Hiral Pandya

Thriller Others

4.1  

Hiral Pandya

Thriller Others

હું, જાસવંતી અને લોનાવાલા

હું, જાસવંતી અને લોનાવાલા

10 mins
421


"આજે અહીં સેનિટોરિયમમાં તમે આપેલો જાસવંતીનો છોડ મેં રોપ્યો. કેટલી સુખદ ક્ષણ હતી તે ! આશા રાખું છું કે આગામી ઉનાળાની રજાઓમાં જ્યારે હું પાછો આવું ત્યારે ઓછામાં ઓછા એક-બે જાસવંતીના ફૂલ તો મારું સ્વાગત કરવા ઉગી નીકળ્યા હશે.

બાકી સેનિટોરિયમની બહાર બૉગનવેલનાં ગુલાબી, પીળા અને સફેદ ફૂલો પુરબહારમાં ખીલ્યા છે. ભુશી ડેમ જતા રસ્તા પર એક નવો બગીચો ઊભો કરવામાં આવ્યો છે. અને માર્કેટ જતા રસ્તા પર મગનલાલ ભાઈના નામની હજુ બે નવી ચીક્કીની દુકાનો ઉદ્ભવી છે. આ વર્ષે બપોરે ગરમી સવિશેષ અનુભવાય છે પણ સાંજ પછી પવનની લહેરખી પોતાની સંગાથે રાતરાણીની મહેક લાવી મનને શાતા પહોંચાડે છે."

બીજી થોડી અહીંતહીંની વાતો પત્રમાં ટપકાવી, કાલે સાંજે ડેવલપ કરેલા દસ ફોટા કવરમાં મૂકી હું લોનાવાલા પોસ્ટઓફિસ તરફ રવાના થયો. 

રસ્તામાં ચાલતા-ચાલતા કાલે સાંજે ફોટો સ્ટુડિયોમાં બેઠેલા ભાઈ સાથે થયેલો વાર્તાલાપ તાજો થઈ ગયો.

"અલયભાઈ, આ ત્રણ વર્ષમાં તમે મારા એકલા જ એવા ગ્રાહક છો જે પ્રકૃતિના ફોટાઓ ડેવલપ કરાવવા આવે છે. બાકી તો મોબાઈલ અને કમ્પ્યુટરના જમાનામાં પોતાના ઘરના પ્રસંગોના ફોટાઓ સિવાય, ફોટાઓ કોણ ડેવલપ કરાવવા આવે છે ?!"

આ સાંભળી મેં મલકાઈને કહ્યું હતું, "ભાઈ, અમે થોડા જૂના જમાનાના છીએ ! મારે દર વર્ષે એક કાકાને આ ફોટાઓ મોકલવાના હોય છે."

ત્રણ વર્ષ પહેલા આ એકતરફી પત્રવ્યવહારની શરૂઆત મેં ખૂબ ઉત્સાહથી કરી હતી. અધ્યાપક તરીકેનું મારું તે પહેલું વર્ષ હતું. ઉનાળાનું વેકેશન પડતાં મેં મમ્મી સાથે લોનાવાલા જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. અમારી જ્ઞાતિના સેનિટોરિયમમાં બુકિંગ કરાવા હેતુથી હું માટુંગા પહોંચ્યો ત્યારે ઓફિસની અંદર પગ મૂકતા એક કાકા જાસવંતીના છોડની દેખભાળ લેતા દેખાયા. એમનું ધ્યાન મારી તરફ વાળવા હું જોરથી બોલ્યો,

"કાકા, બે અઠવાડિયા પછીનું એક રૂમનું બુકિંગ કરાવું છે...મળશે ?"

મેં આપેલી ખલેલનો અણગમો તેમની આંખોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. 

"હા, ભઈલા..." બોલી ટેબલ તરફ ત્વરિત વળીને તેમની સામે રાખેલા કમ્પ્યુટરમાં તે શોધવા લાગ્યા. "સેનિટોરિયમની આજુબાજુમાં બધું મળી રહે છે ને ?" મેં કુતૂહલવશ પૂછ્યું. મુખ પર કોઈપણ હાવભાવ વગર તે બોલ્યા,

"હું નથી ગયો, પણ સેનિટોરિયમમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે." અને ટેબલ પર મૂકેલી પત્રિકા મારી સામે ધરી, "આ પત્રિકામાં બધી માહિતી છે, વાંચી લો." 

"તમે લોનાવાલા ક્યારેય ગયા જ નથી ?!" આશ્ચર્યમાં મારા મુખમાંથી પ્રશ્ન સરી પડ્યો.

ચહેરા પર સ્થિરતા રાખી તે બોલ્યા, "ના...લોનાવાલા તો શું હું મારા ગામ સિવાય કશે ફરવા નથી ગયો." 

હું તેમને એકધારો તાકી રહ્યો. તેમના માથાનાં સફેદ થઈ ગયેલા વાળમાં વચ્ચે વચ્ચે ક્યાંક ડોકિયું કરતા ભૂરા વાળ, થોડી ઊંડી ઉતરેલી આંખોમાં દેખાતો રાતનો ઉજાગરો અને મોઢા પરની કરચલીઓ તેઓ ૬૫-૭૦ વર્ષના હોય તેવું દર્શાવતા હતા. 

મારા માટે એ સમજવું મુશ્કેલ હતું કે કોઈને ફરવા જવું કેવી રીતે ન ગમે ?

ચાલો માનીએ, દૂર જવું બધાને પરવડે નહીં પણ મુંબઈથી લોનાવાલા કંઈ એટલું દૂર નથી અને સેનિટોરિયમમાં તો સસ્તા દરે રહેવા અને જમવા મળે. સેનિટોરિયમની ઓફિસમાં કામ કરો અને તેનો ફાયદો ન લો...? ગજબ કહેવાય ! ઉંમર, જિદ્દ કે પછી જમાનાની થપાટો ખાઈખાઈને કોઈ વ્યક્તિ આવું બને ?

હું બાજુમાં પડેલી ખુરશીને આગળ ખેંચી ઉભડક બેસી ગયો. તેમના વિશે થોડી વધુ માહિતી મેળવવા જિજ્ઞાસાવશ મેં કહ્યું,

"હું આ પાંચમી વાર લોનાવાલા જઈ રહ્યો છું. આની પહેલા મિત્રો સાથે જતો હતો પણ આ વર્ષે મારી મમ્મીને લઈને જઉં છું. તમે પણ હવાફેર કરવા ક્યારેક બાળકો સાથે કે મિત્રો સાથે ત્યાં જવાનો કાર્યક્રમ બનાવો." 

"એક જ જગ્યાએ વારંવાર જવામાં શું મજા ?" તેમણે કોમ્પ્યુટર સામેથી મારી તરફ વળી પ્રશ્નાર્થ નજરે પૂછ્યું.

મારા મુખ પર સ્મિત ઉપસી આવ્યું. 'સરસ પ્રશ્ન' મારો અધ્યાપક જીવ અંદરથી ખુશ થઈ ગયો !

"મજા નવી નજરે એ જ સ્થળને જોવાની હોય છે. ઘણા પોતાને બદલવા ત્યાં જાય છે અથવા પોતાને પામવા...કોઈક બધાથી દૂર ભાગવા માટે જતા હોય છે, તો કોઈક પોતાના ત્યાં અનુભવેલા એ રુપથી પાછી ભેટ કરવા... દર વખતે તમે થોડા અંદરથી બદલાઈને જ્યારે ત્યાં પાછા પહોંચો છો તમે નવી નજરે એ સ્થળને જુઓ છો અને ફક્ત તમારી નજરો નહીં, ત્યાંની હવાથી લઈને વૃક્ષો અને ભીંતોની તિરાડોમાં પણ તો બદલાવ આવ્યો જ હોય છે ને.. સમયનો માર તમને કે મને શું, બધાને એકસરખો લાગે ને, સાહેબ !"

તેમની માથાની નસો થોડી તંગ થતી જણાઈ, તેમની કોઈ દુખતી નસ ને મેં દબાવી કે શું ? વાતાવરણને થોડું હળવું કરવા મેં કહ્યું," ચાલો એક કામ કરીએ, હું જેટલી વાર લોનાવાલા જઈશ, તમને ત્યાંથી પત્ર લખીશ. તમને મારી નજરે ત્યાંનું સૌંદર્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ." એક પળ વિચારી મેં ઉમેર્યું, "લોનાવાલા, તમારા આ જાસવંતી જેવું જ એવરગ્રીન છે. તેને તમારા હૃદયના બગીચામાં પુષ્પોની જેમ મહેકતું સ્થાન અપાવી દઈશ...જોઈ લેજો !" 

મને લાગ્યું કાકા આનાકાની કરશે પણ તેમણે "ભલે...આ ઓફિસના સરનામે મોકલજે." કહી વાત જ પતાવી દીધી.

***

"તે દિવસે તો તમે મને અવગણ્યો પણ મારા પત્રને કેવી રીતે અવગણશો કાકા ?" 

એક મંદ સ્મિત સાથે મેં માટુંગાની ઓફિસમાં પ્રવેશ કર્યો. લોનાવાલાથી પાછા ફર્યાના દસ દિવસ બાદ હું તેમની ઓફિસે જઈ ચડ્યો, મારો પહેલો પત્ર તેમના ટેબલ પર કવરની બાજુમાં પડ્યો હતો. 

પત્રમાં મેં લખેલા એક એક શબ્દો મને યાદ હતા.."તો કાકા, લોનાવાલા જવા તમે બસ, ગાડી કે ટ્રેન જે પણ લો, અહીંના નયનરમ્ય ઘાટ વિસ્તારની વચ્ચેથી નીકળતા રસ્તા તમારું સ્વાગત કરવા તલપાપડ જ હશે. એમ કહી શકાય કે પ્રકૃતિદેવી જ્યારે અહીંથી ચાલતા ગયા હશે, તો પ્રચુર પ્રમાણમાં ખુશ હશે. એટલે જ તો લોનાવાલાને આટલી લીલોતરીના આશીર્વાદ આપ્યા છે ! લોનાવાલાની આસપાસ નાના ડુંગરો અને ઘણા ગઢ આવેલા છે. અરે વરસાદમાં તો અહીંયા તમારે આવવું જ જોઈએ ! તમે અંદરથી ક્યારે ભીંજાયા નહીં હોવ તો અહીંની ધબકતી ખીણો તમારા અંદર આંખો મીંચીને બેઠલા પ્રકૃતિ પ્રેમીને એવો ભીનો સ્પર્શ કરશે કે તમે ખુશહાલ બની ડોલી ઊઠશો. થોડા જર્જરિત થયેલા પણ ટટાર ઊભા કિલ્લાઓ વર્ષા રાણીના આગમનથી લીલાછમ્મ બખ્તરો કસી લે છે. જ્યાં જ્યાં તમારી નજર જશે સંવેદનાઓથી છલકાતાં ઝરણાઓ તમને જોવા મળશે. કોઈ નીરવ સંધ્યાકાળે તમારા પગલાં અંકિત કરવાનું મન થઈ જાય તેવી અહીંની શેરીઓ જોવા આવશો ને ?"

મેં એમને સેનિટોરિયમની બહાર ઊગેલા વૃક્ષોથી લઈને નદી, ડેમ, નજીકમાં આવેલા સ્વયંભૂ ગણપતિ મંદિર અને દુકાનોની પણ ઓળખાણ મારા પત્રમાં કરાવી હતી.

***

બે પત્રોમાં પેટ ભરીને લોનાવાલાના વખાણ કરવા છતાં ત્રીજા વર્ષે જ્યારે હું બુકિંગ કરવા ગયો ત્યારે પણ કાકાના મનમાં મને લોનાવાલા જવાનો ઉત્સાહ ન જણાયો. 

"કાકા, આ વર્ષે તમારી સાથે લોનાવાલા જવાનું વિચારું છું... ચાલશો ને ?"

પણ તેમણે કામનું બહાનું આગળ ધર્યું. જાણે એમના વગર તો લોનાવાલા બુકિંગનું કામકાજ જ બંધ થઈ જાય ! મારી કેટલી વિનવણી છતાં તેઓ ટસના મસ ન થયા અને મને કહ્યું, "આ જાસવંતીનો નાનો છોડ લઈ જા, ત્યાં લોનાવાલામાં રોપજે. મને લાગશે હું પોતે ત્યાં હાજર છું !" 

અચાનક પાછળથી હોર્નના અવાજે મને વર્તમાનમાં પાછો લાવીને ઊભો કર્યો. હું પોસ્ટઓફિસમાં મારુ કામ પતાવી બહાર નીકળતો જ હતો ત્યાં મોબાઈલમાં સહ અધ્યાપકનો યુનિવર્સિટીમાં જલ્દી રિપોર્ટ કરવાનો મેસેજ દેખાયો. આ વર્ષે મારે અહમદનગરની કોલેજમાં ભણાવા જવાનું હતું. હું તરત મુંબઈ જવાની ટ્રેન પકડી મારા વ્યસ્ત જીવનમાં પાછો પોરવાઈ ગયો. 

***

આ ચોથા ઉનાળાની રજામાં મારે ટ્રેનિંગમાં જવાનું હોવાથી લોનાવાલાનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો. આ વર્ષે પણ કાકાને ન મળી શકવાનો મને વસવસો હતો. ગયા વર્ષે પણ મુંબઈ પાછા આવ્યા પછી મળવા જવાયું ન હતું. તેમની સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઈ પણ 'કેમ છો ? શું ચાલે છે ?...' જેવી વાતો અમે ફોન પર આ પહેલા ક્યારેય કરી ન હતી. તેમનો ઓફિસનો નંબર મારી પાસે હોવાથી આ પહેલી વખત મેં હિંમત કરી તેમના ખબર અંતર પૂછવા ફોન જોડ્યો.

કાકા પાસે આ જમાનામાં પણ સાદો ફોન હતો. મને કહેતા "લોકો ઓલા તમારા વોટ્સએપ પર બુકીંગની પંચાત કર્યા કરે મને આ ઉંમરે એ ન ફાવે. એ બધું રમણભાઈ જુએ છે...બસ છે !" કાકા એ વર્ષો સુધી કપડાંની મિલમાં કામ કર્યું હતું. નવી ટેકનોલોજી આવવાથી જૂના કર્મચારીઓને કાઢવામાં આવ્યા ત્યારે તેમના પત્નીએ કહ્યું પણ ખરું, "કમ્પ્યુટર શીખી લો." પણ કાકાને બદલાવ પ્રત્યે ખબર નહીં શું અણગમો હતો ! પછી થોડા સમયમાં તો પત્નીનો સાથ એક ગંભીર બીમારીના કારણે છૂટી ગયો. તેમને કોઈ બાળકો હતા નહીં. ધીરે-ધીરે એકલો જીવ અંદર- અંદરથી તૂટી રહ્યો હતો તે જોતા રમણભાઈએ જ્ઞાતિની માટુંગા ઓફિસમાં બેસવાનું તેમને સૂચવ્યું. રમણભાઈના ઘણા આગ્રહ પછી કાકા ખપ પૂરતું કમ્પ્યુટર શીખી જ્ઞાતિની માટુંગા ઓફિસમાં બેસવા લાગ્યા.

***

(પાંચમો ઉનાળો)

બે વર્ષ પછી આજે હું કાકાને મળવાનો હતો.. આ વર્ષે અહમદનગરથી હું સીધો લોનાવાલા ગયો હતો. લોનાવાલાથી પાછા આવી મુંબઈમાં થોડા કામ પતાવી સાતમે દિવસે હું ઉત્સાહભર્યા મોટા મોટા ડગલા ભરી માટુંગા ઓફિસ પહોંચ્યો. મને હતું કે કાકા મારા પત્ર સાથે બેઠા જ હશે, પણ કાકાના સ્થાને રમણભાઈ હતા.

"અલય, સારું થયું તું આવી ગયો, હું તારો જ નંબર શોધી રહ્યો હતો. જસવંતભાઈની તબિયત બહુ બગડી છે. થોડા દિવસો પહેલા તો ઠીક હતા... તારા પત્રની કાગડોળે રાહ પણ જોતા હતા. અને જે દિવસે પત્ર આવ્યો ત્યાર પછીના દિવસથી તબિયત જે લથડી છે...." વધારે સમય ન વેડફી, કાકાનું સરનામું લઈ હું તેમના ઘર તરફ રવાના થયો.

"કોણ ?" દરવાજા પર ઉભા છોકરાએ ઓળખાણ ન પડતા પૂછ્યું.

"હું અલય...જસવંતકાકા ને..." આગળનું વાક્ય પૂરું કરું તે પહેલા છોકરાએ કહ્યું, "અલયભાઈ આવો... અંદર આવો..."

અંદર પ્રવેશતા જ દીવાનખંડમાં સામે મને કાકા એક ખાટલા પર સુતા દેખાયા. શરીર એકદમ નિર્બળ જણાતું હતું. મેં નજીક જઈ કહ્યું," કાકા મને મળવાનું ટાળવા તમે ઓફિસમાંથી રજા લઈ લીધી કે શું ?" 

"આવી... ગયો...ભઈલા..." તેમને બોલવામાં બહુ કષ્ટ પડતો હોય એમ જણાયું "મારી જાસવંતીના... છોડનો... ખ્યાલ રાખજે..." મારી નજર અનાયાસ સામે દીવાલ તરફ ખેંચાઈ, મેં મોકલેલા લોનાવાલાના બધા ફોટાઓ ત્યાં હારબધ્ધ સજવેલા હતા. હું તે જોઈ ઊંડેથી હચમચી ગયો. મારી આંખો ભરાવા આવી." મા...રી... જિદ્દ... જીતી ગ...ઈ ?!" કાકા માંડ માંડ બોલ્યા, તેમના મોઢા પર અકળ ભાવ હતો. વાક્ય પૂરું કરતા કરતા તો તેમને ઉધરસ ચઢી ગઈ. 

મેં મનમાં એક નિર્ધાર કર્યો. " કાકા, મારી સાથે લોનાવાલા ચાલશો ?" એમણે એક દીર્ઘ નિઃશ્વાસ લીધો અને ધીરેથી આંખો ઉઘાડી અપલક નજરે લોનાવાલાના ફોટા તરફ જોઈ રહ્યા. મેં થોડી દૂર ઊભેલા છોકરા પાસે જઈ ડૉક્ટરનો નંબર લીધો અને કાકાને જરૂરી તકેદારી સાથે લોનાવાલા લઈ જવાની પરવાનગી લઈ લીધી. રમણભાઈ સાથે વાત કરીને સેનિટોરિયમમાં એક રુમ બુક કરાવ્યો અને ગાડી બૂક કરી અમે લોનાવાલા તરફ રવાના થયા.

***

ગાડી ધીમે ધીમે ખંડાલા ઘાટનાં વળાંકો લઈ રહી હતી. ચોમાસું હજુ આ અઠવાડિયે જ બેઠું હોવાથી ચારેકોર ભીનાશ મધમધી રહી હતી. હું અર્ધ જાગૃત અવસ્થામાં ગાડીની પાછલી સીટમાં આડો પડ્યો હતો. અલય ગાડીની આગળની સીટમાં બેઠા-બેઠા બહાર સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિનું વર્ણન મને કરી રહ્યો હતો. મને લાગ્યું હું આટલા દિવસથી તેના પત્રોમાં લખેલા શબ્દોની યાદોને અઢેલીને જીવી રહ્યો છું. "કાકા, જાસવંતીની જે રીતે તમે દેખભાળ લો છો ને તમારી અંદર પણ એક પ્રકૃતિ પ્રેમી વસેલો છે, જરા પ્રકૃતિની સમીપે જઈ તેની સુંદરતાના છાંટા તમારા પર પડવા દો." અલયનાં પત્રમાં લખેલા શબ્દો મને યાદ આવી ગયા. 

શું મેં તેને લોનાવાલા જવા માટે હોંકારો આપ્યો ? મારા જીવનમાં અલયનું આગમન થયું એ પહેલા મને પ્રવાસ કરવો ક્યારે જરૂરી કેમ ન લાગ્યો ? જિદ્દના અનેક આવરણ મેં જ પોતાની આસપાસ વીંટાળ્યા હતા. કામના બહાનાઓ કહો કે કંઈક નવું કરવાનો ડર, પોતાની જાતને ભૂતકાળમાંથી બહાર નીકાળ્યા વગર જીવ્યા કરવું હતું મારે. મને બદલાવ ગમતો ન હતો. પણ પછી અલયનાં પત્રોથી જીવનમાં કંઈક બદલાયું. "કાકા, પ્રવાસ તમને વર્તમાનમાં જીવતા શીખવાડશે..." હું તેના શબ્દોથી થોડો ભીંજાયો, તેના ફોટાઓ સૂરજના કિરણો બન્યા અને મારા અંદરના પ્રકૃતિ પ્રેમીને કૂંપળો ફૂટી. 

મેં સેનિટોરિયમની બહાર અલયના સહારે ગાડીમાંથી નીચે પગ મૂક્યો. લોનાવાલાની ખુશનુમા હવાએ મારું સ્વાગત કર્યું. થોડા કલાક આરામ કરી મને થોડું જમાડી અલય એક વ્હીલચેર લઈ આવ્યો. "ચાલો કાકા, તમને લોનાવાલા દેખાડું." અમે થોડું શેરીઓમાં રખડયા. પહેલી વાર કુદરતનો મને આટલા નજીકથી સ્પર્શ થયો...હું આટલી સુંદરતા અનુભવી અંદરથી પીગળી ગયો. શું હું અલય કહે છે તેમ મહેકી રહ્યો છું ? હું ભૂતકાળના ઝૂલામાંથી કૂદી ને અંતે વર્તમાન માણી રહ્યો છું.

અલય તેણે રોપેલા જાસવંતીના છોડ પાસે મને લઈ આવ્યો.

"જાસવંતી ! મારી સૌથી પ્રિય છે... તેની હંમેશા સંભાળ રાખજે !" મારી બા ના શબ્દો મારા સ્મરણપટ પર ઉપસી આવ્યા. હું અઢી વર્ષનો હતો જ્યારે બાએ મને આંગણામાં રોપેલા જાસવંતીના છોડની ઓળખાણ કરાવી હતી. એ પાંચ પાંખડીઓવાળા લાલગુમ ફૂલે મારું ધ્યાન પૂર્ણપણે આકર્ષિત કરી લીધું હતું. હું જેમ જેમ મોટો થતો ગયો, બા મને તેની દેખભાળ લેતા શીખવાડતા રહ્યા. હું મનભરીને બંનેનું સાનિધ્ય માણતો. પછી તો જીવનના દરેક તબક્કે જાસવંતી મારી સાથે રહી. બા ના ગયા પછી અપરા મારા જીવનમાં સાથી બની આવી ત્યારે પણ હું, અપરા અને જાસવંતી તો ખરી જ ! અપરાના ગયા પછી જાસવંતી અને લોનાવાલાના બુકિંગ સિવાય જીવવાનું કારણ શું બચ્યું હતું મારી પાસે ? પણ પછી અચાનક અલય મારા જીવનમાં આવ્યો. આમતો મેં વર્ષોથી લોકોને ગંભીરતાથી લેવાનું છોડી દીધું હતું પણ અલયે કહ્યું, "લોનાવાલા તમારા આ જાસવંતી જેવું છે !" જાસવંતી !

"જસવંતકાકા, જુઓ તો જરા...તમે આપેલો જાસવંતીનો આ છોડ કેટલો મોટો થઈ ગયો છે...!" અલય બાજુમાં ઊભો હોવા છતાં તેનાં શબ્દો એકદમ દૂરથી આવતા હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતું. હું બહુ કષ્ટ કરીને જાસવંતીના છોડ તરફ આગળ ઝૂક્યો. અલયે આધાર આપવા મારો એક હાથ પકડી લીધો. બીજા હાથે મેં મારી તરફ હરખાતા જાસવંતીના એક ફૂલનો સ્પર્શ કર્યો. મારું મન તરંગીત થઈ ઊઠ્યું. હાથ પાછો ખેંચવા જતા ફૂલ ખર્યું અને મારા હથેળીમાં આવી પડ્યું. જાણે મારા જ સ્પર્શની વાટ જોતું હતું. મારી આંખો અહોભાવથી ભરાઈ આવી. મારા શ્વાસ ધીમા પડવા લાગ્યા. મારા જમણા હાથમાં અલયનો હાથ હતો અને ડાબા હાથમાં જાસવંતીનું ફૂલ. મેં અલય સામે આભારવશ જોયું, અલય અને જાસવંતી એકબીજામાં સમાઈ ગયા હોય તેવો આભાસ થઈ રહ્યો હતો. અલય મલકાયો... કે જાસવંતીનું ફૂલ...? 

હું અને જાસવંતીનું ફૂલ બંને લોનાવાલાની ધરતી પર ઢળી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Thriller