ઝીરો
ઝીરો
"+૫ "
મારા નવજાત ભાઈના હાથમાં એક 'કે બેન્ડ' ચોંટાડવામાં આવ્યું અને તેમાંથી આ અવાજ આવ્યો
"+૫"
અને મેં તરતજ કટાક્ષમાં ઉમેર્યું, "આ દુનિયામાં સ્વાગત છે, છોટુ!"
હવે તમને અને મારા ભાઈને પણ વિચાર આવ્યો હશે, "આ શું થઈ રહ્યું છે ?"
જેમ મેં પહેલા કહ્યું,"સ્વાગત છે, અમારી દુનિયામાં !" અહીં જીવન અને મૃત્યુ પછીના જીવનને બહુ મહત્વ આપવામાં આવે છે. આ કે બેન્ડ (કર્મ બેન્ડ) થકી તમારા જીવનના કર્મોનો એક ટ્રેક રાખવામાં આવે છે. સારા કર્મોના "+" માં ગુણ એનાયત કરવામાં આવે છે અને કોઈ પણ દુષ્કર્મ કરતાજ ચિલઝડપે "-" માં.
મેં દાદાને પૂછયું હતું, "જો મેં આ કે બેન્ડ પર વધારે ધ્યાન ના આપ્યું તો શું થશે ?"
એમણે કહ્યું હતું, "હંમેશા સતર્ક રહો એ જરૂરી નથી, મહત્વનું છે સારા કામ કરતા રહેવું. જ્યારે આપણો આત્મા આ દેહ છોડશે, ત્યાર તે બે દરવાજાની સામે જઈ ઊભો રહેશે. એક સ્વર્ગ હશે અને બીજું નર્ક ! સ્વર્ગના દરવાજામાં પ્રવેશ કરવા માટે સારા કર્મો જમા કરવાના રહેશે, એટલે " + " માં ગુણ અને જીવનના અંતે " - " માં ગુણ હશે તો નર્કના દ્વાર તરફ તમને હડસેલવામાં આવશે."
મેં ઉત્સાહમાં આવી પૂછ્યું પણ હતું, "અને જો ગુણ 0 હોય તો ?"
દાદાએ ભડકીને કહ્યું હતું, "વધારે દોઢડાયો ના થા, સાર્થક !"
બસ ! એ દિવસે મેં ગાંઠ વાળી લીધી, ગમે તે થાય હું મરતા સમયે મારો ગુણ 0 કરી બતાવીશ, કોઈપણ હિસાબે ! બધા લોકોના આ સ્વર્ગ-નર્ક, "+" અને "-" ના આ વળગણને ખોટુ પૂરવાર કરી બતાવીશ.
***
એવું નહતું કે બધાજ સતકર્મ કરવાની દોડમાં ભાગી રહ્યા હતા. કેટલાક એવા પણ હતા જેમને આ બધાથી કંઈ લેવાદેવા ન હોય તેમ પોતાનું જીવન મસ્તીથી જીવી રહયા હતા અને કેટલાક એવા દુષ્કર્મીઓ પણ હતા કે જેઓ ખરાબ કામ કરવા છતા હજુ પણ "-" ગુણ જમા કરવામાં ખચકાતા ન હતા.
હું દસ વર્ષનો હતો ત્યારથી મેં મારા ગુણ ઓછામાં ઓછા રાખવાની શરૂઆત કરી હતી. દસ વર્ષ સુધીમાં મારા પાસે "૧૦૦" ગુણ જમા થયેલા હતા. બસ હવે કોઈ દિવસ સારો ના જવો જોઈએ કે ગુણ વધારે "+ " થાય, ના કોઈ દિવસ એકદમ ખરાબ, કે જેથી વધારે "-" થઈ જાય. આમ પણ આટલા વર્ષોમાં મેં કાંઈ એકદમ સારો કે ખરાબ દિવસ ગુજાર્યો ન હતો.
મારા મિત્રોના મતે તો હું નકામો હતો. બધાના ગુણ "૩૦૦" કે તેની ઉપરના હતા, જયારે મારા ૧૦૦ ! શરૂઆતના ત્રણ વર્ષ તો મેં એકદમ વિસ્તારમાં વિશ્લેષણ કર્યું હતું કે કયા-કયા કામ કરવાથી કેટલા ગુણ મળશે અથવા ઘટશે. આજુબાજુમાં કોને કેવા કાર્યથી કેટલા ગુણ મળે છે તે હું ચાતક નજરે જોતો રહેતો. શાળાની પરીક્ષામાં ચોરી કરીને મેં એક એક ગુણ ઓછા કરવાની શરૂઆત કરી પણ પરીક્ષા વર્ષમાં બે વાર જ થતી, આટલાથી કાંઈ ઉકાળી નહીં શકાય ! એટલે મેં લોકોના ટીફીન ફેંકવાથી લઈ કોલેજમાં ચોરી કરી પેપર લીક કરવા સુધીના કામો કર્યા. મારા ઘરવાળાઓએ તો મારા પરથી બધી આશાઓ જ છોડી દીધી હતી કે હું જીવનમાં કાંઈ કરી પણ શકીશ.
મેં તો બાવીસમાં વર્ષ સુધીનો એકદમ ફુલપ્રુફ પ્લાન બનાવી રાખ્યો હતો. 'કયારે આળસુની જેમ બેઠા રહી કાંઈ જ કરવુ નહીં થી લઈ ક્યારે કઈ જગ્યા પર હોવાથી આપણને ફાયદો થશે ત્યાં સુધી ! પણ વીસમાં વર્ષે તો આખા પ્લાનમાં સોલીડ ઊથલપાથલ થઈ ગઈ. એ ક્ષણ પહેલા મારા "૩૦" જ ગુણ બચ્યા હતા. બધો પ્લાન સેટ હતો. આગળના બે વર્ષમાં ૧૦-૧૦ ગુણ ઓછા કરી પછીના વર્ષે એક ધડાકે 0 પર પહોંચવાનો. તે દિવસે મેં રસ્તાની વચ્ચે એક નાના બાળકને દડા પાછળ ભાગતો જોયો અને તેની સામે એક ટ્રક ફૂલ સ્પીડમાં આવતી હતી. આજુબાજુના પરિસરમાં એને બચાવી લે એવું કોઈ ન હતું.
મારે દોડતા એને બચાવવા જવું જ પડ્યું અને મારા "+૫" ગુણ વધી ગયા.
સાલા "૩૫" થઈ ગયા !
એ દિવસે દાદા
તો મારા આ પરાક્રમ પર જોરદાર હસ્યા. વ્યંગમાં કહી પણ ગયા, "બહુ મોટો ગણિતજ્ઞ થવા બેઠો હતો, શૂન્ય કરી ને બતાવીશ ! આવા અખતરા આપણને ના શોભે, કામે લાગો !"
જ્યારે છોટુ મનમાં ને મનમાં ખુશ થયો હતો કે, "હાશ ! ભાઈના ગુણ વધ્યા તો ખરા" છોટુને આમતો મારા દરેક પ્લાનની ખબર હતી. તો પણ એને આકાંક્ષા હતી કે ભાઈ ક્યારેક તો આ લત પડતી મૂકશે. પણ ઠીક છે જીવનમાં અનિશ્ચિતતા તો હોયજ ને ! ઘણીવાર તત્ક્ષણે પ્લાન ચેન્જ કરવા પણ પડે.
***
"-૨૦"
કે બેન્ડમાંથી અવાજ આવ્યો
'શ્યા..."-૫" ગુણ રહી ગયા !'
બધુ યોજના મુજબ હોત તો મારા હમણાં ગુણ 0 હોત.
વાંકાચૂકા ખીણોથી ભરેલા રસ્તા પર મેં હમણાંજ એક એક્સિડન્ટ કર્યો હતો. એક ખૂબ વંઠેલ માણસ પોતાની ગાડીમાં દર મહિનાની જેમ આજે પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. એણે હમણાં સુધી ઘણા લોકોની જિંદગી વેરવિખેર કરી છે અને આજે હું તેની કરવા જઈ રહ્યો છું ! તેની ગાડીને મારી ગાડીથી મેં જબરદસ્ત બે વાર ઠોકર મારી હતી અને આ છેલ્લો ધક્કો જોશમાં એટલા જોરથી મરાયો કે એની પ્રાણપ્રિય ગાડી કચડાઈને એના પ્રાણ સાથે ખીણમાં ઝાડની વચ્ચે અટકી ગઈ છે. એ જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને હું પણ ! કારણ હવે મારી ગાડી ડુંગર તરફના પથ્થરો પાસે ઉંઘી ફંગોળાઈને ઉભી છે. મને માથા પર ગંભીર ઈજા થઈ હોય એવું લાગે છે. નીચેનું શરીરતો આખું કચડાઈ ગયું છે. મારી બસ છેલ્લી ક્ષણો હોય એવું પ્રતીત થાય છે.
