Rajul Shah

Drama Inspirational Thriller

3.0  

Rajul Shah

Drama Inspirational Thriller

આજે હું હારીને જીતી ગઈ

આજે હું હારીને જીતી ગઈ

15 mins
1.3K



“આજની આ સંધ્યાએ મારા માટે યોજાયેલ સન્માન સમારંભના આયોજન બદલ શહેરના આ સાંસ્કૃતિક સમન્વયની હું હ્રદયપૂર્વક ઋણી છું. આ માન આ અકરામ માટે આભાર વ્યક્ત કરવા આજે કદાચ મારા શબ્દો ઓછા પડશે. સ્ટેજ એક એવું પ્લેટફોર્મ છે જેની પર લેખકે લખેલા સંવાદોને ભાવ સાથે પ્રેક્ષક સમક્ષ રજૂ કરવાના હોય ત્યારે કલાકારનું સમગ્ર ફોકસ સંવાદને શ્રેષ્ઠ અભિનયના વાઘા પહેરાવી લાગણીના લસરકાથી મઢીને આપના સુધી પહોંચાડવાનું હોય છે. આજે અહીં અભિનય નહીં પણ દિલની વાત રજૂ કરવાની છે ત્યારે મારા સાચા ભાવથી બોલાયેલા શબ્દો પણ મને તો અધુરા લાગશે.”

આ શબ્દો હતા સ્ટેજની ધરખમ અદાકારા અને છેલ્લા ત્રીસ વર્ષથી પ્રેક્ષકોના મન પર છવાયેલ સુનિતા જૈનના.

પેજ થ્રી, સોશિઅલ મિડીયા અને ગ્લેમરસ વર્લ્ડમાં સતત ચમકતા રહેવાની ઝંખના ધરાવતી અભિનેત્રીની કારકિર્દીના ઉપર ચઢતા ગ્રાફના લીધે મનમાં છવાયેલા મદ–ગુમાન અને ટોચ પરથી સીધા જ નીચે આવી જવાથી જીવનમાં ઉદ્ભવેલી હતાશા, આ ફ્રસ્ટ્રેશન દરમ્યાન એને સંભાળી લેતા અપ-કમિંગ આર્ટિસ્ટનો પ્રેમ જે રીતે એના જીવનમાં બદલાવ લાવે છે, એની કથા કહેતા નાટક- “હું હારીને જીતી ગઈ.”માં સુનિતાએ જે અભિનય આપ્યો હતો એના પર જ આ નાટક ઉચકાયું હતું અને સળંગ હાઉસફુલ શૉ આપે જતું હતું.

‘હું હારીને જીતી ગઈ.’ના સડસડાટ સો શૉ તો થઈ ગયા હતા અને હવે વિદેશમાં આ નાટકના શૉનું આયોજન થઈ રહ્યું હતું અને યોગાનુયોગે સુનિતા જૈન આજે પચાસ વર્ષ પુરા કરી વનમાં પ્રવેશ કરી રહ્યા હતા. શૉની સફળતા અને આ સુવર્ણજયંતી ઉત્સવ…..મુંબઈનો સન્મુખાનંદ હૉલ સુનિતા જૈનના ફેન ક્લબના મેમ્બરથી ભરચક હતો.

સુનિતા જૈનના સફળ નાટકોમાંથી કેટલાક ચૂંટેલા સીન આજે નવા ઉગતા કલાકારો ભજવાના હતા પણ એ પૂર્વે સુનિતા જૈનનું સન્માન અને સ્પીચ…..

નાનો અમસ્તો ગણગણાટ થાય તો એ પણ હૉલમાં પથરાયેલા સન્નાટાને ભેદીને એક ખૂણાથી માંડીને જાણે બીજા ખૂણા સુધી પ્રસરી જતો.

ઉઘડતા ઘંઉવર્ણા બદન પર ટસરની આછા ક્રીમ રંગની કલકત્તી સાડી પર મરૂનમાં સોનેરી વણાટની બોર્ડર, ભાલ પર ઘેરા મરૂન રંગનો કોરા કંકુનો ચાંદલો અને હાથમાં બે સોનાની બંગડી વચ્ચે હાથીદાંતની મરૂન બંગડીના ઝૂમખાનો રણકાર. કાનમાં સોના પર મરૂન મોતી જડેલા બુંદા.. લાંબા રેશમી લસરતા વાળનો ગરદન પર ઢળતો અંબોડો. અને એમાં લગભગ મરૂન પર જાય એવા શેડનું એક ગુલાબ. ડોકનું જરાક હલન-ચલન થાય ત્યારે ડાબી બાજુના કપાળેથી કાનની આગળ સરકી આવતી રેશમી લટ.. સુનિતા જૈન પચાસ વર્ષે પણ માંડ પાંત્રીસના લાગતા હતા. સ્ટેજ પર ઉભા હોય ત્યારે પણ એમની પાંચ ફૂટ સાત ઈંચની સીધી સપ્રમાણ દેહયષ્ટિ અને કમનીય વળાંક પર સૌની નજર અટકી જતી.

એક ક્ષણ રોકાઈને સુનિતા જૈને આખા ય હૉલ પર એક ઉડતી નજર નાખી. ફરતી ફરતી એ નજર અટકી કમલ જૈન પર.. આછા ક્રીમ રંગના ચુડીદાર પર સુનિતા જૈનની સાડીની બોર્ડર જેવા જ મરૂન રંગનો સિલ્કનો કુર્તો અને ગળામાં રુદ્રાક્ષની માળા. ગૌરવર્ણા ચહેરા પર કાળી જાડી ફ્રેમના ચશ્મા. વાળ અને દાઢીમાં આછી સફેદીનો ચમકાર અને આંખોમાં નિતરી આવતી નરી શાતિરતા. એ હતા છેલ્લા એકત્રીસ વર્ષથી સતત એક પછી એક સફળ નાટક આપનાર નિર્માતા-નિર્દેશક, લેખક અને સુનિતાના પતિ કમલ જૈન.

આ નિર્માતા-નિર્દેશક-લેખક કમલ જૈન પણ પાછા એક ઓળખવા જેવી વ્યક્તિ તો ખરા જ…સતત મેળવેલી સફળતાના લીધે મનમાં છવાયેલો એક જાતનો મદ. હું છું તો સુનિતા છે અને સુનિતાની સફળતા? એ તો આ પારસમણિના હાથના સ્પર્શના લીધે ચમકી ઉઠેલું કંચન છે. કમલ નામનો પારસમણિ છે તો ભલભલા કથીર કંચન બન્યા છે. હું એક સિદ્ધહસ્ત શિલ્પી છું. પત્થરમાંથી આકૃતિ કેમ કંડારવી મને આવડે છે. મારા નિર્દેશનના ટાંચણા વડે ઘડાયેલી કૃતિ સર્વ શ્રેષ્ઠ જ હોય એ નિઃશંક છે.

આજે પણ સુનિતાની નજરે કમલની આંખોમાં એ જ મદ દેખાયો. જાણે હું હતો તો તું આ જગ્યાએ પહોંચી છું અને સુનિતાએ નજર ત્યાંથી વાળી લીધી પણ એ નજરે ક્ષણાર્ધમાં જ સુનિતાને જાણે ઊભી વેતરી નાખી.

******

આંતર કૉલેજની એકાંકી નાટ્યસ્પર્ધામાં મીઠીબાઈ કૉલેજ તરફથી નાટક ભજવાયું ત્યારે એમાં મૂક-બધિર છોકરીના પાત્રમાં એક પણ સંવાદ વગર અભિનયમાં મેદાન મારી ગયેલી સુનિતા મહેતા બેસ્ટ અભિનેત્રીનું ટાઈટલ જીતી ગઈ હતી અને એ જ નાટ્યસ્પર્ધાના ઑનરેબલ ચીફ ગેસ્ટની નજરમાં વસી ગઈ. પછી તો આ ચીફ ગેસ્ટે સુનિતાનું હીર પારખીને એને ફુલ લેન્થ નાટકની મુખ્ય અભિનેત્રીના પાત્રમાં કાસ્ટ કરી. એ દિવસથી આજ સુધી સુનિતાએ પાછું વાળીને જોયું નથી.

ખરલમાં ઘુંટાયા પછી પણ જરા હસ્કી લાગતો અવાજ, આંખનો તિખારો અને ચહેરા પર ભાવના પલટાનો ત્રિવેણીસંગમ એટલે સુનિતા. ભલેને એ સુનિતા મહેતા હોય કે જૈન એનાથી સુનિતાની અભિનય પ્રતિભામાં કોઈ ફરક નહોતો પડવાનો. એની જાણ સુનિતાની જેમ કમલને પણ હતી જ. એ કમલ જૈનની સાથે ન જોડાઈ હોત તો પણ એ સ્ટેજ પર ઉભરી આવે એવી પ્રતિભા હતી એની ખાતરી સુનિતાની જેટલી જ કમલ જૈનને હતી જ પણ એ વાતનો યશ ક્યારેય કમલે એને આપ્યો જ નહીં. સદાય કમલે હર એક યશકલગી પોતાના મુકુટમાં જ ઉમેરી રાખી. કમલ સિવાય બહારના પ્રોડક્શનની ઢગલાબંધ ઑફરો સુનિતા કમલની હાજરીમાં નકારી ચૂકી હતી. એને તો કમલની સાથે રહેવું હતું, એની આસપાસ, એને જ વિંટળાઈને એનું અસ્તિત્વ જાળવી રાખવું હતું. એનાથી અલગ પોતાની ઓળખ છે એ જાણવા છતાં કમલની ઓળખ સાથે ઓળખાવામાં એને સુખ હતું. એક અચ્છા પ્રોડ્યુસર, રાઈટર, ડિરેક્ટર તરીકે કમલની સમર્થતા જાણતી હતી અને સ્વીકારતી પણ હતી. આદર આપતી હતી. અને કમલ ? એ પણ સુનિતાની પ્રતિભાથી સભાન હતો. એ જાણતો હતો કે સુનિતા તો પહેલ પાડેલો હીરો હતો એને કમલે તરાશવાની જરૂર જ નહોતી અને એટલે જ કમલે ક્યારેય ઇચ્છ્યુ નહીં કે સુનિતા એના પ્રોડકશન બહાર કામ કરે. કમલ સિવાય પણ એ ઝળકી ઊઠે એ એને ક્યારેય મંજૂર નહોતું.

જેમ સુનિતા શ્રેષ્ઠ અદાકારા હતી એવી જ રીતે કમલ પણ શ્રેષ્ઠ નિર્માતા, નિર્દેશક અને લેખક હતા એય એટલું જ સત્ય હતું.

નાટ્ય જગતમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ કહેવાતી આ બેલડીનું અંગત જીવન જરા અપૂર્ણ જ હતું. કમલની તામસી પ્રકૃતિ આજે આટલા વર્ષે સુનિતાને કોઠે પડી નહોતી. ક્યાંથી પડે? અહમના પડળો, હું જ સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ. મારામાં કોઈ કમી- કોઈ કચાશ હોય જ નહીં એવી એક ગ્રંથીને લઈને જીવતો કમલ જૈન માત્ર અને માત્ર પોતાને જ પ્રેમ કરી શકતો અને સુનિતા ? એણે તો કમલે લંબાવેલો હાથ એક અહોભાવ સાથે થામ્યો હતો. કમલની પ્રતિભાથી અંજાયેલી એ સુનિતાએ તો કમલને સાચે જ પ્રેમ કર્યો હતો પણ ધીમે ધીમે કમલની પ્રકૃતિથી એ શેહમાં આવવા માંડી હતી. એક અભિનેત્રી, એક કલાકાર તરીકે અવ્વલ દરજ્જે પહોંચેલી સુનિતા, સ્ટેજ પર આત્મવિશ્વાસ સાથે પરફોર્મ કરતી સુનિતા કમલની સામે આવતા જ આત્મવિશ્વાસ ખોઈ બેસતી.

“એનો તો મેં હાથ પકડ્યો છે લગ્નવેદીમાં. મારો હાથ થામીને આગળ વધવાવાળા અનેક કલાકારો છે તો સુનિતાને હું આગળ નહીં કરું?” એક સતત એવી તુમાખી નાટકને ડિરેક્ટ કરતાં કમલમાં ડોકિયા કરતી. ખરેખર તો સુનિતામાં ગોડ ગિફ્ટેડ અભિનયકલા હતી. કમલ નહીં અને કોઈ એમેચ્યોર ડિરેક્ટરની પણ આંખ પારખીને એ પાત્રપ્રવેશ કરી શકે એવી એનામાં સહજતા હતી. માત્ર એકવાર સંવાદ વાંચ્યા હોય અને એક પણ ભૂલ વગર સડસડાટ એ સંવાદ બોલી શકતી. ક્યારેક સ્ટેજ પર હોય તો સહ કલાકારની ભૂલ- ક્ષતિને પણ ક્ષણાર્ધમાં પારખીને આખી વાત સંભાળી લેતી. ક્યારેક પ્રેક્ષકોનો મુડ પારખીને એમને સીધા જ નાટકના જ એ પાત્રો હોય એમ એમને સાંકળી લેતી.. આ બધુ જ એ એટલી સહજતાથી કરી શકતી અને કમલ સુનિતાની સહજતાને ક્યારેય સ્વીકારી શકતો નહોતો. સુનિતાને મળતી સીધી દાદ કમલને અકળાવતી. એને તો બસ એણે દોરેલી રેખા પર ચાલતી અને પોતાની આંગળીઓ સાથે બંધાયેલી, પોતાની મરજી મુજબ મુવમેન્ટ કરતી કઠપૂતળી ખપતી હતી. એક કલાકાર તરીકે ગમેલી સુનિતા એને ક્યારેક પડકારરૂપ લાગતી.

કમલ રિહર્સલ બાબતે પણ એકદમ સ્પષ્ટ હતો. નાટક રજૂ થાય ત્યારે પણ એ જે કહે અને જે પ્રમાણે કહી હોય એટલી જ મુવમેન્ટ, એવા જ હાવભાવ અને અવાજના આરોહ-અવરોહ જળવાવા જોઈએ. સમજી શકાય કે ચૂસ્ત રિહર્સલ પછી પણ જો કોઈ ભૂલથી પણ ભૂલ કરે તો એમાં કલાકારને તો કમલની નારાજગી વહોરવી જ પડે પણ એ કોઈની ભૂલને સ્વયંસ્ફૂર્તિથી સંવાદો દ્વારા જો સુનિતાએ સાચવી લીધી હોય તો પણ નેપથ્યમાં જતાની સાથે જ કમલનો રોષ ભોગવવા એણે ય તૈયાર રહેવું પડે. એ સમયે કમલનો બદલાયેલો ચહેરો અને ચહેરા પરના તંગ ભાવ ગાલ પરના તમાચા જેટલા જ સજ્જડ રહેતા.

“વાહ ! આજે તો તમે મેદાન મારી દીધું સુનિતા મેમ ! તાલીઓનો, વાહ-વાહનો એટલો નશો છે કે એ દાદ મેળવવા એક્ટરની ભૂમિકા ઓછી પડતી હોય એમ સાથે રાઈટર, ડિરેક્ટરનો હોદ્દો પણ આપણે જ જાતે લઈ લેવાનો?” સુનિતાના એક સ્પૉન્ટેન્યસ પરફોર્મન્સ માટે થીયેટરમાં જે દાદ મળી એના માટે સણસણતું તીર ફેંકાયું.

બન્યુ એવું કે એ દિવસે સપોર્ટિંગ રોલ કરતી કલાકારનો પગ સ્ટેજ પર પથરાયેલી સેન્ટર કાર્પેટની છેવટની ધારમાં અટવાયો અને એ ગડથોલું ખાઈ ગઈ. સુનિતાએ એકદમ સહજતાથી એને પડતી ઝીલી લીધી અને હડબડાટમાં પોતાનો સંવાદ ભૂલી ગયેલી એ કલાકારના જ સંવાદને થોડા ફેરફાર સાથે પોતાના સંવાદ સાથે વણી લઈને સમય સાચવી લીધો. પ્રેક્ષકોએ આ વાત પારખી તો લીધી પણ સુનિતાની સમયસૂચકતાના લીધે સચવાયેલી ઘડી પર આફરીન પોકારી ઊઠ્યા.

બેક સ્ટેજ જતાં એ શાલ્વલીએ આવીને સુનિતાને દિલથી કહ્યું, “ થેન્ક યુ મેમ, આજે તમે મને સાચવી લીધી. સુનિતાએ હેતથી એને પોતાની બાથમાં લીધી અને ત્યાં ઊભેલા કમલની આંખમાં તિખારો ચમક્યો. જુનિયર આર્ટિસ્ટ, બેક સ્ટેજ કલાકારો, મેકઅપમેન સૌની હાજરીમાં જ કમલે તીખા બાણ સાથે એને ઘડીના છઠ્ઠા ભાગમાં અપમાનિત દશામાં મૂકી દીધી. સ્તબ્ધ સુનિતા મેકઅપ રૂમમાં જઈને એ કડવો ઘૂંટડો ગળી ગઈ. ગળામાં અટવાયેલો ડૂમો એણે બોટલના પાણી સાથે હ્રદયમાં ઉતારી દીધો. વળતી ક્ષણે એને પાછા સ્ટેજ પર જવાનું હતું. આંખના આંસુથી ચહેરાનો મેકઅપ ખરડાય એ કેમ ચાલે?

આવી અવારનવાર બનતી ઘટનાઓથી સુનિતાનું મન ભરાઈ ચૂક્યુ. જે વ્યક્તિ પાસેથી જ સૌથી વધુ પ્રશંસાની અપેક્ષા હોય એ વ્યક્તિ જ એમાં ઉણી ઉતરતી જતી હતી અને સુનિતાની સહનશક્તિનું લેવલ પણ ઘટતું જતું હતું. રાજ્ય કક્ષાએ સન્માનિત અદાકારાનું જાહેરમાં સન્માન સાચવવાની વાત તો દૂર એના આત્મસન્માન પર ઘા કરવાનો ક્રુર આનંદ આવતો હોય એમ કમલ એક પણ તક ચૂકતો નહીં.

કમલની હંમેશા પ્રબળ ઈચ્છા રહેતી કે સૌ કોઈ એને જ ઓળખે પણ કોઈ 'એને' ઓળખી જાય એ તો ના ચાલે ને? સુનિતા એને ઓળખી ગઈ હતી. કમલની અંદરનો અહંકાર, એનો કેપીટલ લેટરમાં લખી શકાય એવો આઈ---હુંકારના ફુફાડા જેવો શબ્દ હું …સુનિતાએ બરાબર ઓળખી લીધો હતો અને એટલે જ કમલ સુનિતાને નાની- ઓછી દર્શાવવાની એક પણ તક જતી નહી કરવી એવું નક્કી કરીને બેઠો હતો.

કોઈની લીટી નાની કરવા એને ભૂસવી જરૂરી નથી, એના માટે હાથમાં રબર નહીં પેન્સિલ રાખવી પડે, એની લીટી કરતાં આપણી લીટી મોટી દોરવી અગત્યની છે એ નાનપણમાં શીખેલી વાત કમલને આજે ક્યાંથી યાદ હોય? એને તો એ પણ ક્યાં યાદ હતું કે એણે એક દિવસ સુનિતાનો હાથ હાથમાં લઈને કહ્યું હતું કે, “ તું એટલે,મારી જીંદગીની પહેલી અને અંતિમ પસંદ.”

અને સુનિતાને તો આજે ય યાદ હતું કે એણે કમલે કુમાશથી પકડેલા હાથમાં પોતાનો હાથ રાખીને કહ્યું હતું કે, “ હું આ સપ્તપદીના સાતે વચન તમારી સાથે નિભાવાનું, આ ઘરમાં, તમારા હ્રદયમાં કાયમ માટે જીવવાનું નક્કી કરીને આવી છું. મને તો તમારી સાથે જ ચાલવાનું સુખ જોઈએ છે. તમારાથી અલગ મારું કોઈ સુખ હોઈ જ ન શકે.”

આ સુખની વ્યાખ્યા બંનેની જુદી હશે એવી કલ્પના તો ક્યાંથી કરી હોય સુનિતાએ? પણ જ્યારથી એ સુખની વ્યાખ્યા અલગ જ છે એવું એને સમજાવા માંડ્યું ત્યારથી કમલ પણ એને સમજાવા માંડ્યો. એ માત્ર પોતાને જ પ્રેમ કરી શકતો, એ માત્ર પોતાને જે કેન્દ્રમાં રાખીને જીવવાવાળો માણસ હતો. એને તો પોતાની ઓળખ જતી કરીને કમલના પડછાયામાં ઓગળી રહેલી સુનિતા જોઈતી હતી નહીં કે એક અલગ ઉભરી આવતી ઓળખ ધરાવતી સુનિતા.

છેલ્લા કેટલાય સમયથી સુનિતાના દિલ-દિમાગમાં એક સતત મનોમંથન ચાલ્યા કરતું. એ સતત પોતાની જાત સાથે વાદ-વિવાદ કરતી જતી હતી. એને તો હજુ પણ કમલની સાથે જ ચાલવું હતું, કમલની જોડે જ જીવવું હતું અલબત્ત જો કમલનો સાચે જ સાથ હોય તો.

ભાગ્યેજ પોતાનો અવાજ ઊઠાવતી સુનિતાના ચિત્તમાં આજે ઘોંઘાટ ઉમટ્યો હતો. મનની સ્થિરતા આજે વેર-વિખેર થઈ ગઈ હતી. સ્ટડીરૂમમાં મોડી રાત સુધી નવી સ્ક્રિપ્ટ પર કામ કરતા કમલ વગરના બેડરૂમમાં પણ કમલની હાજરી સતત એક ભાર સાથે અનુભવાતી હતી. એક ક્ષણ પણ એવી નહોતી કે કમલ એના મન પર છવાયેલો ન હોય. એક સમય હતો જ્યારે કમલની હાજરી એક કેફની જેમ એના મન પર છવાતી. આજે એ જ કમલ એની હાજરી વગર પણ એના મન પર ભાર બનીને ઝળૂંબ્યા કરતો.

બેડરૂમની એકલતામાં પાસા ઘસતી સુનિતાની બાજુમાં એક સાવ નાનકડી છોકરી ઘેરું એકાંત ભેદીને આવી અને હળવેથી સુનિતાની બાજુમાં બેસી ગઈ.

“અરે ! આ તો આસપાસ બનતી ઘટનાઓના ઘમસાણમાં આ પાછળ ભૂલાઈ ગયેલી સુનિ! એ વળી ક્યાંથી? પોતાના માનસ પર સજ્જડ કબજો જમાવીને બેસી ગયેલા કમલના વિચારોને ભેદીને આવવા જેટલી હિંમત તો એની જ હોઈ શકે ને?

“ કેમ, મને ઓળખે છે કે સાવ ભૂલી જ ગઈ?” એ નાનકડી સુનિએ એને પૂછ્યું.

“ આવું કેમ પૂછે છે?” સુનિતાએ કહ્યું?

“અત્યારે તો તું તારી જાતને ભૂલી ગઈ છું, હું તો વળી તારો ભૂતકાળ. ત્યાં સુધી તું મને ક્યાંથી યાદ રાખવાની?”

“ અરે ! હું તો તને મારી અંદર લઈને જીવી છું. તને ઉછરતી, મોટી થતી મેં અનુભવી છે.”

“મઝામાં તો છું ને?” સુનિતાનો હાથ પસવારતા સુનિ બોલી.

“ હા હા વળી કેમ પૂછવું પડ્યું?”

“ ના આ તો જરા અમસ્તું જ. તને આમ અડધી રાત્રે બેચેનીમાં પાસા ઘસતી જોઈ એટલે.”

જાણે દુઃખતી નસ કોઈએ દબાવી હોય એવી વેદના સુનિતાને થઈ આવી.

“મારી આટલી ચિંતા હતી તો ક્યાં હતી અત્યાર સુધી તું?” જરા રીસથી સુનિતાએ નાનકડી સખીને પૂછ્યું.

“તારી આસપાસ જ હતી. કોઈ એક ક્ષણ એવી નહીં હોય કે હું તારાથી દૂર ગઈ હોઉં પણ તને ક્યાં એક ઘડી કશો વિચાર કરવાની ફુરસદ હતી? તું તો બસ તારા મન પર એક એવું અભેદ કોચલું ચઢાવીને બેસી ગઈ હતી કે રખેને એમાં ચાલતી ગડમથલ ક્યાંક બહાર ન ડોકાઈ જાય. પણ તું ભૂલી કે હું તો કોઈપણ ભેદરેખાને છેદીને પણ તારા સુધી પહોંચી શકું જ છું. આટલી ભીડમાં પણ તું તારી જાતને એકલી પાડીને જીવે છે એ ભલે કોઈને ન દેખાય પણ હું તો એ જાણું જ ને?”

"તું નહીં જાણે તો બીજું કોણ જાણશે? નાનપણથી જ તો તું સાથે, મારી અંદર જીવી છું ને? તું જ તો મને સમજે ને!”

“યાદ છે નાની હતી ત્યારે તું કેવી હતી? તડ ને ફડ કરનારી.”

“હસ્તો વળી, કેમ એવું પૂછે છે?”

“આ તો કદાચ યાદ ન હોય તો?..યાદ છે કેટલી જીદ હતી તારામાં? કોઈપણ ખોટી વાત ચલાવી નહીં લેવાની જીદ, ખરાને ખરું કહી દેવાની જીદ. મમ્મી-પપ્પા કે પછી સ્કૂલના ટીચર કેમ ન હોય, માની લેવા ખાતર કોઈની ય વાત તું ક્યાં માનતી? જ્યાં સુધી તારા મનનું સમાધાન ન થાય ત્યાં સુધી તું તારી વાત પર અડીને રહી જતી. ખોટી રીતે તને લઢે એ તો તારાથી ક્યારેય ક્યાં સહન થયું હતું. યાદ છે ને?”

“હાસ્તો વળી, કોઈની ખોટી વાત તો કેમ ચલાવી લેવાય?”

“યાદ છે ને કૉલેજમાં નમિતા સાથે શું થયુ હતું?”

“સુનિ, કેવી વાત કરે છે? યાદ હોય જ ને! ત્યારે નમિતા તો સાવ જ ખોટી વાત લઈને મારી સાથે દલીલોમાં ઉતરી હતી. દલીલોથી કોર્ટમાં કેસ જીતાય છે સંબંધો નહીં અને સંબંધ હોવા માત્રથી સંબંધ નથી ટકતો. સંબંધ નિભાવવાથી ટકે છે.” સુનિતાનો અવાજ જરા ઊંચો થઈ ગયો.

“અને તું એવું પણ કહેતી હતી ને કે દિમાગથી જોડાયેલા સંબંધ બાંધછોડ કરીને પણ ભાગ્યેજ ટકે છે જ્યારે દિલથી જોડાયેલા સંબંધને ટકાવવા બાંધછોડની આવશ્યકતા ભાગ્યેજ ઊભી થાય છે બરાબર ને?”

“હા, સુનિ હા, હજુ પણ હું એવું જ માનું છું. દિલ વગરના ખોખલા સંબંધોમાં ઉષ્મા જ ક્યાં હોવાની અને એવા ઉષ્મા વગરના સંબંધો જેમાં ખુલ્લો શ્વાસ લેવાની જગ્યા ન હોય એવા સંબંધો તો બંધિયાર પાણીની જેમ ગંધાવાના.”

“અચ્છા? આ તું બોલે છે? તું તો સાચાને સાચું કહેનારી તો તારી જાતને ક્યારથી છેતરતી થઈ ગઈ?”

“સુનિ…..” સુનિતાની અવાજમાં જરા ધાર ઉતરી આવી.

“કેમ ખોટું કહ્યું મેં? અત્યારે તું શું કરી રહી છું? દિલ વગરનો ખોખલો સંબંધ નથી જીવી રહી? તારા અને કમલના સંબંધોને તું દુનિયા આગળ પરફેક્ટ પરફોર્મન્સ કરી આદર્શ સાબિત કરી શકીશ પણ તારી જાત પાસે ? મારી પાસે એ સાચો છે, તું દિલથી એ સંબંધ જીવી રહી છું એવું કહી શકીશ? આ કથિત સંબંધમાં બંને વચ્ચે વિચારોમાં, વાણી, વર્તન કે વ્યહવારમાં ય ક્યાં સચ્ચાઈ રહી છે? નક્કી કરી લે.”

“હું તો સચ્ચાઈપૂર્વક એ સંબંધ જીવવા માંગતી હતી પણ…..” સુનિતાના ગળામાં ડૂમો બાઝ્યો, આંખમાં ભીનાશ તરવરી.

“જાણું છું, પણ તું એ જાણે છે કે તાલી બે હાથે જ વાગે? સામે તાલી દેનારનો હાથ નહીં લંબાય તો તારી તાલી ખાલી જશે અને અત્યારે તારી તાલી ખાલી જ જાય છે ને? બાજુમાં બેઠેલી નાની સુનિ ભૂતકાળનું તળ ફાડીને વર્તમાન સુધી પહોંચી હતી. એનામાં હજુ ય ખરાને ખરું કહી દેવાની જીદ હતી. આપણે કોઈની સાથે પ્રેમથી જોડાઈએ એટલે એકબીજાના સુખ-દુઃખમાં એક સરખા સહભાગી બનીએ છીએ પણ જો એના સુખમાં, એની સફળતામાં જો તું શામેલ ન જ હોય તો એ સંબંધને તું કેવો સંબંધ કહીશ? હું તો એવા સંબંધને સ્વાર્થી જ કહીશ. આવા સ્વાર્થી સંબંધોને તું ક્યાં સુધી જીવ્યા કરીશ? તારા સત્વને, તારા અસ્તિત્વને ક્યાં સુધી દાવ પર મુક્યા કરીશ?”

“સુનિ….”

“સાચું કહું છું, આ ભાર વેઢાંરીને તો તું, તું નહી રહે. સુનિતામાંથી સુનિતા જૈન બનવામાં તેં જે તારી ખુમારીની આહુતિ આપી છે એ તને ફળવાની હોત તો વાત અલગ હોત. આ સત્ય તું જેટલું જલદી સ્વીકારી લઈશ એટલી જલદી તું આ બોજામાંથી બહાર નિકળી શકીશ. તને ખબર છે ને કે દરિયા જેવો દરિયો ય મૃત શરીરને નથી સંઘરતો તો આ મૃતપ્રાય સંબંધના સહારે તો તું ડૂબતી જઈશ અને કોઈ તને હાથ ઝાલીને ઉપર નહીં લાવી શકે.” આજે સાચે જ આ સુનિ જીદ પર ચઢી હતી.

નાનકડી સુનિતામાં એક જાતની વિનર ઇંન્સ્ટિંક્ટ હતી. એનામાં રહેલી જીતવાની પ્રબળ ઇચ્છા એનામાં આત્મવિશ્વાસ, ખુમારીનો સંચાર કરતાં પણ આજે કમલે એનો એ આત્મવિશ્વાસ જ તોડી નાખ્યો હતો.

“ઊઠ- જાગ અને ઊભી થા. આજે મેં જે તને કહ્યું એ કોઈ તને નહીં કહે અને વારંવાર તો હું પણ નહી કહું. હવે નિર્ણય તારે કરવાનો છે.” સુનિતાની આંખમાંથી રેલાતા આંસુને હળવેથી સાફ કરીને એ પાછી સુનિતામાં વિલીન થઈ ગઈ. એકાકાર થઈ ગઈ.

હવાની લહેરખીની જેમ આવીને ચાલી ગયેલી નાનકડી સુનિએ સુનિતા જૈનના દિલ પર- દિમાગ પર બાઝેલા ભ્રમિત પ્રેમના બાવાજાળાં વિખેરી નાખ્યા. બીજા દિવસની સવાર માટે એક ચોક્કસ નિર્ણય લઈને સુનિતાએ પથારીમાં લંબાવ્યું અને પળવારમાં તો એ એક એવી નિરાંતની ઊંઘમાં સરી ગઈ જ્યાં સ્ટડીરૂમમાંથી કમલના પાછા આવ્યાનો અણસાર સુધ્ધાં ન પહોંચ્યો.

******

અને એટલે જ એ દિવસે સુનિતા સન્મુખાનંદ હૉલમાં આટલા આત્મવિશ્વાસથી કમલ તરફ સીધી નજરે તાકતા એના વક્તવ્યના અંતમાં કહી શકી,

“ઈશ્વરકૃપા, રંગદેવતાના આશીર્વાદ અને આપ સૌના પ્રેમ થકી હું આજે જે મુકામ પર પહોંચી છું એ ગૌરવની ક્ષણને નતમસ્તકે સ્વીકારું છું. આટલા વર્ષો દરમ્યાન અનેકવિધ ભૂમિકાઓ ભજવી છે જેને મેં માણી છે અને મારા દરેક પાત્રને નિભાવવાનો પુરેપુરી સંનિષ્ઠતાથી પ્રયાસ કર્યો છે અને આપે આવકાર્યો પણ છે.”

પ્રેક્ષકો તરફથી નજર ફેરવીને સીધી જ કમલ તરફ નજર ઠેરવતા સુનિતા આગળ વધી, “હું આજ સુધી માત્ર અમારા હોમ પ્રોડક્શનમાં જ અભિનય આપવાના મારા નિર્ણયમાં જરા બદલાવ લાવવા ઇચ્છું છું. હું મારા આ નાનકડા વિશ્વથી બહાર નિકળીને નાટ્યજગતના અફાટ વિશ્વમાં ખેડાણ કરવા ઇચ્છુ છું. અલબત્ત અમારા હોમ પ્રોડક્શનને છોડવાની અહીં વાત નથી પણ અભિનયના અફાટ આભમાં જરા ઊડી લેવું છે. સૌ જાણે છે, એમ હું પણ જાણું છું. કોઈપણ કલાકારના જીવનમાં એક એવો સમય આવે છે, જ્યાં એના અભિનયની સીમાઓ બંધાતી જાય છે. એક મુકામ પર પહોંચ્યા પછી કદાચ ત્યાંથી આગળ વધવાના બદલે સ્થગિત થઈ જવાતું હોય છે. ઉંમરની સાથે પાત્ર વૈવિધ્ય બદલાતું જશે અને એની સાથે એમાં પાકટતા વધતી જશે. કદાચ આ ચહેરા પર સરી આવતી કાળા વાળની સેર કાલે સફેદી ધારણ કરતી જશે. મને એ મંજૂર છે, સ્વીકાર્ય છે.”

ફરી પાછી કમલ તરફથી આંખ ઉઠાવીને જાણે પ્રેક્ષકોની સાથે જ સીધો સંવાદ કરતી હોય એમની તરફ તાકતા સુનિતા ઉમેર્યું, આપ સૌ જાણો છો એમ અમારા જેવા તો કેટલાય સૂરજ ઊગીને આથમી જશે પણ એ પેલું ગગન તો એમ જ યથાવત જ રહેવાનું છે. હવે સૂરજે નક્કી કરવાનું છે કે એણે અથમતા પહેલાં કેટલો ઉજાસ પાથરવો છે. મારામાં રહેલો અભિનયનો સૂરજ પણ ક્યારેક આથમવાનો તો છે જ પણ એ પહેલાં મારે પણ મારો ઉજાસ પાથરતા જવું છે. કલાકાર માટે તાળીઓના ગડગડાટ વચ્ચે જ એક્ઝિટ લેવાથી વધીને બીજુ કોઈ સુખ કે સન્માન હોઈ શકે નહીં. આજે જે કીર્તિ, જે સન્માનની સાથે આપ સૌને પ્રેમ મને મળ્યો છે એનાથી વિશેષ સુખ બીજું શું હોઈ શકે? બસ આપ સૌનો પ્રેમ પ્રાર્થુ છું. શ્રદ્ધા છે મારા આ નિર્ણયમાં આપ સૌનો સાથ મળશે.”

અને તાળીઓના ગડગડાટ અને સ્ટૅંડીંગ ઓવેશન વચ્ચે કમલની સામે એક તીખી- વેધક નજરે તાકતી ગૌરવવંતી ચાલે સુનિતા સ્ટેજ પરથી ઉતરીને પ્રથમ હરોળમાં કમલની બાજુની ખુરશીમાં ગરિમાપૂર્વક ગોઠવાઈ ગઈ!


Rate this content
Log in

Similar gujarati story from Drama