ઘડીની બેડી
ઘડીની બેડી


"જો સુમિત આ વખતે છોકરાઓને દિવાળી પછી બહાર ફરવા નહીં લઈ જઈશું તો ધમાલ મચાવી દેશે." રાતનાં રૂમમાં આવતાની સાથે રેવતીએ કહ્યું.
"હ..મ. જોઈએ", કહેતાં સુમિતે બેડ પર લંબાવ્યું.
"મેં આંદામાનનું ક્રૂઝ પેકેજ જોઈ લીધું છે. આપણા બજેટમાં બેસી જાય છે. તારામાં મેસેજ નાંખી દીધો છે. જોઈ લેજે", કહેતા રેવતીએ સુમિત તરફ જોયું તો એની આંખો બંધ થઇ ગઈ હતી. ખીજવાઈને ચાદર ખેંચી આડી પડી.
સવારે નાસ્તાના ટેબલ પર ફરી વાત છેડાઈ. "પપ્પા આ વખતે ક્રૂઝ સિવાય કોઈ ટૂર ચાલશે નહીં." સુમિતે પેપરમાંથી મોં ખસેડવાની તસ્દી પણ ન લીધી. તે જોઈ રાજ-દેવ પગ ઠોકતાં, રેવતી તરફ જોતાં સ્કૂલે જવા રવાના થઇ ગયા, જાણે તેને કહેતા હોય હવે બધી જવાબદારી તારી. લંચ બોક્ષ હાથમાં પકડાવતાં છેલ્લો કાંકરો ફેંકી જોયો રેવતીએ," વિચારજે, વેકેશન પ્લાનિંગનું."
સુમિત સાંજે ઘરે આવ્યો તો ઘરમાં કંઈક વધારે જ ખૂશી વર્તાતી હતી. હોય જ ને! કલકત્તાથી આંદામાન-નિકોબારની બૂક થયેલી ક્રૂઝ રાઈડની ટિકિટનો મેસેજ તેના પહેલાં ઘરે પહોંચી ગયો હતો. છોકરાઓ અને રેવતીને ખૂશ જોઈ તે જૂના સ્કૂટરને હજી એક વર્ષ વધારે ચલાવવું પડશે એ વાત ભૂલી ગયો.
આ વખતે પ્રવાસની તૈયારી સામે દિવાળીની ઉજવણી ઝાંખી પડી ગઈ. સુમિતને નવાઈ લાગી, હંમેશા ફટાકડાં માટે જીદ કરતાં રાજ અને દેવે પ્રદુષણનાં નામે ફટાકડાં લેવાની ના પાડી દીધી. બેગો ભરાવા માંડી.
"દેવ,રાજ તમારી બેગપેક તૈયાર? હું કાલે એક જ વખત બૂમ પાડીશ ઉઠાડવા માટે. ન ઉઠે તે અહીં જ!" રેવતીએ મલકાઈ બંનેને ચાદર ઓઢાડી. ઊંઘ કેમ કરીને આવે? કેવી અને કેટલી મજા કરીશું, વિચારતા આંખ ઘેરાવા માંડી ને ત્યાં જ બૂમ પડી.
"ચાલો રાજ દેવ ટેક્ષી આવી ગઈ છે.” સામાન ટેક્ષીમાં લદાઈ ગયો.
“રેવતી જો તો પાછા કેમ ઘરમાં ગયાં." દિલ્હી-કલકત્તા ફ્લાઈટ માટે એરપોર્ટ જવા ટેક્ષી બોલાવી હતી. રાજ અને દેવ ઘરમાં કંઈક લેવા ગયા ને સુમિત અકળાયો.
"પપ્પા હું મારી ટૂલ બેગ લેવા ગયો હતો અને દેવ સાયન્સ એવરીથીંગ લેવા ગયો હતો."
"શું?”
"અરે પપ્પા, હું મારી ટૂલ બેગ અને દેવ એની બૂક લેવા ગયો હતો. આપણે આવીશું તેના બીજા દિવસથી અમારી સ્કુલ શરુ થઇ જશે. અમારા બંનેનો પ્રોજેક્ટ બાકી છે તે ત્યાં બધાં મળીને કરીશું." બધા જવાબ રાજે જ આપી દીધા.
રેવતી- સુમિત છોકરાઓના ઉત્સાહને જોતાં રહ્યાં.
કલકત્તા પહોંચ્યાં પછી રાજ-દેવને ખાવાપીવાનું પણ મન ન હતું. તેમને તો જેમ બને તેમ જલદી ક્રૂઝમાં બેસવું હતું. પેરેડાઇઝ ક્રૂઝમાં સમયે પોતપોતાની સીટ લઇ લીધી. આખરે સાઇરન વાગી. ચારેય ખુશીથી નાચી ઉઠ્યા. લગભગ 70 કલાકની દરિયાઈ મુસાફરી ! પંદર મિનિટમાં તો ચોતરફ પાણી! જહાજ સાથે મોટા મોટા મોજાઓ અથડાતાં ત્યારે રાજ અને દેવ ડરી જતા હતાં. રેવતીએ બંનેને સંભાળી લીધા.
"તમારી બેગપેક રૂમમાં મૂકી આવો અને થોડી વાર આરામ કરો." રેવતીએ રાજ-દેવને કહ્યું.
"ના અમે અહીં જ બેઠા છીએ. બેગપેકમાંથી કોઈપણ વસ્તુની જરૂર પડી શકે." કહી બંને દૂરબીન કાઢી દૂરદૂર દરિયાની હિલચાલ નિહાળતાં મસ્તી કરતાં બેઠાં.
"હિંદ મહાસાગરથી પશ્ચિમે ફંટાનારુ ‘શીરી’ વાવાઝોડું પૂર્વ તરફ વળી ગયું છે. એની વધતી ઝડપને જોતાં પૂર્વ તરફની તમામ દરિયાઈ મુસાફરી રદ કરવાની સૂચના આપવામાં આવે છે." સુમિતના ફોન પર આવતાં સમાચાર બાજુમાં બેઠી રેવતીને સ્પષ્ટ સંભળાઈ ગયાં. બંનેના હાથ ભીડાયા. સુમિત દોડ્યો કેપ્ટનની કેબીન તરફ જહાજને વાળવા માટે.
સુમિત કેબીન સુધી પહોંચે ત્યાં સુધીમાં તો "બચાવો ..બચાવો.." સંભળાતા અવાજો સાથે પેરેડાઇઝ જહાજ મોટી છલાંગ લગાવી પાણીમાં ગરકાવ થઇ ગયું.
સ્વિમિંગની નેશનલ વિનર રેવતી અફાટ દરિયામાં બૂમો પાડતી પરિવારને શોધતી હતી. થાકી ભગવાનને પ્રાર્થના કરવા હાથ લંબાવ્યો ત્યાં જ તેનો હાથ કોઈએ ઝાલી લીધો. "ઓહ સુમિત". જહાજમાંથી છૂટી પડેલી સેફટી બોટને તેમના તરફ આવતી જોઈ. એકમેકનાં સહારે બોટમાં ચડ્યા.
"મારા રાજ અને દેવ ક્યાં?" રેવતીએ ડૂસકું મૂક્યું.
"આપણા દિકરાઓ હિંમત હારે એવા નથી. જો બંને ટાયરને વળગી કેવા હિલોળે છે." બંને છોકરાઓને બોટમાં લઈ લીધા ત્યારે રેવતીને ટાઢક વળી. કંઈ વિચારવાનું હતું જ નહીં, તીવ્ર પવન જે દિશામાં લઇ જાય ત્યાં પહોંચવાનું હતું.
ચારેય એકબીજાને અડીને, એકબીજાની હુંફે બેસી ગયાં. ઠંડો પવન અને થાકના કારણે રાજ અને દેવ તો સુઈ જ ગયા. સુમિત-રેવતીને પણ ઝોકું આવી ગયું. જોરદાર આંચકો લાગતાં સુમિત-રેવતી જાગી ગયાં. બોટ બે પથ્થરોની વચ્ચે ફસાઈ ગઈ. બંને ગભરાઈ ગયાં પણ થોડે દૂર જમીન દેખાતાં આનંદમાં આવી ગયા.
"રાજ,દેવ ઉઠો જુઓ આપણે આવી ગયાં આંદામાન. કિનારે પાણીમાં ચાલીને જવું પડશે. તમારી બેગપેક લઇ લેજો." રેવતીએ સૂચનાઓ આપી.
"રેવતી આ બોટમાં મને અનાજની ગુણો દેખાય છે. આપણે ઉતારી દઈએ. દેવ આ કોઈની બેગ દેખાય છે. લઈ લે. કિનારે ઉતરી ત્યાં જેની હશે તેને આપી દઈશું." સુમિતે બોટનો બધો સામાન ઉતારી કિનારે મૂક્યો.
કિનારે ઉતર્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું લાગ્યું. કદાચ દરિયાના અને ટાપુના તાપમાનમાં ફેરફારને કારણે એવું હોઈ શકે એમ સમજી આગળ ચાલવા માંડ્યા. "રેવતી પહેલા કોઈ હોટલ શોધી જમવું પડશે. પાકીટમાં થોડા પૈસા છે બે દિવસ તો નીકળી જશે." સુમિત બોલ્યે જતો હતો.
"તમને લોકોને કોઈ અવાજ સંભળાય છે?" દેવે વિસ્મયથી પૂછ્યું.
"ના. કોઈ અવાજ કેમ નથી સંભળાતો તેની જ તો નવાઈ છે. અત્યારે વેકેશનમાં આ ટાપુ સહેલાણીઓથી ઉભરાય છે પણ આજે આટલો શાંત કેમ?" સુમિત અને રેવતીને અજાણી ચિંતા પેઠી.
"અરે દેવ કોઈની બેગ આમ ન ખોલાય!" બધા બોલતા રહ્યાં એટલીવારમાં તો દેવ બેગ ખોલીને અવાજ કરતું વિચિત્ર યંત્ર હાથમાં ફેરવી ફેરવીને જોવા લાગ્યો.
કશું સમજ ન પડતાં બે-ત્રણ બટન દબાવી પણ દીધાં. અવાજ આવતો બંધ થઇ ગયો. દેવે સુમિત-રેવતીનાં આગ્રહને કારણે બેગ ત્યાં જ મૂકી દીધી. પણ પેલું યંત્ર .. કૂતુહલવશ પોતાની બેગમાં સરકાવી દીધું.
કોઈ માણસ નહીં, અજાણી વનસ્પતિઓ અને વિચિત્ર પક્ષીઓનો અવાજ, ચોક્કસ અજાણી જગ્યાનાં મહેમાન થઈ ગયા હોય એવું લાગ્યું. થોડું આગળ ગયાં તો! પ્લાસ્ટિકના આકાશને આંબે એવા ડુંગરો! આગળ વધતાં આઠ પગ એકી સાથે અટકી ગયાં.
"ક્યાં છીએ આપણે? મેં એવું વાંચ્યું છે કે વિકસિત દેશો પોતાનો પ્લાસ્ટિક કચરો ઠાલવવાં પૃથ્વી પર જગ્યા શોધી રહ્યાં છે. કદાચ અહીં જ..." ચારેબાજુ નજર દોડાવતાં દેવ ધીમેથી બોલ્યો.
"પણ જુઓ તો આ પ્લાસ્ટિકના જંગલમાં હવે જગ્યા જ નથી. એટલે હવે બીજો ખૂણો શોધશે અને તેને પણ આમ જ.. " એગ્રિકલચર એન્જીનિયર સુમિતે બળાપો કાઢ્યો.
"પહેલા ખાઈશું શું? પલળેલી ચોકલેટ છે બસ". રેવતીએ બે-ચાર ચોકલેટ ધરી.
જેમતેમ કરી દિવસ વિતાવ્યો. આછું અંધારૂ થતાં પવનનું જોર વધ્યું. સુમિત મોટું પ્લાસ્ટિક શોધી લાવ્યો. તંબુ જેવું બનાવી બધા માંડ અંદર ગોઠવાયા. થાકના માર્યા સુમિત-રેવતી અને રાજની આંખ મીચાઈ ગઈ.
દેવ અંધારી રાતે આકાશને માણતો હતો ત્યાં પવનના સુસવાટા સાથે ઘરઘરાટી સંભળાઈ. તંબુની બહાર ડોકિયું કર્યું, ગાઢ અંધારામાં એક મોટું જહાજ પ્લાસ્ટિકનો કચરો ભરી કિનારે આવી ઊભું રહી ગયું. દેવ હિંમતથી જહાજ પાસે પહોંચ્યો.
પહેલા તો પ્લાસ્ટિક ખાલી કરતાં લોકો ડરી ગયાં પછી દેવને સામેથી ડરાવવા લાગ્યાં. દેવે તેમની પોલ ખોલવાની ધમકી આપી ત્યારે તેઓ દેવને લાલચ આપી કહેવા લાગ્યાં. "તને અમે તારા દેશ સુધી પહોંચાડી દઈશું. બાકી તું એકલો ઈચ્છે તો પણ આ ટાપુની બહાર નીકળી નહીં શકે." દેવે એ વાત છુપાવી કે પોતે પરિવાર સાથે છે.
અજાણ્યાં લોકોથી બચવાનું તો હતું જ પણ સાથે જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પડાવવાની હતી. દેવના મનમાં ચમકારો થયો,"તમારે હું કહું ત્યાં સુધી અને કહું એટલાં પાણી,અનાજ,કપડાં અહીં પહોંચાડવાના."
જહાજમાં જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હતી એટલી બધી ખાલી કરી અજવાળું થાય તે પહેલા જહાજ દૂર નીકળી ગયું. સવાર થતાં જરૂરી ચીજવસ્તુઓનો ઢગલો જોઈ સુમિત અને રેવતીને નવાઈ લાગી. દેવ દરિયે નાહીને તેની બૂક લઈને બેસી ગયો. સુમિત-રેવતી અને રાજ ટાપુની બહાર નીકળવાનો રસ્તો શોધતાં રહ્યાં અને દેવ પ્લાસ્ટિકનાં કચરામાંથી બહાર નીકળવાનો રસ્તો! બસ સમય જાણે થંભી ગયો!
"આ પ્લાસ્ટિકના જંગલમાં જાણે કેટલો સમય રહેવું પડશે? સળગાવી દઈએ?"
"ના, ના એટલું પ્રદુષણ થશે કે આપણે એમ જ મરી જઈશું."
"આ અનાજ-પાણી નાંખીને જતાં રહેલા લોકો કોણ હતાં? આપણને કેમ આ ખતરનાક જંગલમાંથી બહાર કાઢ્યાં વગર જતાં રહ્યાં?"
"કારણકે આપણે તેમની પોલ ખોલી દઈશું. આપણે નજરકેદ છીએ એમ સમજો. આપણે આપણો રસ્તો જાતે જ શોધવાનો છે." ચર્ચાનો જવાબ દેવે આપ્યો ત્યારે બધા સ્તબ્ધ થઇ ગયાં.
"તને ખબર છે? કોણ છે એ લોકો? હવે શું?"
"આ પ્લાસ્ટિકના જંગલને હરિયાળું બનાવીએ. એ જ આપણો ધ્યેય! રડવાથી કોઈ ફાયદો નથી મમ્મી, તે જ શીખવ્યું છે 'ખરાબ સમયમાં કામ આવે તે જ ખરી હોશિયારી!' દેવે એક પીઢ માણસની જેમ જવાબ આપ્યો.
બસ પછી તો બીજે દિવસથી પ્લાસ્ટિકના ઢગલામાંથી પ્લાસ્ટિકની ગુણવત્તા પ્રમાણે પ્લાસ્ટિક અલગ કરવાનું કામ શરુ કરી દીધું. વિકસિત દેશો રીસાઇકલ થઇ શકે એ પ્લાસ્ટિક પણ ફેંકી જતાં કારણકે તેને પાછું વાપરવા લાયક બનાવવા માટેનો ખર્ચ વધારે થાય. પાછા પ્રદુષણનો દોષ બધો વિકસતાં દેશો પર નાંખી, તેના ઉપાયની જવાબદારી પણ વિકસતા દેશોને શિરે જ!
દેવ ઘડીક બૂક ખોલતો તો થોડીવાર વિચારમાં ખોવાઈ જતો, 'શું કરવું આ પ્લાસ્ટીકના ઢગલાંઓનું!’ સુમિતને ચિંતા હતી પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં ક્યાંક જમીન ખરાબ નહીં થઈ જાય, રાજ વિચારતો હતો આ પ્લાસ્ટિકમાંથી નવું શું બનાવું, અને રેવતીને હતી પોતાના પરિવારની ચિંતા!
અનાજ-પાણી તો હતા. પ્લાસ્ટિક હટતાં જમીન નજરે પડી એટલે રેવતી ચાર પથ્થર ગોઠવી ચૂલો બનાવવા માંડી. દેવ વિચારતો આંટા મારતો હતો ત્યાં જ એની નજર એક પીપ પર પડી. પાસે જઈ જોયું તો અંદર પાણી જેવું હતું. બૂમ પડી બધાને નજીક બોલાવ્યાં. રેવતી ચૂલો ગોઠવતાં સીધી જ આવી હતી એટલે તેણે હાથ ધોવા પાણીમાં હાથ નાંખ્યો. ઠંડા પાણીનો સ્પર્શ ગમ્યો.
"દેવ આ પાણી નથી. કોઈ અંદર હાથ નાખશો નહીં.જો તો મારી નેઈલ પોલીશ નીકળી ગઈ.”
દેવની આંખો ખુશીથી પહોળી થઈ ગઈ. હાથમાંની પ્લાસ્ટિકની બોટલ અંદર નાંખી. બોટલ ધીરે ધીરે ઓગળવા માંડી. "આ પ્રવાહીમાં પ્લાસ્ટિક ઓગાળી શકે તેવું ઘટક લાગે છે. મેં આવા કેટલાયે પીપ જોયાં છે આજુબાજુમાં. પીપમાં એક પછી એક પ્લાસ્ટિકની વસ્તુઓ નાંખતા ગયા. હવે પીપમાં એક પ્લાસ્ટિકનો ગઠ્ઠો તૈયાર થઇ ગયો. સુમિત એ ગઠ્ઠો જમીન પર પાથરવા માંડ્યો અને રેવતી હાથથી ઓપ આપી વાસણો અને રમકડાંનો આકાર આપવા માંડી.
"વાહ કેવું સરસ. કુદરતને ખોળે સંપૂર્ણ જીવન. કુદરતને જાળવો એ તમને ફૂલની જેમ રાખશે!" કહેતી રેવતી બધાને સાચવતી. બધા રોંજીદા જીવનમાં કોઈ ફરિયાદ વગર ગોઠવાઈ ગયાં.
પ્લાસ્ટિકનો કચરો ઠાલવવા આવતાં જહાજના માણસોને ટાપુની બદલાતી સિકલ જોઈ નવાઈ લાગી.
જોતજોતામાં તો પ્લાસ્ટિકનાં ઢગલાઓની જગ્યાએ સરસ રોડ બની ગયાં. હારબંધ ગોઠવાયેલાં વાસણો અને રમકડાંથી ટાપુની સુંદરતા વધી ગઈ. પ્લાસ્ટિકના ઢગલાં હટતાં ધરતી પણ વરસાદની મજા માણવા લાગી. અનાજની ગૂણોમાંથી આમતેમ વેરાયેલા દાણા ખીલી ઊઠ્યા. સુમિતે પ્લાસ્ટિકના ગઠ્ઠામાં માટી ભેળવી ટાઇલ્સ પણ બનાવી જોઈ. પછી તો થાંભલા,છત,દીવાલ બનાવી જોયાં. રાજે ખેતીના ઓજારોના આકાર આપી જોયાં. દેવ નિત્ય નવા વિચારો સાથે ઉઠે અને એને સાકાર કરવા મથતો રહે એ જોઈ રેવતી દેવના ઓવારણા લેતી.
એક વખત કચરો ઠાલવવા આવતાં જહાજને દરિયાનું તોફાન નડ્યું, એટલે કિનારે પહોંચતાં સવાર પડી ગઈ. કિનારે કચરો ઠાલવવાં ઉતર્યા ત્યારે સડતાં કચરાની દુર્ગંધની જગ્યાએ ટાપુ ફૂલોની સુગંધથી મઘમઘતો હતો. કોઈ અજાણી જગ્યા પર તો નથી આવી ગયા ને! વિચારતાં હતા ને દેવને જોઈ ખાતરી થઇ બરાબર જગ્યાએ આવ્યા છીએ. "કેવી રીતે આ શક્ય બન્યું? કચરાનો નિકાલ ક્યાં થયો?" વગેરે સવાલો પૂછાતા રહ્યાં.
થોડા દિવસ પછી એકીસાથે પાંચ જહાજનો કાફલો ટાપુ તરફ આવતો જોયો. ચારેય ડરી ગયાં. કોઈ બીજા ટાપુ પરથી હૂમલો? જહાજ કિનારે ઊભું રહેતાં તેમાંથી કોઈ નેતા સાથે મોટી સંખ્યામાં લોકો તેમની તરફ આવતાં દેખાયા. થોડા નજીક આવતાં ઓળખાયા. પડોશી વિકસિત દેશનાં રાષ્ટ્રપતિ અને તેના પ્રધાનમંડળના સભ્યો હતાં. દેવની પાસે આવી નમ્રતાથી ઊભા રહ્યાં.
"અમે તમારા ખુબ આભારી છીએ. પચીસ વર્ષથી અમે પ્લાસ્ટિક કચરાને અહીં ઠાલવતાં રહ્યા અને તમે તેનો નિકાલ કરતાં રહ્યાં. એટલું જ નહીં પણ તેમાંથી જીવનઉપયોગી ચીજવસ્તુઓનું નિર્માણ કરી દુનિયાને બોધ આપ્યો છે. હવે અમે પ્લાસ્ટિક મુક્ત દુનિયા માટે પ્રતિબધ્ધ છીએ. આજે તો અમારા દેશનાં શહેરો કરતાં પણ અહીંનું વાતાવરણ એકદમ સ્વસ્થ છે. તમે કયા દેશથી આવ્યા છો તે ખબર નથી પણ તમારા આ યોગદાન બદલ તમને અમારા દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપવા માગીએ છીએ. સ્વીકાર કરી અમને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો."
“ભારત માતા કી જય!”
"પચીસ વર્ષથી આપણે અહીં?" ચારેયનાં મુખમાંથી શબ્દો સરી પડ્યા. "સમયે અમને બાંધી રાખ્યા કે અમે સમયને બાંઘી રાખ્યો હતો!" દેવ દોડ્યો તેની બુક અને સામાન તરફ. બૂકના પાનાં સડવા માંડ્યા હતાં. બેગપેકમાં ફંફોળતાં એક ફોટો નીચે પડ્યો. "અરે આ તો આપણે ક્રૂઝમાં બેઠા કે તરત પાડેલો ફોટો! અને હું અને રાજ તો કેટલાં નાના દેખાઈએ છીએ!”
"સાચે જ આપણને અહીં પચીસ વર્ષ થઈ ગયાં. સમય તો જાણે અટકી ગયો હતો." હાંફતાં આવતાં રેવતી અને સુમિતને જોઈ સમજાયું સમય નથી બંધાયો. બાજુમાં બેસતાં રાજથી બેગપેક પર હાથ પડ્યો. મોટી સાઇરન સાથે મશીન ફરી ચાલુ થયું.
"દેવ જવું છે ને ક્રૂઝમાં. ચાલ ઉઠ. રાજ તો ક્યારનો તૈયાર થઈ ગયો છે!" રેવતીએ એલાર્મ બંધ કરી દેવની ચાદર ખેંચી.
"ધત્તરી આ તો સપનું!” દેવ પથારીમાંથી ઉછળી ઊભો થયો.
“રૂંધાય છે શ્વાસ હવે કુદરતનો, ઉપયોગ બંધ કરો હવે પ્લાસ્ટિકનો” સ્કૂલની રેલીનું સૂત્ર ગોખતો નહાવા ગયો.