Rajul Shah

Romance

2.5  

Rajul Shah

Romance

ઋણાનુબંધ

ઋણાનુબંધ

12 mins
904



“જૅની , આઈ લવ યુ….આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ બટ આઈ લવ માય પેરેન્ટ્સ ટુ …આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ એન્ડ ઇવન કેન નોટ લીવ માય પેરેન્ટ્સ ઓલસો.”


જૅનીફર ડિસૉઝા અને જય.. એક ઢળતી સાંજે અપ-ટનના લેક સાઈડ પર એકમેકનો હાથ પકડીને બેઠા હતા. કદાચ આ તેમની છેલ્લી સાંજ હતી, કદાચ આ સાંજ કાલે ઢળે કે ના ઢળે. જૅનીની આસમાની આંખોમાં આંસુના પૂર ઉમટ્યા હતા તો જયની આંખોમાં ય લાગણીના પૂર ઉમટ્યા હતા. જૅનીના કાળા રેશમી વાળમાં જયનો હાથ ફરી રહ્યો હતો અને જૅની એક પણ અક્ષર બોલ્યા વગર તેનો સ્પર્શ માણી રહી હતી… આ સ્પર્શ કાલે મળે કે ના મળે.


આંખોમાં સરતા આંસુની સાથે સરી ગયેલા વરસોની યાદ પણ જૅનીની આંખમાં ઉમટી હતી. કોલેજના પહેલા જ વર્ષે જૅની કૉલેજના પ્રાંગણમાંથી પ્રવેશીને કૉલેજના ફૉયરમાં લાગેલા મોટામસ નોટીસ બોર્ડ પર ચોંટાડેલા પેપર પર ક્લાસની ડિટેઇલ શોધી રહી હતી. ઇકોનોમિક્સનો ક્લાસ કયા લેવલ પર છે એ જોઇને જ આગળ વધવામાં શાણપણ હતું . બોસ્ટન કૉલેજમાં ઍડમિશન મળવું જેટલું અઘરૂ હતું એટલું જ અઘરૂ અહીં આવ્યા પછી સ્ટાન્ડર્ડ જાળવી રાખવાનું હતું. કૉલેજના પ્રથમ દિવસથી જ જાણે પરેડ શરૂ થઈ જતી અને એકવાર ક્લાસ શરૂ થાય એટલે શ્વાસ લેવાનો ય સમય ક્યાં મળવાનો હતો?


“ઍક્સક્યુઝ મી…..કેન યુ પ્લીઝ ગાઇડ મી મીસ….? જૅનીએ ઉલટા ફરીને એને બોલાવનાર વ્યક્તિની સામે જોયું..સહેજ સહેમી ગયેલા માસુમ ચહેરા પરનો ગભરાટ એની કથ્થાઇ આંખોમાં પણ છલકાતો હતો. ઘંઉવર્ણો વાન ધરાવતા એ યુવાનની ઊંચાઇ જૅની કરતાં હાથવેંત જેટલી વધારે હતી. સીધો સુરેખ નાક-નકશો અને ભુખરા કાળા વાળ, આછા બ્લ્યુ રંગનું શર્ટ અને ડાર્ક બ્લ્યુ જીન્સ પહેરેલા એ યુવાનના કસાયેલા બાંધા સાથે સહેજ સહેમી ગયેલો માસુમ ચહેરો …..જૅની એકટક એની સામે જોઇ રહી.


“મીસ આઇ વૉન્ટ યૉર હેલ્પ.. હું અહીં સાવ જ નવો અને તદ્દન અજાણ્યો છું. એમ. એ વિથ ઇકોનોમિક્સ માટે મેં આ કૉલેજ જોઇન કરી છે પણ આટલા મોટા કેમ્પસમાં મારે ક્યાં જવું એની મને સૂઝ પડતી નથી….”


યુવક કંઇક બોલ્યે જતો હતો પણ જાણે જૅનીના કાને કંઇ પડતું નહોતું અથવા એ કંઈ સમજી શકતી નહોતી. બંને જણ બઘવાઇને એકબીજાની સામે જોતા રહ્યા. હવે પેલા યુવકની મૂંઝવણ ઓર વધી ગઇ. ફરી એકવાર એણે પોતાની મૂંઝવણ જૅની સામે રજૂ કરી. હવે જૅનીના પલ્લે કંઇક વાત પડી. યુવકના મહેસાણી ગુજરાતી છાંટ સાથે બોલાયેલા અંગ્રેજીમાં એ શું કહેવા માંગતો હતો એ સ્પષ્ટ તો થતું નહોતું પણ ઇકોનોમિક્સ અને ક્લાસ એવું કંઇક સમજાતા એણે જયનો હાથ પકડીને ક્લાસ તરફ દોડવા માંડ્યુ.

આ એમની પહેલી અને અધકચરી મુલાકાત…થોડા દિવસ સુધી તો એમ જ ચાલ્યુ. એ યુવક કંઇ બોલે પણ એનું ગુજરાતીની છાંટવાળું અંગ્રેજી જૅનીને સમજાય નહીં અને જૅનીનું અમેરિકન અંગ્રેજી સમજવામાં જયને પણ ફાંફા પડે પરંતુ ધીમે ધીમે બંનેની ગાડી પાટે ચઢતી ગઈ.


ફૉલ એટલે કે સપ્ટેમ્બરથી શરૂ થતા સેમેસ્ટરમાં જયે એડમિશન લીધું હતું. મૂળ મહેસાણાના પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા સેટલ થયેલા પ્રવિણભાઇ અને માલતીબેનનો “અમે બે અને અમારા બે” …એવો સુખી પરિવાર. જય નાનો અને અમિતા મોટી. પ્રવિણભાઇ બેંકમાં જોબ કરતા. મહેસાણાની ભાગે આવતી જમીન વેચીને વડોદરામાં નાનકડું ઘર લઈ લીધું હતું. સાદાઇથી ચાલતો ઘરસંસાર હતો. આ સાદાઇ પાછળ ભવિષ્યનો ભાર લદાયેલો હતો. પટેલ પરિવારમાં સુંડલો ભરીને કરિયાવર કરીશું તો દિકરીને સારું ઠેકાણું મળશે અને દિકરાને સારું ભણાવીશું તો એનું ભાવિ અને આપણું ઘડપણ સુધરશે એવી ગણતરી ય ખરી. એટલે જમીન વેચીને એના ત્રણ ભાગ પહેલેથી અલગ કરી દીધા. એક ભાગમાંથી વડોદરામાં ઘર લીધું અને બાકીના બે ભાગમાંથી અમિતા અને જયના નામે ફિક્સ ડિપોઝીટ કરીને નિરાંતવા થઈને રહેવું અને ભગવાનને ભજવું એવી સાદી માનસિકતાથી પ્રવિણભાઇ અને માલતીબેનનો જીવન પ્રવાહ વહી રહ્યો હતો.


અમિતા ખુબ રૂપાળી તો નહોતી પણ આંખને જચી જાય એવી તો હતી જ. ઉંમર થતા એના લગ્નની ચિંતા મા-બાપના મન પર હાવી થવા માંડી હતી. વાત એક હોય તો એને પહોંચી વળાય પણ આ એક તો પટેલની નાત અને એમાં પણ સાત ગામ , સત્તાવીસ ગામ, ચરોતર, ભાદ્રણ….. એવા કંઇ પેટા . આ ગામની દિકરી પેલા ગામ ના જાય. એવા વાડાને ઓળંગીને છોકરો શોધવાનો અને સારા કુળ- સારા ઘરનો છોકરો હોય તો સુંડલે ભરાય એટલું સોનુ આપવાની ત્રેવડ ક્યાંથી લાવવી? પણ કહે છે ને કે જે જ્યાં નસીબ લખાવીને આવ્યું હોય ત્યાં કોઇનો આડો હાથ ના નડે. અમિતાના નસીબે કેલિફોર્નિયાનો રોનક લખાયેલો હતો. ખાનદાની તગડો પૈસો ધરાવતા રોનક માટે આમ તો છોકરીઓની કોઇ ખોટ જ ના હોય પણ રોનકને અમિતા ગમી ગઈ. ઓરેન્જ કાઉન્ટીમાં વર્ષોથી ગોઠવાયેલો આખો પરિવાર મોટૅલ બિઝનેસમાં ઠલવાયેલો હતો. રોનકના પિતા-કાકા અને પિત્રાઇઓ બધા જ મોટૅલ બિઝનેસમાં જામી ગયા હતા. એક નહી અનેક મોટૅલ ધરાવતો આ પરિવાર બાજુ-બાજુમાં જ મોટા વિલા જેવા ઘરમાં રહેતો હતો.


પ્રવિણભાઈએ  પુરેપુરી તપાસ કરી હતી. ખાનદાન કુટુંબ હતું. આમ તો કન્યાના કરિવાયરની જરૂર નહોતી પણ પરિવારની બીજી કુળવધુઓ જે કંઇ લઈને આવી હતી તેની સરખામણીમાં અમિતાને ઓછું ન આવે એવી તકેદારી ય લેવાની હતી. આજ સુધી જે કંઇ અમિતાના નામે બોલતું હતું એ તો જાણે પાશેરામાં પુણી જેવું લાગ્યું. અંતે પૂરેપૂરા વિચાર-વિમર્શના અંતે એવું નક્કી કર્યું કે જયના ભણતર માટે જે કંઇ બચત મુકી હતી એ અમિતાના કરિયાવરમાં ઉમેરી દેવી. એકનું ભાવિ સુધરતું હોય તો પછી જોયું જશે.


અને બસ અમિતા રોનક્ને વરીને કેલિફોર્નિયા ચાલી ગઈ. જય કોલેજના પ્રથમ વર્ષમાં હતો. એની ય આંખોમાં સપના હતા પણ બહેન પર લાગણી ય એટલી જ હતી એટલે મા-બાપની મરજીમાં એની ય સંમતિ હતી. જયને આગળ ભણાવવા માટે રોનકનો ય આગ્રહ હતો. આગ્રહ જ નહીં સંપૂર્ણ સાથ પણ હતો. યુ.એસ.એ. ભણવા આવવા માટે તો તમામ ખર્ચો એ ઉપાડી લેવા તૈયાર હતો પણ જયને એ વાત મંજૂર નહોતી. આખુ જીવન એક જાતના ભાર સાથે જીવવાની એની તૈયારી નહોતી. રોનકે તો એટલે સુધી પ્રસ્તાવ મુક્યો કે જ્યારે પણ જય કમાતો થાય ત્યારે એના પૈસા પાછા વાળે.


પણ જયની ખુદ્દારી એમ કરતાં પણ એને રોકતી હતી. સ્કૉલરશિપ મળે તો તો કોઇ ચિંતા જ નહોતી. બાકી રહે યુ.એસ.માં રહેવા ખાવાના ખર્ચાની ચિંતા. એને તો કોઇ પણ રીતે પહોંચી વળાશે એવો જયને વિશ્વાસ હતો અને એનો વિશ્વાસ સાચો ઠર્યો. સ્કૉરલશિપ મળી જતા એ ઉપડ્યો એનું ભાવિ ઘડવા. જવાની ટીકીટ અને બીજા ખર્ચાને પહોંચી વળવા માલતીબેને પોતાના દાગીના કાઢી નાખ્યા. કદાચ આ કારણસર જ દિકરીને કરિયાવર આપવાનો રિવાજ હશે ને?


પ્રવિણભાઇએ બેંકમાં જાહેર થયેલું વી.આર.એસ લઈ લીધું જેથી ભાવિ સુરક્ષિત બની રહે. આમ ચારમાંથી બે રહ્યા વડોદરામાં અને બે ઉપડી ગયા યુ.એસ….


***


યુ.એસ. આવીને બોસ્ટન કોલેજમાં જૅની સાથે થયેલી સામાન્ય ઓળખાણ આજ સુધીના દિવસોમાં વિશેષ અને અંગત બની ગઈ હતી. જૅનીને આ ભલા-ભોળા દેખાતા યુવક પર વ્હાલ આવી જતું. આજ સુધી અનેક યુવકોના પરિચયમાં આવ્યા છતાં જયની જેમ એને કોઇ જચ્યો નહોતો. સામાન્ય લાગતી દોસ્તીના મૂળ વધુને વધુ ઊંડા અને મજબૂત બનીને વિકસતા જતા હતા. જૅનીની સાથે જય એટલી હદે ભળી ગયો હતો કે એને બીજા દોસ્તોની જરૂર રહી નહોતી. એટલું જ નહીં હવે બંને વચ્ચે ભાષાની સીમા નડતી નહોતી.


“ જય,નાઉ યુ વિલ નીડ રીયલ સ્નો શૂઝ એન્ડ વિન્ટર કોટ,” અપ નોર્થની ઠંડી અને તેમાં ય ક્રિસમસ પછી શરૂ થઈ જતા સ્નો ફૉલથી જય અજાણ હતો પરંતુ જૅની પરિચિત હતી. એને ખબર હતી કે એક વાર સ્નો શરૂ થશે પછી શું મુશ્કેલીઓ નડવાની છે. કૉલેજથી વૉકિંગ ડિસ્ટન્સે આવેલા જયના રૂમ સુધી પણ પહોંચવાના કેવા ફાંફા પડશે એની એને કલ્પના નહોતી પણ જૅનીને હતી..

જૅની જાણે સાચા અર્થમાં ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઇડ બની રહી હતી. બંને વચ્ચે નિર્દોષ દોસ્તીથી વિશેષ કોઇ ભાવ આજ સુધી તો નહોતા. પણ કાળના ગર્ભમાં વિધાતાએ એમના માટે ખાસ લેખ લખ્યા જ હશે.


જૅનીએ સમજાવ્યું હતું “ સ્નો હશે ત્યાં સુધી તો વાંધો નહી આવે. તડકો હશે તો સ્નો પિગળી પણ જશે પણ જો કાતિલ ઠંડી હશે અને સ્નોનું આઇસમાં રૂપાંતર થશે તો સાચે જ મુશ્કેલી થશે. અને ખરેખર એમ જ બન્યું . જામી ગયેલા આઇસ પર કોલેજમાંથી નિકળતા જ જયનો પગ લપસ્યો અને ધડામ……


જે ખરાબ રીતે એ પછડાયો એ જોઇને તો એમ જ લાગતું કે થાપાનું ફ્રેક્ચર તો હશે જ. ૯૧૧ બોલાવીને જેમ તેમ કરીને જૅનીએ એને હોસ્પિટલ લઈ ગઈ. બાકીની પ્રોસિજર પતતા સુધીમાં તો બંનેને નેવ નેજા પાણી ઉતરી ગયા. પણ સદનસીબે ફ્રેક્ચરની તકલીફમાંથી જય બચી ગયો પણ જે રીતે પછડાયો હતો એનાથી ઉભા થવાની વાત દૂર પડખું ય ફેરવાતું નહોતું, સખત પીડાના લીધે કણસતા જયને એકલો છોડીને જવાનો જૅનીને જરાય જીવ ચાલતો નહોતો. હોસ્પીટલમાંથી ઘેર જઈને જય કેવી રીતે શું કરશે? પીડા શમવા માટે આપેલી મોર્ફિનની અસરના લીધે જયની આંખો ઘેરાવા લાગી હતી.


જ્યારે જયની આંખો ખુલી ત્યારે એ પોતાના રૂમમાં એના સૉ કૉલ્ડ બેડ પર હતો અને એનાથી થોડે દૂર ગાર્ડન મેટ પાથરીને જૅની ઉંઘતી હતી. આટલી પીડામાં ય જયના ચહેરા પર સ્મિત લેપાઇ ગયું જાણે જૅની છે તો હવે એને કોઇ ચિંતા નથી. એ બધું જ સંભાળી લેશે. અને ખરેખર જૅનીએ જય ઉભો થઈને ચાલતો થયો ત્યાં સુધી બધું જ સંભાળી લીધું. જયને ખરેખર ખુબ વાગ્યુ હતું. બેઠા માર પીડા અસહ્ય હતી. પણ જૅનીએ બધું જ સંભાળી લીધું, એણે એનો બસેરો હાલ પુરતો જયના ઘરમાં જ વસાવી લીધો. મોર્નિંગ ટી થી માંડીને જયને સ્પોંજ કરવા સુધીની જવાબદારી એણે ઉપાડી લીધી. શરૂઆતમાં તો જયને ખુબ અતડું લાગતું અને સંકોચ પણ ભારે થતો. પણ અમેરિકન મુક્ત વાતાવરણમાં ઉછરેલી જૅની માટે આ સાવ જ સ્વાભાવિક હતું, એને કોઇ સંકોચ નહોતો નડતો.


ઘરમાં હોય ત્યાં સુધી એ કંઇકને કંઇક બોલ્યા જ કરતી. કૉલેજથી આવીને ય એનો બડબડાટ ચાલુ રહેતો. લેક્ચરથી માંડીને બ્રેકમાં શું કર્યું એની લંબાણપૂર્વક એ કથા કર્યા કરતી. જયને જાણે હવે એની આદત પડવા માંડી. જૅની વગર ઘર તો શું મન પણ ખાલી ખાલી લાગતું. દોસ્તી ક્યારે દિલદારીમાં ફેરવાઇ ગઈ એ ય ખબર ના રહી. અને જૅની હંમેશ માટે જયના દિલ અને ઘરમાં સમાઇ ગઈ. હવે તો એક ક્ષણ પણ એવી નહોતી કે જય કે જૅની એકલા હોય.


બે વર્ષ તો ચપટી વગાડતામાં પસાર થઈ ગયા. ગ્રેજ્યુએશન સેરેમનીમાં અમિતા અને રોનક આવી ગયા. અને જે વાત આજ સુધી જયે ક્યારેય કોઇની સાથે કરી નહોતી એ સત્ય સુંઘીને ગયા. જય અને જૅનીનું ઐક્ય જોઇને રોનક કે અમિતાને કશું જ પુછવાનું રહેતું નહોતું. જૅની જેવી મીઠ્ઠી છોકરી જે રીતે જયની પરવા કરતી હતી એ જોઇને જયનું ભાવિ જૅની સાથે સુરક્ષિત છે એવું તો અનુભવી શકતા હતા. સવાલ હતો માત્ર પ્રવિણભાઇ અને માલતીબેનની મરજીનો…પણ એને ય પહોંચી વળાશે એવું મનોમન આશ્વાસન લઈને બંને પાછા વળ્યા. રોનકની એક ઇચ્છા એવી તો હતી જ કે પ્રવિણભાઇ અને માલતીબેને વિઝિટર વિઝા તો લઈ જ લેવા જોઇએ. દિકરો અને દિકરી યુ.એસ.માં હોય તો એ સૌથી જરૂરી હતું. અને એમની ઇચ્છાનુસાર એ બંને યુ.એસ. આવ્યા પણ ખરા. શરૂઆતમાં અમિતાના ઘેર રહેલા સાદા સરળ માતા-પિતા અમિતાના ઘરની દોમ-દોમ સાહ્યબી જોઇને અંજાઇ ગયા. થોડા દિવસ રહેવાનુ હતું આગ્રહ કરીને રોનકે એમને વધુ રોક્યા અને સાથે સાથે એમના માટે ગ્રીન કાર્ડ એપ્લાય કરી દીધું. પેરેન્ટ્સ કેટેગરીમાં બંનેનો નંબર પણ ઝડપથી લાગ્યો અને ગ્રીન કાર્ડ આવી ગયું. આ બધું કરવા પાછળ રોનકનો એક જ આશય કે જય પણ જો યુ.એસ.માં સેટલ થાય તો ભવિષ્યમાં પ્રવિણભાઇ અને માલતીબેનને પણ હંમેશ માટે અહીં રહેવા મનાવી લેવાય. રોનકના આગ્રહ આગળ પાછા પડતા પ્રવિણભાઇ અને માલતીબેનને ખરેખર તો અહીં મુંઝારો થતો હતો. દિકરીના ઘરના અન્નજળ પણ શે લેવાય એવું માનવાવાળા અસલ પટલાઇ મિજાજ ધરાવતા મા-બાપને અહીં અકળામણ થતી હતી.


રોનકના અનેક આયાસો હોવા છતાં તેમને પોતે અમિતાના સાસરિયાની સમકક્ષ નથી એ ક્ષોભ મનમાંથી ખસતો જ નહોતો એટલે બને તેટલા જલ્દી વડોદરા પાછા જવા મન હંમેશા તલપાપડ રહેતું. પણ રોનક અને અમિતાએ એક વાતનો આગ્રહ તો કર્યો જ કે આવ્યા છો તો જયને મળતા જાવ. થોડા દિવસ એની સાથે રહીને જાવ.

ખરી મુંઝવણ હવે શરૂ થવાની હતી. જય અને જૅની માટે. જૅની માટે જયની સાથે રહેવું કે રહેવા માટે કોઇ સંબંધની , કોઇ નામની કે લેબલની આવશ્યકતા નહોતી. પણ જયને ખબર હતી કે જૅની સાથેના આ સંબંધની પ્રવિણભાઇ અને માલતીબેનને જાણ થશે તો એમનો શું પ્રતિભાવ હશે.


પરંતુ રોનક અને અમિતાએ પાણી પહેલા પાળ બાંધી લીધી હતી. અમિતા તો થોડીઘણી મુંઝાતી હતી પરંતુ રોનકે આખી વાત હાથમાં લીધી અને પ્રવિણભાઇ-માલતીબેનના જવાના થોડા દિવસ અગાઉ શાંતિથી આખી વાત સમજાવી. જૅની અને જય જો એક થવા માંગતા હોય તો એમને સ્વીકારી લેવા માટે માનસિક રીતે તૈયાર કર્યા.

જો કે ઘણું અઘરું હતું બંને માટે આ વાતનો સ્વીકાર કરવાનું પરંતુ રોનકે જે સમજદારીથી કામ લીધું એમાં વાત બગડતી તો અટકીજ ગઈ અને આમે રોનક આગળ એમને બીજું કશું બોલવાનું ય ક્યાં હતું? હવે આખી વાત જય અને જૅની પર નિર્ભર હતી. જયે જૅનીને બેસીને શાંતિથી આખી પરિસ્થિતિ સમજાવી. ભારતિય સંસ્કૄતિ પ્રમાણે જીવનમાં માતા-પિતાનું શું સ્થાન હોય એ પણ સમજાવ્યું.


જૅની માટે આ બધું જ નવું અને તદ્દ્ન અજાણ્યું હતું. એની સમજ અને સંસ્કૃતિ મુજબ તો સોળ વર્ષ પછી સંતાનો પોતાની મેળે, પોતાની રીતે જ રહેતા થઈ જાય. મા-બાપને વર્ષે બે-ચાર વાર મળો કે પછી અનુકૂળતા હોય તો થોડા દિવસ સાથે રહો…બસ વાત પતી જાય.


આજ સુધી જય અને જૅનીએ દિલ ખોલીને એકબીજાની સાથે વાતો કરી હતી. પરિચય ગાઢ બનતા પરિવાર અને પરિવારની પરંપરા વિશે પણ ઘણી વાત થઈ હતી. જયના ગ્રેજ્યુએશનમાં આવેલા રોનક અને અમિતા સાથે પણ જૅની ઘણી ભળી ગઈ હતી. ભાઇ બહેનના હુંફાળા સંબંધોની હુંફ પણ એ માણી ચૂકી હતી. એના મતે સરસ પરિવાર હતો જયનો. જયની વાતો સાંભળીને કંઇક અંશે એના મનમાં પ્રવિણભાઇ અને માલતીબેનનું ચિત્ર પણ અંકાઇ ગયું હતું.


એ પોતે પણ જયના પરિવારનો એક હિસ્સો બનીને રહેવા માંગતી હતી. જય જ્યારે કહે ત્યારે ઇન્ડિયા જઈને એના મૉમ-ડૅડને મળવા પણ આતુર હતી. પણ આજે તો આ જય કંઇક જુદી જ વાત કરી રહ્યો હતો. જો એના મૉમ-ડૅડની મરજી કંઇક જૂદી હશે તો જય આ સંબંધનો અંત લાવવા સુધીની વાત કરતો હતો??

અનરાધાર આંસુની રેલી વહી રહી હતી જૅનીની આંખોમાં…તો જયની ય આંખો ક્યાં કોરી હતી?


“ જય, તારા મૉમ ડૅડને અહીં આવવા તો દે. એક વાર મને એમને મળવા તો દઈશ ને?”


“જૅની, એવું નથી કે આ સંબંધનો આજે અને અહીં જ અંત આવી જવાનો છે. મારા મૉમ-ડૅડને જો તારો સ્વીકાર હશે અને મને વિશ્વાસ છે કે હશે જ પણ તમારા અને અમારા કલ્ચરનો જે ભેદ છે એ કદાચ નડે. તમારા કલ્ચર પ્રમાણે તમે કે તમારા પેરન્ટ્સ ક્યારેય સાથે રહેતા જ નથી અને અમારા કલ્ચર મુજબ અમે અને અમારા પેરન્ટ્સ મોટાભાગે જીવનભર સાથે જ રહીએ છીએ. એટલે જો મારા પેરન્ટ્સ અહીં રહેવાનું વિચારે તો તું એમની સાથે રહી શકીશ ખરી? કારણકે એ અહીં રહેવાનો નિર્ણય કરશે તો આ પરદેશની ભૂમિ પર એમને મારાથી એકલા તો નહીં જ રખાય.


“સમજુ છું જય, વાત સાથે કે દૂર રહેવાની નથી . વાત સ્વીકારની છે. અમે તો અમારા મા-બાપને અમારી મરજી દર્શાવી દઈએ એટલે વાત પુરી.


“પણ અમારામાં વાત ત્યાંથી પુરી થતી નથી, ત્યાંથી શરૂ થાય છે જૅની અને જે વાત શરૂ થવાની છે એની હું તને સમજ આપી રહ્યો છું ફક્ત એટલું જ……” અને જયના ગળમાં ભરાયેલા ડૂમાના લીધે વાત ત્યાંજ અટકી. જાણે ક્યારેય છૂટા ન જ પડવું હોય એમ જૅનીએ એના હાથના અંકોડા જયના હાથમાં ભરાવી દીધા.


ત્યાર પછીની વાત ખાધુ પીધુ ને રાજ કર્યા જેવી સાચે જ ખુબ સુખદ છે. જય, જૅની પ્રવિણભાઇ અને માલતીબેન આજે પણ સાથે રહે છે.. જય અને જૅનીને મનગમતી જોબ મળી ગઈ છે. જય અને જૅનીએ પ્રવિણભાઈ માટે ઘરની નજીક લિકર સ્ટોર ખોલી આપ્યો છે. અમેરિકન પ્રણાલી મુજબ બેઝમેન્ટમાં પેરન્ટ સ્યુટમાં પ્રવિણભાઈ- માલતીબેનનું નાનકડું પણ સગવડદાયી ઘર છે જેમાં ભારતીય મસાલાની સોડમથી રેલાતું રસોડું છે.


ચારેય જણની સવાર માલતીબેનની અસ્સલ દેશી મસાલા ચાયથી શરૂ થાય છે. માલતીબેન આજે પણ જૅની માટે મરચા વગરની રસોઇ બનાવે છે. મરચા વગરની દાળ-ઢોકળી અને ખિચડી તો જૅનીને પણ સદી ગઈ છે. માલતીબેન પણ ક્યારેક જૅનીએ એના કિચનમાં બનાવેલા પાસ્તા અને પિત્ઝા ખાઇ લે છે. પ્રવિણભાઈ અને માલતીબેનને પૂર્વ અને પશ્ચિમ બંનેનો સમન્વય સદી ગયો છે અને તેમ છતાં આટલા સમય બાદ પણ પ્રવિણભાઇ અને માલતીબેન કદાચ જય અને જૅનીને અનુકૂળ ન આવે અને અલગ રહેવા જાય તો એના માટે માનસિક રીતે તૈયાર પણ છે.


કોણે કોને અપનાવ્યા એનો નિર્ણય તો હજુ સુધી જય પણ લઈ શક્યો નથી પણ માલતીબેન કે જૅનીને ક્યાંય કોઇ સંસ્કૃતિના વાડા નડ્યા નથી.


માલતીબેન માને છે કે, ” આ ય કોઈ ઋણાનુબંધ જ હશે અને રાગ છે તો સાથ છે ને ભાઈ ? ઈશ્વરે જ અમારા માટે આ નિર્માણ કર્યુ છે તો રાજી થઈને રહેવું બાકીનું એની પર છોડવું……..”


જૅની કહે છે “ ગોડ ઇઝ ગ્રેટ ટુ મી.”

 


Rate this content
Log in

Similar gujarati story from Romance