STORYMIRROR

Rajul Shah

Inspirational

3  

Rajul Shah

Inspirational

કેનેડાનું એક રમણીય શહેર- કેલગરી

કેનેડાનું એક રમણીય શહેર- કેલગરી

6 mins
661


આજ સુધી યુનાઈટેડ સ્ટેટ્સના અનેક શહેરો જોયા, જાણ્યા અને માણ્યા પણ ખરા પરંતુ એ દિવસે કેલગરીમાં પ્રવેશતાની સાથે જે એક સાવ નોખા-અનોખા શહેરની છાપ મન પર અંકિત થઈ ગઈ જે હંમેશ માટે ચિરસ્મરણીય બની રહેશે. અમેરિકા કે કેનેડાના શહેરોના ડાઉનટાઉન મોટાભાગે ઊંચા બિલ્ડીંગોની હારમાળાની વચ્ચે ઘેરાયેલા જોયા છે. ડાઉનટાઉન સિવાયના નાના-મોટા ટાઉનમાં પણ મોકળાશ ભાગ્યેજ જોઇ. નજર કરીએ અને એ થોડે દૂર જઈને અથડાઈને પાછી જ ફરે કારણકે શહેર વચ્ચેથી પસાર થતો રસ્તો, રસ્તાની બંને તરફ ક્યાં તો મકાનો કે ક્યાં તો ઇમારતો. હા, મેઇન રોડને છોડીને અંદરના નાના રસ્તા પર જાવ તો એની બંને તરફ સરસ મઝાના છાડની હારમાળા હોય ખરી. જો કે બોસ્ટન શહેરની એક ખુબી છે અહીં મોટાભાગે પ્રત્યેક ટાઉનની વચ્ચે લેક જોવા મળી જાય.


મૂળે કેલગરી સ્ટૅંપિડ માટે જાણીતું એવું કેલગરી આ બધા કરતાં એટલે જુદુ પડે કે અહીં મોટાભાગે કોઈપણ રસ્તા પરથી પસાર થતા હોઈએ તો પણ દૂર-દૂર સુધી ખુલ્લો વિસ્તાર દેખાય. એનો અર્થ એ નથી કે અહીં માનવ વસ્તી નથી. આલ્બર્ટાના આ સૌથી મોટા શહેર કેલગરીમાં ૨૦૧૮માં આશરે ૧,૨૬૭,૩૪૪ જનસંખ્યા નોંધાઈ હતી. એવું ય નથી કે અહીં મકાનો, ઇમારતો નથી પણ આ શહેરની રચના કહો કે ભૂગોળ કહો એ એવી છે કે લગભગ એમાનું કશું જ આડશ બનીને નજર નથી બાંધી રાખતું કે નજર નથી રોકી રાખતું.


કૅનેડિયન રૉકીની પર્વતમાળાની તળેટીથી આશરે ૫૦ માઈલ દૂરી અને બૉ અને એલ્બૉ રિવર પર વસેલા ઘાસના ખુલ્લા મેદાનો જેવા કેલગરીનું નામકરણ થયું સ્કૉટલૅન્ડના એક ટાપુ કેલગરી બે (અખાત/બેટ) ઉપરથી. એક વાયકા એવી છે કે કેલગરી એટલે ક્લીયર રનિંગ વૉટર. આપણે એના માટે એવું કહી શકીએ કે “પારદર્શી વહેતું પાણી” ? કદાચ હા, પણ ત્યારબાદ એને “બે ફાર્મ” ની વ્યાખ્યામાં મુકાયું. આપણે એનો અર્થ એવો ય કરી શકીએ કે “પર્વતની હારમાળા વચ્ચેની ખીણ અથવા ખેતર” અને ખરેખર કેલગરીના ખુલ્લા મેદાનો જેવી મોકળાશ જોઈને પણ એના માટે આ નામ યથાયોગ્ય જ લાગે. સાથે એક વધુ ઉમેરો કરવો હોય તો એકદમ ડીસન્ટ સિટિની વ્યાખ્યામાં બેસે એવું ય આ શહેર લાગ્યું.


પ્રિન્સેસ આઇલેન્ડ પાર્ક

માત્ર શહેર જ નહીં એનું ડાઉનટાઉન પણ એટલું જ ડીસન્ટ લાગ્યું. બૉ રિવર અને પ્રિન્સેસ આઇલેન્ડ પાર્ક નજીકનું આ ડાઉનટાઉન ખરેખર મઝાનું છે. પાર્કિંગ પ્લોટમાંથી વૉકિંગ ડીસ્ટન્સે આવતા પીસ બ્રિજને પાર કરીને પ્રિન્સેસ આઇલેન્ડ પાર્ક પર જઈને બેસો એટલે કેલગરીનું ખુશહાલ યંગ ક્રાઉડ આમથી તેમ ટહેલતું, બોટિંગની સહેલ માણતું જોઈએને તો આપણામાં પણ મસ્તી આવી જાય. આ લાલ રંગના પીસ બ્રિજની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે નીચે બૉ રિવરના વહેતા પાણી, પાણીમાં રહેલા જીવોને તકલીફ ન પહોંચે અને એટલે જ એને પીસ બ્રિજ નામ આપવામાં આવ્યુ હશે કે જળચર પણ શાંતિથી વિચરી શકે? આ બ્રિજ પર કોઈ મોટા કે નાના વાહનોને જવા-આવવાની છૂટ નથી એટલે રાહદારીઓ કે સાઇકલ સવારોને પણ શાંતિ જ ને? આ પાર્કના વૉકવૅમાં ઘણા બધાને હૂવરબોર્ડ પર કે નાના બચ્ચાઓ પગના ધક્કાથી ચલાવે છે એવા પણ બેટરી ઑપરેટેડ એકદમ હેન્ડી કહી શકાય એવા સ્કૂટર પર ફટાફટ પસાર થઈ જતા જોયા. એક રીતે સાંકડા રસ્તાઓ પર વાહનના ઝમેલાથી બચવા સાઈડ પરની ફૂટપાથ જેવી જગ્યામાં સહેલાઈથી નિકળી જવામાં સુગમતાની સાથે મઝા ય તો ખરી જ.


બર્ડ આઇ વ્યુ

કેનેડાના તમામ શહેરોમાં એક બાબતમાં સરખાપણું જોયું. દરેક શહેરોમાં “બર્ડ આઇ વ્યુ” કહેવાતા ઊંચા અને ઉપરથી અણીયાળી પીન જેવો આકાર ધરાવતા ટાવર તો હોય છે જ. આશય એની સૌથી ઉપરા ડેક પર પહોંચીને સમગ્ર શહેરનો નજારો દર્શાવવાનો. કેલગરી પણ આનાથી અલગ નથી. દરિયાઈ સપાટીની ૧૨૨૮ ફીટ ઊંચાઇ પર લઈ જતા ટાવરની ટોચના ઓબ્ઝર્વેશન ડેક પરથી કેલગરીનો ૩૬૦ ડીગ્રીનું વિહંગાવલોકન થઈ શકે છે અને એટલે જ એને બર્ડ આઈ વ્યુ કહેતા હશે.


ગ્લેનમૉર રૅઝર્વર

કેલગરીનું ગ્લેનમૉર રૅઝર્વર એ માનવસર્જીત જળાશય છે. કેલગરીનું પીવાલાયક પાણી આ જળાશયમાંથી સપ્લાય કરવામાં આવે છે પણ આ જળાશય, એમાં તરતી સહેલાણીઓની નાની નાની હોડીઓ, જળાશયના કિનારેથી શરૂ કરીને વિસ્તરેલી વૃક્ષોની લીલીછમ બિછાત અને એનાથી ઘણે દૂર દેખાતા બે હાઈરાઇઝ બિલ્ડિંગ, ઉપર ખુલ્લું નિરભ્ર આકાશ, જાણે કેનવાસ વગર દોરાયેલું અવકાશી ચિત્ર.


હેરિટેજ પાર્ક-હિસ્ટોરિકલ વિલેજ

આ ગ્લેનમૉરના તટે જ વિકસાવ્યો છે હેરિટેજ પાર્ક-હિસ્ટોરિકલ વિલેજ. માનવજ

ાત ઘણી આગળ વધી ગઈ. ચંદ્ર-મંગળ પર પોતાના દેશના ઝંડા લહેરાવતી થઈ ગઈ પરંતુ આવા હેરિટેજ વિલેજ જોઈને લાગે કે આપણી અંદર પ્રાચીન સમયકાળના ગામડામાં જીવી લેવાની એષ્ણા થોડી રહી છે ખરી અથવા તો અત્યારની સદીના બચ્ચાઓને એ જૂના સમયની તાસીર બતાવવાની હોંશ સચવાઈ રહી છે.


૧૮૬૦થી ૧૯૫૦ના દાયકાના કૅનેડિયન ઇતિહાસની પ્રતિકાત્મક કૃતિ જેવા આ પાર્કમાં ઘણી બધી બાંધણીઓ અસલના જમાનાની હોય એવી કલાકૃતિઓથી સુશોભિત છે એટલું જ નહીં પણ અહીંનો સ્ટાફ પણ એ પહેલાના સમયમાં પહેરતા એવી જ વેશભૂષાથી સજ્જ હતો. અત્યારે સુપર ફાસ્ટ બુલેટ ટ્રેનના જમાનામાં અહીં પેલા જૂના પુરાણા સમયના ભકછૂક કરતાં ધૂમાડા કાઢતા કાળા એંન્જીન સાથે જોડાયેલી ટ્રેન, ઘોડા સાથે જોડાયેલ ગાડા અને ટ્રેકટર પણ હતા. એમાં બેસીને મઝા માણવી છે, નૉ પ્રોબ્લેમ. ટ્રેન કોઈ એક નિશ્ચિત પોર્ટ પર ઉતારે અને લો, ત્યાં તમારા માટે સ્ટીમબોટ ઊભી જ હોય. લેકની સફર કરીને પાછા એ જ ટ્રેનમાં આગળ વધો.


મિલિટરી મ્યુઝીયમ

પ્રાચીન સમયને જીવંત કરવાની જેમ ભૂતકાળની સ્મૃતિઓની જાળવણી કરવી, ભૂતકાળમાં જે બની ગયું છે એનો હૂબહૂ ચિતાર રજૂ કરવો એ પણ રસપ્રદ બાબાત છે. કેલગરીના મિલિટરી મ્યુઝીયમમાં આ જોયુ અને કૅનેડિયન ફોર્સની ત્રણ શાખાઓ -રૉયલ કૅનેડિયન નેવી, કૅનેડિયન આર્મી અને રૉયલ કૅનેડિયન એરફોર્સ વિશે જાણ્યું પણ ખરું. ઘોડેસવારી કરતાં મિલિટરી ફોર્સના પહેરવેશમાં સજ્જ એવા મીણના પૂતળાને જોઈને પણ એમની અસલ લડાકુ મિજાજનો અંદાજ આવતો હતો. અસલના જમાનાની રણગાડીઓ, જૂના સમયના ફાઇટર પ્લેન અને નૅવીમાં વપરાતા હોય એવી સ્ટીમરની પ્રતિકૃતિઓ, દસ્તાવેજી ફિલ્મો દ્વારા ઓળખ આપવાનો હેતુ એ કે આમ જનતા પણ ઇતિહાસથી વાકેફ રહે.


ડીવૉનિઅન બોટનિકલ ગાર્ડન

કુદરતની વચ્ચે રહીને માનવજાતમાં પણ કુદરત તરફ અહોભાવ વધતો જ હશે એની લીલીછમ સાબિતી એટલે કેલગરીનો ડીવૉનિઅન બોટનિકલ ગાર્ડન. કેલગરી ડાઉનટાઉનની મધ્યે આવેલા સ્ટીફન ઍવન્યુ મૉલના ચોથા માળ પર વિકસાવેલા આ ઉદ્યાનને જોઈને સાનંદાશ્ચર્ય થાય. મૉલ એટલે બ્રાન્ડેડ કપડા કે ઍક્સેસરીની શોપ્સ, ખાણીપીણી, પ્લે એરીઆ એવું જ ને? અહીં આ બધું જ છે પણ સાથે એક એક એવો ઉદ્યાન છે જેના માટે અહીં સમય વિતાવવાનું મન થાય. ભૂસ્તર કે વનસ્પતિનું પણ એક શાસ્ત્ર હશે. આપણી સમજ પ્રમાણે ઝાડ-પાન, વૃક્ષ-વેલાને વિકસવા માટે સરસ મઝાની ફળદ્રુપ જમીન જોઇએ જેના લીધે એના મૂળિયા ઊંડે સુધી વિસ્તરીને એની પકડ, મજબૂતાઈ જાળવી શકે જ્યારે અહીં કોંક્રિટની ઇમારતના ચોથા માળે જ્યાં જમીન જ નથી ત્યાં ૫૫૦ જેટલા ઝાડપાન કેવી રીતે મહોરી શક્યા હશે?


કહેવાય છે કે આ ઉદ્યાનમાં મૂળે લગભગ ૧૩૫ જેટલા સ્થાનિક અને ઉષ્ણકટિબંધના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. અહીં એક મીટર પહોળા અને બે મીટર જેટલા લાંબા થતા પાંદડાવાળા પ્લાન્ટ છે જે લગભગ આફ્રિકન હાથીના કાન જેટલી સાઇઝના છે. આફ્રિકન હાથીઓ એમના કાનની સપાટીનો ભાગ ઉપશમન (શાંત થવાની ક્રિયા) માટે વાપરે છે એમ આ પ્લાન્ટ એના પાનનો ઉપયોગ છતમાંથી આવતા પ્રકાશને ઝીલવા માટે કરે છે. વળી પામની એક એવી પણ જાત જોઈ જેનો દેખાવ સ્ક્રૂ જેવો છે એટલે એનું નામ આપ્યું સ્ક્રૂ પાઇન. આવી તો અનેક રંગબેરંગી ફૂલોની વિવિધતાઓ ભરેલા આ ઉદ્યાનમાં ઝીણકા અમસ્તા ઝરણા, એની પર ચાલવાના નાજુક પુલ, પહોળી પગથાર પરથી રેલાઈને આવતા વૉટરફૉલ અને વૉટર ફાઉન્ટન છે તો શિલ્પ અને લાકડાના વૉલપીસ પણ શોભામાં અભિવૃદ્ધિ કરવા મૂક્યા છે. આ માનવસર્જિત ઉદ્યાનમાં પવનની લહેરખીઓ અને એના લીધે ઉદ્ભવતો રવ ક્યાંથી હોય? પણ નૉ પ્રોબ્લેમ, વચ્ચે એક પિયાનો મુકી દીધો છે જેના પર કોઈપણ સાજ છેડીને વાતાવરણ ગૂંજતું કરી શકે છે.


કેલગરીના બર્ડ આઇ વ્યુ પર જવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ત્યાંથી સૂર્યાસ્ત પણ જોઈ શકાય. સૌથી મઝાની વાત એ બની કે રાત્રે સાડા નવ વાગે અમારી જ હોટલના પાંચમા માળેથી એ સાવ અનાયાસે જોવાનો લાભ મળી ગયો. દૂર સુધી ખુલ્લા મેદાનોની ઉપરથી સૂર્યના આથમતા સોનેરી ઓળા પણ એટલા તો ઓજસ્વી હતા કે આખું ય આકાશ સોનવર્ણુ બની ગયું હતું. આ સોનવર્ણી યાદોથી આજે પણ મન એકદમ પ્રફુલ્લિત બની જાય છે.


કેલગરીમાં ફરવાનો સૌથી ઉત્તમ સમય છે જૂનથી ઑગસ્ટ. આ સમયે લાંબા દિવસો અને સહ્ય તાપમાન રહેતું હોય છે. કેનેડાની જેમ બ્રિટિશ કોલંબિયામાં પણ પંજાબીઓની વસ્તી ઘણી છે અને એટલે જ અંગ્રેજી, ફ્રેંચ પછી અહીં ત્રીજા ક્રમે પંજાબી ભાષાની ગણતરી મૂકાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational