Mariyam Dhupli

Romance Inspirational Thriller

5.0  

Mariyam Dhupli

Romance Inspirational Thriller

રિવેન્જ ડેટ

રિવેન્જ ડેટ

15 mins
693


કોફી શોપમાં બેઠી મારી નજર પારદર્શક કાચમાંથી બહારના માર્ગ તરફ મંડાઈ હતી. મેં એને અહીં બોલાવ્યો હતો. ઘરમાં આ મુલાકાત રાખી હોત. પણ ત્યાં સુરક્ષિત,સલામત વાતાવરણ ન હતું. મારા બાળકોની આયુ આમ તો અમારી વચ્ચે થનારા વાર્તાલાપને સમજી શકવા જેટલી પરિપક્વ ન હતી. પણ મારે એમના નિર્દોષ મનોજગત જોડે કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવું ન હતું. આજે એની જોડે મહત્વની વાત કરવાની હતી. નહીં, વાત નહીં આજે તો નિર્ણય લેવાનો દિવસ હતો. પણ નિર્ણય એના વતી હશે. મારે તો ફક્ત મનની વાત સ્પષ્ટ શબ્દોમાં મૂકી દેવાની હતી, શબ્દે શબ્દ. સત્ય અને સત્ય સિવાય કશુંજ નહીં. ભાવનાઓની રમતોએ હવે મને અકળાવી મૂકી હતી. એક સાથે બબ્બે નાવડીઓ ઉપર પગ રાખી મારી આત્મા થાકી ચૂકી હતી. નકામા લાગણીઓના નિયંત્રણ અને ખેંચતાણ જોડે હું અંદર થી વધુ અને વધુ ખોખલી થઈ રહી હતી. મને હવે સંપૂર્ણ થવું હતું. પરંતુ એ બોલવા કે વિચારી લેવા જેટલું સહેલું ન હતું. જે અંદર તૂટ્યું હતું એને ફરી જોડવું લગભગ અશક્ય હતું. એટલુંજ જેટલું વર્ષોથી કાટ લાગેલા લોખંડને ફરીથી પૂર્વવત નવું ચળકતું કરી મૂકવું.   

મારી નજીક આવી ઉભેલા વેઈટરની હાજરીથી હું ફરી છોભીલી બની. એ ત્રીજી વાર મારો ઓર્ડર લેવા આવ્યો હતો. દોઢ કલાક થઈ ગયો હતો. એ હજી આવ્યો કેમ નહીં ? મારે હજી કોફી પીવી ન હતી. મારી નજર આગળના ખાલી કોફીના મગને ઉઠાવતા વેઈટરે મારી ઉપર એક દ્રષ્ટિ ફેંકી. એની નજરમાં શું કોઈ શંકા હતી ? મારા ચરિત્ર અંગે ? મારા સેથાનું સિંદૂર અને ગળાનું મંગળસૂત્ર શું એ વારેઘડીએ તાકી રહ્યો હતો ? કે એ મારા નજરની કોઈ ભ્રમણા હતી ? કે પછી મારી અંદર ચાલી રહેલા મનોયુદ્ધનું કોઈ અજુગતું પ્રતિબિંબ ! 

એક અર્થપૂર્ણ ખોંખારો લઈ મેં હજી એક કોફીનો ઓર્ડર આપી દીધો. એ કોફી જાણે એક કિંમત હતી, મને એકલા, એકાંતમાં શાંતિથી એની રાહ જોવા દેવાની મોકળાશ આપવા માટે. મેં ફરી મોબાઈલની સ્ક્રીન નિહાળી. ન તો મારા મેસેજનો કોઈ ઉત્તર હતો, ન મેં કરેલા મિસ્કોલના પ્રતિઉત્તર માટે એના તરફથી કોઈ કોલ. એ આવશે કે પછી ? એક નિસાસા જોડે મારી નજર ફરી એની રાહમાં કોફીશોપનાં કાચની બહાર તરફ જઈ પહોંચી.  

સવારથી કાળા ઘેરાયેલા વાદળોએ હવે હળવું થવું હોય એમ પોતાના સ્નાયુને ઢીલા મૂકી દીધા અને ભેગો થયેલો બધોજ ભાર જાણે એક ક્ષણમાં હળવો થઈ ગયો હોય એમ ઝરમર કરતો વરસાદ રસ્તાઓને ભીંજવવા માંડ્યો. રંગબેરંગી છત્રીઓ ભીના અંધકારભર્યા વાતાવરણને થોડું રંગીન બનાવવા પ્રયાસ કરવા માંડી. કૉફીશોપના કાચ ઉપર ભેગા થયેલા ભેજ ઉપર થી મને બહારનો માર્ગ ખુબજ ધૂંધળો દેખાવા માંડ્યો અને એ ભેજની ઉપર ઘણી બધી યાદો એકસાથે સ્પષ્ટ દ્રષ્ટિમાન થવા લાગી.  

વિનયના જીવનમાં આવવા પહેલા સમીર મારા જીવનમાં આવ્યો હતો. જો સમીર જીવનમાં ન આવ્યો હોત તો કદાચ વિનય પણ ન આવ્યો હોત.  

વેઈટરે કોફી ટેબલ ઉપર ગોઠવી. કોફીના મગને નિહાળતા નિહાળતાંજ મેં ' થેન્ક યુ ' કહી દીધું. એની આંખોનો સમ્પર્ક મને તદ્દન ટાળવો હતો. મગ હાથમાં લઈ મેં એક ગરમ ઘૂંટડો ગળામાં ઉતાર્યો. બળજબરીએ કોફી પૂરી કરવા પ્રયાસ કર્યો.  

મારા અને સમીરના પ્રેમની ધૂંધળી યાદો કોફીના મગમાંથી નીકળી રહેલી વરાળ ઉપર આકાર લેવા લાગી. કોલેજના પ્રેમભર્યા દિવસો આંખો આગળ તરવા લાગ્યા. આવાજ વરસાદમાં એકસાથે બાઈક ઉપર પલળવું લોન્ગ ડ્રાઇવ, ગરમ મકાઈની સુગંધ અને તાજા તરોફામાં બે સ્ટ્રો ભેરવી આંખોમાં આંખો પરોવતાં પીવાની એ રોમાંચક ક્ષણો. કોફીનો મગ થામેલ મારા હાથના રુંવાડા આજે પણ એ યાદોથી રોમાંચિત થઈ ઉઠ્યા. સમીર હાજર ન હતો છતાં એના શરીરની સુવાસ મારી ઈન્દ્રિયોને ઉત્તેજિત કરવા લાગી. કોફીશોપમાં રણકેલા કોઈ ગ્રાહકના મોબાઈલથી હું સચેત થઈ. પોતાની ભાવનાઓને અંકુશમાં રાખી મેં મોબાઈલ ઉપાડ્યો. ફરીથી એજ નંબર દબાવ્યા જે અંતિમ દોઢ કલાકથી દબાવી રહી હતી. રિંગટોન વાગતી રહી. કોઈએ કોલ ઉપાડ્યો નહીં.  

હવે મારુ મન થોડું ડરવા માંડ્યું હતું. એને ખબર થઈ ગઈ હશે તો ? જો એણે કોલ કરી જણાવી દીધું હોય કે પછી મેસેજ. . . . આગળના વિચારથીજ મારુ કાળજું ધ્રૂજવા માંડ્યું. સંબંધોની આ કેવી આંટાઘૂંટી ? કોનું જાળ અને કોણ ફસાયું ? કેટલી મૂંઝવણ. . . મારા બાળકોના નિર્દોષ ચહેરા મારી આંખો આગળ ઉભા થઈ ગયા. એમના વિના કઈ રીતે જીવીશ ? એમને કઈ રીતે મારુ મોઢું બતાવીશ ? એમનો શું વાંક ? મારુ માથું ગોળ ગોળ ફરી રહ્યું હતું. મેં પર્સ ખોલ્યો અને માથાના દુખાવા માટેની એક ટીકડી મોઢામાં નાખી દીધી. છેલ્લા ઘણા મહીનાઓથી એની ટેવ પડી ચૂકી હતી. કોફીના સ્વાદ ઉપર ટીક્ડીનો સ્વાદ અત્યંત વિચિત્ર લાગ્યો.  

એટલોજ વિચિત્ર જેટલો વિચિત્ર સમીરનો સ્વભાવ બની ગયો હતો બાળકોના જન્મ પછી. બે પ્રેમપંખીડાઓ ધીમે ધીમે એકબીજાથી જાણે વિખુટા પડી ગયા હતાં. એક છત નીચે રહેવા છતાં જાણે બે જુદા જુદા જીવન જીવી રહ્યા હતાં. મેં બાળકોના ઉછેર માટે ઘરે રહેવાનો નિર્ણય લીધો હતો. સમીર એની ઓફિસ અને ઓફિસના કાર્યો વચ્ચે તલ્લીન રહેતો હતો. સમાજની અપેક્ષા જેવું અમારું સંપૂર્ણ પરિવાર અમે માંડી દીધું હતું. એક ફરજનિષ્ઠ પતિ, ઘરનું સંપૂર્ણ ધ્યાન ધરનારી પત્ની અને બે યોગ્ય ઉછેર અને વિકાસ પામી રહેલા બાળકો. અમારા બેઠકખંડમાં સજ્જ અમારી વિશાળ કૌટુંબિક તસ્વીર જેમ બધુજ સંપૂર્ણ. પણ મને એ અપૂર્ણ કેમ લાગતું હતું ? કશેક કશું ખૂટી રહ્યું હતું. જે કોઈને દેખાઈ રહ્યું ન હતું. એ ખોટ ફક્ત મારા મનનીજ દ્રષ્ટિમાં હતી ? આ સમીર કોણ હતો ? હું તો કોઈ અન્ય સમીરનેજ જાણતી હતી. એ મારા ઘરમાં વસી રહેલા સમીર જેવો ધીર ગંભીર તો નજ હતો. એ તો હસતો. ખુબ હસતો. દિલ ખોલીને હસતો. ફિલ્મનો કીડો હતો એ. દરેક ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ નિહાળતો. પરંતુ મારા ઘરમાં વસી રહેલા સમીરે અંતિમ પાંચ વર્ષોથી મારા માટે ન કદી ફિલ્મની ટિકિટ ખરીદી, ન ઘરે મારા જોડે કોઈ ફિલ્મ નિહાળી. બેઠક ખંડમાં બેઠો હોય તો બાળકોની શાળા, ટ્યુશન, ફી, પરીક્ષાઓ કે પરિણામો અંગે વાતો કરતો, પ્રશ્નો પૂછતો અને ઉત્તર મળી જાય તો એક ચા માંગી સમાચાર પત્રમાં ખોવાઈ જતો. મારા ખોળામાં રવિવાર પસાર કરવાની જગ્યાએ એ મોબાઈલને પ્રાધાન્ય આપતો. બહાર ફરવા જઈએ ત્યારે બાળકોની દેખરેખ અને શયનખંડમાં લેપટોપમાં ખોવાઈ જવું. મારો હાથ પકડવાનું તો જાણે એ ભૂલી જ ગયો હતો અને કદાચ ભૂલે ચૂકે જો એ હાથ પકડે તો એ રાત્રે અમારી વચ્ચે શારીરિક સંબંધ રચાતો. હવે તો જાણે મારો હાથ પકડવું એની શારીરિક જરૂરિયાત નો એક સંકેત માત્ર હતો. એમાં ભૂતકાળના પ્રેમ, સ્નેહ કે સમજ શોધવાનું મેં પણ માંડી વાળ્યું હતું. શું બાળકોના આવી જવાથી જીવનમાંથી રોમાન્સ જતો રહે છે ? કે પછી જવાબદારીઓના ભાર નીચે પ્રેમ કચડાઈ મરે છે ? એ પ્રશ્નોનો ઉત્તર શોધવા હું ચારે દિશામાં દ્રષ્ટિ ફેરવતી. મારી દ્રષ્ટિને સમાન દ્રશ્યો ચારે તરફ દેખાતા. ઓફિસ જતો પતિ, ઘરની કાળજી રાખતી પત્ની, શાળાએ જતા અને શાળાએથી પરત થતા બાળકો, સવારે પાંચ વાગે અજવાળું પાથરતી ટ્યુબ લાઈટ અને રાત્રે સમયસર બંધ થઈ જતા નાઈટલેમ્પ. એ બધા મનુષ્યો હતાં કે રોબર્ટ ? હું પણ એમાંની જ એક ? હા, આજ જીવન હતું અને એ સત્ય મેં સ્વીકારી લીધું હતું. હવે મારો પહેલાનો સમીર મને કદી પરત મળવાનો ન હતો. હવે ફક્ત મારા બાળકોના પિતા જોડેજ મારે જીવન નિભાવવાનું હતું. એ યાંત્રિકતાથી જીવન સહજ ટેવાઈ ગયું હતું. પ્રેમ માટેના દરેક દરવાજા જડબેસલાક બંધ થઈ ગયા હતાં.

પણ એક દિવસે કોઈએ એ દરવાજે હળવેથી ટકોરા પાડ્યા અને મેં ધીમે રહી બારણું ઉઘાડ્યું. સામે વિનય હતો. ફેસબુક ઉપર એણે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. હું એને જાણતીજ ન હતી. હું તો મુંબઈમાં અને એ અમદાવાદનો રહેવાસી. જાણીતી આઈ ટી બ્રાન્ચનો કર્મચારી. દેખાવે સમીર કરતા પણ વધુ મોહક. આમ તો કોલજકાળમાં સમીર પણ ઘણો આકર્ષક હતો. પરંતુ લગ્ન પછી અને ખાસ કરીને બાળકોના આવ્યા પછી એણે પોતાના દેખાવ અંગે કાળજી લેવાનુંજ છોડી દીધું હતું. પેટ પણ થોડું આગળ આવી ગયું હતું. હું ઘણીવાર ટોકતી પણ સાંભળે એ બીજા. મેં પણ થાકીને કઈ પણ કહેવાનું માંડી વાળ્યું હતું. વિનય રેગ્યુલર જિમ કરતો. એના જિમ સેશનના ફોટા ફેસબુક ઉપર અપલોડ થતા ત્યારે એ જોવાનો લ્હાવો જ અલગ. એના શરીર પ્રત્યેના જતનથી હું પણ અભિપ્રેરિત થઈ હતી અને સાંજે જિમ જોઈન્ટ કર્યું હતું. જયારે એના અપલોડ થયેલા ફોટો નીચે કોમેન્ટમાં 'વાવ 'કે 'ઈમ્પ્રેસસીવ' જેવી કોમેન્ટ હું લખતી ત્યારે એના પ્રતિઉત્તરમાં હૃદયાકારનું ઈમોજી અચૂક મળતું. એ ઈમોજી નિહાળી મારુ સાચું હૃદય કેવું જોર જોર ધડકતું. સમીર કોલેજ સમયમાં મારી ઉપર પ્રભાવ ઉપજાવવા મને ગુલાબ, બુકે, કાર્ડ્સ,ગીફ્ટઝ કેટલું બધું આપતો. પણ લગ્ન પછી એણે એ પ્રયાસો સંપૂર્ણ બંધ કરી દીધા હતાં. હવે હું એના ઘરમાં પુરાઈ ચૂકી હતી. મને રીઝવવાની કોઈ જરૂર જ ક્યાં હતી ? બધોજ રોમાન્સ સાત ફેરાઓ જોડે ઓગળીને અદ્રશ્ય થઈ ગયો હતો. સંબંધ ફક્ત ઔપચારિકતા અને જવાબદારીઓની માથાકૂટ બનીને રહી ગયો હતો. હનીમૂન સમયે દર બે મિનિટે 'આઈ લવ યુ' કહેનાર સમીરે અંતિમ વાર ક્યારે મને 'આઈ લવ યુ 'કહ્યું હતું એ યાદ કરવું પણ અશક્ય બની ગયું હતું. મારી ફેસબુક પ્રોફાઈલ અને અપલોડ કરેલી તસવીરો ઉપર મળતી વિનયની કૉમેન્ટ્સ અને લાઈક્સ મને ફરી જીવંત હોવાની અભિવ્યક્તિ કરાવી રહી હતી. મને ધ્યાન પૂર્વક નિહાળવાનો સમય કોઈની પાસે તો હતો. એપ્રિસિએશન, પ્રસંશાના શબ્દો સાંભળવા કાન તરસી ગયા હતાં. એ સમીરના મોઢેથી સાંભળવાની અપેક્ષા તો હવે શૂન્ય જ હતી.  

વિનય મારા ઉજ્જડ જીવનમાં નવી વસંત લઈ આવ્યો હતો. હું ફરીથી કોલેજકાળની સુલક્ષણા બની ગઈ હતી. એ યુવાન હૈયાની સુલક્ષણા ને વિનય તરફથી ઈનબોક્સમાં પહેલો મેસેજ મળ્યો ત્યારે જાણે જીવને ફરી જીવવા માટે પ્રસ્તાવ મૂક્યો હોય એમ હું ઝૂમી ઊઠી હતી. એક પછી બીજો, પછી ત્રીજો. મેસેજની અદલાબદલી દ્વારા હું વિનયને અને વિનય મને વધુ ઊંડાણ પૂર્વક સમજવા લાગ્યા. મારુ જીવનપુસ્તક એની સામે સંપૂર્ણ પારદર્શિતાથી મેં રજૂ કરી દીધું અને એણે પણ પોતાના જીવનની દરેક વ્યથા મારી સમક્ષ દર્શાવી. પત્નીના અવસાન પછીનું એનું સૂનું જીવન મારા જીવન જેવુંજ રંગવિહીન હતું. પણ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી બંનેના જીવન નવા રંગે રંગાઈ રહ્યા હતાં. હું ખુશ હતી, વિનય ખુશ હતો. મારા નીરસ જીવનમાં વિનયને ઊંડો રસ હતો અને એ કારણે મને વિનયમાં. વિનય મને ઘણા બધા ગીતો અને ગઝલની લિંક મોકલાવતો. પ્રેમ ભર્યા, દર્દ ભર્યા. . . આખા દિવસની ફરજપૂર્તિ પછી હું પથારીમાં પડી હોવ ત્યારે સમીર પડખે પોતાના લેપટોપમાં પરોવાયેલો હોય. હું ઈઅરપ્લગ ભેરવી વિનયના ગમતા રોમેન્ટિક ગીતો અને પ્રેમથી નીતરતી ગઝલ સાંભળતી કોઈ અન્ય ગ્રહ ઉપર જ પહોંચી જતી. જ્યાં મને વિનય સિવાય કોઈ દેખાતુંજ નહીં. ક્યારેક મારો મિજાજ બગડ્યો હોય ત્યારે વિનય અટપટા વ્યંગ અને જોક્સ મોકલતો. હું પેટ પકડી હસ્તી. મને ખુશ રાખનાર, મારા ચહેરા ઉપર હાસ્ય લાવનાર વિનય ધીમે ધીમે મારા જીવનની નાવડીના હલેસા જેવો બની ગયો હતો. જે મને મારી એકલતા, મારા જીવનની નીરસતા અને એકધારી લયથી વિરુદ્ધ દિશામાં લઈ જતો. એ કદાચ જાણતો પણ ન હતો કે હું મારુ હૃદય એને સોંપી ચૂકી હતી. હા, હું ફરી પ્રેમમાં પડી ચૂકી હતી,જીવનના અને વિનયના. હું પહેલાથી પણ વધુ મારો ખ્યાલ રાખવા માંડી હતી. મને સુંદર દેખાવું હતું. મેં મારી હેરસ્ટાઈલ વર્ષો પછી બદલી. વાળ કર્લ કરાવ્યા. પેડિક્યોર, મેનિક્યોર, ફેસિયલ બધું હવે પહેલા જેમ નિયમિત થવા લાગ્યું. નહીંતર બાળકોના જન્મ પછી તો ન મને મારા મેદસ્વી થઈ ગયેલા શરીરની, ન થાકીને જડ થતા ચહેરાની કઈ પડી હતી. સમીર પાસે મને ધ્યાનથી નિહાળવાનો સમય જ ક્યાં હતો ? એની કાર ઉપર પડતી એક નાનકડી તડ કે એના લેપટોપના સ્ક્રીન ઉપરનો નાનકડો સ્ક્રેચ એનાથી સહેવાતો નહીં. કેટલી બારીક દરકાર લેતો એ દરેક નિર્જીવ વસ્તુઓની અને જીવતી જાગતી પત્નીના શરીર, મન અને મનોજગતમાં આવી રહેલા ફેરફારો જોડે એને કોઈ લેવા દેવાજ નહીં ? જીમમાં જોડાયા પછી થોડાજ સમયમાં મારુ શરીર ફરી ચુસ્ત દેખાવા માંડ્યું હતું. મારો ખીલેલો ચહેરો ફરી યુવાનીનો અનુભવ કરી રહ્યો હતો. "કેવી લાગુ છું ?" ઘણીવાર સમીરને પૂછતી. એ લેપટોપમાંથી માથું હટાવ્યા વિનાજ પૂછતો," શું ? એક ચા મળશે. પ્લીઝ. આ'મ વેરી ટાયર્ડ. " થાકી તો હું ગઈ હતી સમીરના એ કાળજીવિહીન વર્તન અને સંવેદનાવિહીન સ્વભાવથી. મનોમન નિર્ણય લઈ લીધો હતો. મને મારુ જીવન સમીર જોડે નહીં વિનય જોડે જીવવું હતું. જો લગ્ન જીવન એટલે પ્રેમની આત્મહત્યા તો મારે એ લગ્નજીવનથી છૂટકારો જોઈતો હતો. મને વિનય જોડે સ્પષ્ટ વાત કરવી હતી. હવે એ સંબંધનું ભવિષ્ય વિનયના હાથમાં હતું. બસ એની એક "હા" અને. . . . . . .

" આ'મ સોરી. આ'મ લેટ. મિટિંગ થોડી લાંબી ચાલી. મોબાઈલની બેટરી પણ ડાઉન હતી અને ઉપરથી આ વરસાદ. . . . . " 

પોતાના વાળ રૂમાલ વડે સાફ કરતો એ અચાનક સામે આવીને ઊભો રહી ગયો અને વિચારોમાં ખોવાયેલું મારુ મનોજગત ચોંકી ઉઠ્યું. કોફીનો મગ ટેબલ નીચે પછડાયો અને મારો હાથ રીતસર ધ્રુજી ઉઠ્યો. આંખોના ખૂણા અનાયાસે ભીંજાઈ ગયા.  

" તું ઠીક છે ? આર યુ ઓલ રાઈટ ? જો તારી ઈચ્છા હોય તો કારમાં બેસી. . . . "

એની વાતમાં તર્ક તો હતો. મારો ચહેરો મારા મનનું પ્રતિબિંબ ઝીલી રહ્યો હતો. આજુબાજુના ટેબલ ઉપર ઉપસ્થતિ લોકો તથા સ્ટાફની નજર સુદ્ધાં મારી અસામન્ય પરિસ્થિતિ ઉપર હેરતથી મંડાઈ હતી. એણે કોફી જોડે તૂટેલા મગની કિંમત પણ ચૂકવી દીધી. બિલની ચૂકવણી થતાંજ હું એની પાછળ કૉફીશોપની બહાર પાર્ક થયેલી કાર તરફ ભારે ડગલે દોરવાઈ ગઈ.

ગાડીના દરવાજા બંધ કરી અમે બંને અંદર ગોઠવાયા. વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયંકર બનાવી રહ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે એનો પ્રશ્ન આખરે મારી દિશામાં પહોંચ્યો.

" શું થયું ? આટલી સ્ટ્રેસ્ડ કેમ લાગે છે ? સૌ ઠીક છે ? આમ અહીં કેમ બોલાવ્યો ? " 

સમીરની આંખોનો સંપર્ક તોડતી મારી નજર નીચે ઢળી પડી. આંખોમાં ખારો સમુદ્ર ડૂસકાંઓ જોડે ઉભરાઈ આવ્યો અને એ સમુદ્ર જોડે મારુ કન્ફેશન શબ્દે શબ્દ નીતરી આવ્યું. હું બોલતી ગઈ અને ગાડીના પારદર્શક કાચમાંથી એક તરફથી બીજી તરફ નમી રહેલા વાયપર્સ ઉપર સ્તબ્ધ એની આંખો બધુંજ સાંભળતી ગઈ. એ શોક્ગ્રસ્ત હતો કે ક્રોધિત એ હું કળી ન શકી. એના જડ હાવભાવો કશું જાણવાની અનુમતિ આપી રહ્યા ન હતાં. મારા અને વિનય વચ્ચેના સંબંધની, મારા મનમાં એના વિશે જાગેલા ભાવોની અને એની જોડે જીવન વિતાવવાના મારા મનમાં ઉઠેલી મહેચ્છાઓની દરેક વિગતો મેં ઊંડાણથી એની સમક્ષ રજૂ કરી. કૉફીશોપમાં એના પહોંચવા પહેલા જેટલી યાદો મારી આંખો આગળ આવી ઊભી રહી ગઈ હતી એ બધીજ યાદો મેં મોટા કાળજે સમીર આગળ ઠાલવી દીધી હતી. વીજળીના ચમકારા અંધકાર ભર્યા માર્ગને પ્રકાશથી થોડી ક્ષણો માટે ઝળહળાવી ફરીથી અંધકારમાં ધકેલી રહ્યા હતાં.  

વાદળનો એક પ્રચંડ ગડગડાટ થયો અને ડરીને મારો હાથ ડ્રાયવીંગ સીટ ઉપર મારી પડખે બેઠા સમીર ઉપર આવી પડ્યો. એના શરીરને અડકી શકવાનો અધિકાર હવે મને કદાચ રહ્યો ન હતો. છોભીલી થઈ મેં હાથ ધીમે રહી હટાવ્યો જ કે બીજો પ્રશ્ન મારી તરફ ઉમટી પડ્યો. સમીરની આંખો હજી આગળની દિશામાંજ જડપણે સ્થિર હતી.  

" તારે વિનય જોડે રહેવું છે ? ને આપણા બાળકો ? "

બાળકોનું નામ સાંભળતાજ હું ભાંગી ગઈ. એ નિર્દોષ ચહેરાઓ મારી આંખ આગળ આવી ગયા. જાણે એમની માસુમ આંખો મને હેરતથી તાકી રહી. મારો ચહેરો મેં મારી બે હથેળીઓ વચ્ચે છૂપાવી દીધો અને મનની અગનજ્વાળા શબ્દોમાં ફૂટી પડી.

"વિનય ઈઝ એ ફ્રોડ. હી ઈઝ એ લાયર. " 

સમીરની જડ આંખોમાં થોડી ચેતના આવી અને આખરે એણે મારી તરફ દ્રષ્ટિ ફેરવી. એની આંખોમાં મારી રડમસ લાલચૉળ આંખો પરોવાઈ. એ આંખોમાં મને હૃદયભગ્નતા સ્પષ્ટ દેખાઈ આવી. મારા શબ્દો આગળ વધ્યા અને સમીર એકીટશે મને નિહાળતો બધું સાંભળી રહ્યો.

" હું વિનયને મારા હૈયાની વાત કહું એ પહેલા મારી એક સખીએ મને ફેસબુક ઉપર પોતાની આલ્બમમાં ટેગ કરી. એ સખી લગ્ન કરી હવે અમદાવાદ સ્થાયી છે. એણે અમદાવાદના એક લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી. એ તસવીરોમાંથી એક તસ્વીરમાં મને વિનય દેખાયો. મેં આડકતરી રીતે ચેટિંગ દરમિયાન વિનય અંગે પૂછપરછ કરી. મને જે માહિતી મળી એ સાંભળ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. વિનયની પત્ની જીવિત છે. એ એની જોડેજ રહે છે. એના ત્રણ બાળકો છે. એનો રંગીન મિજાજ ટોક ઓફ ઘી ટાઉન છે. ઘણી વાર પત્નીએ એને અન્ય સ્ત્રી જોડે રંગે હાથ પકડ્યો હતો. પણ પૈસાની રેલમછેલ વચ્ચે પત્નીનું મોઢું બંધ છે. ખબર નહીં ફેસબુક ઉપર કેટલા ફેક એકાઉન્ટ હશે એના. . . . . . "

મારામાં સમીરની આંખોમાં આંખો મેળવવાની હિંમત બચી ન હતી. મારી નજર બારી બહાર વરસી રહેલા મેઘ ઉપર જઈ પડી. મારા અશ્રુઓ જોડે એ જાણે સ્પર્ધા કરી રહ્યો હતો.  

" પણ આ વાત મને કહેવાની શી જરૂર હતી. જો મને ન જણાવતે તો મને કશી ખબર ન પડત. ને જો વિનય દગાબાજ ન હોત તો તું શું અહીં હોત ? "

સમીરની આંખો ફરી આગળની દિશામાં પહોંચી ગઈ. એના પ્રશ્નો મારા માટે હતાં. પણ મને એવું લાગ્યું જાણે એ પોતાની જાતનેજ ઢંઢોળી રહ્યો હતો. એના અવાજમાં એ કેવો અપરાધભાવ ડોકાઈ રહ્યો હતો ? અપરાધ તો મેં કર્યો હતો.

" હું તારી અપરાધી છું. તું જે સજા આપશે મને મંજૂર હશે. જો હું તને આ બધું ન જણાવત તો મારા અને વિનય વચ્ચે શો ફેર ? આઈ વોઝ ફીલિંગ લાઈક એ સ્લ્ટ. હું આ ભાવના જોડે હવે શ્વાસ નથી લઈ શકતી. મારો જીવ રૂંધાય છે. મને મારા ગુનાહોની સજા આપી દે. મને મુક્તિ અપાવી દે, પ્લીઝ સમીર. "

સમીરે ગળામાં આવેલા ડૂમા જોડે ગાડીનું એન્જીન શરૂ કર્યું. ભાન ભૂલી વરસી રહેલા મેઘ જોડે ગાડીની ઝડપ પણ ભાન ભૂલી રહી. બધુજ સમાપ્ત થઈ ચૂક્યું હતું. મારા હાથ વડે મેં મારા સુખી સંસારને આગ લગાવી હતી. હવે એના કાળા ધુમાડામાં બધુજ રાખ થઈ ગયું હતું. હું ક્યાં જઈ રહી હતી ? ગાડી કઈ દિશામાં આગળ વધી રહી હતી ? મને કંઈજ ભાન ન હતું. હું ફક્ત સમીરને નિહાળી રહી હતી. ખબર નહીં ફરીથી ક્યારે એને આટલી નજીકથી જોવાનો અવસર મળે, ન મળે. એની શ્વાસોને મારી શ્વાસોમાં હંમેશ માટે ભરી લેવું હતું. એની યાદો જોડે જીવન જીવી લેવા હું મનને તૈયાર કરી રહી હતીજ કે ગાડીને જોરદાર બ્રેક લાગી. મારા શરીરનું સંતોલન મેં હેમખેમ જાળવ્યું. મારી નજર બારીની બહાર ડોકાય. આ શું ? હું મારા ઘરની આગળ હતી. મારા બાળકો અંદર હતાં. પણ હવે એમને મળવાનો અધિકાર કે પરવાનગી. . . . . . . !

હું વિચારોમાં આગળ ધપું એ પહેલાજ સમીરે મારો હાથ પકડ્યો. એ પકડ અત્યંત સખત હતી.  

" કોઈ આટલું બહાદુર કઈ રીતે હોય શકે ? આટલી બધી હિંમત તેં ભેગી ક્યાંથી કરી ? "

સમીરના શબ્દો મને વીંધી રહ્યા. પણ હું એને લાયક હતી. હું એ દરેક રીતે 'ડિઝર્વ 'કરતી હતી. મારી પીડા ચરમસીમાએ હતી. પરંતુ મૌન અશ્રુઓ સિવાય મારી પાસે અન્ય કોઈ પ્રતિક્રિયાનો વિકલ્પ જ ન હતો.  

" નો, આઈ મીન સિરિયસલી. આઈ કાન્ટ બીલીવ ઈટ. સાચું બોલવા કાળજું જોઈએ ને ભૂલ સ્વીકારવા વિશાળ, મજબૂત હૈયું ! મારી પાસે તો એ બંને ન હતાં. આઈ વોઝ સચ એ કાવર્ડ. " સમીરના હાથની પકડ ઢીલી થઈ અને એની આંખોમાંથી પસ્તાવાનો ધોધ સરી પડ્યો.  

હું કશું સમજી શકી નહીં. સમીર મને કટાક્ષમાં. . . . . કે પછી. . . . . . . .

એણે મારા તરફ ચહેરો ફેરવ્યો. ના, એની આંખોમાં કોઈ કટાક્ષ ન હતો. તો. . . . . . ?

મારી આંખોમાં ઉભરાઈ આવેલા પ્રશ્નોનો ઉત્તર આપતા એણે ચોખવટ કરી. એનો દરેક શબ્દ થોડા સમય પહેલા અપરાધભાવમાં ડૂબેલા મારા શબ્દોનુંજ પ્રતિબિંબ પાડી રહ્યો હતો.

" અનુ નામ છે એનું. સાચું છે કે ફેક ખબર નહીં. પહેલા ફેસબુક ઉપર પરિચય થયો ને પછી વ્હોટ્સએપ ઉપર સંબંધ પાંગર્યો. ઓફીસનું વર્કલોડ, બાળકોની ચિંતા અને બોરિંગ, મોનોટોનસ, એકધારી જીવન વચ્ચે થોડું મનોરંજન જોઈતું હતું. હું ભાન ભૂલ્યો. એના જોડે એવી વાતો, એવી ચેટિંગ શરૂ કરી જેવી ફક્ત તારા જોડે, મારી પત્ની જોડે કરવી જોઈએ. એની પાસે મારી બધીજ લીલાઓ મોબાઈલમાં સેવ છે. એ અને એનો બોયફ્રેન્ડ છેલ્લા કેટલાક મહીનાઓથી મને બ્લેકમેઈલ કરે છે. તારા સુધી એ સ્ક્રીન શોટ ન પહોંચે એ માટે દર મહિને પૈસા વસુલે છે. . . . . " 

સીટબેલ્ટ નીકાળી સમીર ગાડીની આગળ તરફ જઈ ઊભો થઈ ગયો. એના હાથ પસ્તાવા જોડે એના ચહેરા અને વાળ ઉપર અતિવેગે ફરી રહ્યા. હું તરતજ ગાડીમાંથી બહાર નીકળી. આંસુ લૂછી એની લગોલગ આવી ઊભી રહી ગઈ.  

" શું થઈ ગયું આ બધું ? કયા પ્રવાહમાં તણાઈ ગયા આપણે ? શું કમી હતી ? બધુજ તો હતું આપણી પાસે. પછી શું શોધવા નીકળી પડ્યા ? ક્યાં આવીને ઊભાં રહી ગયા ? " 

સમીરના પ્રશ્નોના જવાબમાં મેં એનો ચહેરો મારા હાથમાં પરોવી લીધો અને એને એટલુંજ પૂછ્યું,

" તું મારી જોડે એક 'રિવેન્જ ડેટ' ઉપર આવીશ ?"

એણે ભીની આંખો વડે હામી પુરાવી અને મને આલિંગનમાં ભીંસી લીધી. વરસાદ વરસતો રહ્યો, અમે ભીંજાતા રહ્યા અને એ વહેતા પાણીમાં ઘણું બધું સ્થિર થઈ ગયું.  

બીજે દિવસે સૂર્ય નવો પ્રકાશ લઈ આવ્યો. તુફાન શમી ગયું. સમીર અને હું બાળકોને શાળાએ છોડી અમારી 'રિવેન્જ ડેટ' ઉપર નીકળી પડ્યા. એ 'રિવેન્જ ડેટ'ની 'હોટ'તસવીરો ફેસબુક ઉપર અપલોડ થઈ. જેમાં અમે એકબીજાને ટેગ કરી દીધા. એજ દિવસે વિનયે મને અનફ્રૅન્ડ કરી દીધી. સાંજે વ્હોટ્સએપ ઉપર મને એક અજાણ્યા નંબર ઉપરથી સમીરની છૂપી ચેટના ઘણા સ્ક્રીન શોટ ફોરવર્ડ થયા. મેં પ્રતિક્રિયા સ્વરૂપે સંદેશ મોકલી દીધો.

" હું બધુજ જાણું છું. બીજીવાર આ મેસેજ કશે દેખાયા તો સીધો સાઈબર ક્રાઈમનો કેસ થશે. જેટલા શિકાર કર્યા છે એ બધા માટે જેલની હવા ખાવા તૈયાર રહેજો. " એ દિવસ પછી ન તો સમીરનાં, ન તો મારા મોબાઈલમાં એ બ્લેકમેઈલિંગ જોડીનો કોઈ સંદેશ આવ્યો.

હું અને સમીર હવે નિયમિત ડેટ ઉપર જઈએ છીએ. પણ એ 'રિવેન્જ' કે બદલાના હેતુસર હોતી નથી. એમાં અમારા બાળકો પણ શામેલ હોય છે અને એની એક પણ તસ્વીર કશે અપલોડ કરવાની ન તો અમને જરૂર છે, ન અમારી ફરજ.


Rate this content
Log in

Similar gujarati story from Romance