી લે. અને પાત્ર, સમય, સંજોગ જોયા વગર, બધાને જાહેર કરી શકાય એના માટે જે કર્યું હોય તેને તામસિક દાન કહેવાય છે, જેને ઇવિલ પણ કહી શકાય.
દુઃખ થવાનું કારણ છે - અપેક્ષાઓ !...સામેવાળા થૅન્ક યુ બોલશે, તમારાં ઓલા ફેસબુક પર ઠેંગાઓની વાહવાહી મળશે."
દાદીની વાત બિલકુલ સાચી હતી અને મને એ ઘણી ખૂંચી રહી હતી. "પણ દાદી તો આપણને ખબર કેવી રીતે પડે કે જે કામ આપણે કરી રહ્યા છે, જે આપણને રાઈટ લાગી રહ્યું છે, એ નૈતિકતાની દ્રષ્ટિએ પણ રાઈટ છે ?"
મારો આ પ્રશ્ન સાંભળતાજ દાદીની આંખોમાં એક ચમક દેખાઈ અને તે બોલ્યા, "તમારા કૉલેજની શરૂઆતમાં પહેલાં અઠવાડિયે તું કંઈક ટ્રેનિંગ લઈ રહી હતી ને ?" મેં કહ્યું, "હા,ઓરિએંટેશન સેશન (orientation session) ?". "હા, એ ટ્રેનિંગમાં તમને પુસ્તિકા(manual) આપવામાં આવી હતી, બસ ગીતા આ તમારા ટ્રેનિંગ પુસ્તિકા જેવી છે. જે જીવન જીવવાની સાચી રીત શીખવે. શું કરવું, શું નહીં અને કોઈ કામનું શું પરિણામ આવે એનાં પૂર્વનિર્ધારિત નિયમો બતાવે છે."
મેં કહ્યું,''જેવી રીતે કોઈપણ ટ્રેનિંગ મેન્યુઅલમાં વ્યવસ્થિત રીતે કામ કરવાની રીત લખી હોય છે, અને તમે કોઈપણ કામમાં અટકો ત્યારે ટ્રેનિંગ મેન્યુઅલને રેફરન્સ તરીકે વાપરો છો એવુંજ ! ?" દાદી હકારમાં માથું હલાવી બોલ્યા, "બરોબર.. જ્યારે જીવનમાં ક્યાંક અટકો તો ગીતાને ભવિષ્યના રેફરન્સ તરીકે વાંચો. એમાં લખેલા દરેક યોગ તમને અંતિમ ધ્યેય સુધી પહોંચવા મદદ કરે છે."
મને આખી વાત પચાવવામાં થોડો સમય લાગ્યો કે મારો જે નિઃસ્વાર્થ કહેવાતો ભાવ હતો, એ હકીકતમાં નિઃસ્વાર્થ તો હતોજ નહીં !
**
પછી તો બે જ વર્ષમાં દાદી દેવલોક પામ્યાં. એમના બારમા-તેરમાની વિધિ વખતે બ્રાહ્મણે પરિવારના બધાજ સભ્યોને દિવંગત સ્વજનની સ્મૃતિમાં એક સંકલ્પ લેવા કે કોઈ દાન ધર્મ કરવા કહ્યું.
દાન...
આ શબ્દ સાંભળતાં જ હું ભૂતકાળમાં પહોંચી ગઈ... જન્મદિને ઘડેલા પ્રસંગ પછી મેં દાન કર્યું જ ન હતું અને મેં સંકલ્પ કર્યો કે હું મન દઈને ગીતા વાંચીશ. જેટલું સમજાય એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ અને પછીજ દાદીની સ્મૃતિમાં દાન કર્મ કરીશ અને દાદીના શબ્દો મારા સ્મરણપટ પર તાજા થયા,
"તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્યકર્મને સમ્યક્ રીતે કરતો રહે....."