Rajul Shah

Inspirational

3  

Rajul Shah

Inspirational

વૅલિ ઓફ ફાઈવ લેક્સ

વૅલિ ઓફ ફાઈવ લેક્સ

8 mins
591


જયારે કુદરત બેશુમાર રાજી હોય ને ત્યારે જ આટલી સુંદરતા વેરાયેલી જોવા મળે. જાસ્પરથી અમારી ટુર શરૂ થઈ અને બેન્ફ પહોંચ્યા ત્યાં સુધીમાં તો એમ જ થાય કે આનાથી વિશેષ સૌંદર્ય બીજું શું હોઈ શકે? આમ તો ૨૮૭ કિલોમીટર (૧૭૮ માઇલ)ની સફર એટલે આશરે ૩થી ચાર કલાકમાં તો પહોંચી જ શકાય પણ અહીં તો પહોંચવાની ઉતાવળ કોને હતી? કારણ …? આખા ય રસ્તે વેરાયેલું સૌંદર્ય.


જાસ્પરથી નિકળો અને વેલી ઓફ ફાઇવ લેક્સની શરૂઆત થાય પણ આજે લેકની ગણતરી તો કરવી જ નથી માત્ર એની સુંદરતા માણવી છે અને એના વિશે કંઇક કહેવું છે.


જાસ્પર નેશનલ પાર્કની દક્ષિણે આશરે ૩૦ કિલોમીટર દૂરીએ અને કોલંબિયા આઇસફિલ્ડ પાર્કવૅની પશ્ચિમે વહેતી આથબાસ્કા નદી પરનો આથબાસ્કા ફૉલ ૨૩ મીટરની ઊંચાઈએથી આવે છે પરંતુ એનો ફોર્સ, એના વહેણનો અવાજ એટલો બુલંદ છે કે બહાર હાઇવૅ સુધી સંભળાય છે. ઉનાળામાં કોલંબિયાના આઇસફિલ્ડના ગ્લેશિયર ઓગળતા આથબાસ્કા નદીમાં એનું પ્રમાણ વધી જાય છે. પાર્કિંગ લૉટથી જરા અમસ્તુ ચાલીને પહોંચાય એવા આ ફૉલ પાસે ઊભા રહેવાના વિવિધ પ્લેટફોર્મ છે જ્યાંથી એની ગતિ માણી નાણી શકાય છે. સખત ફોર્સથી આવતો પાણીનો પ્રવાહ બે પર્વતની સાંકડી નેળમાં ફેંકાય છે અને એ જ ફોર્સથી જાણે એના ફીણ પાછા ઉપર તરફ ઉડી આવે છે. સફેદ પાણીની શીકરો જાણે સ્ફટિકના પત્થર જોઈએ લો. આ શીકરો હમણાં જ આપણને ભીંજવી દેશે એવી દહેશત સાથે પણ એના ફોટા કે એની ગતિથી વિડીયો લેવાનો લોભ જતો નહોતો.


આગળ વધતા કુદરતે જાણે થોડો રંગ બદલ્યો. એકદમ લીલાછમ દેખાતા સરુ જેવા વૃક્ષોમાં આછી લાલાશ અને તપખીરયા રંગની ઝાંય ભળી હતી જાણે પાનખરની શરૂઆત દૂર નથી એવો સંદેશો આપી રહ્યા હતા.. રસ્તામાં નકશા પ્રમાણે અહીં કોઇ વ્યુ પોઇન્ટ નહોતો તેમ છતાં અચાનક ગાડીઓનો કાફલો રોકાઈ ગયેલો જોયો. કુતૂહલવશ અમે પણ રોકાયા જ. જોયું તો એક રીંછ ચરતું હતું, ત્યાં કૉન જેવા દેખાતા લાલ ફૂલોને આરામથી ખાતું પોતાની મસ્તીમાં ફરતું હતું. હવે મઝાની વાત તો એ કે ઝૂમાં જઈએ તો કેટલાય રીંછ જોવા મળે પણ આમ અનાયાસે જંગલનું પ્રાણી રસ્તા પર આવેલું જોઈએ તો નાના બાળક જેવો આનંદ તો થઈ જ ગયો અને એને તો જાણે આ ટોળાની પરવા જ નહોતી. આવડી મોટી કાયા ધરાવતા રીંછને નાના નાના ફૂલ,ડાભ જેવું ઘાસ, છોડવા ખાતા જોઈને એમ થાય કે કેમ કરતાં એનું પેટ ભરાતું હશે? પણ આ કાળા રીંછ ઉનાળામાં તો મોટાભાગે ઘાસ-પાલો જ આરોગતા હોય છે . જો તાજી કૂણી કળીઓ ખાવા મળતી હોય તો થોડા ઊંચા ઝાડ પર ચઢવાની તસ્દી લે ખરા. હા! ફળોમાં બેરી તો અતિ પ્રિય. એનો અર્થ એ નહીં કે એ લોકો માત્ર શાકાહારી જ હોય છે પરંતુ માંસ ખાવા માટે પ્રાણીને મારવાની તસ્દી નથી લેતાં પણ જો ક્યાંક મરેલું પ્રાણી મળી જાય તો એ ય ખાવાનો વાંધો નથી હોતો. એકદમ તકવાદી. ઠંડીમાં જ્યારે ચારેકોર બરફ છવાયો હોય ત્યારે જીવજંતુ, માછલી કે સહેલાઈથી ઉપલબ્ધ એવા નાના પ્રાણીઓ ખાઈને પેટ ભરી લે ખરા.


આગળ જતાં વળી સનવાપ્ટા ફૉલ આવે. વસંત પછી શરૂ થતી ગરમીથી બરફ ઓગળતા સનવાપ્ટા નદીમાં પાણીનો પ્રવાહ વધે જે સનવાપ્ટા ફૉલ સ્વરૂપમાં પલટાય. સનવાપ્ટાનો એક અર્થ થાય છે ‘તોફાની પાણી’ અને ખરેખર આ ફૉલને જોઈને સાચે જ લાગે કે પાણી પણ તોફાની બની શકે. અપર ફૉલ અને લૉઅર ફૉલ બંને હોવા છતાં અપર ફૉલ સુધી પહોંચવાની સુગમતા હોવાથી અહીં લોકોની મુલાકાત વધારે પ્રમાણમાં હોય છે. ગ્લેશિયરના ઓગળેલા પાણીમાં ગળીનો સાવ આછો રંગ ભેળવી દીધો હોય એવા ભૂરા પાણી જોઈએ તો રંગોની મેળવણીનું જ્ઞાન આપણામાં કેવી રીતે આવ્યું હશે એ સમજાઈ જાય.

સરોવરના નીલવર્ણા પાણીએ પણ આસમાન સાથે એકરૂપતા જાળવી રાખવા એ જ રંગ જ ધારણ કરી રાખ્યો છે અને આકાશ પણ જાણે ઝળૂંબીને એમાં પોતાની સ્વીકૃતિની છાયા જોઈને રાજી રાજી..


ગ્લૉબલ વૉર્મિંગના લીધે બરફનું પાણી ઓગળે અને જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનો રસ્તો કરી લેતા હોય એવા નાના-મોટા ફૉલ તો આખા રસ્તે આવ્યા જ કર્યા. કોઈક જાણે ભૂલા પડ્યા હોય, કોઈ પોતાના ટોળાથી છૂટા પડ્યા હોય તો કોઈક રમતિયાળ અને કોઈ રિસાઈને કે ઠમકાઈને ઊભા રહી ગયા હોય એવા ફૉલ જોવાની ય મઝા તો આવે જ.

અને ફરી પાછા રસ્તે આવ્યા અને રીંછના બે બચ્ચા સાથે એની માતાને પાણી પીતી જોઈ. સ્વાભાવિક છે ઊભા તો રહી જ જવાય.


