દ્વિધા
દ્વિધા
"દાદુ પ્લીઝ! હું ડાયલેમામાં છું".
આ શબ્દો મારા પર તીરની જેમ ફેંકી મારો પૌત્ર મને દ્વિધામાં મૂકીને પોતાના રૂમમાં ઘુસી ગયો હતો.
"દય્લેમાં"
મેં તરતજ મારા સ્માર્ટફોનમાં વસતા ગૂગલને પુછ્યું, 'ઓકે ગૂગલ, ડાયલેમાનો અર્થ ?'
હું એક અઠવાડિયાથી જોઈ રહ્યો હતો વરદાનના આ વ્યવહારને. ખાસ કરીને ટ્રેકિંગ પર જઈ આવ્યા પછી તે આખો-આખો દિવસ રૂમમાં ભરાયેલો રહેતો. આમ તો આ નવાઈની વાત ન હતી પણ તેનું ધ્યાન પણ કોઈ કામમાં ન હતું. પહેલાંની જેમ ઉત્સાહમાં આવીને મને કોઈ નવી વાત સુધ્ધાં કહેતો નહતો. આ દુવિધાનો તોડ લાવવો જ પડશે.
સવારે વરદાનના રૂમનો દરવાજો ખુલ્લો જોઈ તક ઝડપી લેતા હું સીધો અંદર જઈ બેસીજ ગયો. મેં જાણીજોઈને દયામણું મોઢું બનાવી કહ્યું, "વરદાન, આજે મોર્નિંગ વોક માટે મારો સાથીદાર બનીશ ? મારા મિત્રો જાત્રા પર ગયા છે. બે દિવસથી હું એકલો કંટાળી ગયો છું".
એણે મોઢું મચકોડ્યું પણ મને આશા હતી કે એ કમને પણ મને સાથ આપવા જરૂર આવશે અને તેવુંજ થયું
"તો...તમારી પેલી સિરિયલની નવી સીઝન કેવી ચાલે છે ?"
"દાદુ એવું થાય ક્યારેક, કે જે સિરિયલ તમને બહુજ ગમતી હોય તેની નવી સીઝન જોવા માટે તમને કોઈ ઉત્સાહજ ન હોય ?"
"શું થયું છે, વરદાન ?"
"દાદુ , તમે મને કહ્યું હતું ને, જેમ સિરિયલની નવી સીઝન વિશે તમને ખબર નથી હોતી કેવી હશે ? પણ તમે ઉત્સાહમાં તેના ચાલુ થવાની રાહ જુવો છો ને ? એમ કોઈપણ નવી વસ્તુમાં તું જયારે જંપલાવે છે ત્યારે પણ એવોજ ઉત્સાહ કેમ નથી કેળવી શકતો ?
'નથી કેળવાઈ રહયો...દાદુ ! મેં પપ્પાને કહ્યું હતું, આ બે મહિનાના વેકેશન પછી હું એમના મિત્રની લૉ (વકીલાત) ફર્મમાં જોડાઈશ. પણ મારે નથી કરવી પ્રેક્ટિસ ! બધા મિત્રોના ભવિષ્યના પ્લાન બની ગયા છે. કોઈ મોટી ફર્મમાં જોડાવાનું છે, તો કોઈ પોતાની સ્ટાર્ટઅપ ખોલવાનું છે પણ મને તો ખબર જ નથી મારે આગળ શું કરવું છે ? મેં વિચાર્યું હતું કે હું બે મહિના એકદમ મજ્જા કરીશ. અમારા ગ્રૂપે આખો એક મહિનાનો પ્લાન ઘડી રાખ્યો હતો અને બાકીનો એક મહિનો હું પોતે પોતાના માટે કાઢવાનો હતો, મને ગમતી પ્રવૃત્તિઓ કરવામાં.'
'બે મહિના થઈ ગયા, માણી લીધું વેકેશન!!! હવે શું ?'
'ત્રણ દિવસમાં તો મારે કામ શરૂ કરવાનું છે. નથી કરવું મારે... મને લૉ શીખવું હતું કારણ મને એ વિષયોમાં રસ પડતો હતો પણ શું પછી એ જરુરી છે કે મારે વકીલાત કરવીજ પડે ? શું જરૂરી છે બધા જે દિશામાં દોડતા હોય એજ દિશામાં આપણે ડચકાં ખાતા પણ દોડવું જ પડે ? શું કુતૂહલ માટે કોઈ જગ્યા નથી ?"
"વરદાન, અમે જ્યારે દસ ચોપડી વાંચી કામે લાગ્યા હતા ને ત્યારે અમે આટલું ન હતું વિચાર્યું. બેશક અમે તમારી જેમ આટલું ભણ્યા-ગણ્યા ન હતા, તમારા જેટલી પરિપક્વતા પણ ન હતી. રૂપિયા પણ ક્યાં હતા ? પણ એક સમજણ જરૂર હતી કે, જે મળે એ કામ કરી લેવું સમાજ કે આપણે પોતે શું વિચારીએ છીએ એની પરવા ન કરતા બીજાને મદદરૂપ થઈ શકાય એવું કામ ભલે કેવું પણ નાનું કે મોટું હોય, કરી લેવું. બેટા, તમને કોઈ વસ્તુની તંગી નથી. થોડો દબાવ હશે પણ કોઈ તને તારા મનનું કરતા રોકી નહીં શકે, તારા સિવાય !"
"પણ! જો હું હમણાં અહીંયા-ત્યાં કામ કરું, એક-બે વર્ષ એક્સપરિમેન્ટ કરી જોવું કે હું મારા શોખને કામમાં ફેરવી શકુ છું કે નહીં- એમાં ઘણો સમય નહીં વેડફાઈ જાય ? લોકો શું વિચારશે ? શું હું નકામો છું ?"
"વરદાન, આથી પહેલા જયારે તું ટ્રેકિંગ પર ગયો હતો ત્યારે દરરોજ સૌથી આગળ રહેતો. બધે પહેલો પહોંચતો પણ ત્યાં ટોચ ઉપર પહોંચતી વખતે તો તું એકલોજ હતો.
તે મને કહ્યું હતું કે "હું સૌથી ઉપર પહેલો પહોંચી તો ગયો પણ એના વિશે ફક્ત મને જ ખબર હતી. પછી લોકો ઉપર આવ્યા અને હું બધામાં ક્યાંક ભળી ગયો. પહેલો પહોંચ્યો હતો-નહતો કોઈને કાંઈ ફરક નહતો પડ્યો. પણ પાછલા મહિને જ્યારે તું ટ્રેક પર ગયો, તને ચઢવામાં ઘણો કષ્ટ પડ્યો ને તું છેલ્લો પહોંચ્યો હતો ત્યારે તને પોતાની ખામીઓ જોવાનો અને સમજવાનો સમય મળ્યો. તું ટોચ પર છેલ્લો પહોંચ્યો પણ બધાએ તારા સંઘર્ષને જોયો, બધા એ તને જોયો !
વરદાન, જરૂરી નથી પોતાના જીવનમાં શું કરવું છે તેની બધાને શરૂઆતથી ખબર હોય. અમારા જેવા ઘણા લોકોને અડધુ આયખું વીતી ગયા પછી આત્મજ્ઞાન થાય છે, અને ઘણા ને ક્યારેય નહીં. દરેક શોખને જીવીલે..."
હા હું વરદાન, પાંત્રીસ વર્ષનો થયો છું અને મારા કલાસમેટ્સ જેટલું લાખોમાં નથી કમાતો પણ જેટલું કમાઉં છું, એટલામાં જીવન ખુશીથી જીવતા મને આવડી ગયું છે. હા, ત્રણથી ચાર વર્ષ લાગ્યા મને એ સમજતા કે મારે શું કરવું છે. હું એક ટ્રેક ગાઈડ છું, સાથે મહિનાના પંદર દિવસ આ શાળાના બાળકોને નાગરિક શાસ્ત્ર ભણાવું છું અને અહીંના ગામની પંચાયતને મદદરૂપ પણ થાઉ છું. હું મારા અનુભવથી તમને કહેવા માગું છું કે તમારા બાળકોને થોડો સમય આપો, તેઓ પોતે પોતાનો રસ્તો શોધી લેશે. ભરોસો રાખો, કારણકે કોઈકે મને કહ્યું હતું, "તમારા જનરેશન પાસે કુતૂહલ છે, એને ડાયલેમામાં બદલી અટકી ના જાવ !"
