The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Hiral Pandya

Inspirational Others

4.9  

Hiral Pandya

Inspirational Others

હા, હું સ્વાર્થી છું.

હા, હું સ્વાર્થી છું.

5 mins
971


ગુલાબી ઠંડી હવા મારા કાનમાં કંઈક ગણગણાવી રહી હતી. અમારી બસ ધીરે ધીરે ચંબાના પહાડો તરફ વળાંકો લઈ રહી હતી. કેટલાય દિવસોથી અમે ત્રણે મિત્રો આ પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા. અંતે અમે હિમાચલ આવી જ ગયા! ચલો તમને પહેલા મારો પરિચય આપું. હું શુભમ! આમ તો કર્મથી એન્જિનિયર પણ દિલથી ભોમિયો છું. પ્રવાસ લેખ લખુું છું અને લોકોને મારા પ્રવાસના સંસ્મરણોમાં ભાગીદાર બનાવુ છું.

હિમાચલના એક અંતરિયાળ ગામમાં જવા માટે અમારે ચંબાથી બીજી રાજ્ય પરિવહનની બસ પકડવાની હતી અને ત્યાંથી ચાર દિવસનો પર્વતારોહણ. 

કન્ડક્ટર ભાઈ તો અમને જોઈ ખુશ ખુશાલ થઈ બોલ્યા "બહુજ ઓછા પર્યટકો આવે છે અહીં. સરસ! આવો, લખો..હજુ વધારો પર્યટન!" 

અમને એ ગામે પહોંચતા સાંજના પાંચ વાગી ગયા હતા. કકડીને ભૂખ લાગી હતી. બસમાંથી ઉતારતાજ અમે ખાવાનો ઢાબો કે ચાની ટપરી શોધવા લાગ્યા. ગામ નાનું હોવાથી એકજ ઢાબો હતો જેમાં હા..શ! કરીને બેઠા પછી રિયલાઈઝ થયું કે આપણે ક્યાં આવી ગયા છીએ! કેડી પૂરી થતી હતી ત્યાંજ ખળખળ ઝરણું વહી રહ્યુ હતું. મેઘ વરસ્યા પછી લીલોતરીની ચાદર ઓઢેલી ખીણો નવોઢાએ કરેલા શણગાર જેવી મોહક દેખાઈ રહી હતી. મન તરબતર કરીદે એવી હવા વહી રહી હતી, ત્યાંજ અમારા ટ્રેક ગાઈડે પાછળથી આવી ટહુકો કર્યો "વેલકમ ટુ ચમ્બા વેલી!" અને ઢાબાના રેડિયોમાં પહાડી ગીત વાગ્યું -

माई नि मेरिये शिमले दी राहें चंबा कितनी की दूर,

ओ शिमले नी बसणा, कसौली नी बसणा ||

चम्बे जाणा जरूर !!

બેશક, આ યાત્રા અવિસ્મરણીય થવાની છે એનો અણસાર મને આવી ગયો હતો.

ગામમાં રાતવાસો કરી પરોઢે અમે અમારા આગળના પ્રવાસનો આરંભ કર્યો. આજે ઢાબાની સામે દેખાતી ખીણ(વેલી) ઓળંગી ડુંગર ચઢવાનું હતું. એક કલાક પછી તો ચઢાણ પડકારજનક અને થકવનારું લાગી રહયું હતું પણ મેં હિંમત હારી નહીં. લીલા વૃક્ષો, કદાવર પહાડો અને એમની ટોચ પરનો સફેદ બરફ કોઈ પ્રભામંડળ જેવો ભાસ આપી રહયો હતો. બરફની પીગળતી રેષાઓ જાણે ટોચથી અમને મળવા ઝરણું બની ખીણ સુધી દરેક વળાંકો પર સંતાકુકડી રમી રહી હતી. બીજા ત્રણ કલાકમાં વાંકાચુકા પથ્થરોથી કંડરાયેલા રસ્તા પાર કરી અમે આજે જ્યાં કેમ્પ નાખવાના હતા એ સ્થળે પહોંચ્યા. થાકી ગયા હોવા છતા પણ થાકનો અણસાર ના કરાવે એવું પરિસર હતું. નિહાળતા નિહાળતા રાતના ક્યારે આંખ લાગી ગઈ ખબરજ ના પડી. 

બીજા દિવસે નવી સવાર નવી ઉમ્મીદો સાથે અમે જોશભેર આગળનું ચઢાણ શરુ કર્યું. રસ્તામાં વચ્ચે અમને સ્થાનિક ગુજ્જરો જે ઢોર-ઢાંખર ચરાવવા નીકળ્યા હતા તે મળ્યા. ભોળા પ્રાણીઓ ઘાસની સાથે પ્લાસ્ટિકને પણ પેટમાં પધરાવી રહ્યા હતા. શહેરોના ટ્રાફિકથી દૂર અહીં અમે ઢોર-ઢાંકર દ્વારા જામેલા ટ્રાફિકનો લુફત ઉઠાવ્યો. ટ્રાફિક જામમાંથી શહેરોમાં તો મોઢું ચઢાવીને બહાર નીકળતા હોઈયે છીએ પણ અહીં હસતા-રમતા બહાર નીકળ્યા અને હાંફતા હાંફતા અમે અંતે ટોચ પર પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય અતિવાસ્તવિક હતું! 

પોસ્ટર પરફેક્ટ સિન હતો. લીલી ઘાસની ચૂંદડીમાં વાઈલ્ડ ફ્લાવરના (જંગલી ફૂલોના) આભલા મઢયા હોય એવા ઘાસના મેદાન(મેડોઝ) લાંબે સુધી વિસ્તરેલા હતા. આકાશમાં ઘેરાયેલા ભૂરા-કાળા વાદળોની મધ્યમાંથી નીકળતી એક સૂર્ય કિરણ જાણે પ્રકૃતિના ફોટો માટે ફ્લેશ આપતી હોય તેવો નજારો હતો. દૂર ક્યાંક લાકડાના એકલ દોકલ ઘર ગગનને ચુંમતા ભવ્ય પહાડોની સામે વામણાં દેખાતા હતા. તમને કહું દ્રશ્ય ફક્ત આંખોને ટાઢક આપે એવું ન હતું, શરીરના કણકણમાં આ સ્થળ પોતાની છાપ છોડી રહ્યું હતું. વાતાવરણમાં એક મહેક હતી ઝાકળથી ભીંજાયેલા ઘાસની, ફૂલોના મધમધતા સુવાસની. ઘાસપર ભમતા જીવજંતુઓનો ગણગણાટ અને નજીકમાં ક્યાંક વહીજતા ઝરણાના પાણીનો પથ્થરો સાથે ગળે ભેટવાથી થતો કલકલ નાદ. હું ભીંજાઈ ગયો હતો. વરસાદથી નહીં પણ પ્રકૃતિના સૌંદર્યથી!

***

રાત્રે કેમ્પ કરવા માટે અમે સ્થળ શોધવા આગળ વધ્યા અને ત્યાં એક લાકડાનું નાનું ઘર દેખાયું. અમે ત્યાં થોડો વિરામ કરવા રોકાયા. એક વૃદ્ધ ચાચા ત્યાં બેઠા હતા. કરચલીઓથી ભરેલો એમનો ચેહરો અને આંખોમાં અજીબ તીખાશ. ઘરની પાછળ પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઢગલો ખડકાયેલો હતો. 

તે જોઈ ઉત્સુકતાથી મિત્રએ પુછયું "નૂડલ્સ રાખો છો?"

ચાચા સાંભળી ભડકેલા જણાયા, કાંઈક બોલ્યા પણ અમે સમજી લીધુ અહીં કાંઈ નથી.

થોડે આગળ જઈ એક ઝાડ નજીક અમે કેમ્પ કરવાનું વિચાર્યું. રાત સુધીમાં તો જાણે પ્રકૃતિએ જાદૂઈ ખેલ કર્યો હોય એવું વાતાવરણ રચાયું હતું, જાણે કોઈએ ઝરીનો ભૂકો આકાશમાં ભભરાવ્યો હોય. નભ અગણિત તારાઓથી ટમટમી રહ્યું હતું. રાત્રિભોજન કર્યા પછી અમે તાપણું કરી અંતાક્ષરી રમવા બેઠા. 

આંખના પલકારામાં સવાર થઈ ગઈ. આજે નીચે ઉતરવાનો દિવસ, સવારે નવ વાગે અમે બધા સામાન ભરીને પહાડ ઉતરવા લાગ્યા. હજુ અડધો કિલોમીટર નીચે ઉતર્યા હોઈશું કે મને યાદ આવ્યો મારો મોબાઇલ! કાલે રાત્રે ઝાડ પાસે તાપણું કરી બેઠા હતા, પછી એતો ત્યાંજ રહી ગયો.

મિત્રોને, "હું ફટાફટ ઉપર જઈ આવુ છું" કહી હું પાછો ચઢવા લાગ્યો. ઉપર પહોંચી જોયુ તો ચાચા કેમ્પ સાઈટ પર ઝોલો લઈ ફરી રહ્યા હતા. ધ્યાનથી જોયુ તો તેઓ અમે ફેંકેલો પ્લાસ્ટિકનો કચરો ઉઠાવી રહ્યા હતા. બોતલો, વેફર અને ચોકલેટના પડીકા જે અમે આમજ ફેંકી દીધા હતા તેની સાથે બીજા કોઈના નૂડલ્સના ખાલી પડીકા અને અન્ય કચરો પણ તેઓ ઉઠાવી રહ્યા હતા. હવે સ્મરણમાં આવ્યું એમની ઘરની પાછળ પડેલો કચરો!