મેં વાયુવેગે મારા ભાઈને મેસેજ કર્યો, "સાલા "-૫" થઈ ગયા !"
****
મારી આંખો સામે ભયંકર અંધારું હતું. હું ક્યાં છું એની મને કાંઈ ગતાગમ ન હતી અને અચાનક ઠંડી હવા જેવું કંઇક પસાર થયું ! મારા હાથમાં રહેલા કે બેન્ડ તરફ મારી નજર પડી, તેમાંથી ફેંકાઈ રહેલા વાદળી પ્રકાશમાં દેખાઈ રહેલા "-૫" ગુણ મારા નિષ્ફળતાની ચાળી ખાઈ રહ્યા હતા.
મારી આંખોને અંધારાના બંધાણી થતા થોડો સમય લાગ્યો પણ હવે મને ધીરેધીરે સામે બે દરવાજા ઊપસી આવતા દેખાઈ રહ્યા હતા. તો એ ક્ષણ અંતે આવી ગઈ ! મારા શરીરમાંથી કુતૂહલ મિશ્રિત ભયનું લખલખું ફરી વળ્યું. અંધકારામાં કંઈક સળવળ્યું અને શાંતતાને ચીરીને સામેથી અવાજ આવ્યો, "તો તૈયાર છો !"
અને ત્યાંજ મારા કે બેન્ડમાંથી અવાજ આવ્યો!
" +૫ "
કે બેન્ડમાં "0" ગુણ પ્રકાશિત થઈ રહ્યો હતો ! મારા મુખ પર એક સંતોષનું સ્મિત ઊપસી આવ્યું, તો છોટુએ અંતે મારુ કાંઈક તો કહેલું માન્યમાં રાખ્યું. ચક્ષુદાન કરાવ્યું હશે ?
મેં એને ચેતવ્યો હતો કે, "જો ભાઈ, હું જે કરું છું તેના નિષ્ફળ જવાના ચાન્સ પણ એટલા જ બરાબરના છે જેટલા સફળ થવાના છે. મારે તો મરવાનું જ છે ! પણ જો એ માણસ પ્લાન પ્રમાણે જખ્મી થયો તો મારા "૧૫" ગુણ ઘટશે અને ગુણ 0 થઈ જશે અને જો ન કરે નારાયણ ને તે માણસ મરી ગયો, તો મારા "૨૦" ગુણ ઓછા થઈ જશે"
સાથે મેં ઉમેર્યું હતું," તું મને જીપીએસથી ટ્રેક કરતો રહેજે અને જ્યાં એકજ જગ્યા પર મારુ લોકેશન જો વધારે સમય અટકેલું દેખાય તો સમજી લેજે !" "જો તારા આવતા સુધીમાં ટ્રેકર 0 ના થયું હોય તો મને ત્વરિત હોસ્પિટલમાં લઈ જઈ કોઈ પણ બચેલું અંગ દાન કરજે, જેથી મારા ગુણ "+૫" થઈ શકે."
****
'નહીં, આટલી જહેમત!! આટલા પ્લાનિંગ પછી આવું કેમ ! શું મેં બરાબર સાંભળ્યું ?'
દરવાજા સામે ઊભેલા આકારે એકદમ કંટાળાજનક રીતે બોલવાનું શરૂ કર્યું,
"જમણી બાજુના દરવાજામાંથી અંદર જતા, તમારા જન્મ અને મૃત્યુ દિવસને બાદ કરતાં. તમે વિતાવેલા શ્રેષ્ઠ દિવસો તમે દરરોજ પાછા જીવશો ! અને ડાબા દરવાજામાંથી અંદર જતા, તમે વિતાવેલા સૌથી ખરાબ દિવસો દરરોજ !
તો હવે તમારા ગુણ 0 હોવાથી તમને વિકલ્પ મળે છે ! તમે કોઈપણ દરવાજામાં પ્રવેશી શકો છો !"