Rajul Shah

Tragedy Thriller

3.8  

Rajul Shah

Tragedy Thriller

રમત ઘર ઘરની ?

રમત ઘર ઘરની ?

10 mins
237


એક થપ્પડ અને આજ સુધીના સંબંધો પર પૂર્ણવિરામ? ના આ કોઈ થપ્પડ ફિલ્મની વાત જ નથી. આ તો છે અમોલ અને પૂનમની વાત..

અને હા, વાત હતી તો ઘણી જૂની પણ આ ફિલ્મ જોયા પછી અમોલને સમજાઈ તો આજે હતી ને?

ફિલ્મમાં તો એક થપ્પડ જ હતી જેના લીધે અમૃતાએ એના પતિ સાથેના સંબંધો પર, એના સો કૉલ્ડ સુખી સંસારજીવન પર પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય લઈ લીધો.…. અને પોતે?

પોતે કેટ-કેટલીવાર પૂનમના આત્મસન્માન પર ઘા કરતો રહ્યો હતો? ગાલ પર થપ્પડ મારી હોય એને જ તકલીફ આપી કહેવાય? ગાલ પર પડી હોય એ થપ્પડના જ સોળ ઉઠે? એ સોળ તો સાવ દેખાઈ આવે એવા પણ આત્મા પર ઉઠેલા સોળ કોણે ક્યારે જોયા?

આજે ચાર ચાર દિવસ થઈ ગયા છે ‘થપ્પડ’ ફિલ્મ જોયાને પણ બસ આ એક વિચાર ઉંઘતા-જાગતા ય અમોલના મનને કોરી રહ્યો છે. સામે દેખાતા સ્કીન પર એક પછી એક રજૂ થયેલા દ્રશ્યો તો હજુ ય નજર સામે તરવર્યા કરે છે. સાથે એ સંવાદો, એ થપ્પડનો અવાજ કોલાહલ બનીને મનની શાંતિને વેરવિખેર કરી મુકે છે…

આજે આટલા વર્ષો પછી સમજાયું કે પૂનમે એની સાથે કેવી રીતે મુવઓન કર્યું હશે..

શા માટે? કોના માટે? આ બધુ આટલા સમયથી પૂનમ એ બધું જતુ કરતી રહી હશે ? બસ પોતે કહી દીધું કે પૂનમ ….લેટ ઇટ ગો…ભૂલી જા અને પૂનમ વારંવાર ભૂલીને ફરી એકવાર સંસારને સમથળ કરવા મથતી રહી. એને તો એ પણ નહોતું સમજાતું કે કશીક અણઘટતી ઘટના બની ગયા પછી પૂનમ કેટલા ય દિવસો સુધી એની સાથે બોલવાની વાત તો દૂર આંખ પણ મેળવાનું ટાળતી અને છતાંય એની એ મૌન વ્યથા એ ક્યારેય સમજી જ ન શક્યો.

કેટલી વાર થોડા દિવસના અબોલા પછી પૂનમે જતું જ કરતી આવતી હતી પણ એ જતુ કર્યાની વેલ્યૂ ક્યારેય મને સમજાઈ ખરી અને જો મને ય એ ન સમજાઈ તો પછી એ શા માટે આત્મસન્માનના સતત એક પછી એક પગથિયું નીચે ઉતરતી ગઈ હશે? અને આ કોને એટલે કોણ? જેના તરફથી એ એના સન્માનની સૌથી વધુ અપેક્ષા હોય એ અમોલ સ્તો..પણ આ અમોલ મોટાભાગે એ વાતનો થોડો વસવસો થયા પછી તો પોતાનામાં જ પોરવાઈ જતો. ક્યારેય એ સમજી ના શક્યો કે પોતાની તામસી પ્રકૃતિના લીધે પૂનમના મન પર કેટ-કેટલા એ ઉઝરડા કરી ચૂક્યો છે?

આ ચાર દિવસ દરમ્યાન સતત પૂનમના એ તમામ પ્રયત્નપૂર્વ ભૂલાયેલા ભૂતકાળની યાદ અમોલને તાજી થતી ગઈ… જેને એણે અભાનપૂર્વક ભૂલવા પ્રયત્ન કર્યા હતા એ સાત સાત વર્ષ આજે જાણે ફિલ્મની થપ્પડની ગૂંજથી એની નજર સામે જ મનનું તળ ફાડીને ઉપસી આવ્યા. જાણે ધરતીના પેટાળમાં વર્ષો સુધી ખદબદતા રહેતો લાવા જેમ અચાનક એનું પડ ફાડીને બહાર ધસી આવે એમ જ તો…. બસ એવી જ રીતે આજે એને પૂનમનો આક્રોશ સાત સાત વર્ષ નહીં સાત સાત પાતળ વિંધીને સપાટી પર વહી આવ્યો એવું અનુભવાયું.

પૂનમની વાત સાચી હતી..ક્યારેય ભારતીય પતિ-પત્નીને કોઈનીય હાજરીમાં પ્રેમ કરતાં ય જોયા છે? અરે ગમે એટલા ઉન્માદમાં હોય તો પણ પેલા લવબર્ડસ પણ એકાંત જોઈને જ લીપલૉક કરતાં હોય છે ને? ગમે એટલો પ્રેમ હોય તો પણ ક્યારેય કોઈને પોતાની અંગત ક્ષણોને કોઈની હાજરીમાં ઉજવતા જોયા છે? તો પછી પતિ કે પત્ની વચ્ચેના વાદ-વિવાદ પણ એમની પોતાની અંગત બાબત છે તો પછી કોઈપણ પતિને કેવી રીતે હક મળી જાય છે કે એ પોતાના સંતાનો કે અન્યની હાજરીમાં પત્નીનું અપમાન કરી શકે? અને તેમ છતાં ય પોતે કર્યું છે. પૂનમનું અપમાન એકવાર નહીં ઘણીવાર અન્યની હાજરીમાં એ કરી ચૂક્યો છે.

એ દિવસો આમ તો અમોલથી વિસર્યા વિસરાય એમ નહોતા.પૂનમ સાથે સ્નેહલગ્ન હતા એના..

સ્નેહલગ્ન હતા પણ એમાં સ્નેહ હતો ? સાચે જ ? આજે કોણ જાણે કેમ અમોલના મનમાં શંકા જાગી. જો સાચે જ સ્નેહ હોય તો સાથે જેના માટે સ્નેહ હોય એનું સન્માન પણ હોવું જ જોઈએ ને? આમ તો અમોલની દ્રષ્ટીએ પૂનમનું સન્માન ક્યાં જુદુ હતું?

અમોલ કહેતો, “આપણે એક નથી? જ્યાં મારું સારુ દેખાય ત્યાં એમાં તું પણ આવી જ ગઈ કહેવાય ને? ”

“એક છીએ પણ જ્યાં આપણું સારું દેખાડવાનું હોય છે ત્યાં મારામાં તું સાથે જ હોય છે પણ જ્યાં તારું સારું દેખાડવાની જરૂર હોય છે ત્યાં માત્ર તું જ ઉભેલો હોય છે. ત્યારે

ત્યાં હું ક્યાંય દૂર દૂર સુધી હોતી જ નથી.” પૂનમથી કહેવાઈ જતું.

એ રીતે જોવા જઈએ તો પૂનમ સાચી જ હતી. દરેક સારી વાતમાં અમોલની વાણીમાં મારું એ મારું અને તારું મારું સહિયારું એવો જ પડઘો રહેતો.

અમોલને મન પૂનમ કરતાં પોતાનો અહં, ઈગો વધારે મહત્વના હતા.

*******

પણ આ અમોલ એટલે કોણ? અમોલ એટલે પૂનમના જીવનનું એક એવું પાનું જેને પૂનમે સાચવી સાચવીને વાંચવાનું…

અમોલ ..

એક રીતે જોવા જઈએ તો અમોલ સાચે જ ખુબ ઉત્સાહી જીવ, સરસ મઝાનો તરવરીયો યુવાન. કંઈ કેટલાય સપના આંખોમાં આંજીને એ આ મહાનગરમાં આવ્યો હતો. આ એની પ્રથમ જોબ હતી પણ અમોલને ખબર હતી કે એ આ કે કોઈપણ જોબમાં લાંબો સમય રહેવા માંગતો જ નહોતો. એને તો પોતાનો જ બિઝનેસ કરવો હતો. જોબ તો એક એવું પ્લેટફોર્મ હતું જેના અનુભવે એ પોતાના માટે ઉડવાનો રનવૅ તૈયાર કરી શકે.

અને પૂનમ ? એનો પણ આ ઓફિસનો એ પહેલો દિવસ હતો. એ થોડી નર્વસ પણ હતી. આ એની પ્રથમ જોબ હતી એવું નહોતું તેમ છતાં આ એક આખો ય જુદો માહોલ હતો. સતત એટીકેટમાં જીવાતો માહોલ હતો. એકદમ પ્રોફશનલ એપ્રોચ હતો. ખપ પૂરતું એકબીજા સાથે વ્યહવાર રાખતા લોકો વચ્ચે એને અમોલ થોડો સાહજિક, થોડો સ્વભાવિક લાગ્યો હતો. સવારમાં ઓફિસમાં આવતાની સાથે સૌને ગુડમોર્નિંગ કહીને સ્માઈલ આપતો અમોલ એને સહેજ સરળ પણ લાગ્યો. લંચબ્રેકમાં નીચેના કૅફેટિઅરિઆમાં ક્યારેક સામ સામે મળી જતા પૂનમ અને અમોલ હવે એક જ ટેબલ પર બેસીને લંચ લેતા થઈ ગયા હતા.

માત્ર એક જ વર્ષ અને વર્ષના અંતે બંને એક જ ઘરના ડાઇનિંગ ટેબલ પર સાથે બેસીને લંચ લેતા થઈ ગયા. ખુબ જ ત્વરિત નિર્ણયો લેતા અમોલે વર્ષ પુરુ થાય એ પહેલાં પૂનમ સામે લગ્નની પ્રપોઝલ મુકી. સાવ અણધારી આ પ્રપોઝલ માટે પૂનમ સાવ તૈયાર પણ ક્યાં હતી? પણ અમોલ જેનું નામ..ધાર્યુ કરાવવા ટેવાયેલા અમોલમાં પૂનમને સમજાવવાની ધીરજ નહોતી પણ આવડત તો હતી જ અને પૂનમને અમોલ ગમતો તો હતો જ.

શરૂઆતનું એ એક વર્ષ તો સાવ પાણીના રેલાની જેમ વહી ગયું અને એ ઘરમાં એક નન્હીસી જાનનો ઉમેરો થયો.

પૂનમ જોબ છોડીને સંપૂર્ણ ગૃહિણી અને મા બની ગઈ. એની દુનિયામાં આજ સુધી માત્ર અમોલ હતો. એનું વર્તુળ અમલથી શરૂ થઈને અમોલમાં જ પુરું થતું પણ હવે એનું વર્તુળ વિસ્તર્યું હતું. હવે એ વર્તુળમાં, એ વિશ્વમાં અક્ષત પણ હતો અને એમાં જ પૂનમની ખુશી હતી.

અમોલ તેજ રફતારથી આગળ વધતો જતો હતો. આટલા વર્ષે એણે કંપનીમાં પોતાનું સ્થાન જમાવી દીધું હતું. એની મેનેજરની પદવી સુધી પહોંચવામાં એણે કેટલી મહેનત કરી હતી? ઉપર ચઢવાના એક પછી એક સોપાન તરફ જ એની નજર રહેતી. પદ, પોઝિશન, પૈસા, પૅન્ટહાઉસ ….. આ બધું એણે પામી લીધું હતું.

આ સફળતાએ એનામાં થોડા વધુ ખુમારનો ઉમેરો કર્યો હતો અને આ ખુમાર અંહકારમાં પલટાયો. ખુમારીના આ વિશાળકાય પંખીની પાંખ પર સવાર થઈને એ ઊંચે ઊંચે ઊડ્યા કરતો અને પૂનમ પણ એની ઉડાન જોઈને, એણે જે મેળવ્યું એના વિશે સતત એની વાહ વાહ કરે એવી એની અપેક્ષાઓ રાખ્યા કરતો. એની દરેક વાતની પૂનમે સરાહના કરવી જ પડે એવી એની આદત બની ગઈ હતી.

અમોલને એ જે કરે એ જ સાચું અને સારું હોય એમ સાંભળવાની એને ટેવ પડતી ગઈ.

હમણાં જ થોડા દિવસ પહેલાં દિવાળી પાર્ટીમાં જે બન્યું એ હવે પૂનમ માટે નવું નહોતું રહ્યું. પાર્ટીમાં વધુ મસ્તીમાં આવી ગયેલો અમોલ બે પૅગ પેટમાં ઠલવી દીધા પછી પણ ત્રીજો પૅગ ભરતો હતો અને પૂનમ એને રોકવા ગઈ અને બસ વાત ખતમ…અમોલ રોષથી ભભૂકી ઉઠ્યો અને ત્યારે રોષમાં આવેલો અમોલ આગળ-પાછળનું વિચાર્યા વગર જ કોઈની પણ હાજરીની પરવા કર્યા વગર પૂનમ સામે ઘાંટાઘાંટ પર ઉતરી ગયો.

આ કોઈ પહેલો પ્રસંગ નહોતો, અમોલની કોઈપણ ખોટી વાતને રોકવા મથતી પૂનમની વાત એને ટોકણી લાગતી. ક્યારેક અમોલના સારા માટે કહેલી વાત પણ એને સ્વીકાર્ય ન હોય તો એની ભૂલ તરફ દર્શાવેલી આંગળી? એ તો એની સહન કરવાની મર્યાદા બહાર હતું અને પછી તો એ બંને એકલા છે કે કોઈની સાથે એ વિચાર્યા વગર જ પૂનમ સાથે વાત કરતાં એનો અવાજ સપ્તમ સુધી પહોંચી જતો.

અને દરેક સપ્તમે પહોંચેલો એનો અવાજ પૂનમના મનને ક્ષતવિક્ષત કરી દેતો. કોઈપણ બાબતમાં ચર્ચા કરવાનું તો અમોલ જાણતો જ નહોતો. જે બન્યું છે એના વિશે ચર્ચા કરવાના બદલે એ વાત પતાવી દેવાના અને આગળ વધવાના મત પર અડગ રહેતો. પૂનમને દરેક વખતે લાગતું કે વાત પતાવી દેવાથી પતી જતી નથી. એના વિશે વાત કરવાથી, ચર્ચા કરવાથી ઉભયના મનનું સમાધાન થાય એ જરૂરી છે. દરેક વખતે જૂની વાત પર માટી પાથરી દેવાથી અંદરનો કોહવાટ વધતો જવાનો છે તો શા માટે એ વાત વિશે સંવાદ કરીને એનો નિવેડો ના લાવવો? પોતાની ભૂલ હોય તો એ સમજીને સ્વીકારી લેવા તૈયાર રહેતી પણ એ સ્વીકૃતિ અમોલમાં ક્યાંથી લાવવી?

અમોલ પૂનમને પ્રેમ કરતો જ હતો એની ના નહીં પણ એની પોતાની જાત, પોતાનો ઈગો સૌથી ઉપરની શેલ્ફ પર રહેતા. હોય, શક્ય છે દરેકને પોતાનો ઈગો સચવાય એ જ ગમે તો પછી પૂનમના સેલ્ફ એસ્ટીમનું શું? દરેક વખતે એને દાવ પર મુકતા જવાનું અને અમોલ સાથે સમાધાન થઈ ગયું છે એમ દર્શાવીને જ આગળ વધ્યા કરવાનું?

જૂની વાતના, ભૂતકાળના પોપડા નહીં ઉખાડવાના એમ જ અમોલ કહ્યા કરતો પણ જૂના ઉઝરડા ? એની પર પણ એમ જ ઢાંકપિછોડો કરીને જાણે કશું જ બન્યું નથી એમ દેખાડો કરીને મુવઓન કરવાનું કે પછી એ ઉઝરડામાંથી ઝમતા લોહીનો કશોક ઉપચાર પણ કરવાનો?

ના, જે બની ગયું છે એને ભૂલીને જ આગળ વધતા જવાનું. કદાચ અમોલ સાચો પણ હોઈ શકે. શાંતિથી ચર્ચા કરવાની જેની તૈયારી જ ન હોય એની સામે વાંઝીયા પ્રયત્નો કરીને શું ફાયદો?

પણ દરેક વાત ફાયદા નુકશાન સુધીની જ હોય છે? સંબંધ કોને કીધા છે?

પૂનમ અમોલને કહેતી, “ અમોલ તને ખબર છે સંબંધ એટલે સમજણપૂર્વક સ્વીકારેલું બંધન. જેમાં બંધનનો ભાર નથી માત્ર સ્વીકાર છે. એક સેતુ જે અમોલ તને મને અને અક્ષતને સ્નેહના બંધનથી એકમેકને જોડી રાખે, સંબંધ એટલે હું અને તું મટી જઈને આપણે બની રહીએ એ. સંબંધ એટલે મારી તારી વાત, મારી તારી લાગણીઓ જ્યારે આપણી બની જાય એ. અમોલ સંબંધ એટલે સ્વજનના મનના મૂળ અને હ્યદયના તળ સુધી પહોંચવાનો સેતુ.”

પણ આ મનના મૂળ અને હ્રદયના તળ સુધી પહોચવાની અમોલની ક્યાં તૈયારી હતી?

આવું તો વારંવાર બનતું જ રહ્યું અને પૂનમ અંદરથી જ છોલાતી ચાલી અને તેમ છતાં થોડા સમયના મૌન પછી પણ અમોલની રીસ કે ક્રોધના ડરથી અથવા અક્ષત સુધી એની ભનક ન પહોંચે એના માટે પણ એ આગળ વધતી રહી.

પૂનમ હંમેશા કહેતી કે ગુડ, બેટર, બેસ્ટની જેમ રીસ, ગુસ્સો અને ક્રોધ એ પણ એકપછી એક ચઢતી જતી માત્રા છે. મોટાભાગે અમોલની પ્રકૃતિ પણ ઉચ્ચતમ માત્રાની કક્ષાએ કહી શકાય એવી રહેતી. મુડમાં હોય તો એ સમરકંદ બુખારા ન્યોછાવર કરી દે. કોઈના ય માટે એ અંતિમ જ રહેતો. આ પાર કે પેલે પાર સિવાય એને કંઈ માફક જ નહોતું આવતું. પૂનમ કહેતી ભગવાન પણ જીવનમાં બે છેડાના અંતિમ કરતાં મધ્યમ માર્ગ અપનાવાવાનું કહે છે ને?

પણ ના, એ વાત સમજવાની કે સ્વીકારવાની અમોલની ભાગ્યેજ તૈયારી હોતી.

આજે ફરી જે બન્યુ એ પછી તો જાણે પૂનમ થીજી ગઈ. અક્ષતની હાજરીમાં જ અમોલે જે રીતે એની સાથે વાત કરી એના પરથી એક ભવિષ્ય પૂનમ માટે નિશ્ચિત થઈ ગયું આજે નહી તો આવતી કાલે અક્ષત પણ એની સાથે આ રીતે જ વર્તતો થઈ જવાનો. આ ભય કેટલાય સમયથી પૂનમને સતાવતો જ હતો કે જો અક્ષતની હાજરીમાં એકવાર એનું માન નહીં સચવાય તો ફરી અક્ષતની સામે ક્યારેય નજર નહીં મેળવી શકે.

એને થયું કે એ કેમ અમૃતાની જેમ જ સૌથી પહેલી ઘટના બની એ સમયથી જ અમોલને અટકાવી ના શકી? એ જ ક્ષણે જો એણે કહી દીધું હોત કે “जस्ट अ स्लेप्ट ? पर नही मार सकता न ? उसने मुझे मारा पहेली बार, नही मार सकता, बस ईतनी सी बात है पर ऊस थप्पडसे न मुझे हर सारी अनफेर चीजे साफ साफ दिखने लगी जीसको मै अनदेखा कर के मुव ओन करते जा रही थी….

પૂનમને પણ આજે એ તમામ અનફેર ઘટનાઓ સાફ સાફ દેખાતી હતી જેને અવગણીને એ આગળ વધતી રહેતી હતી.

અને અમોલ પોતે? એ તો આજે આટલું બન્યા પછી પણ કહેતો જ હતો કે ગઈ ગુજરી ભૂલી જા પણ આજે એ મુવઓન કરી શકવાની તમામ હદો પાર કરી ચૂકી હતી. એ પછીની તમામ ક્ષણો હંમેશ માટે અમોલના બોલાવ્યા છતાં એ કોઈ પ્રતિભાવ ન આપી શકી જાણે એ અહીં, આ ઘરમાં છે જ નહીં. એનું મન આ ઘર, આ દિવાલ, એની છત વીંધીને એ કોઈ અજાણ્યા વિશ્વમાં જ પહોંચી ગયું જ્યાંથી પોઇન્ટ ઓફ નો રિટર્નનું બોર્ડ વંચાતુ હતું.

આજે પૂનમ બધું જ વિસરીને બેસી ગઈ હતી અને હું અમોલ? …. સાચે જ સમેટવા બેસું તો ય ક્યાંયથી કશું જ સમેટી શકવાને શક્તિમાન રહ્યો જ નથી માત્ર ક્યારેક પૂનમે સફાઈપૂર્વક ગોઠવેલા પુસ્તકોની વચ્ચે એક ખુલ્લુ રહી ગયેલું પાનું નજરે તરવરે છે…….…..

આજે

ઘર ઘરની રમતમાં

એ પપ્પા બન્યો –

અને સાચુકલા પપ્પાની જેમ જ

મમ્મીની સામે

આંખોને લાલ કરીને જોયું

મમ્મી સહેજ ધીમા અવાજે બોલી

“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”

અને પપ્પાનો અવાજ

રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,

પછી

થોડીઘણી બોલાચાલી

મમ્મીના ડુસકાં-

અને પછી

બરાબર એ દિવસની જેમ જ

પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા

મમ્મીના ગાલ પર પડી ગયા..!

પછી

પાપા બનેલો દિકરો

ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી

ઘરની

બહાર નીકળી ગયો

બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!

અને

દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ

મમ્મી બનેલી દીકરી પણ

સાચુકલી મમ્મીની જેમ જ

એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું

ભેગું કરવામાં લાગી ગઈ !

(કાવ્ય પંક્તિ -એષા દાદવાલા)

પણ ના પૂનમ તો હવે કશું જ સમેટવા કે વિખરાઈ ગયેલા ઘરને પાછું ભેગું કરવાની સ્થિતિમાં રહી જ નહોતી.

તો પછી આ ખુલ્લુ રહી ગયેલું પાનું શેનું હતું? એક માત્ર કવિતાનું કે પછી પૂનમના જીવનમાં જીવાઈ ગયેલી એક ઘટનાનું?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy