Anami D

Romance Thriller

4.8  

Anami D

Romance Thriller

પાછાં ફરતાં મોસમી પવનો

પાછાં ફરતાં મોસમી પવનો

10 mins
1.2K


રસ્તા વચોવચ્ચ હાંફી રહેલા જેનિશને જોઈને મંજુલાએ તેની પાસે આવીને પોતાના ટુ વ્હિકલને બ્રેક મારી.

"આમ રસ્તા વચ્ચે કેમ ઊભો છે તું ? અને આટલો હાંફી કેમ રહ્યો છે ?" મંજુલા એ પુછ્યું.

"તને બધું જ કહું પણ પહેલા તું ગાડી સાઇડમા લઈ લે અને મને પણ" ટુ વ્હિકલ પર બેસતા જેનિશ બોલ્યો.


મંજુલા એ ટુ વ્હિકલ કોઈ ચોક્કસ દિશામાં હાંકી માર્યું. જેનિશ હજુ પણ હાંફી રહ્યો હતો. એના શ્વાચ્છોશ્વાસની તેજ ગતિને મંજુલા અનુભવી શકતી હતી. કંઈક વિચારીને તે મનોમન હસવા લાગી.

"તું સરખી રીતે હસી શકે છે" જેનિશ એ મોઢું બગાડતા કહ્યું.

"હા તે હું તો હસી જ શકું ને... મારે ક્યાં ચોકઠાં પહેરવાના દિવસો આવ્યા છે."

"એય... મંજુલા તને શું લાગે છે હું ઘરડો થઈ ગયો છું એમ ? મારા બધા દાંત એકદમ બરાબર છે, જો તું..."


મંજુલા એ મહેશ્વરી સ્વીટ્સનાં ખુણેથી ટર્ન લીધો અને બોલી " તારી સામે જોવા રહીશ ને તો આપણે બંને એક સાથે પરિક્ષિતા અને મેહુલ પાસે પહોચી જઈશું"

"એ ના ભાઈ ના તારી સાથે એટલી લાંબી સફર મને નહીં પોષાય અને વળી આપણે ક્યાંક ભુલા પડ્યા તો..."

બંને હસી પડ્યા.

" લ્યો આવી ગયું તમારું પરીલોક " એક વિશાળ બંગલાની બહાર ટુ વ્હિકલ થોભાવતા મંજુલા બોલી.

બંગલાની બહારની દિવાલ પર સોનેરી અક્ષરોમાં આરસપાણ પર કોતરાવેલુ હતું. "પરીલોક બંગલો, ડૉ. જેનિશ શાહ અને ડૉ. પરિક્ષિતા શાહ "


બાર સુધીનું ભણીને પરણીને સાસરે આવેલી પરિક્ષિતા ને ભણવાની ઘણી હામ છે એ વાતની જ્યારે જેનિશ ને ખબર પડી એણે બીજા જ દિવસે પોતાની કોલેજમાં એડમીશન અપાવી દીધું. બંને એ સાથે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને આખરે પીએચડી થયા. બંને અલગ અલગ કોલેજમા પ્રોફેસર તરીકે જોડાયા.

લગ્નના દસ વર્ષ પછી પરિક્ષિતાની કુખે અવિનાશનો જન્મ થયો. પરિક્ષિતા અને જેનિશ એ અવિનાશનાં ઉછેરમા કોઈ કમી ન રહેવા દીધી. નાના એવા મકાનમા બે પગારથી એક સુખી જિંદગી પસાર થઈ રહી હતી.

