Rajul Shah

Inspirational Children Stories

3  

Rajul Shah

Inspirational Children Stories

કૅનેડિયન રૉકી માઉન્ટેનની અદ્ભૂત

કૅનેડિયન રૉકી માઉન્ટેનની અદ્ભૂત

6 mins
492


તળપદી ભાષામાં એવું કહેવાય છે કે પહાડ, પાણી અને પથરા બધે સરખા પણ ના, સાવ એવું ય નથી હોતું અને એટલે જ તો કુદરતની સામે આપોઆપ માનથી મસ્તક નમી જાય છે ને?

આજે વાત કરવી છે જર્ની થ્રુ ધ કલાઉડ્સ તરીકે ઓળખાતી કૅનેડિયન રૉકી માઉન્ટેનિઅર ટ્રેન અને ડ્રાઇવ થ્રુ ટુરની. કૅનેડિયન રૉકી માઉન્ટેનિઅર રેન્જમાં જે પહાડો, પથરા અને પાણી જોયા છે એમાં ય અનેરી વિવિધતા છે. પત્થરીલા, સિમેન્ટના, માટીના સલ્ફરના તો દૂર નજરે પડતા બર્ફીલા પહાડો પણ દરેક જગ્યાએ જુદા જ લાગે. એવી જ રીતે નદી કે લેકના પાણીમાં પણ મટોડો રંગ, લીલાશ પડતો રંગ, ફીણફીણ થતું, આછું ભૂરા કે ટર્કોઈશ બ્લૂ રંગનું પાણી જોયું.


કૅનેડાના વૅનકુંવરથી શરૂ થતી કૅનેડિયન રૉકી માઉન્ટેનિઅર ટ્રેનમાં નિર્ધારિત લક્ષ્યની અને નિશ્ચિત દિવસોની એટલે કે બે દિવસથી માંડીને ૧૪ દિવસ સુધીની ટુર લઈ શકાય છે. વૅનકુંવરથી કેમલૂપ્સ, જેસ્પર, બૅન્ફ, લેક લ્યુઇસ, કેલગરી એમ કોઈપણ નિર્ધારિત લક્ષ્ય સુધી જતી આ ટ્રેન એટલે જાણે પેલેસ ઑન વ્હિલ જોઈ લો. આ ટુર લેનાર પ્રવાસી તો જાણે એકદમ મોંઘેરા-માનવંતા મહેમાન. વૅનકુંવરના સ્ટેશને જયાંથી ટ્રેન ઉપડે ત્યાં વિશાળ ખંડમાં પેસેન્જર એકઠા થાય ત્યારે એમના માનમાં એક તરફ પિયાનોવાદક પિયાનો પર હળવા સૂર રેલાવતા હોય. ટ્રેનમાં બૉર્ડ થઈએ એ પહેલા કૅનેડિયન રૉકી માઉન્ટેનિઅર ટ્રેનનો સ્ટાફ ઍન્ટરન્સ પાસે કતારમાં બાઅદબ ઊભો રહી જાય અને સ્કૉટિશ પહેરવેશમાં સજ્જ બૅગપાઇપર એના પગના તાલ સાથે બૅગપાઇપ વગાડવાનું શરૂ કરે. ટ્રેનમાં બૉર્ડિંગ સમયે પેસેન્જર માટે લાલ જાજમ બિછાવી હોય એના પર ચાલીને સૌ ટ્રેનમાં પોતાનું સ્થાન લે ત્યારબાદ ટ્રેન ઉપડે ત્યારે ફરી એ જ સ્ટાફ અને એ બૅગપાઇપર પ્લૅટફોર્મ પર કતારમાં ઊભા રહીને વિદાય આપે. ટ્રેનની આખી સફર દરમ્યાન ખાવા-પીવાની તકેદારી પણ પુરેપુરી લેવાય. બ્રિટિશર હકૂમતની વણભૂંસાયેલી છાપ અહીં ક્યાંક તો દેખાય જ છે. દર વર્ષે આશરે ૯૫,૦૦૦ લોકો આ ટ્રેનની સફર માણે છે. આ ટ્રેનની સફર ખરેખર અત્યંત આરામદાયી અને મઝાની છે.


અમે વૅનકુંવરથી કેમલૂપ્સ અને કેમલૂપ્સથી જેસ્પર સુધીની બે દિવસની ટુર લીધી હતી.

વૅનકુંવરના સ્ટેશનથી ધીમી રફતારે ચાલતી ટ્રેનની શરૂઆતની સફરમાં તો વૅંનકુંવરની ન જોયેલી ઇન્ડસ્ટ્રી વિશે ઓળખ થઈ. વૅનકુંવરના સ્ક્રેપયાર્ડમાં સાઈકલો, ગાડીઓ, ટ્રકોને સ્ક્રેપ કરીને લોખંડમાં ફેરવવામાં આવે છે રોજની લગભગ ૭૦૦ ગાડીઓ ઓગાળવાની ક્ષમતા ધરાવતા આ સ્ક્રેપયાર્ડને વટાવીને આગળ વધીએ ત્યાં આવે લાકડાનો ભૂકો કરવાની ફેક્ટરીઓ. વહેરાયેલા લાકડાના ભૂકાની જાણે નાનકડી ટેકરીઓ જ જોઈ લો.


પણ વૅનકુંવર છોડતાં જ સીધા કુદરતના સાનિધ્યમાં પહોંચી ગયા એવી અનુભૂતિ થઈ.. નજર પહોંચે ત્યાં સુધી પ્રકૃતિને મહેર માણી. લીલાછમ ખેતરો, આપણી સાથે જ સતત વહેતા આછા -ઘેરા ભૂરા, નિલવર્ણા પાણી ભરેલા લેક તો ક્યાંક માટી ભળી હોય એવા મટોડી રંગના લેક, સૂર્યના તડકામાં વધુ રૂપાળા લાગતા પહાડો અને એની ઉપર અડાબીડ ઊગી નિકળેલા ઊંચ ઊંચા વૃક્ષો, ક્યાંક ઘેરી ગુલાબી તો ક્યાંક આછી જાંબલી ઝાંય પકડેલા વૃક્ષો, જોતા જ મન તરબતર થઈ જાય. ક્યારેક એકદમ ખુલ્લુ આકાશ તો ક્યારેક આકાશમાંથી અચાનક ઉતરી આવતું ઘેરા રાખોડી રંગનું ધુમ્મસ અને એનાથી શ્યામવર્ણા થઈ ગયેલા પહાડો, વળી ક્યાંક પહાડોમાંથી ઉમટી આવતું ધુમ્મસ. જો એક ક્ષણ માટે પણ નજર હટાવી તો કંઇક ચૂક્યાનો વસવસો રહી જાય એવી વિવિધતા માણી.

ટ્રેન કેમલૂપ્સ પહોંચે ત્યાં સુધી ત્યારે લગભગ સાંજની શરૂઆત હોય અને અહીં સૂર્યાસ્ત રાત્રે ૯ વાગે થાય અને એ પછી પણ ઉજાસ તો હોય જ એટલે કેમલૂપ્સમાં જો ફરવું હોય તો ફરવાનો સમય તો મળી જ રહે. અહીં વાતાવરણમાં પલટો આવતા જરાય વાર લાગતી જ નથી. હજુ તો ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે જાણે કેમલૂપ્સ પર વાદળોએ છત્રી ના ધરી દીધી હોય એમ સીધો સ્પર્શતો તડકો તો જાણે ક્યાંય ખોવાઈ ગયો દૂર દેખાતા બર્ફીલા પહાડો પરથી ચળાઈને આવતા ઠંડા પવને શહેરમાંથી હિલ સ્ટેશને આવી ગયાની ખાતરી કરાવી દીધી. સ્ટેશને ઉતરીએ ત્યાં કૅનેડિયન રૉકી માઉન્ટેનિઅર ટ્રેનના કૉચ તૈયાર જ હોય જે તમને હોટલ પર લઈ જાય.


બ્રિટિશ કોલંબિયાનું થોમ્પસન નદી અને કેમલૂપ્સ લેક પર વસેલું આ એક કૅનેડિયન શહેર છે જ્યાં મોટાભાગે રીંછ અને બિલાડીની જાતના વિકરાળ દેખાતા કૂગર નામે ઓળખાતા જંગલી પ્રાણીઓ જોવા મળી જાય. કેમલૂપ્સ આવતા પ્રવાસીઓ બ્રિટિશ કોલંબિયા વાઇલ્ડલાઈફ પાર્ક, હેરિટેજ રેલ્વે, વાઈન ટ્રેઇલ અને મ્યુઝીયમની મુલાકાત તો લે છે જ પણ સાહસિકો માટે ટ્રી ટોપ ઝિપ લાઈનનું આકર્ષણ અહીં સૌથી મોટું છે. નસીબ અજમાવવાવાળા માટે અહીં કસિનો પણ છે. નાનકડા દેખાતા કેમલૂપ્સમાં રૉયલ ઇનલેન્ડ હોસ્પિટલ પણ છે.

બીજા દિવસે જાસ્પર રવાના થતી ટ્રેન સુધી પહોંચવા માટે કૅનેડિયન રૉકી માઉન્ટેનિઅર ટ્રેનના કૉચ તૈયાર હતા. સ્ટેશન સુધી પહોંચતા કેમલૂપ્સની સવાર જોઈ. ગામ હજુ તો આળસ મરડીને ઊઠે એ પહેલાંની નિરવ શાંતિથી જાણે પરમ તત્વ સાથે તાંતણો જોડાયો હોય એવો અનુભવ થયો.


કેમલૂપ્સનો અર્થ થાય છે જ્યાં નદીઓ મળે છે. મઝાની વાત એ છે કે અહીં ઉત્તર અને દક્ષિણથી આવતી થોમ્પસન નદીનો સંગમ છે અને બંને તરફથી વહેતી નદીના પાણીનો રંગ એકમેકથી તદ્દ્ન અલગ છે. ઉત્તર તરફથી વહેતી નદીનું પાણી વસંતથી માંડીને પાનખર સુધી ઠંડુ રહે છે અને પાણીનો શેડ ગ્રે છે જ્યારે દક્ષિણ તરફથી વહેતી થોમ્પસનનું પાણી ગરમ રહે છે અને આ નદીનું પાણી લીલાશ પડતા વાદળી રંગનું મિશ્રણ છે. થોમ્પસન નદીમાં વિપુલ પ્રમાણમાં પેસિફિક સાલ્મન ઉપરાંત કોહો, સૉકી, પિંક અને ચિનૂક સાલ્મનની જાત જોવા મળે છે. કેમલૂપ્સના પર્વતિય જંગલોમાં રકૂન નામે ઓળખાતા નિશાચર રીંછ, કાયૉટી- ઘાસના જંગલોના વરુ, બિલાડીની જાતનું કૂગર, માર્મટ નામે જાણીતા ખિસકોલી જેવા પ્રાણીઓ, ગ્રે વુલ્ફ, હરણાંની વસ્તી ય ખરી.

કેમલૂપ્સમાં છેલ્લા થોડા વર્ષોથી સ્થાનિક પ્રતિભાઓને આગળ લાવવા ઉજવણીઓ યોજાય છે.

કેમલૂપ્સથી જેસ્પર જતા ટ્રેનની સફરમાં પણ એવા જ પહાડો, પહાડો વચ્ચેની કોતરો અને એ કોતરોમાંથી ફૂટી નિકળતા ધોધ, એમાંથી વહેતા પાણીના વહેણ, એ વહેણમાંથી વિસ્તરીને બનતી નદી- લેક જોયા પણ દરેક સમય અને સ્થળે એમાંથી નવું જ દ્રશ્ય સર્જાતું હોય. કોઈનાય માટે સુહાની સફર ન બને તો જ નવાઈ.

અહીં આજના અદ્યતન ટેક્નૉલોજી યુગમાં રસ્તે જતાં સમાંતરે ટેલિફોનના દોરડા જોયા. અજાયબી તો લાગે જ ને ? પણ ખરેખર તો એ ટેલિગ્રાફના પૉલ હતા. કેમલૂપ્સમાં આજે પણ ટેલિગ્રાફ બિલ્ડિંગ છે. આવા અંતરિયાળ વિસ્તારમાં પણ ટેલિગ્રાફી પૉલ જોઈને થયું માનવી પોતાની હાજરી કોઈપણ સ્થળે નોંધાવી શકે છે. એ હાજરી ક્યારેક સર્જનાત્મક પણ હોય તો ક્યારેક વિનાશ સ્વરૂપે પણ વેરાઈ જાય. ટ્રેનમાં પસાર થતા વચ્ચેના વિસ્તારમાં આ પહાડો પરના લીલાછમ દેખાતા વૃક્ષોના બદલે બળીને ઠુંઠા થઈ ગયેલા અનેક વૃક્ષો જોયા. કોઈ એક વ્યક્તિની બેદરકારીના લીધે એની બુઝાયા વગર ફેંકી દીધેલી સિગારેટના લીધે વેરાયેલી તારાજી જોઈને શું વિચાર આવે? વિકસતા જેટલા વર્ષો લાગ્યા હશે એવા અડીખમ વૃક્ષોને ઘડીના છઠ્ઠા ભાગમાં હતા ન હતા કરી નાખવાની તાકાત એક ચિનગારીમાં ય છે.


મધ્યમ ગતિએ દોડતી ટ્રેન જ્યારે ૪,૦૦૦ ફીટ ઊંચાઈએ આવેલા જાસ્પર પહોંચી ત્યારે સાંજની શરૂઆત હતી. અહીંની તો સાંજ પણ સલૂણી. એક દિવસ પહેલાં જે ખુલ્લુ ઉજાસી આકાશ હતું ત્યાં હળવા વરસાદની ફરફર શરૂ થઈ ગઈ હતી. આછા વાદળછાયા આકાશમાં ક્યાંક સૂર્યના કિરણો સ્પર્શતા ત્યાં એ બર્ફીલા પહાડો સોનેરી આભા ધારણ કરી લેતા. સોનેરી ગુંબજની જેમ ચમકતા પહાડો અને કૈલાસ પર ઉગતા સૂર્યની લાલિમામાં તો જાણે ક્યાંય ફરક જ નથી.

લગભગ ૧૧,૦૦૦ સ્ક્વેર કિલોમીટર સુધી પથરાયેલો આ જાસ્પર નેશનલ પાર્ક કૅનેડિયન રોકીનો સૌથી વિશાળ પાર્ક છે. જાસ્પર હૉસના નામ પરથી ઓળખાતા જાસ્પરને અહીંના પર્વતો, હિમનદીઓ, તળાવો, ધોધ, ખીણ, ચૂનાના પત્થરો, અહીંની ધરતીના સ્તરોમાંથી મળેલા વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષોના લીધે યુનેસ્કૉ વર્લ્ડ હેરિટેજની સાઇટનો ખિતાબ મળ્યો છે.


જાસ્પરની દક્ષિણે આવેલું મલાઈન લેક એના નીલવર્ણા પાણી, આસપાસના પહાડો, એની વચ્ચે દેખાતા કોતરો અને ગ્લૅસિયરના લીધેના લીધે વધુ રળિયામણું દેખાય છે. આ અદભૂત સમન્વવય ફોટોગ્રાફીની દ્રષ્ટીએ પણ ઉત્તમ છે. મલાઈન લેકની ક્રુઝ ઉપરાંત, વૉટર રાફ્ટિંગ, હાઈકિંગના શોખીનો માટે પણ જાસ્પર નેશનલ પાર્ક મસ્ટ વિઝિટના લિસ્ટમાં અગ્રીમ સ્થાને છે.

અહીંના પહાડોમાં કે જંગલોમાં મેમલિઅન જાતીના પ્રાણીઓ, કૅરિબૂ નામે ઓળખાતું રેન્ડિયર, મૂઝ, સફેદ પૂંછડી ધરાવતું હરણ જાતિનું પ્રાણી, લિંક્સ (બિલાડીની જાતનું તીણી નજરવાળું પ્રાણી, નોળિયાના વર્ગનું મિંક, ગ્રિઝલી બેર અને રૅપ્ટર, ગોલ્ડન ઈગલ, ઘુવડ, ગ્રાઉસ,બહેમિઅન વૅક્સવિંગ જેવા પક્ષીઓની ભરપૂર વસ્તી છે.

જાસ્પરના નાનકડા ડાઉનટાઉનમાં ફરીએ તો પણ ચારેકોર ધવલ શિખરોથી ઢંકાયેલા પર્વતો તો નજરે પડે જ. જાસ્પરની સવાર પણ સુંદર. જૂન , જુલાઈ કે ઑગસ્ટમાં થોડું ગરમ રહેતું જાસ્પર શિયાળામાં તો માઇનસ ત્રીસ સેલ્સિયસ પર ઉતરી જાય છે. જો કે ઉનાળાની સીઝનમાં પણ ક્યારે મોસમ બદલાય એની કોઈ ખતરી નથી એટલે ત્યારે પણ સાથે હળવું સ્વેટર અને વેધર જૅકેટ સાથે રાખવું હિતાવહ તો ખરું જ.

હવે જાસ્પરથી અમારી સફર બાય રૉડ શરૂ થવાની હતી અને કોને ખબર કેવા અને કેટલાય ચકિત કરી દે એવી અદભૂત પ્રકૃતિ અમારી રાહ જોતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational