STORYMIRROR

Anami D

Romance

4  

Anami D

Romance

આવજે 2

આવજે 2

4 mins
93


ઘોંઘાટ

ગાડી ધીમી પડી ને પછી ઊભી રહી ગઈ.

સાનીકાને યાદ આવ્યું, ટ્રાફિકજામ નામની બિમારીથી પીડિત આ શહેર સારવારથી વંચિત છે. 

'આ ક્યારે વિખરાશે ભાઈ...' માથે હાથ મૂકીને ડ્રાઇવરે ફરિયાદ કરી.

સાનીકાને આ દેકારો આ ઘોંઘાટ કદાપિ રાસ નથી આવ્યા. એને તો અમથો અવાજ પણ પસંદ નથી. 

'આ ઘોંઘાટ...' એણે બારી બહાર ઘૃણાસ્પદ નજર કરી. એના ચહેરાનો રંગ ઉડી ગયો.

(ટ્રાફિક કોને ગમે ? 

કોઈને નહીં !!!)

'તમે આ રેડિયો બંધ કરશો ? પ્લીઝ!' સાનીકાએ ડ્રાઇવરને વિનંતી કરી.

'બેન...' ડ્રાઇવરે પાછું ફરીને આજીજી સહ જોયું.

'હા, ઠીક છે.. ભલે ત્યારે સાંભળો' સાનીકા બારી બહાર જોવા લાગી.

દૂર પેલી બાજુ એક કારમાં નાનું બાળક કારની સીટ પર કૂદકા મારતું હતું. થોડી થોડીવારે એ તાળી પાડી રહ્યું હતું. સાનીકાની નજર એનાં પર પડી. એ એને એકધારું જોતી રહી. વાહનોના હૉર્ન અને માણસોના કારણવગરના અવાજોની વચ્ચે એ બાળકની હંસી કૂદકા મારીને પોતાની મહત્તા સિદ્ધ કરી રહી હતી.

'આવા ટ્રાફિક ઘોંઘાટની વચ્ચે પણ એ બાળક...' સાનીકા એ બાળક વિશે વિચારી રહી હતી કે એના વિચારે અચાનક એક અણધાર્યો વળાંક લીધો. 

*

'તું જાય છે કે હું જાઉં ?'

'પણ આ તારું ઘર છે...' સાનીકાએ કૉફી મગને હોઠે લગાડ્યો.

'હા તો તારે નહીં આવવાનું અહીં ઓકે!! ને તને કોણે કહ્યું કે અત્યારે હું ઘરે હોઈશ?' 

'મને તારી બધી ખબર હોય'

'તું જા અત્યારે, ને પછી, આવજે...'

'સારું હું જાઉં છું પણ પેલી ધૂનનું શું થયું ? ભૂલી ગયો ?' સાનીકા હસવા લાગી.

'હું તારી રાહ જોતો હતો. ક્યાંય સુધી ઊભો રહ્યો પણ તું ન આવી...'

'પરીક્ષાઓ આવી રહી છે સ્વારંગ. આજકાલ હું એની તૈયારીઓમાં જ વ્યસ્ત રહું છું.'

'...અને આમ પણ મને આ દેકારાં પસંદ નથી એટલે...' સ્વારંગના બૅડ પર રહેલા ગિટાર તરફ જોઈને સાનીકા બોલી.

'તને દેકારો કોને કહેવાય એ પણ નથી ખબર...'

'તારે બીજું કંઈ કામ હોત તો ચોક્કસ આવી હોત પણ આ બધું મને પસંદ નથી. તું જાણે છે ને કે હું ગીત સંગીત નથી સાંભળતી. આ બધાં અવાજ, આ દેકારો આ બધું કેટલો ઘોંઘાટ ઉત્પન્ન કરે છે.'

'તને અવાજ ઓળખતાં પણ નથી આવડતું... ઘોંઘાટ, દેકારો શું હોય છે એ તને ખબર જ નથી.'

'સાનીકા જે અવાજને આપણે અવગણી શકીએ એ ઘોંઘાટ નથી. ઘોંઘાટને ક્યારેય અવગણી નથી શકાતો, એ હંમેશા નુકસાનકારક હોય છે. તનને, મનને વેરવિખેર કરી મૂકે' સ્વારંગ ગુસ્સામાં

બોલ્યે જતો હતો. સાનીકાએ એને હાથ પકડીને બેસાડ્યો અને એ પણ એની બાજુમાં બેસી ગઈ.

'ઘોંઘાટ શું હોય છે તને ખબર છે ? ઘોંઘાટ મનમાં મૂંઝારો લાવે... મનને વિચલિત કરી મૂકે... ઘોંઘાટ મને પણ પસંદ નથી...' સ્વારંગની નજર એક ફોટો પર ગઈ.

'પપ્પાના મૃત્યુ પછી મમ્મીની તબિયત ખરાબ રહેતી. હું પણ નાનો હતો. મમ્મી અને હું, દાદી અને કાકા-કાકી સાથે રહેતા...

મારી અને મમ્મીની બધી જવાબદારી દાદી પર રહેતી. એક દિવસ અચાનક દાદી પપ્પા પાસે જતાં રહ્યાં. કાકા અમારી વધારાની જવાબદારી લઈ શકે એમ ન હતાં એટલે અમે મામા-મામી સાથે રહેવા જતા રહ્યાં. મમ્મીની તબિયત હજુ પણ ખરાબ રહેતી. અમારાં બંનેના કારણે મામા-મામી વચ્ચે રોજ બોલાચાલી થતી. એક રાત્રે હું પાણી પીવા ઉઠ્યો જોયું તો કિચનમાં એક ખૂણામાં બેસીને મમ્મી મોઢામાં સાડીનો પાલવ નાખીને રડતી હતી. રડવાનો એ અવાજ બહુ વિચિત્ર હતો. એ અવાજે મને હેરાન કરી મૂક્યો ..'

'એ એવી રીતે કેમ રડતી હતી!! એ મને પછીથી સમજાયું... ડૂસકાં શું છે! એ પણ મને પછીથી સમજાયું... એનાં રડવાના અવાજ સિવાય કોઈ અવાજે મને ક્યારેય હેરાન નથી કર્યો. મારી મા ના ડૂસકાં મારે મન ઘોંઘાટ છે. તને આ વાત નહીં સમજાય સાનીકા, તને અવાજની ઓળખ નથી....' સાનીકાએ પોતાની કૉફી પૂરી કરી. 

'મને થોડી સમજણ આવી એટલે મમ્મી મને લઈને અલગ રહેવા આવતી રહી. સરકારી દવાખાનાની ગોળીઓ ખાઈને ખુદને સ્વસ્થ રાખતી. ભણેલી છે એટલે નોકરી મળી ગઈ. હું શાળાએથી આવું તો ઘરે એકલો કંટાળી જતો. વાતો કોની સાથે કરવી ? અમે જેમનાં મકાનમાં ભાડેથી રહેતા એ મામા સંગીત કલાસીસ ચલાવતાં. મમ્મીના કહેવાથી મામા મને ક્લાસીસ મૂકી આવતાં. ત્યારથી મારે અને સંગીતને મિત્રતાનો સંબંધ. મમ્મીએ બહુ મહેનત કરી. બહુ કામ કર્યું છે ત્યારે આ ઘર બન્યું છે, હું ભણી રહ્યો છું, આ બધાં સંગીત સાધનો મારી માની સાધનાના સાક્ષી છે. સાનીકા, જે અવાજની વચ્ચે પણ જાત સાથે સંવાદ સાધી શકીએ છીએ, સ્વને આંબી શકીએ છીએ તો એ અવાજ ઘોંઘાટ કેવી રીતે હોઈ શકે!! કોઈ વ્યક્તિ સંગીતને ઘોંઘાટ કઈ રીતે કહી શકે!!' સ્વારંગે હસવાનો નિરર્થક પ્રયત્ન કર્યો. 

અચાનક રસ્તા ચાલવા લાગ્યા. ઇમારતો દોડવા લાગી અને

ફ્લૅશબૅક થંભી ગયું.

સ્વારંગનું શહેર...

સ્વારંગની વાતો...

સ્વારંગની યાદો...

દિવસમાં સેંકડો વખત અચાનક રસ્તા ચાલવા લાગશે અને ફ્લૅશબૅક થંભી જશે. 

હવે આ શહેરમાં આવા થંભી ગયેલા ફ્લૅશબૅક સાથે જ વર્તમાનને પાર કરવાનું છે... પાર થશે ? 


Rate this content
Log in

Similar gujarati story from Romance