અવિનાશ પણ હવે ૨૨ વર્ષનો થઈ ગયો હતો અને આ વર્ષે જ તેણે એન્જીનીયરીંગ પૂરું કર્યું હતું. જેનિશ અને પરિક્ષિતા એ એકસાથે એક સપનુ જોયું અને પૂરું કર્યું તે હતું પરીલોક બંગલો. બંને એ ખૂબ મહેનત કરીને અને જરૂરીયાતોમા કરકસર કરીને આ બંગલો બનાવ્યો હતો. પરિક્ષિતાનાં નામ પરથી બંગલાનુ નામ પણ 'પરિલોક બંગલો' રાખવામાં આવ્યું હતું. પરંતુ પરિક્ષિતા એ બંગલામા વધારે સમય ન રહી શકી. જે વર્ષે બંગલો તૈયાર થયો અને શાહ ફેમિલી નાના ભાડાના મકાનમાંથી વિશાળ બંગલામા શિફ્ટ થઈ ગયું. તે જ વર્ષે પરિક્ષિતા કોલેજ પિકનિક માટે વિધ્યાર્થીઓ સાથે ગયેલી. રસ્તામાં બસને અક્સ્માત નડ્યો અને પરિક્ષિતા ત્યાં જ મૃત્યુ પામી.


નોકરી ચાલુ હતી ત્યાં સુધી તો જેનિશ ખુદને સંભાળી લેતો પણ રિટાયર્ડ થયા પછી એકલતા મહેસૂસ થતી હતી. ઘરમાં ને ઘરમાં કંટાળી જતો. તેથી છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે દરરોજ સાંજે નજીકમા આવેલા બગીચા સુધી ચાલીને જતો ત્યાં જઈને છેલ્લે ખૂણામા રહેલા બાંકડા પર ક્યાંય સુધી બેસી રહેતો. નાના ભુલકાઓ રમતા હોય, મિત્રો સાથે આવેલા યુવાનો મસ્તી કરતા હોય, જેનિશ આ બધું જોયા કરતો. જેનિશ ને એ બાંકડો વધુ તો એટલે પસંદ આવતો કારણ કે તેની બાજુમાં જ રાતરાણી હતી.


અવિનાશ અને પ્રતીક એક જ શાળામા ભણેલા અને એક જ કોલેજમાંથી એન્જિનિયર થયેલા મિત્રો હતા. પ્રતીક એ મંજુલા અને મેહુલ પટેલનો દીકરો હતો. અવિનાશ અને પ્રતીક દ્વારા જ જેનિશ અને મેહુલની મિત્રતા થઈ હતી. તેમજ મંજુલા અને પરિક્ષિતા પણ ખૂબ જ સારી સહેલીઓ બની ગઈ હતી.


ચાર વર્ષ પહેલા શિક્ષિકા તરીકે રિટાયર્ડ થયેલી મંજુલાને આજકાલ ઘરમાં એના દીકરા પ્રતીક સાથે બોલાચાલી થતી હતી. પ્રતીક મંજુલાને એની સાથે હંમેશા માટે અમેરિકા આવતા રહેવા માટે દબાણ કરતો હતો. જ્યારે મંજુલાને બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા પતિ મેહુલની ખાસ યાદ સમાન આ ઘરને છોડીને ક્યાંય જવાની ઇચ્છા ન હતી.


આ બબાલને કારણે જ ઉદાસ રહેતી મંજુલા સાંજના સમયે બગીચાની પાછળની બાજુ આવેલા મંદિરે દર્શન કરવા જતી હતી.

દરરોજ સાંજે આવતા જતા ક્યારેક મળી જતા મંજુલા અને જેનિશ એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરી લેતા. મંજુલાનાં ટુ વ્હિકલ પર ક્યારેક બંને સાથે મંદિરે જતા તો ક્યારેક બગીચે જતા. ઘરમા અનુભવાતી એકલતાને કારણે અમુક મિનિટનો સથવારો બંનેને ઘણી હુંફ આપતો હતો.

"મારે અમેરિકા નથી જવું જેનિશ પણ આ પ્રતીક સમજવા તૈયાર નથી" એક સાંજે મંજુલા એ કહ્યુ.

"તું ચિંતા ન કર હું એને સમજાવવાનો પ્રયાસ કરીશ." જેનિશે આશ્વાસન આપતા કહ્યું.

કંઈક વિચારમા ખોવાયેલ જેનિશને જોઈને મંજુલા થોડી અકળાઇ.

"તને શું થયુ હવે ? ક્યાં ખોવાય ગયો !?"

"મને કંઈ નથી થયું પરંતુ મંજુ સમજાતુ નથી કે મારા અવિનાશ ને શું થયું છે "

જેનિશે એક ઊંડો શ્વાસ છાતીમા ભર્યો અને ફરી બોલ્યો.


"ખબર નહીં શું થઈ ગયું છે અવી ને... પરીલોક ને વેચી મારવાની વાતો કરે છે. કહે છે કે એને આ નાના શહેરમા નથી રહેવું."

અનાયાસ જ મંજુલાથી જેનિશનાં હાથમાં હાથ પરોવાઈ ગયો.

બંને ક્યાંય સુધી એમ જ એકબીજા નો હાથ પકડીને મૌન બેસી રહ્યા.


હવે તો એકબીજાનો હાથ પકડીને બગીચાનાં બાંકડે બેસી રહેવું એ નિત્યક્રમ બની ગયો છે. મહેશ્વરી સ્વીટ્સ ના ખૂણે જેનિશ ઊભો રહે અને મંજુલા આવીને તેને પિક કરે. મંજુલાને જલેબી બહુ ભાવતી. સરપ્રાઇઝ તરીકે પંદર દિવસે એકાદ વાર જેનિશ એના માટે જલેબી લઈ રાખે. બગીચાના બાંકડે બેસીને બંને એકબીજાને ખવડાવે.


મહેશ્વરી સ્વીટ્સની બહાર ઉભેલા જેનિશે અંદર નજર કરી. હાર્ટશેપવાળી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જોઈને એને યાદ આવ્યું નજીકના સમયમાં તો વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એના મનમાં એક વાત હતી. જેનિશે મંજુલાને કંઈક કહેવું હતું અને કંઈક પુછવુ પણ હતું. પરંતુ તે સાચા સમયની રાહ જોતો હતો. મંજુલાને વેલેન્ટાઇન નાં દિવસે વાત કરશે એવું વિચારીને જેનિશ મનમા ને મનમા હરખાઇ ગયો.

આજે વેલેન્ટાઇન ડે હતો. એ આજે પણ રોજની જેમ ત્યાં જ ઊભો હતો.


આજે એ ફરી હાંફી રહ્યો હતો હાલાકી એ કંઈ કરી પણ ન હતો રહ્યો છતા હાંફી રહ્યો હતો. મંજુલાને સહેજ ચિંતા થઈ. જેનિશ તો હસી રહ્યો હતો.

મંજુલા એ જેનિશ ને ટુ વ્હિકલમા બેસવાનો ઈશારો કર્યો અને બગીચાની વિરુદ્ધ નાં રસ્તે ગાડી દોડાવી.

" એય તું રુક તો જરા... આ તું ક્યાં લઈ જઈ રહી છે મને"

"તું ચુપચાપ બેઠો રે!"

"હું ચૂપ નહીં બેસું. તું અત્યારે જ ગાડી બગીચે લઈ લે... મારે તને બગીચે જઈને કંઈક કહેવાનું છે"

"બગીચે તો આપણે કાલે પણ જઈ શકીશું. આજે તને હોસ્પિટલ લઈ જઈ રહી છું"

"મારે કોઈ હોસ્પિટલ નથી જવું... હું એકદમ ઠીક છું"

રોડની એકબાજુ ટુ વ્હિકલ ઉભું રાખતા મંજુલા બોલી, "તને કેટલી હાંફ ચડે છે. આપણે ડોક્ટરને બતાવવું જોઈએ જેનિશ..."

જેનિશ નો ચહેરો મુરજાઇ ગયો અને નારાજગી દર્શાવતા બોલ્યો તને ખબર છે આજે મારે કેટલું જરૂરી કામ છે."

"તારુ એ કામ આ કામથી જરૂરી તો નહીં જ હોય..."

હોસ્પિટલ એ ડોક્ટરને બતાવીને બંને બગીચે આવ્યાં. જેનિશ હજુ પણ નારાજ હતો.

" હવે તું ક્યાં સુધી આમ ચુપ બેસી રહીશ કંઈ બોલ તો ખરી" બગીચાના બાંકડે બેસતા મંજુલા બોલી.

"હું શું કરવા ને હવે કંઈ બોલું...!!? દોઢ કલાક લાઈનમા ઉભા રહ્યા પછી ડોક્ટરે શું કહ્યું!? આવતી કાલે સવારે આવજો. અમુક ટેસ્ટ કરવા પડશે ને પછી જ ખબર પડશે કે એક્ચુઅલ પ્રોબ્લેમ શું છે.... મતલબ અત્યારનો મારો બે કલાકનો કિંમતી સમય બગાડ્યો અને હવે કાલે સવારે પણ ત્યાં જવાનું એમ...!! હું કાલે ક્યાય નથી જવાનો અને હું અત્યારે કંઈ બોલવાનો પણ નથી..." જેનિશ એક જ શ્વાસે બોલી ગયો.

મંજુલા ખડખડાટ હસવા લાગી.


"તું આટલું બધુ બોલ્યા પછી કહી રહ્યો છે કે તું કંઈ નહીં બોલે એમ"

જેનિશ ને પણ હસવું આવી ગયું.

જીવનની સંધ્યા એ પહોચેલુ પ્રૌઢપણુ જાણે કે હજુ તો બાળક જેવું હતું.

" મંજુલા, તું જાણે છે કે પરિક્ષિતાના ગયા પછી હું કેટલો એકલો થઈ ગયો હતો. અવિનાશ અને તેની પત્ની પોતાની જિંદગીમા વ્યસ્ત હોય છે. પૌત્ર તો હોસ્ટેલમા ભણે છે. અને હવે તો એ લોકો આ શહેરમા રહેવા જ નથી ઇચ્છતા પરંતુ મારે આ શહેર છોડીને ક્યાંય નથી જવું. એવી જ રીતે મેહુલના ગયા પછી તું પણ સાવ કેટલી એકલી થઈ ગઈ છો.

ને પ્રતીક પણ પત્ની સહિત અમેરિકા જતો રહે છે અને તું અહી મારી સાથે રહે."


થોડી વાર ચુપ રહ્યાં પછી જેનિશ ફરી બોલ્યો.

" તને ખબર છે મંજુ મને છે ને તારી ટેવ પડી ગઈ છે. તારી સાથે આમ બેસી રહેવું અને વાતો કર્યા કરવી એ મારા જીવનક્રમ્ નો ભાગ બની ગયો છે. હું ઇચ્છુ છું કે આજકાલ આ જુવાનિયાઓ કરતા હોય છે ને, પેલું લિવ ઈન રિલેશનશિપ જેવું કંઈક... આપણે પણ એવું જ કંઈક કરીએ તો... ??

તું ઇચ્છે તો જ...

અને તું ઇચ્છે તો આપણે લિવ ઇન વિધાઉટ રિલેશનશિપ પણ રહી શકીએ છીએ. હું બસ એટલું ઇચ્છુ છું કે જીવન નાં આ છેલ્લા સમયમાં આપણે એકબીજાનો સાથ સહકાર પામીએ... થોડી હુંફ પામીએ... મનમા ને મનમા મૂંજાવવા કરતા આપણે એકબીજા સાથે વ્યક્ત થઈને જીવીએ "


ફરીથી થોડીવાર માટે જેનિશ ચુપ થઈ ગયો.

"મંજુ... શું તું જીવનના છેલ્લા શ્વાસ સુધી મારી વેલેન્ટાઇન બનીશ ?? "

મંજુલા નો હાથ પકડીને જેનિશે હિંમત કરીને આજે એ વાત કહી નાખી જે વાત કહેવા માટે એ છેલ્લા ઘણાં સમયથી રાહ જોતો હતો.

જેનિશની પકડમાથી પોતાનો હાથ છોડાવીને મંજુલા એ જેનિશ નો ઝભ્ભો સરખો કર્યો. જેનિશ નાં કરચલી પડી ગયેલા ઘઉવર્ણા ગાલ પર પ્રેમથી થાપલી મારી. અને એની તરફ થોડી નજીક સરકી... જેનિશને જવાબ મળી ગયો. એ મંજુલાની આંખોમા હા વાંચી રહ્યો અને મંજુલા હસતી રહી.


ઘરે જતી વેળા એ બાજુમાંથી પસાર થયેલ બાઈક પર ચાલક યુવાનને પાછળની સીટ પર બેઠેલી યુવતી કમર ફરતે હાથ રાખીને પીઠ પર માથું રાખીને બેઠેલી જોઈ. જેનિશે મંજુલાના ખભે હાથ મૂકીને પીઠ પર માથું રાખી દીધું.

"જેનિશ આપણે બાળકોને શું કહીશું ? એમને સમજાશે ખરી ?

" તું ચિંતા ન કર હું આ બાબતે અવિનાશ અને પ્રતીક બંને સાથે વાત કરી લઈશ"


થયું એવું કે એ સમયે એ રસ્તે થી જ પસાર થયેલા અવિનાશે આ દ્રશ્ય જોઈ લીધું.

જમી લીધા પછી આરામખુરશી પર બેઠેલા જેનિશની પાસે આવીને અવિનાશે આવી પૂછ્યું,

"તમને આ ઉંમરે રંગરેલિયા મનાવતા શરમ નથી આવતી પપ્પા... તમને તો પપ્પા કહેતા પણ આજે મને શરમ આવે છે "

"તું આ શું બોલી રહ્યો છે અને બોલવામાં થોડું ભાન રાખ અવી..."

"ભાન તો તમારે રાખવી જોઈએ પપ્પા... જોયા'તા મેં તમને મંજુલા આંટી સાથે અને તમે કંઈ પોઝિશનમા હતા એ તો તમને યાદ હશે જ.. તમે આવી નીચી હરકતો કરશો એવું મેં ક્યારેય વિચાર્યુ પણ ન હતું"

"મોઢું સમ્ભાળીને વાત કર અવિનાશ... હું તારો બાપ છું ! "

" એટલે જ કહી રહ્યો છું કે તમે મારા બાપ છો અને તમે મંજુલા આંટી પર નજર બગાડી ? એમનો દીકરો પ્રતીક મારો બાળપણનો મિત્ર છે એ શું વિચારશે... આ સમાજ શું વિચારશે... તમે તો મને ક્યાંય મોઢું બતાવવા લાયક ન રાખ્યો પપ્પા "

" અમે તો બસ... રહેવા દે દીકરા તું નહીં સમજે પણ એક વાત સાંભળ લે... અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે તું અમારા કારણે કોઈને મોઢું ન બતાવી શકે. અમારી વચ્ચે એક નિર્દોષ ભાવ છે"

" નિર્દોષ ભાવ ?? એવો કોઈ ભાવ જ નથી હોતો પપ્પા"


" ઓહ્ ખરેખર અવી ? એવો કોઈ ભાવ નથી હોતો ?? તને ખબર છે તારી સાથે લગ્ન કર્યા પહેલા જ તારા બાળકને પેટમાં લઈને તારી પત્ની જ્યારે આ ઘરમાં આવી ત્યારે એણે મને કહ્યું હતું કે અમારી વચ્ચે નિર્દોષ ભાવ છે. એના નિર્દોષ ભાવ ને ધ્યાનમાં રાખીને જ મેં તમારાં બંનેના લગ્ન કરાવ્યા હતા."

" અમારી વાત વચ્ચે નહીં લાવશો પપ્પા... અમારી વાત અલગ છે અમે બંને યુવાન છીએ અને એક જ જ્ઞાતિના છીએ. તમે બંને વૃદ્ધ છો ને પપ્પા આપણે શાહ છીએ અને એ મંજુલા આંટી પટેલ છે. અને હું અને ઈશા તો એકબીજાને લવ કરીએ છીએ "

" અવિનાશ કદાચ તારા 'લવ' માં ઉંમર અને જ્ઞાતિ જોવાતી હશે પણ માણસ થઈને માણસને હુંફ આપવા માટે ઉંમર કે જ્ઞાતિ નથી જોવાતી "

ગુસ્સા થી લાલચોળ થઈ ગયેલો જેનિશ સોફા પર ફસડાઈ પડ્યો. જમણો હાથ છાતી પાસે પહોંચ્યો અને...

"પપ્પા...” અવિનાશથી ચીસ નખાઇ ગઈ. ૧૦૮ને ફોન. ૧૦૮ નું આવવું. જેનિશ શાહનુ મૃત જાહેર થવું.


તું... તું હૈ વહી દિલને જિસે અપના કહા..

પોતાની મનપસંદ રેડિયો ચેનલ પર વાગી રહેલું આ ગીત મંજુલાને આજે પોતાનું લાગતું હતું.

"હવે અમેરિકા પણ નહીં જવું પડે અને જીવનમા જેનિશ જેવી વ્યક્તિની હુંફ અને સ્નેહ પણ મળી રહેશે.. હવે મને કયારેય એકલું નહીં લાગે. જેનિશનો સાથ મને હંમેશા હસતી રાખે છે અને હવે આ વધેલી થોડી જિંદગીને એનો સાથ...હું હવે જિંદગીને છેલ્લે સુધી હસતા હસતા જીવી લઈશ" મંજુલા મનોમન વિચારી રહી હતી.

ફોનની રીંગ વાગી.

જાગતી આંખો એ સપનાઓ જોતી મંજુલાના એ સપનાઓને ખલેલ પહોંચી.

પ્રતીકના ફોનમા રીંગ વાગી રહી હતી.

"હેલ્લો...

વ્હોટ...??! આમ અચાનક...!

બહુ ખરાબ થયું...

હા તું પહોંચ... હું પણ ત્યાં પહોંચુ છું..." ફોન કટ કર્યો.

"મારા કપડાં નીકાળ અને તું પણ ચેન્જ કરી લે જે... અવિનાશ નાં પપ્પા જેનિશ અંકલનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આપણે જવું પડશે." પ્રતીકે એની પત્નીને સુચના આપી.

"રેડિયો બંધ કરી દે મમ્મી... અને તારે આવવાની કોઈ જરુર નથી તું સૂઈ જજે " પ્રતીકે મંજુલાને કહ્યું.


મંજુલા નિ:શબ્દપણે સ્તબ્ધ બની બેસી રહી. રેડિયોમા હજુ પણ એ ગીત ચાલી રહ્યું છે...

તું... તું હૈ વહી દિલને જિસે અપના કહા...

જીવનમા કોઈ એવું જરૂર હોય છે કે જેને આપણે કે આપણી આસપાસના લોકો એ નહીં પરંતુ આપણા હૃદયે આપણા માટે પોતાનું માન્યું હોય...

અંતિમ સંસ્કાર... બેસણુ... બારમુ... વેલેન્ટાઇન ડે નાં તેરમા દિવસે પ્રતીક ઝગડો કરીને મંજુલાને અમેરિકા લઈ ગયો.

                       

***

બિપ્... બિપ્... બિપ્... વેલેન્ટાઇન ડે વીશ કરતા મેસેજનો ઢગલો થઈ ગયો છે મોબાઈલમા. પ્રતીક અને તેની પત્ની વેલેન્ટાઇન ડેની પાર્ટીમા ગયા છે.

અમેરિકાની ઉંચી ઈમારતના છેલ્લેથી બીજા માળે વિશાળ ફ્લેટના એક રૂમમા એકલી બેઠેલી મંજુલા રડી રહી. દુનિયા ગમે તેટલી આધુનિકતાનું આવરણ ઓઢી લે પણ પ્રેમીના મૃત્યુનો શોક મનાવવાની છૂટ તો કોઈને આજે પણ નથી મળતી.

                           


Rate this content
Log in

Similar gujarati story from Romance