ભયયુક્ત સ્થિરતા
ભયયુક્ત સ્થિરતા
"એય જમવાનું પીરસ..." એ ડેલીએથી જ ત્રાડ નાખતો આવ્યો.
"જમનાકાકીને કૈક કામ હતું, મા તિયાં ગઈશ" કાંપતા હોઠે છોકરાએ જવાબ આપ્યો અને પૂછ્યું, "હું પીરસી દઉં તમને ?"
"ઈ રાંડ ક્યાં રખડવા ગઈશ ? ઈને બોલાવ..." એ લથડીયા ખાતો ઓસરીમાં આવ્યો.
"બા, આજે બાપુ એ બહું વધારે પીધું લાગશ, હું માને સાદ પાડી આવું ?" છોકરાએ ઓસરીમાં ખાટલે બેઠેલી ડોશીને પૂછ્યું.
"હા, હાદ પાડી આવ બાઈને, બચારીને કોઈ દિ સાંતી નઈ" ડોશી એ નિસાસા નાખ્યા. છોકરો દોડતો ગયો.
આ બાજુથી છોકરો ગયો ને બીજા રસ્તેથી એ આવી, ગીતા.
"ક્યાં જતી રેહશે ! કોને લઈને બેઠીશે ! કાંઈ હમજાતુ નથી" એણે રસોડામાં જઈને વાટકી, ચમચા, તપેલી, ખાંડણી... બધાં વાસણો એક પછી એક ઓસરી તરફ ઘા કરવા લાગ્યો.
"હૂં થિયું બા ? ઇ કિમ ખારા થિયાશ" એણે આવતાંવેંત ડોશીને પૂછ્યું.
"રોયો આજેય ઢીંચીન આયોશ વળી આયો તિયારનો આમ બોલેશ અન વાસણ પસાડેશ" ડોશીએ વહુને કહ્યું.
"આજ કૈક બીજું પીને આયા લાગશ નહીંતો આમ નો કરે ઇ, કે દિ નથી પીતાં !" એ રસોડા તરફ જતાં બોલી.
"એય રાંડ, ક્યાં ગુડાણીતિ અતાર હુંધી ? ધણી ભુઇખો હશે ઇની ભાન નથ પડતી તને ?" એણે પ્રાયમસ તરફ સાણસીનો ઘા કરતા ગીતાની સાડીને ખેંચી.
"ઇ તો જમના ને...." આટલું બોલી ત્યાં તો એ એને પકડીને મારવા લાગ્યો.
"આ.... નહિ...મારશો નહિ મને....મહિના જાયશ, કેમ ભૂલી જાવશો" એ રાડો પાડતી રહી. ખૂંનસ ભરેલો એનો દારૂડિયો પતિ એને મારતો રહ્યો
.
"કોઈક આવો અહીં બાપ, આ ઠાઠડીયો ઈને મારી નાખશે" અપંગ ડોશી ખાટલે બેઠી ઊંચે ઊંચે સાદ પાડવા લાગી.
ટોડલીયા, તોરણ, ભગવાનના ફોટા બધું તોડી તોડીને એ ફેંકવા લાગ્યો. દીવાલને અડાડીને ઉભા મુકેલા બે ખાટલા ઊંચકી ઊંચકીને એણે ફળીયા તરફ ઘા કર્યા.
"આમ નો કરો, હાલો હું તમને ખાવાનું પીરસી દઉંશુ, હવે કિયાય નઇ જાઉં" રડતા રડતા એણે આજીજી કરી.
"બહુ ખાવાનું પીરસવું શેને તારે, કેવુક પીરસેશે હુંય જોઉં' એ જગતો કોલસો બની ગયો અને રસોડા તરફ ગયો. શાક, દાળ ઢોળી નાખી. ગીતા એને રોકવા ગઈ તો એને ફરી મારવા લાગ્યો. ગીતા રાડો પાડવા લાગી.
"કોઈક મારી વહુને બચાવો, બચારીને કોઈક બચાવો" ડોશી રાડો પાડી રહી છે.
"કોને બોલાવસ તું ?" રસોડાની બહાર આવી એણે અંગારા ઝરતી આંખો ડોશી તરફ કરી.
નીચે વેર વિખેર પડેલ વાસણો એક પછી એક ઉઠાવી એણે ડોશી તરફ ઘા કર્યા. ગીતા રોકવા ગઈ તો એને ધક્કો મારતા બાપડી બાઈ દીવાલે ભૂંડીપટ્ટ અથડાઈ. એણે ખાંડણી ઉપાડી અને ઘા કર્યો ડોશી તરફ... એ સાથે અચાનક જ છોકરો આવી ચઢ્યો. સાત વર્ષના છોકરાનું માથું કેવુક હોય ? ત્યાં જ ફૂટી ગયું, નારિયેળ ફૂટ્યું હોય એમ. ગીતા બેહોશ થઈ ગઈ. ડોશી આક્રંદ કરવા લાગી.
નશો ઉતરતો હતો કે અગ્નિ ઠરતો હતો કે શું ? એ પરસેવે રેબઝેબ થઈ ગયો. એ આંખો ફાડીને લોહી લુહાણ પુત્રને જોતો રહ્યો. ગામના સૌ ભેગા થઈ ગયા. એ પસ્તાવા સાથે હજુય સ્થિર ઉભો હતો. આ એવી ભયયુકત સ્થિરતા છે કે એ બસ હવે ભાંગી પડવાનો હતો.