હમણાં સુધી તો આખેઆખા લીલાશભર્યા પર્વતો દેખાતા હતા અને એકદમ રસ્તાની એક કોરેથી બરફ થીજી ગયો હોય એવો પહાડ સામે આવી ગયો.

કોલંબિયા આઇસફિલ્ડના ઉત્તરી છેડા પરના આ સ્ટટફિલ્ડ પર્વત પરના વહેતા પાણીને એકદમ થીજવી દીધું હોય એમ સ્થિર થઈ ગયેલું જોયું. શરૂઆતનો સ્નૉ એકદમ પોચો રૂનો ગાલીચો પાથર્યો હોય એવો દેખાય અને એ જ સ્નૉ ઠંડી વધતા આઇસ થઈને સખત બની જાય. ખડકાળ પર્વત પર થીજી ગયેલો આ બરફ જાણે કોઈ કુશળ ચિત્રકારે દોરેલું ચિત્ર જોઈ લો. સ્ટટફિલ્ડ નામ આપ્યુ છે બ્રિટનના વૈજ્ઞાનિક, અન્વેષક અને પર્વતારોહક એવા જોહન નોર્મન કોલીએ.


રૉકિ માઉન્ટેનના સૌથી વિશાળ આઇસફિલ્ડ પાસે અમે ઊભા હતા. આશરે ૩૫૦ ચોરસ કિલોમીટર (૧૨૫ ચોરસ માઇલ)માં પથરાયેલા આ કોલંબિયા આઇસ ફિલ્ડ પર પ્રતિ વર્ષ ૭ મીટર જેટલો સ્નૉ ખડકાયે જ જાય છે. સેંકડો નહીં પણ હજારો વર્ષોથી ખડકાયે જતા સ્નૉના આવરણથી સર્જાયેલા કોલંબિયા આઇસફિલ્ડને જોવાનો રોમાંચ કેવો હોય? હવે આ આઇસફિલ્ડના ઉદભવના મૂળ સુધી જઈએ તો એની માહિતીથી આખું પાનુ ભરાય પણ. ધરતીની અંદર થતી હલચલ અને વાતાવરણના ગજબના પલટા,અજબની અસરો ઊભી કરી શકે છે એ તો નિશ્ચિત છે. હાઇવૅ પરથી તો કોલંબિયા આઇસફિલ્ડનનો જરાક અમસ્તો જ ભાગ છે. જેમાં આથબાસ્કા, ડૉમ અને સ્ટટફિલ્ડની તો મુલાકાત થઈ ગઈ પરંતુ એનો મહદ અંશ તો આપણી નજરની મર્યાદાની ય પેલે પાર છે. આ આઇસફિલ્ડ સુધી જાતે જવું એ તો આપણી પહોંચ બહારની વાત છે પણ એની ય અહીં સગવડ છે. અહીંની અધિકૃત બસો દ્વારા પ્રવાસીઓને આઇસફિલ્ડ સુધી લઈ જવામાં આવે છે. આ ૯૦ મિનિટની સફરથી આથબાસ્કા ગ્લેશિયર સુધી પહોંચાય છે. ગ્લેશિયર સુધી લઈ જતી એ રાઈડ રૉલરકૉસ્ટરથી જરાય કમ નથી હોતી. એકવાર ઉપર સુધી પહોંચો અને સીધા જ બરફાચ્છાદિત પર્વત પર પગ મૂકો એટલે હિમયુગ કોને કહેવાય એની અનુભૂતિ જરૂર થશે.