કુતૂહલવશ હું તેમની નજીક ગયો. તેઓ બબડી રહયા હતા

"લોકોને કાંઈ ગમ પડતી નથી. બહુ મોટા ડુંગરા ખૂંદવા આવ્યા! પોતાના ઘરે આવો કચરો ચલાવી લે ? પ્રકૃતિની તો વાટ લગાડવાજ બેઠા છે બધા" 

મેં એમના ખભે હાથ મૂકી કહયું "ચાચા! અમને માફ કરજો, લાવો હું મદદ કરુ"

"મદદ! મદદ કરવી હોયને..તો પાછા અહીં આવતા નહીં."

હું આ સાંભળી ચકિત થઈ ગયો, "આવું કેમ બોલો છો ચાચા?"

"હું નથી ચાહતો કે કોઈ અહીં આવે, હા હું સ્વાર્થી છું!" 

"લોકોને કહી કહીને થાક્યો. કચરો ના કરો, કચરો ના કરો. કેટલો સુંદર પ્રદેશ છે આ! પ્રકૃતિએ આપ્યું છે એનો આદર કરો, આટલા વર્ષોથી કોઈ સાંભળતુજ નથી. અહીં શહેરોની જેમ પ્લાસ્ટિક રિસાયકલ કરવાના યંત્રો દૂર દૂર સુધી નથી. આ પ્લાસ્ટિક પ્રકૃતિ ગળી નથી શકતી, આ બધું અહીંજ વર્ષો સુધી પડ્યું રહેશે."

એમણે હતાશ થઈ આગળ ઉમેર્યું, "તમે શહેરોમાંથી અહીં શાંતિ મેળવવા આવો છો, ખબર નહીં ક્યારે પ્રકૃતિને શાંતિ મળશે!

શું તું ઈચ્છીશ તારા બાળકો જ્યારે અહીં પગ મૂકે ત્યારે તે કહેલા સંસ્મરણોમાંથી અડધી સુંદરતા ખોવાઈ ગઈ હોય?"

એમની વાત કડવી હતી, પણ મને ગળે ઉતરી. હું ઘરે જઈ મારા પ્રવાસના સ્મરણોનો બ્લોગ લખવાનો હતો. ખુશ થતો હતો, કે નવું સ્થળ લોકો સુધી પહોંચાડીશ. પણ શું હું અહીં પર્યટન વધારીને આ પ્રકૃતિને નષ્ટ કરવામાં સહભાગી નહીં બનું? બહુજ ઓછા સ્થળો આવા સુંદર રહી ગયા છે. હા, હશે આ અમારું નાનું સિક્રેટ ગેટવે.. પણ કેમ નહીં આ સિક્રેટને પ્રકૃતીનુંજ રાખું. થોડું તો થોડું, બધાને તો રોકી નથી શકતા પણ મારા તરફથી તો પૂરતો પ્રયત્ન કરીજ શકું છું.

મનમાં નિશ્ચય કરી મેં ચાચાને કહયું, "લાવો, એકથી તો બે ભલા" અને એમને આશ્વાસન આપ્યું કે ચંબા પહોંચી નગરપાલિકામાં જાણ કરાવીશ જેટલો કચરો જમા થયો છે એનો કંઈક નિકાલ લાવે અને મેં મનોમન વિચારી લીધું, "હા, ઉતારીશ મારા સંસ્મરણોને સોશ્યિલ મિડિયાની પાટી પર, ત્યાંના સૌંદર્યનું પેટ ભરીને વર્ણન કરીશ, સાથે સાથે ત્યાંની સમસ્યાનો અરીસો પણ દેખાડીશ પણ એ ભૂમિનું નામ નહીં કહું. હોઈ શકે કે ખોટુ લાગશે વાચકમિત્રોને મારું વલણ, પણ ઉમ્મીદ રાખીશ કે તેઓ મારી ભાવનાઓને સમજશે, કે કેટલાક સિક્રેટ.. ગુપ્ત રહે તેમાંજ આપણી ભલાઈ છે"

ના, કહીશ નહીં કોઈને કે ડુંગરા ખૂંદવાનું છોડે, પણ પહેલા મળીને જવાબદાર પ્રવાસી તો બનીએ.

કારણ કે, હા, હું પણ સ્વાર્થી છું!


Rate this content
Log in

More gujarati story from Hiral Pandya

Similar gujarati story from Inspirational