કોલંબિયા આઇસફિલ્ડનું આકર્ષણ આટલે સુધીનું નથી. અહીં એક કાચનો સ્કાયવૉક તૈયાર કરવામાં આવ્યો છે જેની ઉપર ઊભા રહેવાની કે ચાલવાની હિંમત જોઈએ. આશરે ૩૦૦ મીટરની ઊંચાઇએથી નીચે સીધી ખીણ દેખાય. જો કે સાહસિકો માટે તો આ એક સાવ અલગ અનુભૂતિ જરૂર બની જાય. એક કિલોમીટરના આ સ્કાયવૉક પર જઈને ઊભા રહેવું એટલે જાણે આસમાનને આંબવું. સામે વિશાળ ગ્લેશિયર અને નીચે સનવાપ્ટા વેલી.. અત્યંત મનોહર દ્રશ્યને મનભરીને માણી તો લેવું જ જોઈએ. અહીંથી ધોધ, વન્યપ્રાણી અને વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષ પણ જોવા મળી જાય.


આ એક અનેરી અનુભૂતિ લઈને પ્રવાસી આગળ વધે ત્યાં રસ્તા પર હવા પાણી અને કાળના ઘસારાના લીધે વિવિધ રંગરૂપ અને દેખાવના પર્વતોની હારમાળા શરૂ થઈ જાય. લીલી વનરાજીથી ભરપૂર પર્વત શાંત ચિત્તે ધ્યાન ધરી રહ્યા હોય એવા લાગે તો ક્યાંક સિમેન્ટીયા તો ક્યાંક ખાંચાખૂંચીવાળા તો ક્યાંક મહેલનો ગઢ તો ક્યાંક મહેલનો ઝરૂખો, ક્યાંક ખંડીયેર થઈ ગયેલી ઈમારત, તો વળી રોમના કૉલોઝિઅમની પ્રતિકૃતિ ઊભી કરી હોય એવા પર્વતો તો વળી દૂર સ્નૉથી ઢંકાયેલા પહાડો. જો વાદળ આડેથી સૂર્યનો પ્રકાશ પડે તો એની ટોચ ઝળહળ ઝળહળ. એની જોડાજોડ આપણી સાથે સફર કરતાં ઝરણા, તળાવ અને સરોવરનો સાથ હોય તો રસ્તો ક્યાંય પસાર થઈ જાય. પર્વતોની જેમ લેકના પાણીમાં ય અનોખાપણું જોયું. બરફ ઓગળેલા દૂધિયા રંગનું લેક, પાણીમાં જરાક અમસ્તા પિસ્તા કે વરિયાળી પીસીને ભેળવી દીધી હોય એવું આછા લીલા રંગનું તો વળી નિલમની હોડમાં ઉતર્યું એવું નિલવર્ણું પાણી. વિચાર તો આવે જ કે સાવ થોડા થોડા અંતરે બનેલા સરોવરના પાણી આટલા ભિન્ન કેમ?


બેન્ફના ગાઇડ અને વન્યપ્રાણીઓને પકડનાર બિલ પીટોના નામથી ઓળખાનું આ પીય્ટો ગ્લેશિયરમાંથી ઉદ્ભવેલુ લેક છે.

પાર્કિંગ પ્લોટથી આશરે ૧૫/ ૨૦ મિનિટના અંતરે પહોંચવા માટે ચાલવાનું જે અંતર છે એ ઢોળાવવાળું હોવાના લીધે જરા કઠીન તો પડે જ છે પણ એ કેડીએ ચાલતા ચાલતા ત્યાં મુકેલા બોર્ડ અને એની પરના લખાણમાં અહીંની આબોહવા, વનસ્પતિ, પશુ-પંખી વિશેની જાણકારી મળતી હોવાથી એ કેડી કંટાળાજનક નથી લાગતી. બંને તરફ લીલાછમ વૃક્ષોની દીવાલની વચ્ચેથી પસાર થતી આ આખી કેડી ભર બપોરે પણ ગરમીના પારાનો અનુભવ નથી થવા દેતી વળી વચ્ચે વચ્ચે દેખાતા ઝીણકા અમસ્તા સફેદ, પીળા, ગુલાબી, પરપલ ફૂલોથી આ કેડી વધુ રૂપાળી લાગતી હતી. દૂરથી ઊંચા લાગતા આ વૃક્ષો જ્યારે હાથવગા હોય ત્યારે એને સ્પર્શી લેવાનું ય મન થાય પણ ના, ભૂલથી પણ એમ કરી ન બેસતા. ફૂલો માટે તો અહીં લખ્યું જ છે કે “જો જો આ ફૂલો તોડતા…તમારી પછી આવનાર પ્રવાસીને ય એના આનંદ લેવા દેજો” પણ જે વૃક્ષો વિશે ખાસ જાણકારી નથી એવા વૃક્ષોને સ્પર્શવામાં જોખમ કારણકે કયા ઝાડ કે પાન આપણા માટે સલામત છે કે નહીં એની માહિતી અહીં લખી નથી.


આઇસફિલ્ડ પાર્કવૅના સૌથી ઊંચા આ પોઇન્ટ બૉ સમિટને પાર કરીને આપણે એક એવી જગ્યાએ પહોંચીએ છીએ જ્યાં જાણે ધરતીનો છેડો આવી ગયો છે કારણકે ચોગમ પહાડોની વચ્ચે આ લેક છે અને એની પેલે પાર અલ્પાઇન ટુંડ્ર પ્રદેશની શરૂઆત છે જ્યાં એની ઊંચાઈના લીધે વનસ્પતિ ઉગવાની શક્યતા રહેતી જ નથી. જોવાની ખૂબી એ છે કે આ લેકની આસપાસના પહાડો તો પાછા કાળા પત્થરીલા હતા. એક સાથે કેટલી અજાયબીઓ અહીં જોઈ !

મેડિટેશન કરતા હોય એવા આ પહાડોની વચ્ચે ટર્કોઈશ બ્લ્યુ રંગનું પાણી પણ પવનની હળવી થપાટે જરા જરા થથરીને સ્થિર થઈ જતું હતું જાણે વાતાવરણની સ્થિરતાને અકબંધ ન રાખવી હોય!


પીટો લેકની સુંદરતા અને એના આસપાસના વાતાવરણનો કેફ હજુ તો ઉતર્યો નથીં ત્યાં વળી આવ્યું બૉ લેક. ક્યાં ક્યાં અને કેટ -કેટલા લેકની ભેટ અહીં આલ્બર્ટાના લોકોને નસીબ થઈ હશે? કારણકે આ તો માત્ર રસ્તામાં આવતા જ લેકની અહીં વાત છે પણ એવા કેટલાય લેક છે જેને ચાતરીને આપણે નિર્ધારેલા ડેસ્ટિનેશને પહોંચવાનું હોય છે.

૧,૧૪૯ એકરમાં પથરાયેલું આ બૉ લેક બૉ ગ્લેશિયરમાંથી પરિવર્તિત થયેલું છે. આસમાની ભૂરા રંગ રંગની નજીક છતાં એ રંગથી વેગળા રહીને પોતાની અસલ પ્રકૃતિ ખોવી ન હોય એવો રંગ ધારણ કરેલા આ લેક પર અજબ શાંતિ અનુભવાય.


જો કે આ સમયે ઉનાળો હોવા છતાં વાતાવરણમાં ગરમીનો એટલો ભાર નથી હોતો. કોઈપણ જગ્યાએ પહોંચીએ તો ત્યાં વાતાવરણના પલટાના લીધે ક્ષણવારમાં ઠંડો પવન ફૂંકાય એટલે હંમેશા વેધર જેકેટ સાથે રાખવું હિતાવહ છે.


વળી પાછી અમારી સફર શરૂ થઈ બેન્ફ તરફ. વળી પહાડોની વિવિધતા અને આ પહાડોએ તો ભારતના જયપુર, જેસલમેર, આમેર ગઢ અને કિલ્લાની યાદ અપાવી દીધી. રાખોડી, ચૂનાના હોય એવા પહાડો વિંધતા બેન્ફ પહોંચ્યા ત્યારે અત્યંત શાંત અને રળિયામણા બેન્ફે તો મન મોહી લીધું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational